ઉત્સવ

કવર સ્ટોરી : સ્ટેન્ડ અપ કોમેડિયનોને એક ખૂણે બેસાડીને કોણ સમજાવશે કે વાણી સ્વાતંત્ર્યના નામે આડેધડ વાણી વિલાસ ન થઈ શકે?

  • વિજય વ્યાસ

લાગે છે આજકાલ હસવામાંથી ખસવુંના ખેલ વધુ ચાલી રહ્યા છે. થોડા દિવસ પહેલાં એક કોમેડી શોમાં રણબીર અલાહાબાદિયાની ત્રિપુટીએ જાહેરમાં અશ્લીલ ટકોર કરીને ગામ ગજવ્યું હતું.એની સામે પગલાં લેવાયાં પછી હવે અન્ય એક સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ વાણી સ્વાતંત્ર્યના નામે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને `ગદ્દાર’ કહીને ભારે બબાલ સરજી છે, પણ વાણી સ્વાતંત્ર્યના નામે ગમે તેવો બકવાસ કે આડેધડ વાણી વિલાસ ન થઈ શકે એ વાત આવા કોમેડિયનોએ બરાબર સમજી લેવી પડશે.

સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેને `ગદ્દાર’ કહ્યા એમાં ભારે બબાલ થઈ ગઈ છે.

કુણાલ કામરાની આ તીખી કોમેન્ટ પછી શિવસેનાના કાર્યકરોએ રવિવારે રાત્રે મુંબઈ- ખારમાં આવેલા `હેબિટેટ સ્ટુડિયો’માં તોડફોડ કરીને મર્દાનગી બતાવી.

આ પણ વાંચો: ઝબાન સંભાલ કે : પડવો: પખવાડિયાનો પ્રથમ દિવસ

કુણાલે એકનાથ શિંદેને ગદ્દાર ગણાવ્યા એ શો આ સ્ટુડિયોમાં રેકોર્ડ કર્યો હતો તેથી શિવસૈનિકોએ સ્ટુડિયોનો ખુરદો બોલાવી દીધો. કુણાલ કામરાની કોમેન્ટ સામે શિવસેનાએ ફરિયાદ કરતાં પોલીસે કુણાલ સામે ગુનો નોંધ્યો છે. તેના કારણે કામરા દોડતો થઈ ગયો છે, પણ શિંદેને ગદ્દાર' કહેવા મુદ્દે નમતું જોખવા તૈયાર નથી. કામરાનું કહેવું છે કે, ભારતમાં વાણી સ્વાતંત્ર્ય છે ને પોતાને જે બોલવું હોય એ બોલવાનો અધિકાર છે. પોતે શિંદેનેગદ્દાર’ કહ્યા એ વાત પર કામરા અડગ છે અને માફી માગવા તૈયાર નથી. અલબત્ત, કોર્ટ કહેશે તો પોતે ચોક્કસ માફી માગશે, પણ શિવસૈનિકોની ગુંડાગીરીથી ડરીને તો માફી બિલકુલ નહીં માગે.

આ તરફ, કામરા અડી ગયો છે તો સામી બાજુએ એકનાથ શિંદે પણ આક્રમક મૂડમાં છે. એમણે ગર્ભિત ધમકી આપી છે કે, `મી એક સામાન્ય કાર્યકર્તા આહે, મીતર બાલાસાહેબ યાંચા કાર્યકર્તા આહે, માલા હલક્યાત ઘેઉ નકા’. મતલબ કે, હું એક સામાન્ય કાર્યકર છું પણ બાળાસાહેબ ઠાકરેનો કાર્યકર છું એટલે મને હળવાશથી ન લો .

શિંદેએ તો કામરાની વાણી સ્વાતંત્ર્યની વાતનો જવાબ પણ આપ્યો છે કે, વાણી સ્વાતંત્ર્યની મર્યાદા હોવી જોઇએ ને વાણી સ્વાતંત્ર્યના નામે ગમે તેવો બકવાસ ના કરી શકાય. શિવસૈનિકોએ તોડફોડ કરીને કરેલી ગુંડાગીરીને માન્ય ના રાખી શકાય પણ શિંદેની આ વાત સો ટકા સાચી છે. આ દેશનું બંધારણ દેશનાં લોકોને વાણી સ્વાતંત્ર્યનો અધિકાર આપે છે એ સાચું છે, પણ એ અધિકારનો ઉપયોગ કોઈને ગાળ આપવા માટે કરવાની છૂટ પણ નથી આપતો.

વાણી સ્વાતંત્ર્યનો મતલબ જે જીભે ચડે એ બોલવું એવો નથી થતો. આ અધિકાર સાથે અમુક ફરજ પણ જોડાયેલી છે. તમારા લવારાથી કોઈને નુકસાન ના થવું જોઈએ અને કોઈની લાગણી ના દુભાવી જોઈએ. કામરાએ ગદ્દાર' કહીને શિંદેનું અપમાન કર્યું છે, એમની લાગણી દુભાવી છે ને કામરાને કે બીજા કોઈને તેનો જરાય અધિકાર નથી. શિંદેનેગદ્દાર’ કહેવા એ કામરાનો કે જે પણ શિંદેને `ગદ્દાર’ કહેતા હશે એમનો અંગત અભિપ્રાય છે ને મનફાવે તેમ અંગત અભિપ્રાયોની ફેંકાફેંક કરવી એ વાણી સ્વાતંત્ર્ય નથી.

એકનાથ શિંદે પર `ગદ્દાર’નું લેબલ લગાવવું એ પણ ખરેખર તો હલકી માનસિકતા છે. શિંદેએ કોની સાથે ગદ્દારી કરી? શિવસેના સાથે કે ઉદ્ધવ ઠાકરે સાથે? શિવસેનાના બહુમતી ધારાસભ્યો એકનાથ શિંદેની સાથે હતા ને લોકશાહીમાં જેની પાસે બહુમતી હોય એ ગાદી પર બેસે એ નિયમ છે. શિંદે એ નિયમનું પાલન કરીને ગાદી પર બેઠા તેમાં ગદ્દારી ક્યાંથી આવી? શિંદેને ઉદ્ધવના વફાદારો ગદ્દાર કહે છે કેમ કે એમની સત્તા છિનવાઈ ગઈ, બાકી બંધારણીય રીતે શિંદેએ કશું ખોટું કે બિનલોકશાહીપૂર્ણ કર્યું નથી.

આ પણ વાંચો: ટૅક વ્યૂહ : દુનિયાનું પ્રથમ ફ્યુચર સિટી: અસાધારણ ને અતુલ્ય…

ખેર, મૂળ મુદ્દો વાણી સ્વાતંત્ર્યનો છે ને ભારતમાં વાણી સ્વાતંત્ર્યના નામે માનસિક અત્યાચાર જ ચાલે છે. તેમાં પણ કામરા સહિતના સ્ટેન્ડ અપ કોમેડિયનોનો જે ફાલ ઉતર્યો છે એ તો એમ જ માનીને વર્તે છે કે, આપણને તો મનફાવે એમ બોલવાનો અધિકાર છે. સ્ટેન્ડ અપ કોમેડીના નામે અશ્લીલતા પિરસવી, ગંદા જોકસ કરવા, છિછરી વાતો કરવી તેમાં એમને બહાદુરી લાગે છે.

થોડા સમય પહેલા જ રણબીર અલાહાબાદિયા, અપૂર્વા મખીજા અને સમયની ત્રિપુટીએ `ઈન્ડિયા ગોટ લેટેન્ટ’ ના શૂટિગ વખતે સાવ અશ્લીલ વાતો કરીને જબરો વિવાદ જગાવેલો. એ પછી એમના પર કેસ થઈ ગયો એ બધા દોડતા થઈ ગયા ને માફી માગવા માંડ્યા, પણ આ માફી દિલથી નથી. કાયદાનો ડર બતાવાયો ને જેલમાં જવું પડશે એટલે બધી મર્દાનગીનું બાષ્પીભવન થઈ ગયું છે. બાકી તક મળશે એટલે એ લોકો કે એમની જમાતના લોકો ફરી આવો કાંકરીચાળો ફરી કરશે.

કોઈ સ્વતંત્ર પોતાનો અભિપ્રાય જણાવે તેની સામે આપણને પણ વાંધો નથી. આ દેશનો કાયદો જેની છૂટ આપતો હોય એ બધું કરવાની એમને છૂટ છે, પણ વ્યક્તિગત રીતે કોઈને અપમાનિત કરવાની કે ઉતારી પાડવાની કોઈને છૂટ નથી. કામરાએ અહીં શિંદેને વ્યક્તિગત રીતે નિશાન બનાવ્યા છે. કોઈને પણ ગદ્દાર' કહેવડાવવું ના ગમે કેમ કેગદ્દાર’ એ કોઈના ચારિત્ર્ય પર કરાતો સીધો પ્રહાર છે, સરળ શબ્દોમાં કહીએ તો બહુ મોટી ગાળ છે તેથી શિંદેને તેની સામે વાંધો લેવાનો પૂરો અધિકાર છે. કમનસીબે શિંદે અને શિવસેના આ મામલે ડબલ સ્ટાન્ડર્ડ તો બતાવી જ રહ્યાં છે.

શિંદેને ગદ્દાર' કહેનારી કુણાલ કામરા પહેલી વ્યક્તિ નથી ને છેલ્લી વ્યક્તિ પણ નથી. શિંદે શિવસેનામાં ભંગાણ પાડીને ભાજપના પડખામાં ભરાયા ત્યારથી ઉદ્ધવ ઠાકરે પોતે અને ઉદ્ધવના વફાદારો શિંદેનેગદ્દાર’ જ કહે છે ને કુણાલ કામરાએ શિંદેને ગદ્દાર' કહ્યા એ પછી પણગદ્દાર’ જ કહે છે. બીજા નેતાઓએ પણ શિંદેને ગદ્દાર' કહ્યા જ છે. ઉદ્ધવ અને એમના પક્ષના બીજા નેતાઓએ તો કુણાલ કામરાને ટેકો આપીને સવાલ કર્યો છે કે,ગદ્દાર’ને `ગદ્દાર’ ના કહેવાય તો બીજું શું કહેવાય?!

મહારાષ્ટ્ર સરકારે ગદ્દાર' કહેવા બદલ કામરા સામે કેસ ફટકારી દીધો પણ ઉધ્ધવ કે બીજા નેતા સામે બોલતી બંધ છે. શિંદેનેગદ્દાર’ સાંભળીને લાગી આવ્યું એ જોતાં એમણે ઉધ્ધવ સામે કેસ પણ કરવો જોઈએ. શિંદેના સમર્થકોએ હોલમાં ઘૂસીને તોડફોડ કરીને શૂરાતન બતાવ્યું પણ એટલી જ મર્દાનગી હોય તો શિંદેને ગદ્દાર' કહેનારા ઉદ્ધવ ઠાકરેના ઘરે જઈને તોડફોડ કરી બતાવો ને?

શિંદેની શિવસેનાના કાર્યકરો ઉદ્ધવ કે બીજા કોઈ નેતાને ત્યાં જઈને આવો હંગામો કરશે ? બિલકુલ નહીં કરે કેમ કે ખબર છે કે, ઉદ્ધવના તો ઘરની આસપાસ પણ ફરક્યા તો એવી ફાડીને મૂકી દેશે કે સાંધનાં પણ કોઈ નહીં મળે. પોતે જે ગુંડાગીરી કરે છે એનો જવાબ વધારે ગુંડાગીરીથી મળશે એટલે બધી મર્દાનગી નીકળી જાય છે. ઉદ્ધવ શિંદેનેગદ્દાર’ સિવાય બીજું કઈ કહે તો પણ સાંભળી લેવું પડે.

અત્યારે તો શિંદેના સમર્થકોની બધી મર્દાનગી કામરા પર નીકળે છે કેમ કે કુણાલ કામરા તો કશું કરી શકવાનો નથી. એ બહુ બહુ તો સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને બળાપો કાઢશે. હમણાં તો એ ભાગીને ડીએમકે સરકારની નિશ્રામાં જતો રહ્યો છે અને ત્યાંથી પોતાની ધરપકડ ન થાય એ માટે મદ્રાસ હાઈ કોર્ટના આગોતરા જામીન મેળવી લીધા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button