ઈકો-સ્પેશિયલ: વૈશ્વિક પડકારો વચ્ચે આપણા અર્થતંત્રના વિકાસમાં વિશ્વાસ વધી રહ્યો છે…
ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: વૈશ્વિક પડકારો વચ્ચે આપણા અર્થતંત્રના વિકાસમાં વિશ્વાસ વધી રહ્યો છે…

  • જયેશ ચિતલિયા

આપણી બજારોમાં રોકાણ માટે વિશાળ તકો હોવાનું નાણાં પંચના અધ્યક્ષે જણાવ્યું તો ભારતીય બજારોમાં નાણાંની પ્રવાહિતા વધારવાનું પગલું રિઝર્વ બૅંકના ગવર્નરે ભયુર્ં છે. આને દેશના અર્થતંત્રમાં વધી રહેલો વિશ્વાસ ગણી શકાય…

વૈશ્વિક સ્તરે ભલે કેટલી પણ હલચલ અને અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી હોય, પણ એ બધા વચ્ચે ભારતીય અર્થતંત્ર સતત ગતિમાન રહ્યું છે, જેનો મહત્તમ યશ સરકારની વિકાસલક્ષી નીતિઓને જાય છે. આ સાથે દેશના નિયમનકારોને પણ જાય છે, ખાસ કરીને રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાને, જેણે ટૅરિફના આક્રમણનો સામનો કરવામાં ભારતને સક્ષમ બનાવવા ખરાં સમયે ઉદાર નીતિઓ જાહેર કરીને ઈકોનોમીને વેગ આપવાનું મહત્ત્વનું અને મોટું કદમ ભયુર્ં છે.

અલબત્ત, ટૅરિફ અને એચ-વનબી વિઝાનું પરિબળ ભારત માટે એક મોટા આંચકા સમાન છે તેમ છતાં તે ભારતીય ક્ષમતા અને ટેલેન્ટને નવેસરથી સજજ કરી રહ્યું છે. પછી એ બિઝનેસ ટેલેન્ટ હોય કે વિદ્યાર્થીઓની યંગ ટેલેન્ટ. એક જ આક્રમણથી ભારત ઉત્પાદન, નિકાસ, આયાત, સાહસિકતા, વગેરે મામલે આત્મનિર્ભર બનવા માટે વધુ જોશપૂર્વક સજજ થઈ રહ્યું છે. આ માટે આપણે ટ્રમ્પ સાહેબનો ‘આભાર’ જરૂર માનવો પડે.

આવા માહોલ વચ્ચે તાજેતરમાં 15મા નાણાં પંચના અધ્યક્ષ એન.કે.સિંહે એક જાહેર કાર્યક્રમ દરમ્યાન કરેલી કેટલીક વાત પણ ધ્યાન આપવા જેવી છે. એમના અનુસાર દેશનો ‘એપ્રિલ-જૂન 2025માં, વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા સુધી ગયો હતો, જે અપેક્ષાઓ કરતાં વધુ હતો. ભારતીય રિઝર્વ બૅંક નાણાકીય વર્ષ 2025-26 માટે 6.8 ટકાના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ રાખ્યો હતો.’

ભારતના સુધરતાં જતા આર્થિક સંયોગો પર પ્રકાશ પાડતા નાણાં પંચના અધ્યક્ષે એમ પણ જણાવ્યું કે દેશનું વિશાળ સ્થાનિક ખાનગી બજાર રોકાણ, જાહેર-ખાનગી ભાગીદારી, વિદેશી ખાનગી રોકાણ અને આંતરિક સંસાધન એકત્રીકરણ માટે નોંધપાત્ર તકો પ્રદાન કરે છે.

ભારતની આર્થિક શક્તિ

તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા ચોથા ‘કૌટિલ્ય આર્થિક સંમેલન 2025’ના પ્રસંગમાં સિંહે આ આશાવાદ દર્શાવ્યો હતો. તેમના મતે આપણે એવા વળાંક પર છીએ જ્યાં ઘણા એ પ્રકારનાં પરિબળો પણ હાજર છે, જે આપણને આપણી સામે આવતાં અવરોધોને અસરકારક રીતે વટાવવામાં સક્ષમ બનાવશે. તેમણે નિર્દેશ કર્યો હતો કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે. તેનો મેક્રોઇકોનોમિક પાયો મજબૂત છે, અને તે વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાં આગળ વધે છે.

વિકાસદરની ગતિ ને સિદ્ધિ

તાજેતરના આર્થિક ડેટાને ટાંકીને સિંહે રજૂઆત કરી હતી કે એપ્રિલ-જૂન 2025માં, વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 7.8 ટકા સુધી વધી ગયો એ કોઇ નાનીસૂની સિદ્ધિ નથી. તેમણે ભાર મૂક્યો હતો કે ભારતની માળખાકીય સુધારા પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ વધે છે. ગયા મહિને લાગુ કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માં દૂરગામી ફેરફારો નાણાકીય બચતમાં અથવા વેપાર-ઉદ્યોગમાં વપરાશને વેગ આપશે, વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરશે, રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે અને ઉચ્ચ આર્થિક વૃદ્ધિમાં ફાળો આપશે.

બાહ્ય પરિબળોની પ્રતિકૂળ અસરોને ઘટાડવામાં તે એક મહત્ત્વપૂર્ણ પરિબળ બની રહેશે. તેમણે ભારતના ઐતિહાસિક વિકાસ વલણો પર પણ પ્રકાશ પાડતા કહ્યું હતું કે ઘણા દાયકાઓથી ભારતનો સરેરાશ વાસ્તવિક વિકાસ દર સાડા ત્રણ ટકાની આસપાસ રહેતો હતો અને વસતિ બે ટકાથી થોડા વધુ દરે વધી રહી હતી પરિણામે માથાદીઠ આવકમાં માત્ર એક ટકાનો જ વધારો થયો હતો.

સિંહે નોંધ્યું હતું કે વસતિ વૃદ્ધિ દર હવે એક ટકાથી નીચે છે અને વાર્ષિક આવક વૃદ્ધિ સાડા છ ટકાથી વધુ છે, માથાદીઠ આવક હાલમાં 6 ટકાના દરે વધી રહી છે, જે ભૂતકાળની તુલનામાં છ ગણો વધારો છે. આ વૃદ્ધિ દરની તાકાત સૂચવે છે કે આ દાયકાના અંત સુધીમાં માથાદીઠ આવક બમણી થઈ શકે છે, જે તાજેતરના કોઈપણ અનુભવની સરખામણીએ એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમના મતે વિકાસનો દર સર્વસામાન્યપણે સાડાસાત ટકા આસપાસ જાળવી રાખવા માટે વાસ્તવિક માથાદીઠ જીડીપી સાડાસાત ટકાથી વધુ દરે વધવાની જરૂર પડશે.

રિઝર્વ બૅંકનું ઉદાર અભિગમ સાથેનું લક્ષ્ય

બીજીબાજુ આ મહિનાના આરંભમાં રિઝર્વ બૅંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ વિકાસદર માટે ઊંચો આશાવાદ જાહેર કરવા સાથે ઈકોનોમીમાં પ્રવાહિતા વધે, વિશ્વાસ વધે, કેપિટલ માર્કેટને વેગ મળે, રિઅલ એસ્ટેટ માર્કેટ, નાના-મધ્યમ એકમો, વગેરેને પણ રાહત મળે એવા પગલાં જાહેર કર્યા હતા. મોંઘવારીના મામલે રિઝર્વ બૅંક જાગ્રત અને સક્રિય છે, તેથી એ તેના લક્ષ્ય તરફ ધ્યાન આપી રહી છે, આ સાથે વિકાસનું લક્ષ્ય પણ તેના કેન્દ્રમાં છે.

રિઝર્વ બૅંકના લેટેસ્ટ પગલાંને પરિણામે આઈપીઓમાં અરજી કરવાનું વોલ્યુમ વધશે, કારણ કે રિઝર્વ બૅંકે આઈપીઓ ફાઈનાન્સની મર્યાદા વધારી છે, જેમાં રિટેલ રોકાણકારોને વધુ તક મળશે. લિસ્ટેડ ડેટ સિકયોરિટીઝ સામે ધિરાણની મર્યાદા દૂર કરાતા આ સાધનોમાં પણ રોકાણ પ્રવાહ વધવાની આશા રહેશે.

આ ઉપરાંત શેરબજાર માટે જોરદાર કહી શકાય એવા કદમમાં શેર્સ સામે એક કરોડ રૂપિયા સુધીનું ધિરાણ આપવાની છૂટ જાહેર કરીને બજારનો ઈકિવટીમાં તેમ જ રોકાણકાર વર્ગમાં વિશ્વાસ અને ઉત્સાહ વધારી દીધો છે.

રિઝર્વ બૅંકે કેપિટલ માર્કેટ ઉપરાંત નાના-મધ્યમ એકમો તેમ જ ડેવલપર્સને પણ લાભ થાય એવી નીતિ જાહેર કરી છે. આ સાથે નવી શહેરી બૅંકો અને કોમ્યુનિટી બૅંકો માટે માર્ગ મોકળો કર્યો છે, જે પ્રવાહિતા વધારવામાં સરળતા ઊભી કરશે. કેપિટલની ઉપલબ્ધિને પણ સરળ બનાવશે. રિઝર્વ બૅંકે સસ્તી ફોરેન લોન્સથી સુવિધા આપીને દેશમાં ડૉલર પ્રવાહ વધે એવો માર્ગ પણ ઊભો કર્યો છે. આ સાથે તેને ગ્લોબલ લેવલે ધીમા વૃદ્ધિ દરની ચિંતા પણ વ્યકત કરી છે. અર્થાત્, ભારતે સમય-સંજોગો પ્રત્યે સાવચેતી પણ એટલી જ રાખવાની છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button