વિમાન આજે ફ્લાઈંગ કોફિન બની ગયાં છે…

માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પણ વીવીઆઈપી ગણાતી વ્યક્તિઓ પણ આજે હવાઈ પ્રવાસ કરતા ફફડે છે. નાનાં-મોટાં વિમાનો તૂટી પડવાની કે તેમાં ખામી સર્જાવાની ઘટનાઓ આપણે ત્યાં ચિંતાજનક હદે વધી રહી છે. તેનો અર્થ એ થાય કે, મેન્ટેનન્સમાં ખામી છે ને પ્લેન ઉડાડતાં પહેલાં બધું બરાબર છે કે નહીં તેની કોઈ જ ચકાસણી કરાતી નથી અને વિમાની હોનારત પછી એનાં કારણ ક્યારેય બહાર આવતા નથી. આમ આજે વિમાની પ્રવાસ જીવસટોસટ બન્યો છે… આ સિનારિયો ડરામણો છે.
કવર સ્ટોરી – વિજય વ્યાસ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પ્લેન ક્રેશમાં નિધન પછી સોશ્યલ મીડિયા પર એક મીમ્સ ફરી રહ્યું છે. મીમ્સમાં પ્લેનમાં પ્રવાસ કરવા જઈ રહેલી વ્યક્તિ પત્નીને પોતાની લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસીઓ ક્યાં મૂકી છે તેની વિગતો આપી રહ્યો છે…
મીમ્સમાં આ બહુ નાનકડી વાતને એકદમ ચોટદાર રીતે કહી દેવામાં આવી છે કે, હવે પ્લેનની મુસાફરી એ જીવસટોસટની રમત છે ને જીવતા પાછા આવો તેની કોઈ ગેરંટી નથી.
અજિત પવારનો કિસ્સો તો નજર સામે જ છે તેથી તેના વિશે ઝાઝું કહેવાની જરૂર નથી, પણ ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોનો હવાઈ મુસાફરીનો સિનારિયો જોશો તો આ વાત સાવ સાચી લાગશે. એક સમયે ઈન્ડિયન એરફોર્સના ટચૂકડાં મિગ ટ્રેઈનિંગ ફાઈટર જેટને ‘ફ્લાઈંગ કોફિન’ કહેવાતાં હતાં. મિગ લઈને નિકળનારો પાઈલટ પાછો આવે તેની કોઈ જ ગેરંટી નહોતી. અત્યારે ભારતમાં બધાં જ વિમાનોની હાલત એવી જ છે ને નાનાં-મોટાં બધાં વિમાનો તૂટી પડવાની કે તેમાં ખામી સર્જાવાની ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે.
થોડાં મહિના પહેલાં એટલે કે 2025ના જૂનમાં અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ 171 ઉડાન ભર્યાના 32 સેક્ધડમાં તો તૂટી પડેલી ને 242 લોકો મોતને ભેટેલાં એમાં માત્ર એક પ્રવાસી બચી ગયેલો. આ પ્રવાસી આજે પણ માનસિક યાતનાની જિંદગી તો જીવી જ રહ્યો છે. તેથી વિમાનમાં મુસાફરી કરો એટલે ફ્લાઈંગ કોફિનમાં મુસાફરી કરતા હો એ રીતે ઊંચા જીવે જ મુસાફરી કરવી પડે છે. પાછા આવો તો તમારાં નસીબ બાકી વૈંકુંઠમાં મળીશું. આ સ્થિતિ માત્ર સામાન્ય લોકોની જ છે એવું નથી. વીવીઆઈપી કહેવાતા મહાનુભાવો પણ આ જ ફફડાટ -ડર સાથે પ્રવાસ કરે છે.
ભારતમાં પ્લેન ક્રેશ થાય પછી તેનાં કારણ વિશે બહુ ચોવટ થાય છે પણ સ્થિતિમાં કોઈ સુધારો કદી થતો નથી. આપણે સામાન્ય લોકોની વાત છોડીએ, પણ વીવીઆઈપીઓના કિસ્સા જોઈશું તો પણ આ વાત સમજાશે. ભારતમાં સંજય ગાંધીથી શરૂ કરીને અજિત પવાર સુધીની ઘણી જાણીતી હસ્તીઓ પ્લેન ક્રેશમાં ક-મોતને ભેટી છે. ગયા વરસે જુલાઈમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
આ સિવાય માધવરાવ સિંધિયા, લોકસભાના સ્પીકર જીએમસી બાલયોગી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. રાજશેખર રેડ્ડી, ભારતના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત સહિતના લગભગ 25 જેટલા મહાનુભાવો પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા છે. આ પૈકી વિજય રૂપાણી સામાન્ય ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા, પણ બીજા મહાનુભાવો તો સ્પેશ્યલ પ્લેનમાં નીકળ્યા હતા છતાં પ્લેન ક્રેશ થતાં છેક ઉપર પહોંચી ગયા તેનો મતલબ એ કે, વીવીઆઈપી હોય કે સામાન્ય માણસ, ભારતમાં પ્લેનના મેન્ટેનન્સમાં ધાંધિયા જ છે.
આ બધા વીવીઆઈપી અલગ અલગ પ્રકારના પ્લેનમાં પ્રવાસ કરતા હતા. કોઈ એરફોર્સના પ્લેનમાં હતું તો કોઈ ખાનગી કંપનીનાં પ્લેનમાં હતું, પણ બધાંનો અંજામ એક જ સરખો કરુણ આવ્યો. તેનો અર્થ એ થાય કે, મેન્ટેનન્સમાં ખામી છે ને પ્લેન ઉડાડતાં પહેલાં બધું બરાબર છે કે નહીં તેની કોઈ જ ચકાસણી કરાતી નથી. આ ઘોર બેદરકારી કહેવાય પણ આ બેદરકારી ભારતમાં સામાન્ય છે. ભારતમાં આંગળાં ચાટીને પેટ ભરવાની માનસિકતાના કારણે કંપનીઓ કે એરલાઈન્સ કરોડો ખર્ચીને આધુનિક એરક્રાફટ લઈ આવે, પણ તેને માટે ક્વોલિફાઈડ સ્ટાફ રાખવાની તસદી નથી લેવાતી કેમ કે ક્વોલિફાઈડ સ્ટાફ માટે જંગી ખર્ચ કરવો પડે.
ભારતમાં સારા નહીં પણ સસ્તાની બોલબાલા છે તેથી સારા એન્જિનિયરો કે ટેકનિકલ સ્ટાફ રાખવાની વાત તો છોડો પણ આપણે ત્યાં પાઈલટ પણ સારા રખાતા નથી. સસ્તામાં જે મળે તેને રાખી લેવાનો. અજિત પવારનું પ્લેન ઉડાવી રહેલો પાઈલટ જ બે વાર દારૂના નશામાં ચૂર થઈને પ્લેન ઉડાવતાં પકડાયેલો એટલે એરલાઈન્સે તેને કાઢી મૂક્યો પછી ખાનગી કંપનીમાં જોડાયેલો એવા મીડિયાના ચોંકાવનારા રિપોર્ટ્સ છે..!
આઘાતની વાત પાછી એ છે કે, આ પૈકી મોટા ભાગના કિસ્સામાં મોતનું સાચું કારણ જ બહાર આવ્યું નથી. અમદાવાદમાં અઢીસોથી વધારે લોકોનો ભોગ લેનારું પ્લેન કઈ રીતે તૂટી પડ્યું એ હજુ કોઈને સમજાતું નથી. પ્લેનમાં ટેકનિકલ ખામી હતી એટલે તૂટી પડ્યું એવી ગોળ ગોળ વાતો કરી દેવાય પણ ચોક્કસ કારણો અંગે કદી ફોડ પડાતો નથી. સ્વાભાવિક રીતે જ ટેકનિકલ ખામી મેન્ટેનન્સના અભાવે સર્જાય ને તેના માટે પાઈલટ નહીં, પણ ગ્રાઉન્ડ સ્ટાફ જવાબદાર હોય પણ કદી કોઈની સામે પગલાં નથી લેવાતાં. જે ગયા એ ગયા, હવે નીચેવાળાને શું કરવા પરેશાન કરવા એમ સમજીને ભીનું સંકેલી લેવાય છે.
આ માનસિકતા ડરામણી છે. એક રીતે લોકોના જીવ સાથે રમત છે, પણ કમનસીબે આ રમતને રોકવા માટે કશું કરાતું નથી. ભારતમાં નાગરિક ઉડ્ડયન માટે અલગ મંત્રાલય છે અને તેની સાથે સંકળાયેલી એજન્સીઓ પણ છે. પણ સરકારી રાહે કામ કરતી એજન્સીઓને સુધારો કરવામાં રસ જ નથી. થોડા સમય પહેલાં ઈન્ડિગોની સેંકડો ફ્લાઈટ્સ રદ થયેલી ને હજારો મુસાફરો રઝળી પડેલા. લોકોએ ફરિયાદોનો ઢગ કર્યો પછી દેખાવ ખાતર થોડોક દંડ ફટકારવામાં આવ્યા પણ પછી આગળ કશું થયું નથી. તેનું કારણ એ કે, આપણે ત્યાં સરકારી તંત્રમાં બેઠેલાં લોકોને માણસના જીવની કંઈ કિંમત નથી ને આ સ્થિતિ કદી બદલાવાની નથી.
વિમાનમાં ખામી નહોતી, છતાં ય…
ગુજરાતના મુખ્યમંત્રી પાકિસ્તાને પ્લેન ઉડાવી દેતાં માર્યા ગયેલા. અજિત પવારના નિધન સમયે મીડિયામાં પ્લેન ક્રેશમાં મરાયેલા રાજકારણીઓમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનો ઉલ્લેખ પણ થયો. બળવંતભાઈનું 1965માં પ્લેન ક્રેશમાં નિધન થયેલું એ વાત સાચી છે, પણ એમનું મોત વિમાનમાં ખરાબીના કારણે નહીં, પણ પાકિસ્તાન સામેના યુદ્ધના કારણે થયું હતું. પાકિસ્તાન એરફોર્સે તેમના પ્લેનને ઉડાવી દેતાં બળવંતભાઈ સહિત 8 લોકો મોતને ભેટ્યાં હતાં.
બળવંતરાય મહેતા 19 સપ્ટેમ્બર, 1965ના રોજ તાતા કેમિકલ્સના બીચક્રાફ્ટ કોમ્યુટર એરક્રાફ્ટમાં મીઠાપુર માટે નીકળ્યા હતા. તેના પાઈલટ તરીકે ઈન્ડિયન એરફોર્સના ભૂતપૂર્વ પાઈલટ જહાંગીર એન્જિનિયર હતા. મહેતા બપોરે 3 વાગ્યે મીઠાપુરની તાતા કેમિકલ્સ પહોંચવાના હતા.
તેમની સાથે પત્ની સરોજબહેન, ‘ગુજરાત સમાચાર’ના રિપોર્ટર કે.પી. શાહ અને ત્રણ સહાયક હતા. બપોરે લગભગ દોઢ વાગે તેમનું વિમાન રવાના થયું પણ આ વિમાન કદી મીઠાપુર પહોંચ્યું જ નહીં. યુદ્ધ ચાલુ હતું તેથી ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ વિમાનો એકબીજાની હદમાં ઘૂસીને બોમ્બમારો કરતાં હતાં. બળવંતભાઈનું વિમાન ભૂજની નજીક હતું ત્યારે પાકિસ્તાની રડાર પર દેખાયું. પાકિસ્તાન એરફોર્સે આ વિમાનને ભારતીય એરફોર્સનું વિમાન સમજી લીધું. તરત જ ફ્લાઈંગ ઓફિસર કૈસ હુસૈન પોતાના યુદ્ધ વિમાન એફ-86 સબરેસમાં નિકળ્યો.
પાકિસ્તાન એરફોર્સનું બીજું વિમાન પણ રવાના થવાનું હતું પણ તેમાં ખામી સર્જાતાં ના નીકળી શક્યું. હુસૈને ભારતીય સરહદમાં ઘૂસીને મહેતાના વિમાનને ઉડાવી દીધું. ભારતીય પાઈલટ જહાંગીર એન્જિનિયર હુમલા માટે તૈયાર જ નહોતા તેથી બચાવની તક જ ના મળી અને મીઠાપુરથી 100 કિલોમીટર દૂર સુથલી ગામ પાસે આ વિમાન તૂટી પડ્યું,જેના આઠેય પ્રવાસી માર્યાં ગયાં. પાછળથી 2016માં પાકિસ્તાની પાઈલટ હુસૈને જહાંગીરનાં પુત્રીને પત્ર લખીને માફી માગી હતી.



