કેનવાસઃ સોને કી ચીડિયા ધરાવતા દેશના ભવિષ્યને સુવર્ણજડિત કરવાનો પાથ!

અભિમન્યુ મોદી
એક વધુ પંદરમી ઓગસ્ટ આવી ને ગઈ. ભારત માટેનો સર્વોચ્ચ દિવસ. ખુશહાલીનો દિવસ. બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્ત થયાનો દિવસ. આઝાદીનાં 78 વર્ષ પૂરા થયાં. આપણે 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવ્યો. ટૂંક સમયમાં દેશને આઝાદ થયાને 80 વર્ષ પૂરા થઇ જશે. આઝાદીની હવાને આઠ દાયકા થવાને આપણે સમીપ છીએ.
આઠ દાયકા પછી સરેરાશ ભારતીય શું ઈચ્છે છે? ભારતીયની ઈચ્છા શું છે? લોકોની ડિમાન્ડ શું છે? એમનો આક્રોશ શું છે? એમની ખુશી શું છે ને ગમ કયો છે? એમણે શું કહેવું છે? ભારતના નાગરિકો પર ફિલ્મોની બહુ અસર હોય છે. એક ફિલ્મનું ઉદાહરણ લઈએ…
ભારતીયો માટે ‘નાયક’ ફિલ્મમાં અનીલ કપૂર મુખ્ય કલાકાર નથી, પણ અનીલ કપૂરની અંદર દેખાઈ રહેલી એ ફેન્ટેસી જે એક રાજ્યના મુખ્યમંત્રી બનીને રસ્તા ઉપર ઉતરીને કામ કરે છે અને ગુંડાઓ સાથે ઢીશુમ… ઢીશુમ પણ કર છે. અહીં નાયક નહીં, પણ એ ફેન્ટેસી વાળી વાર્તાનો સુપરસ્ટાર છે. આ દેશે ક્યારેય ઓફિસમાં બેઠા રહેતા નાયકને માથે ચડાવ્યો નથી.
કૃષ્ણ કે રામ કે મહાવીર કે બુદ્ધ જો એ પોતાના રાજદરબાર કે ઘરમાં જ રહ્યા હોત તો આપણી આ પ્રજાએ એમને ભગવાન માન્યા હોત? ઘર છોડીને શેરીમાં ઉતરનારા, યુદ્ધના મેદાનમાં રહેનારા, જંગલમાં ખુલ્લા આકાશે તળે બેસીને પ્રજા માટે સાધના કરનારા જ આ દેશમાં હીરો બને છે ને એ પૂજાય છે. એરકન્ડિશન્ડ ઓફિસ સારા કર્મચારી આપી શકે, નેતા નહિ. દેશને અત્યારે કોઈ ઉદ્ધારકની નહિ, પણ સુપરહીરોની જરૂર છે એ વાત દંભ વિના સ્વીકારી લેવાની જરૂર છે.
આઝાદ ભારતમાં જન્મી હોય તેવી પ્રથમ વ્યક્તિ દેશના વડા પ્રધાન તરીકે ત્રીજી વખત ચૂંટાઈ આવે એવી ઘટના બહુ ઓછા દેશમાં બની છે. વિદેશોના મીડિયા જ નહિ, પણ વિદેશી નાગરીકોની નજર પણ ભારત ઉપર હોય છે. ભારતની વિદેશનીતિ અત્યારે કસોટીની સર્વોચ્ચ એરણ પર છે. ભારત પાડોશી દેશોના ત્રાસથી ઘેરાયેલો છે. ભારતને અત્યારે વેપાર કરવો બહુ અઘરો પડી રહ્યો છે. પોતાની સ્વતંત્ર રીતે નિર્ણય લેવા માટે ભારતે અત્યારે બહુ જોખી જોખીને ચાલવું પડે એમ છે.
વિશ્વની સૌથી મોટી લોકશાહી કઈ રીતે ચાલે છે તેની ઉપર દુનિયા આખીની નજર હોય છે. પાઠ્યપુસ્તકની વ્યાખ્યા બાજુ પર રાખીને શબ્દોને નગ્ન કરીને કહીએ તો લોકશાહી એટલે ટોળાં માટે ટોળાં દ્વારા રચાતી સરકાર- આવો અભિગમ ઘણા ફિલસૂફોએ કે લેખકોએ એમના વન-લાઈનરમાં વ્યક્ત કર્યો છે. છતાં પણ 140 કરોડની જનતામાં વૈવિધ્યપૂર્ણ વિચારોની ભરમાર છે અને લોકોનો આક્રોશ સોશ્યલ મીડિયામાં સતત ઠલવાઈ રહ્યો છે.
જે-તે પક્ષની સરકારની કામગીરી અને એમાં ખેલાતા રાજકારણને કોરાણે મૂકીએ પછી આ મહાન દેશની ફાટફાટ થતી ક્ષમતા વિશે વાત કરીએ અને કયા મૂળભૂત પગલાં ભરવાથી ભારત વિશ્વના નકશામાં ધ્રુવના તારાની જેમ અચળ-અવિચળ- અનન્ય ને પથદર્શક બની શકે તેની થોડી વાત કરવા જેવી છે…
વીસમી સદીના શરૂઆતના સમયમાં પહેલાં યુરોપ અને પછી અમેરિકા દુનિયાના લીડર બન્યા. બંને વિશ્વયુદ્ધોએ આખી દુનિયાને યુરોપ સાથે જોડી રાખી અને પછી સુપરપાવર બનેલું અમેરિકા જગતજમાદાર બની ગયું. ટૂંકમાં, વીસમી સદીમાં પશ્ચિમના દેશોએ ‘નેરેટીવ’ સેટ કર્યો. એકવીસમી સદીમાં ભારત પાસે તક છે કે એ દુનિયાનો નેરેટીવ-કથાપ્રવાહ-વૃતાંત નવેસરથી સેટ કરે-ગોઠવે.
140 કરોડની ધરખમ આબાદી ધરાવતો અને વ્યાસપીઠ ઉપર બિરાજી રહેલો જગતગુરુ કહેવાતો આપણો દેશ આજની દુનિયાની દિશા અને દશાની બાગડોર હાથમાં કેમ લઈ ન શકે? એકવીસમી સદી ભારત અને આપણા નામે કરવા માટે દેશમાં શું કરવું જોઈએ? ચાલો, એના પર ઝડપથી નજર દોડાવી જઈએ…
ટૂરિઝમ? હા, ભારતના ટૂરિઝમનો વિકાસ ખૂબ વધારવાની જરૂર છે. આખી દુનિયામાં ટૂરિસ્ટ લોકો ત્યાં જ વધુ જાય છે જે દેશે તેનો ગૌરવાન્વિત ઇતિહાસ સાચવી રાખ્યો હોય. ઉદાહરણ: ફ્રાન્સ-ઇટાલી-ગ્રીક-અમેરીકા. ..ભારત તો સૌથી જૂનો દેશ છે પણ પ્રોબ્લેમ એ છે કે બહુધા ભારતીયો ભૂતકાળની યશોગાથાના ગુણગાન ગાવામાં રચ્યાપચ્યા રહે છે જ્યારે જરૂર છે
ભારતના ઇતિહાસને નજર સામે રાખવાની ને તેને સાચવવાની. કોઈ એવા વૃતાંતની ખોટ સાલે છે, જે દરેક ભારતીયને ભૂતકાળ અને ઈતિહાસ વચ્ચેનો ભેદ સમજાવે… જૂનાગઢ જેવા નાના પણ ઐતિહાસિક શહેરનું રિનોવેશન થાય ને મોર્ડન વ્યવસ્થાતંત્ર ગોઠવાય તો એ એક શહેર વિશ્વના ટૂરિસ્ટોને આકર્ષી શકે એટલી ભવ્યતા ધરાવે છે. ટૂંકમાં, ઇન્ડિયાને ગ્લોબલ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવો.
લોકોને અહીં આવતા કરવા પડે. એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે- દુનિયામાં એક આગવી ઇમેજ ઊભી કરવી પડે કે ભારત વિના આપણને ચાલે એમ નથી. અમેરિકાએ સિલિકોન વેલીની ફેસબુક-એપલ-ગૂગલ જેવી ચંદ કંપનીઓના સહારે દુનિયાના લોકો ઉપર પોતાની માયાજાળ પાથરી દીધી છે. આવી જ કોઈ માયાજાળ ભારતે પાથરવી પડશે. આવી નવા જ પ્રકારની માયાજાળનું સર્જન કરવા માટે શું કરવું?
નવી નવી ટેલેન્ટ ગોતવા ચાળણાની સાઈઝ મોટી કરો અને. એ ફિલ્ટરિંગ પ્રોસેસ પ્રક્રિયા એવી રાખવી પડે કે આખી દુનિયાની બેસ્ટ ટેલેન્ટ ભારતમાં ભેગી થાય. કુંભમેળો દર ચાર વર્ષે અને મહાકુંભમેળો દર બાર વર્ષે થાય છે. ટેલેન્ટનો મહામેળો દર મહિને યોજવો પડે.
એવા મેળાનું આયોજન તો જ કરી શકાય જો ભારતની ધરતી સાંસ્કૃતિક વારસાથી લથબથ હોય, એ ધરતી ઉપર પગ રાખનારાની નજર ભવિષ્ય તરફ હોય અને એની મુઠ્ઠી બંધ ન હોય અને એના હાથ દુનિયાને બાથ ભરવા માટે ખુલ્લા હોય.
આપણા આ મહાન દેશમાં બ્રહ્માંડ સરીખી વૈવિધ્યતા છે અને એ જ દેશની તાકાત છે. એકવીસમી સદી અને પછી બાવીસમી સદી અંકે કરી લઈને વિશ્વના લીડર બનવાની તાકાત આપણામાં છે. એ ક્ષમતામાં પ્રત્યેક ભારતીયને વિશ્વાસ બેસતો કરીએ તો આ દેશ અચૂક ટોચ ઉપર પહોંચી શકે…