કરિયર : અવાજની દુનિયામાં કારકિર્દી બનાવવા માગો છો? …તો બનો સાઉન્ડ એન્જિનિયર

-કીર્તિશેખર
એમ તો અવાજની દુનિયામાં, ખાસ કરીને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં હંમેશાં નક્કર કારકિર્દી રહી છે, પરંતુ આજે તે પહેલા કરતાં ઘણી વધારે દમદાર અને આદરણીય બની ગઈ છે, કારણ કે હવે તે ફક્ત મ્યુઝિક સુધી મર્યાદિત નથી પરંતુ સાઉન્ડ એન્જિનિયરિગે પણ તેમાં મોટા પાયે ભૂમિકા ભજવી છે. તે સાચું છે કે અવાજના ચાહકો હંમેશાંથી રહ્યા છે, પરંતુ સાઉન્ડ એન્જિનિયર્સની આટલી પ્રશંસા અગાઉ ક્યારેય થઈ નથી. કદાચ એટલા માટે કે આ સોશિયલ મીડિયાનો યુગ છે, જેને આપણે મલ્ટી મીડિયા ફોર્મેટ પણ કહી શકીએ. આજના યુગમાં આપણે આપણી દરેક ક્ષણને કંઈક ખાસ બનાવવા માગીએ છીએ. આ જ કારણ છે કે આજે કોઈપણ પ્રકારનો મલ્ટીમીડિયા પ્રોગ્રામ સાઉન્ડ ઈફેક્ટ વિના પૂર્ણ થતો નથી. સાઉન્ડ એન્જિનિયરિગનું કામ એક સામાન્ય અવાજને આ ઇફેક્ટની મદદથી જાદુઈ બનાવવાનો છે.
આજના સમયમાં સાઉન્ડ એન્જિનિયરિગનો મ્યુઝિક, મૂવીઝ અને થિયેટરના રેકોર્ડિંગ, મિક્સિંગ અને રિપ્રોડક્શન સાથે ઊંડો સંબંધ છે. એમ તો, 125 વર્ષ જૂના સિનેમા ઉદ્યોગમાં હંમેશાંથી જ સાઉન્ડ એન્જિનિયર્સ રહ્યા છે. પરંતુ આજનું સંગીત પહેલા કરતાં અલગ છે. તેમાં ઇલેક્ટ્રોનિક્સ છે, કોમ્પ્યુટર છે અને મોટા પાયે સાઉન્ડ એન્જિનિયરિગ છે. આ જ કારણ છે કે આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાઉન્ડ એન્જિનિયર્સની ભારે માગ છે. આ જ કારણ છે કે કારકિર્દી તરીકે સાઉન્ડ એન્જિનિયરિગ એક સુરક્ષિત અને ગ્લેમરસ ક્ષેત્ર બની રહ્યું છે. કદાચ એ કહેવાની જરૂર નથી કે જો તમે સાઉન્ડ એન્જિનિયરિગનો કોર્સ કરશો તો તમે સારી કારકિર્દી બનાવવાની ચિંતામાંથી મુક્ત થઈ જશો.
જો કે, અન્ય ક્ષેત્રોની તુલનામાં આ ક્ષેત્ર થોડું પડકારજનક છે, કારણ કે તેમાં એન્જિનિયરિગની ચોકસાઈની સાથે કલાકારની શાર્પનેસ પણ જરૂરી છે. આનું કારણ એ છે કે સારા અવાજની ઓળખ એકલા મશીનો કરી શકતા નથી. આથી સાઉન્ડ એન્જિનિયરિગ હેઠળ, સંગીત, સ્પીચ અને સ્ટુડિયો સાઉન્ડને ઉચ્ચ ગુણવત્તાવાળા બનાવવામાં આવે છે. આના કારણે ફિલ્મો, રેડિયો અને ટેલિવિઝનના કાર્યક્રમો સરળતાથી સંચાર થાય છે એટલું જ નહીં અસરકારક પણ બને છે. જો તમે પણ આ ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માગો છો તો તમારે બારમું ધોરણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ગણિત પાસ કરેલ હોવું જોઈએ. જો એમ હોય, તો તમે સાઉન્ડ એન્જિનિયરિગમાં બેચલર ડિગ્રી મેળવી શકો છો અને પછી જો તમે ઇચ્છો તો, તમે માસ્ટર ડિગ્રી પણ કરી શકો છો. સાઉન્ડ એન્જિનિયરિગ કોર્સ અંતર્ગત સાઉન્ડ રેકોર્ડિંગ, એડિટીંગ અને મિક્સીંગ વિશે ટેકનિકલ અને પ્રેક્ટિકલ માહિતી આપવામાં આવે છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને ટેપ મશીન, સ્પીકર્સ, એમ્પ્લિફાયર, સિંગલ પ્રોસેસર અને માઈક્રોફોન વગેરે જેવા રેકોર્ડિંગ સાધનોનો ઉપયોગ કરવાનું શીખવવામાં આવે છે. ઓડિયો રાઇટિગ, બેસિક થિયરી ઓફ સાઉન્ડ ફ્રિક્વન્સીઝ, સાઉન્ડ સ્પેશિયલ ઈફેક્ટ વગેરે વિશે પણ શીખવવામાં આવે છે.
ઘણા ઇન્સ્ટિટ્યૂટ સાઉન્ડ એન્જિનિયરિગમાં ડિપ્લોમા, સર્ટિફિકેટ અને પીજી ડિપ્લોમા સ્તરના કોર્સ ઓફર કરે છે. તેમની અવધિ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શીખવવામાં આવતા કોર્સના આધારે 6 મહિનાથી 3 વર્ષ સુધીની હોય છે. આ કોર્સમાં એડમિશન માટે કોઈ વિશેષ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. જ્યાં સુધી હોદ્દાનો સંબંધ છે, તમે સાઉન્ડ એન્જિનિયર, ઓડિયો એન્જિનિયર, સ્ટુડિયો કંટ્રોલર ઉર્ફે મેનેજર, મલ્ટિમીડિયા ડેવલપર અને સ્ટુડિયો ટેકનિશિયન બની શકો છો. ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તમે ટીવી ચેનલો, સ્ટુડિયો, મલ્ટિમીડિયા ડિઝાઇન અને એડવર્ટાઈઝિંગ વગેરે ક્ષેત્રોમાં એન્જિનિયર અથવા ટેકનિશિયન તરીકે દર મહિને 30,000 થી 45,000 રૂપિયાની પ્રથમ નોકરી સરળતાથી મેળવી શકો છો.
સાઉન્ડ એન્જિનિયર તરીકે, તમારા કાર્ય બે સ્તરના હોય છે – પ્રોડક્શન લેવલ અને બીજું પોસ્ટ-પ્રોડક્શન લેવલ.
પ્રોડક્શન લેવલ પર સાઉન્ડ એન્જિનિયરનું કામ મેકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો દ્વારા વિવિધ પ્રકારના અવાજો બનાવવાનું અને તેને રેકોર્ડ કરવાનું હોય છે, જ્યારે પોસ્ટ પ્રોડક્શન સ્તરે, તેને એડિટ અને મિક્સ કરીને નવા અવાજમાં રૂપાંતરિત કરવાનું હોય છે. પહેલા કહ્યું તેમ, આ ક્ષેત્રમાં સફળ થવા માટે માત્ર એન્જિનિયરિગની સમજ જ જરૂરી નથી, પરંતુ મ્યુઝિક અને સાઉન્ડ પ્રત્યે ઊંડો રસ પણ ખૂબ જ જરૂરી છે. તેથી જ આ ક્ષેત્રને હાફ એન્જિનિયરિગ અને હાફ ક્રિએટિવ ફિલ્ડ કહેવામાં આવે છે. પરિણામે, તમારી પાસે સારી વાતચીત કૌશલ્ય, ધીરજતા, એકાગ્રતા અને સૌથી અગત્યની કલ્પના તેમજ ટીમમાં કામ કરવાની યોગ્યતા પણ હોવી જોઈએ.
આ પણ વાંચો: અહીં ક્યારેય બાર વાગતા જ નથી, અગિયારની છે બોલબાલા…
અભ્યાસ માટેની મહત્ત્વની ઇન્સ્ટિટ્યૂટ નીચે મુજબ છે-
*ઑડિયોફિલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઉન્ડ એન્જિનિયરિગ, કોચી, કેરળ
*આઇઆઇઆઇ ખડગપુર પશ્ચિમ બંગાળ
*ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, લો કોલેજ રોડ, પુણે
*નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિલ્મ એન્ડ ફાઇન આર્ટ, કોલકાતા
*સત્યજીત રે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, કોલકાતા,
*વ્હિસલિંગ વુડ્સ ઈન્ટરનેશનલ, ગોરેગાંવ, મુંબઈ
*એશિયન એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટીવી, નોઈડા, ઉત્તર પ્રદેશ
*એમજીઆર ગવર્નમેન્ટ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, સીઆઈટી કેમ્પસ, ચેન્નાઈ
*એસએઇ ટેકનોલોજી કોલેજ, અંધેરી, મુંબઈ.