કવર સ્ટોરીઃ આ તે બધા સાધુ છે કે શેતાન?

વિજય વ્યાસ
તાજેતરમાં ફરી એક ભગવાધારીએ સાધુત્વને અભડાવ્યું છે…આપણી મોટાભાગની પ્રજા ધર્મભીરુ અને વ્યક્તિપૂજક છે. આવા લોકો બહુ જલ્દી કહેવાતા સાધુઓની અસરમાં આવી જતા હોય છે અને એમના ભોળપણનો ગેરલાભ લઈને અનેક સાધુઓ એમની પાખંડીલીલા પ્રસરાવે છે…આવા લંપટ સાધુઓની કુકર્મ કથાઓનો ચોંકાવનારો એકસ રે…
આસારામ બાપુ, ગુરુ રામરહીમ, સ્વામી નિત્યાનંદ, સાધુ ચૈત્યાનંદ, શિવ શંકર ભેદા
સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીને કારણે ભગવાં કપડાંને ફરી ડાઘ લાગી ગયો છે. દિલ્હીમાં આવેલી ‘શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન મેનેજમેન્ટ ઍન્ડ રિસર્ચ’ (એસઆરઆઈએસઆઈઆઈએમ) નામની સંસ્થાના મેનેજર એવા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી સામે 17 વિદ્યાર્થિનીઓએ જાતીય સતામણી, અશ્ર્લીલ ભાષાના ઉપયોગ, ધાકધમકી અને અયોગ્ય શારીરિક સ્પર્શના આક્ષેપ કર્યા પછી ચૈતન્યાનંદ ફરાર છે.
પોલીસ એફઆઈઆર નોંધીને લાપતા ચૈતન્યાનંદને શોધી રહી છે, પણ ચૈતન્યાનંદનો અતોપતો નથી. ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા નિકળી પોલીસ દ્વારા ચૈતન્યાનંદ માટે લુકઆઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે, પણ એ બંદો -ચૈતન્યાનંદ નેપાળના રસ્તે વિદેશ ભાગી ગયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
આ સંસ્થા કર્ણાટકના જાણીતા શૃંગેરી શારદા પીઠમ દ્વારા ચલાવવામાં આવે છે, પણ ચૈતન્યાનંદ સામેના આક્ષેપો પછી શૃંગેરી પીઠે પણ હાથ અધ્ધર કરી દીધા છે. પોલીસ ચૈતન્યાનંદની સંસ્થામાંથી નકલી ડિપ્લોમેટિક નંબર પ્લેટવાળી એક કાર પણ જપ્ત કરી છે. આ કાર ચૈતન્યાનંદ સરસ્વતીની માલિકીની છે અને તેનો ઉપયોગ ચૈતન્યાનંદ રોફ ઝાડવા કરતો હોવાનું કહેવાય છે.
ચૈતન્યાનંદ સામે સંસ્થામાં નાણાકીય ગેરરીતી સહિતની બીજી ફરિયાદો પણ નોંધવામાં આવી છે, પણ સૌથી ગંભીર ફરિયાદ જાતીય સતામણીની છે. ફરિયાદ પ્રમાણે સંસ્થાના જ કેટલાક કર્મચારીની મદદથી ચૈતન્યાનંદ હવસનો ખેલ કરતો હતો. ચૈતન્યાનંદ વિદ્યાર્થિનીઓને અશ્ર્લીલ મેસેજ મોકલતો અને રાત્રે ગમે ત્યારે પોતાના રૂમમાં બોલાવતો. વિદ્યાર્થિનીઓના રૂમમાં ખબર ના પડે એ રીતે કેમેરા મૂકીને ચૈતન્યાનંદ એ બાળાઓની અંગત પળો જોયા કરતો.
ચૈતન્યાનંદની આવી બહાર આવેલી હરકતોની વિગતો અત્યંત શરમજનક અને આઘાતજનક છે. આનાથી દેશમાં ધર્મની આડમાં કેવાં કુકર્મો ચાલે છે એ ફરી એક વાર છતું થયું છે.
ચૈતન્યાનંદ અત્યારે તો છીંડે ચડેલો ચોર છે, પણ આ ચોર પહેલો નથી ને છેલ્લો પણ નહીં હોય. આ પહેલાં પણ સાધુના વેશમાં ધર્મની આડમાં શેતાનિયત આદરતા ઝડપાયા છે. અદાલતોએ એમને સજા પણ ફટકારી છે, છતાંય આ સિલસિલો નિર્લજપણે ચાલ્યા જ કરે છે.
હિંદુત્વના નામે હવસનો ખેલ માંડીને બેસી ગયેલા આસારામ, નિત્યાનંદ, રામ રહીમ વગેરે કહેવાતા સાધુઓની લંપટલીલાના કિસ્સા જગજાહેર છે. ડેરા સચ્ચા સૌદા સંપ્રદાયના વડા રામ રહીમ ગુરમિતસિંહને પોતાની બે સાધ્વી પર બળાત્કાર બદલ આજીવન કારાવાસની સજા થઈ છે અને પોતાના મેનેજર રણજિતસિંહની હત્યાના કેસમાં પણ જનમટીપ પડી છે. રામ રહીમને પોતાની કહેવાતી દીકરી હનીપ્રીત ઈન્સાન સાથે સેક્સ સંબંધો છે ને બંનેને પોતે સાવ નગ્નાવસ્થામાં સેક્સ માણતાં જોયેલાં તેવો દાવો હનીપ્રિત ઉર્ફે પ્રિયંકા તનેજાના પતિ વિશ્વાસ ગુપ્તાએ કર્યો હતો.
રામ રહીમની જેમ આસારામને પણ પોતાની જ સંસ્થામાં રહીને ભણતી 16 વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર બદલ આજીવન કારાવાસની સજા થઈ છે. આસારામ સામે બે માસૂમ બાળકો દીપેશ અને અભિષેકનો બલિ ચડાવવાના આક્ષેપો પણ થયા છે. આસારામનો પુત્ર નારાયણ સાંઈ પણ બળાત્કારના કેસમાં જેલની હવા ખાય છે. નારાયણ સાંઈએ સુરતની યુવતીને હવસનો શિકાર બનાવી હોવાનો આરોપ છે.
બીજા એક કહેવાતા ધર્મગુરુ નિત્યાનંદની કુકર્મ કથા તો ન્યારી છે. એની સેક્સ સીડી બહાર આવેલી. કેરળની એક્ટ્રેસ રંજીથા સાથેની નિત્યાનંદની કામલીલાનું પાપ છાપરે ચડીને પોકાર્યું પછી નિત્યાનંદ જેલભેગા થયેલો પણ બહાર આવ્યા પછી ભારત છોડીને છૂ થઈ ગયો. ભારત બહાર એણે એક ટાપુ પર પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અને આ ટાપુને સાર્વભૌમ રાષ્ટ્ર પણ જાહેર કર્યો છે !
થોડાં વરસો પહેલાં અમદાવાદની બે યુવતીના પિતાએ એમની દીકરીઓને નિત્યાનંદે ગોંધી રાખી હોવાનો આક્ષેપ કરેલો. યુવતીઓએ પિતાના આક્ષેપોને જાહેરમાં નકારીને નિત્યાનંદ તરફ વફાદારી બતાવી તેના પરથી જ નિત્યાનંદ યુવતીઓ પર કેવી ભુરકી નાખે છે એ સ્પષ્ટ થઈ ગયેલું.
આજ રીતે હત્યાના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા હરિયાણાના વિવાદાસ્પદ ગુરુ રામપાલ સિંહ જતિનનાં કુકર્મો-કુંડળી પણ આસારામ, રામ રહીમ, નિત્યાનંદ જેવી જ ડિટો અદલોદલ સરખી છે. રામપાલ સામે કદી બળાત્કારનો કેસ ના નોંધાયો પણ રામપાલ પોતાની મહિલા અનુયાયીઓનું જાતીય શોષણ કરતો હોવાના પુરાવા મળ્યા હતા. રામપાલ સામે જમીનો પચાવી પાડવા સહિતના કેસ નોંધાયા હતા. 2014માં પોલીસ એની ધરપકડ કરવા જતી હતી ત્યારે રામપાલના સમર્થકો હથિયારો સાથે મોરચો માંડીને પોલીસને રોકી હતી. રામપાલના સમર્થકો સાથે જંગ કરીને પોલીસ માંડ માંડ આશ્રમમાં પ્રવેશી શકી હતી.
એ પછી આશ્રમમાંથી પોલીસને મોટા પ્રમાણમાં સેક્સ પાવર વધારતી દવાઓ અને પ્રેગનન્સીની કિટ્સ મળી હતી. રામપાલની આસપાસ ‘સાધિકાયન’ કહેવાતી મહિલાઓ રહેતી, જેમની સાથે રામપાલ ઈચ્છા થાય ત્યારે શરીર સંબંધો બાંધતો. આ પૈકી ઘણી યુવતીઓને તો બળજબરીથી ગોંધીને રાખવામાં આવી હતી.
રામપાલ જેલભેગો થતાં આ યુવતીઓ હાશકારો અનુભવીને આશ્રમમાંથી ભાગી ગઈ હતી.!
આ પહેલાં 2021માં ‘અખિલ ભારતીય અખાડા પરિષદ’ ના પ્રમુખ નરેન્દ્ર ગિરિનો મોતનો મામલો ચગેલો. નરેન્દ્ર ગિરિને સેક્સ સીડી દ્વારા બ્લેકમેલિંગ કરાતા હતા એવી વાત બહાર આવી હતી. સીબીઆઈને આ કેસની તપાસ સોંપાયેલી પણ આ સીડી શાની હતી એ મોટું રહસ્ય છે.
આ તો થોડાં ઉદાહરણ માત્ર છે, પણ આવા તો સંખ્યાબંધ શેતાનો હિંદુત્વના નામે ગોરખધંધા કરે છે. આસારામ, રામ રહીમ જેવા ગણતરીના લંપટોને સજા થઈ, બાકી મોટા ભાગના ધર્મના નામે ખુલ્લેઆમ પાપાચાર આદરે, પણ એમને ઉઝરડો સુધ્ધાં પડતો નથી. એમની સામે બળાત્કાર, જાતીય શોષણ વગેરેની ફરિયાદો નોંધાય છે, પણ પૈસા અને પાવરના જોરે છૂટી જાય છે. રામ રહીમ જેવાના કેસમાં સજા થયા છતાં રાજકારણીઓના આશીર્વાદને કારણે સજા થઈ હોવા છતાં સજાનો અર્થ નથી રહેતો.
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ માલેગાંવ-મુંબઈ: બોમ્બધડાકા બધા જ ‘આરોપી’ નિર્દોષ!
આવા ‘ઉપરવાળા’ના આશીર્વાદથી અમુક વાર તો અદાલતે ફરમાવેલી કડક સજા મજાક બની જાય છે. 2017 થી જન્મટીપની સજા ભોગવતા રામ રહીમ જેવા રીઢા અપરાધીને 2020થી લઈને 2025 સુધીમાં એક યા બીજા કારણસર જેલમાંથી 14 વાર કામચલાઉ પેરોલ અને ફર્લોરૂપે એક દિવસથી લઈને 40 -50 દિવસ સુધી મુક્તિ મળી છે, જે કાયદાના ઈતિહાસમા એક વિક્રમ જ ગણાય …!
અહીં કમનસીબી એ છે કે, ધર્મના નામે ચાલતા જાકુબીના ધંધા સામે હિંદુ સમાજ બિલકુલ ચૂપ છે. શ્રૃંગેરી શારદા પીઠ ઐતિહાસિક મનાય છે. આદિ શંકરાચાર્યે હિંદુ ધર્મના ઉત્થાન માટે ચાર અદ્વેત મઠ સ્થાપ્યા હતા. કર્ણાટકના ચિકમંગલૂર જિલ્લામાં આવેલી શારદાપીઠ પીઠ આદિ શંકરાચાર્ય સ્થાપિત ચાર અદ્વૈત મઠો પૈકી એક છે. આ મઠ સાથે સંકળાયેલા શંકર વિદ્યા કેન્દ્ર (એસકેવી) દ્વારા દિલ્હીની ‘શારદા ઈન્સ્ટિટ્યૂટ’ ચાલે છે,
જેમાં વિવિધ પોસ્ટગ્રેજ્યુએટ મેનેજમેન્ટ અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. ચૈતન્યાનંદની આ સંસ્થા પરંપરાગત ભારતીય મૂલ્યો અને આધુનિક મેનેજમેન્ટ શિક્ષણ વચ્ચે સંતુલન જાળવવાનો દાવો કરે છે, પણ ચૈતન્યાનંદનાં કુકર્મો જોયા પછી સવાલ થાય કે, ક્યાં ભારતીય મૂલ્યોની એ જાળવણી કરાઈ રહી છે? ભારતીય મૂલ્યોના નામે બહેન-દીકરીઓની ઈજ્જત લૂંટવાનો ત્યાં ખેલ ચાલી રહ્યો છે છતાં હિંદુઓના પેટનું પાણી ન હાલતું હોય તો આ ધર્મનો શું અર્થ?. ફિલ્મોમાં બતાવાતાં દૃશ્યોના કારણે કે કહેવાતા ‘લવ જિહાદ’ના કિસ્સાના લીધે જેમને હિંદુ બહેન-દીકરીઓની ઈજ્જતની ચિંતા થાય છે એવાં હિંદુવાદી સંગઠનો ધર્મના નામે થઈ રહેલા દીકરીઓના શોષણ સામે મૌન વધુ ચિંતાપ્રેરક છે…
યુવતીએ હવસખોર તીર્થપદનું ગુપ્તાંગ જ કાપી નાખ્યું !
ધર્મની આડમાં હવસખોરી કરતા અને સાધુના વેશમાં ફરતા શેતાનો સાથે શું કરવું જોઈએ તેનો શ્રેષ્ઠ દાખલો કેરળની 23 વર્ષની યુવતીએ બેસાડ્યો હતો. તિરુવનંતપુરમમાં આશ્રમ ચલાવતા ગંગેશાનંદ તીર્થપદે આધ્યાત્મિક શક્તિઓથી બિમાર લોકોનો ઉપચાર કરતા હોવાનો દાવો કરતા હતા. કેરળના અનેક મંદિરોમાં ઉપદેશ આપતા અને પોતાને ‘શ્રી હરિ’ તરીકે ઓળખાવતા શ્રી પદ યુવતીના પિતાના ઉપચાર માટે એના ઘરે જતા અને યુવતીની લાચારીનો લાભ લઈને એના પર બળાત્કાર કરતા.
કાયદાનો અભ્યાસ કરી રહેલી એ યુવતી છેલ્લાં આઠ વર્ષથી આ જાતીય શોષણ સહન કરતી હતી. તેણે તીર્થપદને પોતાને છોડી દેવા વારંવાર વિનંતી કરી, પણ તીર્થપદ માનતા ન હતા. પછી જાતીય અત્યાચારથી કંટાળેલી યુવતીએ એક દિવસ તીર્થપદનું ગુપ્તાંગ જ કાપી નાખ્યું. એ પછી યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં તીર્થપદ જેલભેગો થઈ ગયો!
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ મિથ્યાભિમાનમાં મસ્ત મેરા ભારત છે મહાન…!