ઈકો-સ્પેશિયલ : ગ્લોબલ મંચ પર માનવબળ કરતાં બુદ્ધિબળની વધુ ડિમાંડ રહેશે…

જયેશ ચિતલિયા
યુએસ પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે. આમ છતાં, એમની વિશેષ ચર્ચા ભારત અને યુએસમાં થાય છે. એક તરફ, ટ્રમ્પની ભારતમાં અને અન્યત્ર ટીકા થાય છે તો બીજી બાજુ, ટ્રમ્પનાં પગલાંને જસ્ટિફાય કરનારા પણ છે. ટ્રમ્પની મેડનેસમાં ય મેથડ હોવાનું પણ કહેવાય છે.
એ પોતાના દેશ માટે આ પગલાં લઈ રહ્યા હોવાનો દાવો કરે છે. જોકે ટૅરિફથી લઈ વિઝાને લઈને એમણે લીધેલા પગલાંની ભારત પર અસર સમજવી આપણા માટે વધુ જરૂરી છે.
વર્તમાન સમય આપણા દેશ માટે વધુને વધુ પડકારોનો બનતો જાય છે, જેમ-જેમ પડકારો વધે છે તેમ-તેમ વિવિધ તક પણ વધતી જાય છે, જયાં હાલ તક નથી ત્યાં ભારતે તકો ઊભી કરવી પડશે. આ હકીકત ભારતીય પ્રજાએ પણ સ્વીકારવી પડશે. આમેય ‘ફિટેસ્ટ વિલ સર્વાઈવ’ એટલે કે ‘જબરો જિતે-ટકે’નો નિયમ જાણીતો છે.
હવે ગ્લોબલ સ્તરે પણ ‘હાઈ ટેલેન્ટ વિલ સર્વાઈવ’ બનશે. જેથી ભારતીયો સમજી લે (બાય ધ વે, આ બધા દેશના લોકોએ સમજવાની વાત છે) કે એમની પાસે જેટલી વધુ અને નોખી ટેલેન્ટ-પ્રતિભા હશે તેટલો એમનો ગ્લોબલ તખ્તા પર આવકાર થશે. બાકીના લોકો માટે ગ્લોબલ તક ઘટતી જશે. આ વાત આપણા દેશમાં પણ લાગુ પડશે, ટેલેન્ટ-સ્કિલ લાંબું સર્વાઈવ કરશે,
બાકી બધાં એવરેજ રીતે સામાન્ય નોકરીઓ કરીને આગળ વધશે.
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ: જીએસટી સુધારા – સેબીનાં પગલાં રિયલ એસ્ટેટ સેક્ટરને કેટલાં ફળશે?
ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ કંપની ‘જેપી મોર્ગન’ના સીઈઓ જેમી ડિમોને તાજેતરમાં કરેલા નિવેદન મુજબ ભારત અને યુએસ વચ્ચે મિત્રતા ચાલુ રહેવી જોઈએ. એમણે આ બંને દેશો વચ્ચે હાલ વેપાર કરાર મુદ્ે ચાલતા મુદ્ાનો ઉપાય આવી જવાની આશા વ્યકત કરી છે.
ડિમોન કહે છે, ભારત અમેરિકાનું સારું મિત્ર છે અને રહેવું પણ જોઈએ. બંને વચ્ચે ચોકકસ તફાવત કે મતભેદો છે, તેમ છતાં એ બંનેનું એકબીજા સાથે દોસ્ત બની રહેવું જરૂરી અને બંનેના હિતમાં પણ રહેશે…. ટ્રમ્પે એચ-વનબી વિઝા માટે જે પગલું ભયુર્ં છે તે ચોકકસ અંશે જરૂરી હોવાનું જણાવતા ડિમોનનું કહેવું છે કે ટ્રમ્પ બોર્ડર (સીમા) પર નિયંત્રણ લાવવા માગે છે, જેમાં ખોટું નથી, પરંતુ જયાં સુધી એચ-વનબી વિઝાનો મુદ્ો છે ત્યાં મેરિટ આધારિત મંજૂરી આપવી જોઈએ.
આ વાતને લઈને ટ્રમ્પને બિરદાવતા એ કહે છે કે અમેરિકાએ ડોકટર્સ તેમ જ હાઈ ટેલેન્ટને આવકાર્યા છે. એક લાખ ડૉલરની વિઝા ફી લાદીને અમરિકા ઈચ્છે છે કે હાઈલી ટેલેન્ટેડ વ્યકિત યુએસ આવે તે વધુ ઈચ્છનિય છે.
અમેરિકન અર્થતંત્ર વિશે કહેવાય છે કે હાલ તે નબળું પડયું છે, જોકે તેને સ્ટિમ્યુલસ પેકેજ મારફત ઘણું પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, યુએસ સામે ઈન્ફલેશન-ફુગાવો મોટો પડકાર છે, જેથી અમેરિકાએ ધીમી ગતિએ પગલાં ભરવા જોઈશે. વર્તમાન ગ્લોબલ સંજોગોમાં તે એને લઈને ઝડપ કે ઉતાવળ કરી શકે નહીં. દરમિયાન, યુએસના લેટેસ્ટ ઈમિગ્રેશન અભિગમ સામે ચીને ભારત માટે દરવાજા ખુલ્લા કર્યા છે – ભારતની ટેલેન્ટને ચીન વધુ તક આપવા માગે છે. આ ઉપરાંત બ્રિટન પણ ગ્લોબલ ટેલેન્ટને આવકારવા રાજી છે. ખાસ કરીને ટેકનોલોજી અને સાયન્સ ટેલેન્ટમાં તેને વધુ રસ છે.
એક અહેવાલ મુજબ બ્રિટન સરકાર તો ગ્લોબલ ટેલેન્ટને વિઝા ફીમાં મુક્તિ આપવાનું પણ વિચારે છે. જપાન સાથેના કરારમાં પણ ભારતના લોકોને જોબની તકો મળવાની છે. આમ ભારતની ટેલેન્ટ માટે તક તો ચાલુ જ રહેશે. હા, બીજી તરફ હવે ભારતીયોએ અમેરિકાનો મોહ ઓછો કરવો પડશે. ખાસ અહીં એ નોંધવું રહયું કે અમેરિકા જેટલું ભારત સામે કડવું અને આકરું થાય છે તેની સામે ચીન અને રશિયા જેવા બીજા દેશો ભારત સાથે સંબંધો વધારવા ઉત્સુક બનતા હોવાનું જોવા મળે છે. જોકે નોંધનીય વાત એ છે કે વિવિધ દેશોના ભારત સાથેના આકરાં વલણ યા સંબંધ ભારતને વધુ ને વધુ આત્મનિર્ભર બનવા પ્રેરે છે.
આ બદલાતા સંજોગોમાં એક હકીકત સૌએ સ્વીકારવી જોઈશે કે વિશ્વ હવે પછી ટેલેન્ટને-હાઈ ટેલેન્ટને આવકારતું રહેશે, માત્ર ઈમિગ્રન્ટસને નહીં, જે કોઈપણ બહાને કે કામે બીજા દેશમાં ઘૂસી જાય છે. દરેક દેશ એમ વિચારશે કે બીજા દેશથી આવતા ઈમિગ્રન્ટસ પોતાના દેશને શું લાભ કરાવશે, કઈ રીતે લાભ કરાવશે. ઈન શોર્ટ, હવેનો લાંબો સમય મહદઅંશે ટેલેન્ટ-હાઈ ટેલેન્ટનો રહેશે. અલબત્ત, જે-તે દેશ પણ પોતાની ટેલેન્ટને બહાર જતી રોકવા પ્રયાસ કરશે. આ માટે ભારતે પણ સજજ અને સક્રિય થવું અનિવાર્ય બન્યું છે. આ વિષયમાં સફળ થવા એ મુજબનું પેમેન્ટ માળખું તેમ જ વર્કિંગ માળખું તૈયાર કરવું જોઈશે, ઈન્ફ્રાસ્ટ્રકચર પણ વિકસાવવું જોઈશે. ‘માય ક્ધટ્રી ફર્સ્ટ’ ની ભાવના દરેક નાગરિકમાં પણ વિકસવી જોઈએ.
આ માટે દેશમાં રાજકીય, સામાજિક કે આર્થિક ક્ષેત્ર વધુ સબળ થવું પડશે અન્યથા લોકો પોતાના આનંદ, શાંતિ અને સંપત્તિ માટે બહાર જતા રહેશે.
માત્ર ભારત-યુએસના વ્યવહારો-સંબંધોની વાત કરીએ તો ટૅરિફ અને વિઝાના નિયમોને લીધે ભારત માટે પડકાર વધ્યા છે તો સામે અમેરિકા માટે પણ આ ઘટના સાવ સહેલી નથી. વિઝાની ફીના નવા નિયમને લીધે ભારતીય વ્યકિત માટે અમેરિકા જવાનું હવે અગાઉ જેટલું સરળ નહી રહે. તો બીજી તરફ અમેરિકાના લોકોને રોજગારની તક વધશે, આ એક વાત થઈ.
બીજી વાત, અમેરિકન કંપનીઓ ભારતમાં ટેલેન્ટનું માનવબળ સસ્તું મળતું હોવાથી એમના ચોકકસ કામકાજ અહીં વધુ આઉટસોર્સ કરશે. આ સંજોગોમાં ભારત સ્વદેશી પર પણ જોર વધારશે.
અત્યારસુધી ‘મેક ઈન ઈન્ડિયા’ મારફત ભારતના ઉત્પાદન ક્ષેત્ર પર જોર અપાતું રહ્યું છે, હવે પછી આના ઉપરાંત સ્વદેશી ભારતનો બનેલો માલ ખરીદો અને વેચોની ઝુંબેશ પર કામ થશે. માત્ર ટેક્નોલોજી નહીં, સમય પણ ઝડપથી બદલાઈ રહ્યો છે. સક્રિય બનો, સજજ બનો, સક્ષમ બનો એ જ સફળતાનો મંત્ર બનશે.
આ પણ વાંચો…ઈકો-સ્પેશિયલ : શૅરબજારમાં સફળતા માટે… ગણપતિ બાપ્પાના કયા ગુણો કામ આવી શકે?