કવર સ્ટોરીઃ મિથ્યાભિમાનમાં મસ્ત મેરા ભારત છે મહાન…!
ઉત્સવ

કવર સ્ટોરીઃ મિથ્યાભિમાનમાં મસ્ત મેરા ભારત છે મહાન…!

વિજય વ્યાસ

આપણે રાજકીય રીતે આઝાદ થઈ ગયા પણ માનસિક અને વૈચારિક રીતે આઝાદ થયા છીએ ખરા? ભારતમાં અત્યારે જે માહોલ છે એ જોતાં લોકોએ દેશના વર્તમાન અને ભાવિ બંને વિશે મનોમંથન કરવાની તાતી જરૂર છે, પણ આપણે બધા પલાયનવાદી છીએ. વાસ્તવિકતાથી દૂર ભાગી રહ્યા છીએ, કારણ કે આ વાસ્તવિકતા અત્યંત બિહામણી છે.

ભારતમાં હજારો સમસ્યા છે. ગરીબી-ભ્રષ્ટાચાર-બેરોજગારી વગેરે કાયમી પ્રશ્નો તો છે જ, પણ સ્વાસ્થ્ય, સ્વચ્છતા, સુવિધાઓને લગતી સમસ્યાઓનો પાર નથી. લોકોમાં સિવિક સેન્સ નથી. તેના કારણે સર્જાતા અકસ્માતોમાં વરસે લાખો લોકો મરે છે, અસાધારણ ટ્રાફિક જામને કારણે સર્જાતા ‘રોડ રેજ’ ટ્રાફિકને કારણે ઉત્પન થતો ગુસ્સો-મારામારીની હિંસક ઘટનાઓ પણ બને છે…

વર્ષો પહેલાં આપણે શાળામાં વાંચ્યું હતું કે પૂર્વ પ્રધાન મંત્રી લાલાબહાદુર શાસ્ત્રી નદી તરીને સામે કાંઠે આવેલી નિશાળમાં રોજ ભણવા જતા…આજે પણ 79 વર્ષે પણ કેટલાંક અંતરિયાળ ગામોના બાળકોએ નદી પરનાં તૂટેલાં-હાલકડોલક પુલ પર ચાલીને સામે કિનારે આવેલી નિશાળે જવું પડે છે તો અમુક ગામમાં નિશાળે પહોંચવા હોડીનો ઉપયોગ કરવો પડે છે…

તાજેતરમાં જ બેંગ્લુરુના એક બાળકે ખુદ વડાપ્રધાનને પત્ર લખીને વિનંતી કરી છે કે ‘અમારા રોડનું કંઈક કરો…જામ રહેતા ટ્રાફિકને લીધે અમે સ્કૂલે રોજ મોડા પહોંચીએ છીએ!’

આ બધાની ચિંતા કરવાના બદલે-એ સમસ્યા ઉકેલવાના બદલે આપણે રસ્તા પર રખડતાં કૂતરાં ને જાહેર માર્ગ-ચબૂતરે કબૂતરોને ચણ નાખવાની વાતોમાં એવા અટવાયેલા છીએ કે છેક કોર્ટના દરવાજે પહોંચી ગયા છીએ…. શેરીના કૂતરાં કે કબૂતરોના જીવનો મુદ્દો મોટો બની જાય છે. સુપ્રીમ કોર્ટ પણ બીજા મહત્ત્વના હજારો કેસોના નિકાલની ચિંતા કરવાના બદલે કૂતરાં- કબૂતરોના કેસ પહેલાં હાથ પર લે છે…

એક તરફ દેશ વિશ્વમાં ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું હોવાના દાવા કરીને દેશની આર્થિક પ્રગતિનાં બણગાં ફૂંકાય છે ને બીજી તરફ સરકાર પોતે જ 85 કરોડ લોકોને મફતમાં અનાજ આપવાની વાતને સિદ્ધિ ગણાવે છે. દેશે જોરદાર પ્રગતિ કરી હોય તો 60 ટકા મફત અનાજ શું કરવા આપવું પડે છે? છાસવારે સ્વદેશી ને આત્મનિર્ભરતાની વાતો થાય છે, અમુક ક્ષેત્રે અમુક અંશે થયા પણ છીએ, છતાં નાનામાં નાની ચીજ માટે વિદેશ તરફ કેમ મીટ માંડવી પડે છે ?

ભારતમાં નૈતિક અધ:પતન ચરમસીમા પર છે. એક તરફ નૈતિકતાની ને સિધ્ધાંતોની વાતો થાય છે ને બીજી તરફ જેના ઘરમાં આખો સ્ટોર રૂમ ચલણી નોટોથી ભરેલો મળ્યો એવા જજના કિસ્સા પણ બહાર આવે છે. કોઈને કશું થતું નથી. એને સજા કરવાની વાત આવે ત્યારે તપાસનું ચલકચલાણું ચાલ્યા કરે છે ને પ્રજાને ઉઠાં ભણાવાય છે.

ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ફડાકા મરાય છે, પણ તપાસ એજન્સીઓ ખરેખર શું કરે છે તેનો કોઈ હિસાબ જ નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સહિતની એજન્સીઓ પાછળ પ્રજાના કરવેરાથી ભરાતી તિજોરીમાંથી કરોડો રૂપિયાનાં આંધણ થાય છે.

પણ આ એજન્સીઓનો કન્વિક્શન રેટ- ગુનેગારને સજા કરવાનો દર 1ટકાથી પણ ઓછો છે તેની કોઈ વાત કરતું નથી. ભ્રષ્ટ નેતાને કશું થતું નથી ને બેંકોનું કરોડો રૂપિયાનું કરી નાખનારા વિદેશ ભાગી જાય એમને સત્તાવાળા પરત લાવી પણ શકતા નથી.

આ દેશની મહાનતાનાં ગુણગાન ગવાય છે પણ આ જ મહાન દેશ છોડીને ખમતીધર લોકો વિદેશ સ્થળાંતર કરી રહ્યાં છે. તાજી સરકારી માહિતી મુજબ 2024માં 2લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા સ્વેચ્છાએ છોડી છે! જેની પાસે લાયકાત છે એવા ટેલેન્ટેડ યુવાનો પણ આ દેશમાં ભણીગણીને વર્ક પરમિટ મેળવીને દેશ છોડી રહ્યા છે….

આવી વાસ્તવિકતા તરફ આપણે આંખ આડા કાન કરીએ છીએ. આમ દેશ આર્થિક તથા બૌદ્ધિક બંને રીતે કંગાળ થઈ રહ્યો છે ને આપણે ‘મેરા ભારત મહાન’ના મિથ્યાભિમાનમાં મસ્ત છીએ.

ભારતમાં સોશ્યલ મીડિયાનો દુરૂપયોગ કરીને ડિજિટલ ગુંડાગીરી પણ બેફામ ચાલી રહી છે. કોઈ પણ મુદ્દે સ્વસ્થ ચર્ચા જ શક્ય નથી ને કોઈ પણ વ્યક્તિ એક વિચારધારાથી વિપરીત અલગ મત વ્યક્ત કરે કે તરત તેના પર ડિજિટલ લુખ્ખા તૂટી પડે છે. ચારિત્ર્યહનન, પરિવારને ખતમ કરી નાખવાની ધમકીઓ, બહેન-દીકરી પર ગેંગ રેપની ધમકી ચાલુ થઈ જાય છે.

આ ધમકી આપનારાંને કશું થતું નથી કેમ કે મોટા ભાગના રાજકીય પાર્ટીઓના દલાલ છે. આ દેશમાં કાગળ પર અભિવ્યક્તિની આઝાદી છે, પણ વાસ્તવિકતા અલગ જ છે.

ભારતમાં ‘મોરલ પોલિસિંગ-ચારિત્ર્ય ઘડતર’ ના નામે જે વાયરો ફેલાઈ રહ્યો છે એ પણ ખતરનાક છે. કશું કામ કર્યા વિના લોકોને ધર્મના નામે ધૂતીને તાગડધિન્ના કરનારા સંસ્કૃતિ અને ધર્મના ઠેકેદાર બનીને બેસી ગયા છે. આ નમૂના એમની અલ્પ મતિ પ્રમાણે જે જીભે ચડે એ લવારા કરે છે અને યંગસ્ટર્સને વણજોઈતી સલાહ આપ્યા કરે છે.

એકવીસમી સદીમાં પણ સાવ પછાતપણામાં જીવતા આ નમૂનાઓને મન સ્ત્રીના જીવનનો એક માત્ર ઉદ્દેશ ‘સારી પત્ની’ બનવાનો છે. છોકરી સ્વતંત્ર થઈ જાય અને પોતાની ઈચ્છા પ્રમાણે જીવે એ એમનાથી હજમ થતું નથી. છોકરીઓને પણ પોતાની મરજી પ્રમાણે જીવવાનો અધિકાર છે એ વાત જ આ નંગ લોકો પચાવી શકતા નથી.

તેથી ભારતની સંસ્કૃતિ, મર્યાદા, સંસ્કાર વગેરેના નામે પોતાના માનસિક વિકૃતિનો એંઠવાડ સોશ્યલ મીડિયા પર છાસવારે ઠાલવ્યા કરે છે. આનાથી પ્રભાવિત કોઈ બાપ કયારેક ‘હોનર કિલિંગ-પરિવારની ઈજ્જત’ના નામે પોતાની જ દીકરીને ઠાર મારે છે !

આઘાતની વાત પાછી એ છે કે, ભ્રષ્ટાચાર, અનીતિ, શોષણ, વગેરે મુદ્દા બહુમતી હિંદુઓને પરેશાન કરતા હોવા છતાં એમની બોલતી બંધ થઈ જાય છે. આ છે ભારતની વાસ્તવિકતાનું આ નાનું ટ્રેલર, પણ કમનસીબી એ છે કે, આ દેશનાં લોકોમાં તેના વિશે વિચારવાની જાગૃતિ નથી રહી કે નથી સમસ્યાઓ વિશે સવાલો કરવાની હિંમત…

આ દેશ ઘેટાંના ટોળા જેવો બની ગયો છે કે જે નેતાઓનો દોરવાયો દોરવાયા કરે છે અને નેતા જે પણ કહે તેને સનાતન સત્ય માનીને ચાલનારી પ્રજા બની ગયા છીએ ને આપણું સત્ત્વ ગુમાવી બેઠા છીએ.

આ પણ વાંચો…કવર સ્ટોરી : સાવધાન, આવી રહ્યું છે માંસાહારી મિલ્ક!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button