કેનવાસ : આતંકવાદ પડછાયો છે કે પ્રતિબિંબ?

-અભિમન્યુ મોદી
તાજેતરમાં કાશ્મીરમાં ઘટેલી આતંકવાદની દુર્ઘટનાનો ગુસ્સો હજુ દિવસો – મહિનાઓ સુધી નથી નહીં ઊતરે એ આપણે સૌ જાણીએ છીએ. આમ છતાં પણ થોડાં વર્ષ પહેલાની જ એક અજાણી વાત કરીએ.
2008ના જુલાઈ મહિનામાં આખું વિશ્વ ચોંકી ઊઠે એવી અજીબોગરીબ ઘટના બની. અમેરિકાએ તે સમાચારને દાબવાની પૂરી કોશિશ કરી અને અંશત: સફળતા પણ મળી. વર્લ્ડ મીડિયામાં હળવા ભૂકંપો સર્જનાર એ ઘટના એવી હતી કે અમેરિકાએ તે સમયમાં પોતે બનાવેલા આતંકવાદીના લિસ્ટમાંથી એક આફ્રિકન ‘ત્રાસવાદી’નું નામ હટાવી નાખ્યું. 9/11ના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો તેના પછી તો અમેરિકાએ ઘણા બધા લિસ્ટ બનાવ્યા હતા અને તે લિસ્ટમાં રહેલાં નામોની ધરપકડ કરવામાં આવતી તથા શકમંદો ઉપર સતત ચાંપતી નજર રાખવામાં આવતી. સંભવિત આતંકવાદીના આ લિસ્ટમાંથી એક આફ્રિકન વ્યક્તિનું નામ અમેરિકાએ દૂર કર્યું. અમેરિકાના આવા લિસ્ટમાંથી નામ નીકળે તેનો જે તે વ્યક્તિને ફાયદો શું થાય?
ફાયદો એ જ કે અમેરિકન કાયદા મુજબ તે માણસ ખાસ મંજૂરી વિના અમેરિકામાં પ્રવાસ કરી શકે અને અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પ્રવેશી શકે. અમેરિકાએ જે આફ્રિકન માણસને વર્ષો સુધી આતંકવાદીઓની સૂચિમાં સ્થાન આપ્યું હતું તે માણસનું નામ: નેલ્સન મંડેલા.
હવે આ જાણીતાં વાક્યો વાંચો:
આતંકને કોઈ ધર્મ નથી હોતો ચામડીનો કોઈ રંગ નથી હોતો કે પછી કોઈ અટક નથી હોતી. આ બધાં થર્ડ પાર્ટી જનરેટેડ સ્ટેટમેન્ટસ છે- ઘડેલાં વાક્યો છે. જેની ઉપર હુમલો થયો, જે વધુ અસુરક્ષા ભોગવે છે અને પોતાના ઉપર થયેલા આક્રમણ માટે જેને કસૂરવાર ઠેરવે છે તે પોતાના દુશ્મનને કોઈ એક ચોક્કસ ધર્મ, નાત, જાત અને રંગની કેટેગરીમાં મૂકી જ દે છે.
આ પણ વાંચો…કેન્વાસ: 113 વર્ષ પહેલાં ડૂબેલી ‘ટાઇટેનિક’ શિપની વધુ ટ્રેજેડી આજે ‘તરી’ને બહાર આવી રહી છે !
ગુલામીપ્રથા એ શું છે? સદીઓ સુધી મુખ્યત્વે અશ્વેત વ્યક્તિઓ ઉપર જુલમ થતા રહ્યા. આજે પણ ગુલામીપ્રથા ચાલુ છે- ભારતમાં અને ચાઈનામાં ખાસ. લઘુતમ રોજિંદા વેતન કરતાં પણ ઓછી રોજી આપીને કામ કરાવવામાં આવે તો એ મજૂરી કે નોકરી નહિ, પરંતુ વેઠ થઇ કહેવાય. વેઠિયા અને ગુલામ એ બંને પર્યાયવાચી શબ્દ છે અને એવા વેઠિયાઓ એશિયામાં ને બાકીની દુનિયામાં લાખોની સંખ્યામાં છે, પણ એ આતંકવાદ કેટલાને દેખાય છે અગર તો તે પ્રવૃત્તિ એક જાતનો આતંક નથી શું?
(મિનિમમ કરતાં પણ ઓછું વેતન દેવું એ ગુલામી છે.)
અંગ્રેજીમાં એક શબ્દ છે : ‘ઝેલટ’, જેનો અર્થ છે અતિઉત્સાહી અને ઝનૂની માણસ. ઈ.સ. પહેલી સદીમાં ‘ધ ઝેલટસ’ નામનું એક સંગઠન હતું. યહુદીઓના મુલકમાં એ લોકોએ રોમન સામે આતંકવાદ ચાલુ કર્યો. યહૂદીપ્રથામાં જેને ‘સેકંડ ટેમ્પલ જ્યુડાઈઝમ’ કહેવામાં આવે છે એના એ કટ્ટરપંથી હતા. કાયદેસરના રેકોર્ડો મુજબ એવું કહી શકાય કે આતંકવાદનો એ પ્રથમ કિસ્સો હતો. એ પછી પૃથ્વીના લગભગ દરેક દેશમાં આતંકવાદ સતત ચાલુ જ રહ્યો છે.
પેલેસ્ટાઈનની ભૂમિ હોય કે મિડલ-ઈસ્ટના દેશો, બધાએ આતંકવાદી છાવણીમાં દાયકાઓ કાઢી નાખ્યા. ફિદાયીનોથી લઈને અનેક કટ્ટરવાદીઓએ એશિયા-યુરોપમાં સતત હાહાકાર મચાવ્યો. એકવીસમી સદીની શરૂઆતમાં જ લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો કરાવ્યો. અફઘાનિસ્તાન-ઈરાક-અમેરિકાનાં યુદ્ધ થયાં.
2016ની સાલમાં અમેરિકામાં જેટલા લોકો બંદૂકની ગોળીથી મર્યા એ બધા કિસ્સાઓમાં બંદૂક આતંકવાદીઓના હાથ કરતાં બાળકોના હાથમાં વધુ હતી. અમેરિકન સરકાર બંદૂકની જાણે લહાણી કરતી હોય એમ બંદૂકો કોઈને પણ આપ્યા કરે તો તેનાં આવાં પરિણામ ભોગવવા પડે. યુરોપ અને અમેરિકામાં જેટલી હત્યા થઈ તેમાંથી માત્ર 2.2 ટકા લોકો આતંકવાદીઓના હાથે મર્યા છે, જયારે એ જ આંકડો મોટા ભાગના મુસ્લિમ દેશમાં 75 ટકાનો છે. પોતાના શીંગડા જ ભારે પડે છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. ‘વરુને પાળો તો વરુ તમારો જ શિકાર કરે’ આ જૂની કહેવત છે. બીકણ લોકો આતંકવાદનો રસ્તો અપનાવે છે. એ રસ્તો પાક્કો રહે માટે તેમાં કહેવાતા ધર્મના નામનું સિમેન્ટ લગાવે અને રસ્તો તૂટવાની અસુરક્ષા અનુભવતા સાઉદી અરેબિયા જેવા દેશ નાસ્તિકતાને કાયદેસરનો આતંકવાદ ગણાવે પછી ભોગવવું પડે.
આ પણ વાંચો…કેન્વાસ: ઉનાળાની ગરમીનો રંગ કેવો હોય છે?
આ બધી રેન્ડમ-આડીઅવળી એકઠી કરેલી માહિતી અને આંકડા શું દર્શાવે છે? જે દેશમાં મોટાભાગનો ધર્મ સમય સાથે નથી ચાલતો ત્યાં બંધિયારપણું વધી જાય છે એ બંધનમાંથી આતંકવાદનો ભોરિંગ જન્મે છે.
જે ધર્મ બદલાવને સ્વીકારતો નથી, જે ધર્મગુરુઓ અપડેટ થવા માગતા નથી ત્યાં ધર્મના નામે હિંસા વધુ ફેલાય છે. માણસ બદલાય, જમાનો બદલાય, ટેકનોલોજી અપગ્રેડ થાય પણ અમુક ધર્મ બંધિયાર ખાબોચિયામાં જ રહે છે છે- નદીની જેમ વહેતા નથી.
હવે બીજી બાજુ એક નજર કરો…
જે ધર્મમાં દેવી-દેવતાના નવા નામ ઉમેરવાની છૂટ હોય, દેવીના નામે ફિલ્મો બનતી હોય અને લોકો એમને પૂજવા માંડતા હોય, વિધિવિધાનો બદલાતાં રહેતાં હોય એવા ધર્મની છાપ ગ્લોબલ લેવલ ઉપર શાંતિપ્રિયની રહે છે અને એમાંથી આતંકનો જન્મ સામાન્ય રીતે થતો નથી. જે ધર્મમાં બદલાવ સ્વીકાર્ય હોય એ ધર્મ પાળતા લોકો ઓછા જોવા મળે છે આવું ઈતિહાસ કહે છે. સિનેમા સમાજનું દર્પણ છે એવું કહેવાય છે તો આતંકવાદ શું છે?
માનવજાતે પાડેલા સંપ્રદાયોના ભાગલાના ઝેરનું પ્રતિબિંબ કે પાછળ રહેતો સાઈડ પ્રોડક્ટજેવો કાળા રંગનો પડછાયો? લોકોમાં ખરું અને નક્કર નેશનાલીઝમ (રાષ્ટ્રવાદ) કેમ પ્રગટતું નથી અને પ્રગટતું હોય તો અમુક સમસ્યાઓનો ઉકેલ લાવવામાં એ જ પ્રજામાંથી સર્જાતું તંત્ર કેમ નિષ્ફળ જાય છે?
સ્કોલરો કહે છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચવા માટે મહત્તમ સાત વ્યક્તિની મદદ લેવી પડે. આ જ થિસિસની સમાંતર એક બીજું થિસિસ હોવું જોઈએ કે કોઈ પણ પ્રોબ્લેમ જે થિયોરિટિકલી- સૈદ્ધાંતિક રીતે સોલ્વ થઇ શકે એવો હોય તો તેનું પ્રેકટિકલ સોલ્યુશન સાત જુદા જુદા રસ્તે આવી જ જવું જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે એક સમસ્યા જે સીતેર વર્ષથી ફેણ ચડાવીને ઊભી છે અને સાત નહીં સિત્તેર કરતાં વધુ સરકારો બદલાઈ ગઈ હોવા છતાં એકસાથે કરોડો લોકો મળીને તેનું કાયમી સોલ્યુશન કેમ ન લાવી શકે? આ સવાલ વિચારવા જેવો ખરો.