કેનવાસ : સ્કાઈપનું શટડાઉન ડિજિટલ યુગના એક મોટા પ્રકરણનો અંત!

-અભિમન્યુ મોદી
દુનિયાના કોઈ પણ ખૂણે વસતાં સ્વજનો સુધી પહોંચાડતી વિશ્વની સર્વપ્રથમ વીડિયો કોલ સર્વિસ ‘સ્કાઈપ’ 21 વર્ષ, 9 મહિના પછી એની સેવા આ પાંચમી મેના આટોપી રહી છે ત્યારે…
આજની કિશોર પેઢી એટલે કે ‘જનરેશન ઝી’એ સ્કાઈપ -જસુાયનું નામ ન પણ સાંભળ્યું હોય એવું બને. અત્યારે આપણે ઘણે અંશે ડિજિટલ દુનિયામાં જ જીવી રહ્યા છીએ. શાકભાજીની ખરીદીથી લઈને કોઈ અજાણ્યા સરનામે પહોંચવા સુધીની દરેક પ્રવૃત્તિમાં ડિજિટલ માધ્યમોનો સહારો લેવામાં આવે છે. ટીવી પણ ડિજિટલ અને ઘરના દરવાજાની બેલ પણ ડિજિટલ
હવે એ સમયની શરૂઆત થઇ ગઈ છે જેમાં અમુક વર્ષો કે એક-બે દાયકા પહેલાની કોઈ બહુ જ ‘સ્કાઈપ બંધ થાય છે’ એ સમાચાર ત્રીસ વર્ષથી વધુ ઉંમરના લગભગ દરેક માણસ માટે અસર કરે તેવા છે. એનઆરઆઈ લોકોને ખુશીની પળો આપનાર સ્કાઈપ હવે કાયમ માટે બંધ થઈ રહ્યું છે.
થોડા ફ્લેશબેકમાં જઈએ તો સ્કાઈપની શરૂઆત 2003 માં થઈ હતી, જ્યારે સ્વીડનના ઉદ્યોગ સાહસિકો નિકલાસ ઝેનસ્ટ્રોમ અને જેનસ ફ્રીસે આ પ્લેટફોર્મની સ્થાપના કરી. એસ્ટોનિયાના ઇજનેરોએ વોઈસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ (ટજ્ઞઈંઙ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્કાઈપને વિકસાવ્યું. સ્કાઈપ દ્વારા દૂર રહેતા લોકો ઇન્ટરનેટ દ્વારા મફતમાં વોઇસ અને વીડિયો કોલ કરી શકતા હતા. એ સમયે, આ પ્રકારની ટેકનોલોજી એક ક્રાંતિકારી પગલું ગણાતું, કારણ કે આંતરરાષ્ટ્રીય ટેલિફોન કોલ્સ ખૂબ ખર્ચાળ હતા. 2005 માં,‘ઈબેએ’ સ્કાઈપને 2.5 અબજ ડૉલરમાં ખરીદ્યું. તેના થોડાં વર્ષો પછી 2011 માં માઇક્રોસોફ્ટે તેને 8.5 અબજ ડૉલરમાં હસ્તગત કર્યું. આ સમયે વિશ્વભરના બે વીસેક કરોડ લોકો સ્કાઈપ વાપરતા. આ આંક તેની પ્રચંડ લોકપ્રિયતાનો પુરાવો હતો.
આ પણ વાંચો….કેનવાસ : આતંકવાદ પડછાયો છે કે પ્રતિબિંબ?
સ્કાઈપ એ ઑનલાઇન કોમ્યુનિકેશનની દુનિયામાં ક્રાંતિ લાવનારું એક એવું પ્લેટફોર્મ હતું., જેણે વિશ્વના ખૂણે ખૂણે રહેતા લોકોને એકબીજા સાથે જોડ્યા- સાંકળી લીધા. ખાસ કરીને વિદેશમાં રહેતા પરિવારજનો અને મિત્રો સાથે વીડિયો કોલ દ્વારા વાતચીત કરવાનું સ્કાઈપ એ સરળ અને સસ્તું બનાવ્યું. વિદેશ જઈએ પછી ઘર કેવું યાદ આવે. લગભગ બધા હોમસીકનેસની લાગણી અનુભવે, એકલતા સાલે, પણ સ્કાઈપને કારણે કારકિર્દી બનાવવા માટે વિદેશ ગયેલા સંતાન પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે નિયમિત વાતચીત કરી શકતા હતા, એમની સંભાળ લઇ શકતા. હોસ્ટેલમાં રહેતી દીકરીને એની મા સ્કાઈપ દ્વારા રસોઈ શીખવાડી શકતી. વ્યવસાયિક રીતે પણ સ્કાઈપ ખૂબ ઉપયોગી હતું. ઉદાહરણ તરીકે, ફિલિપાઇન્સમાં અંગ્રેજી શિક્ષકો વિયેતનામ અને અન્ય દેશોના વિદ્યાર્થીઓને સ્કાઈપ દ્વારા શિક્ષણ આપતા હતા.
સ્કાઈપની ખાસિયત હતી તેની સરળતા, જેને ટેકનિકલ ભાષામાં યુઝર-ફ્રેન્ડલી સગવડતા કહેવાય. વીડિયો કોલ કરવા માગતા લોકોએ માત્ર એક એકાઉન્ટ બનાવવું પડતું અને પછી વિશ્વભરમાં કોઈપણ સ્થળે મફત વીડિયો કોલ કરી શકતા. આ ઉપરાંત, સ્કાઈપે લેન્ડલાઇન અને મોબાઇલ નંબર પર પણ સસ્તા દરે કોલ કરવાની સુવિધા આપી, જેનાથી તે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સંદેશાવ્યવહાર માટે લોકપ્રિય બન્યું. 2010 ના દાયકાની શરૂઆતમાં તો એવું હતું કે ફોરેન કોલ કરવો એટલે સ્કાઈપ કરવું!
આમ છતાં, સતત થતાં રહેતાં ટેક્નિકલ બદલાવને લીધે 2010 ના દાયકાના મધ્યથી, સ્કાઈપની લોકપ્રિયતા ઘટવા લાગી. આનાં ઘણાં કારણ હતાં. લોકો ઝૂમ, વોટ્સએપ, ફેસટાઈમ, ગૂગલ મીટ, કોલ ડોટ કોમ વાપરવા લાગ્યાં. એ નવાં પ્લેટફોર્મ્સે વધુ સરળ અને આધુનિક વિકલ્પો રજૂ કર્યા. આવી એપ્લિકેશને વપરાશકર્તાઓને એવી સુવિધાઓ આપી જે સ્કાઈપ કરતાં વધુ અનુકૂળ હતી, જેમ કે કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વિના વીડિયો કોલ કરવાની સુવિધા. બીજું, માઇક્રોસોફ્ટે સ્કાઈપને તેના વ્યવસાયિક પ્લેટફોર્મ માઈક્રોસોફ્ટ ટીમ્સ સાથે ભેળવી દેવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેની મૂળ ઓળખ ઝાંખી પડી.આ બધા વચ્ચે 2020 ના કોવિડકાળના રોગચાળા વખતે જ્યારે ઑનલાઇન કોમ્યુનિકેશનની જરૂર ખૂબ વધી ત્યારે ઝૂમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ જ મુખ્ય પ્લેટફોર્મ બની ગયા. એમ કહી શકાય કે કોરોનાએ સ્કાઈપને કાયમ માટે મરણતોલ ફટકો માર્યો. માઈક્રોસોફ્ટ ટીમ્સે પ્રોફેશનલ અને પર્સનલ એમ બંને પ્રકારના વપરાશ માટે ખૂબ સારી સગવડો પૂરી આપી, નવા નવા ફીચર્સ ઉમેરાતા ગયા. જેના કારણે માઈક્રોસોફ્ટને સ્કાઈપની સર્વિસ હવે બંધ કરવાનો નિર્ણય લીધો છે. માઇક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે સ્કાઈપ આ 5 મે, 2025 ના રોજ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
આ પણ વાંચો….કેન્વાસ: 113 વર્ષ પહેલાં ડૂબેલી ‘ટાઇટેનિક’ શિપની વધુ ટ્રેજેડી આજે ‘તરી’ને બહાર આવી રહી છે !
આ નિર્ણયનું મુખ્ય કારણ એ છે કે માઇક્રોસોફ્ટ તેના બધા સંચાર પ્લેટફોર્મ્સને એકીકૃત કરવા માગે છે અને ‘ટીમ્સ’ને તેનું મુખ્ય પ્લેટફોર્મ બનાવવા માંગે છે. સ્કાઈપના ચાહકોને માઈક્રોસોફ્ટ ટીમ્સ પર આવી જવા માટે કહેણ મોકલવામાં આવી રહ્યું છે. ટીમ્સમાં બધા યુઝર્સની હિસ્ટરી એટલે કે ચેટ, કોન્ટેક્ટસ અને કોલ હિસ્ટરી આપોઆપ આવી જશે. વપરાશકર્તાઓને એમનો ડેટા એક્સપોર્ટ કરવાનો વિકલ્પ પણ છે, જે એ અન્ય પ્લેટફોર્મ્સ પર એનો ઉપયોગ કરી શકે. જોકે, સ્કાઈપ બંધ કરવાના નિર્ણયથી એના અસંખ્ય ચાહકો નારાજ છે.
સ્કાઈપના બંધ થવાથી ડીજિટલ યુગના એક સુવર્ણ પ્રકરણનો અંત આવ્યો છે. આમ છતાં, સ્કાઈપ ઑનલાઇન કોમ્યુનિકેશનના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. લોકોને એકબીજા સાથે જોડવામાં અને અંતરને ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી, પરંતુ નવી ટેકનોલોજીઓના આગમન અને સ્પર્ધાના કારણે તે પાછળ રહી ગયું.
5 મે, 2025 ના રોજ સ્કાઈપની વિદાય સાથે ઘણા લોકો તેની યાદને હંમેશાં સંભાળીને રાખશે – ખાસ કરીને એ સમય યાદ રાખશે, જ્યારે એ વિદેશમાં રહેતા પ્રિયજનો સાથે વીડિયો કોલ પર ગપસપ કરતા હતા- ખબર-અંતર રાખતા હતા. એમને માટે તો સ્કાઈપ એ સ્વજનોને સાથે સાંકળી રાખતી અગત્યની કડી હતી. સ્કાઈપ ભલે બંધ થઈ ગયું હોય, પરંતુ તેણે આપેલી સેવા અને સ્મરણ હંમેશાં જીવંત રહેશે.