બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : વ્યૂહરચનાને કઈ રીતે અમલમાં મૂકવી એ જાણો…

-સમીર જોશી
ગયા અઠવાડિયે આ કોલમમાં આપણે વાર્ષિક પ્લાન કે વ્યૂહરચના વિશે વાત કરી. એ વ્યૂહરચનાનાને અમલમાં પણ મુકવી તેટલી જરૂરી છે. વેપાર માટે વેચાણ જરૂરી છે, બીજા શબ્દોમાં વેચાણ થશે તો વેપાર ટકશે અને એ ટકશે તો ધંધો વધશે માટે યેન કેન પ્રકારે વેચાણ થાય-વધે એ જરૂરી છે. આપણે રહ્યા બ્રાન્ડના માણસ એટલે આપણને થાય કે બ્રાન્ડ બનાવી હોય તો વેપારમાં વેચાણ આસાન થાય અને બે પૈસા વધારે ગ્રાહકો પાસેથી માગી શકાય. વેચાણની માનસિકતા હશે તો જે માર્જિન મળે તે લઇ છુટ્ટા થઇ જશું, પણ દીર્ઘ દૃષ્ટિ હશે તો નફા પર પણ નજર રાખવી જરૂરી છે.
આપણે જાણીયે છીએ કે વ્યૂહરચના એ વેપારના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે સર્વોચ્ચ યોજના અથવા ધ્યેય છે. વાર્ષિક યોજનાને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે, લક્ષની સ્પષ્ટતા રાખો, વિગતવાર તેને પ્રાપ્ત કરવાનાં પગલાં લો, સંસાધનોની ફાળવણી કરો, જે-તે વિભાગના જવાબદાર લોકો હોય એમને લક્ષ્યો સમજાવી જવાબદારી સોંપો, અને આ બધાની જરૂરી દેખરેખ માટે વ્યવસ્થિત માળખું બનાવો.
ગુજરાતીમાં કહેવત છે કે `આરંભે શૂરા’. નવા વર્ષે લીધેલાં સંકલ્પ પહેલો મહિનો પૂરો થતા પહેલા ખોવાય જાય છે. આવું વેપારમાં પણ થાય છે, લોકો વ્યૂહરચના બનાવે તો છે પણ પછી તેના અમલ માટે સંઘર્ષ કરવો પડે છે.
આનાં મુખ્ય કારણો જોઈએ તો : સૌપ્રથમ, વ્યૂહરચના એકવારનું કામ છે પણ તે લાંબાગાળાની વિચારધારા આપે છે આથી આના માટે સમય લાગે, પણ નિશ્ચિત સમયમાં આ કાર્ય પૂં થાય છે. બ્લુ પ્રિન્ટ તૈયાર થઇ જાય પછી તેનું અમલીકરણ રોજ થવું જોઈએ અને લોકો અહીં થાપ ખાઈ જાય છે. વ્યૂહરચના બની ગયા બાદ બધા પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ જાય છે અને રોજેરોજની વેપારની મથામણમાં લાગી જતા સમય વીતતો જાય છે. વેચાણ થતું હોવાથી તેના પર ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે પણ આપણે તે ભૂલી જઈએ છીએ કે વ્યૂહરચના આપણને વધુ વેચાણ આપશે.
આ પણ વાંચો: બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : નવું વર્ષ… નવી યોજનાઓ… નવું જોમ
બીજુ, યોજનાબદ્ધ અમલીકરણ માટે થોડો ખર્ચો પણ થઇ શકે, જેમ કે માર્કેટિગની વ્યૂહરચના બનાવ્યા બાદ એ મુજબના કેમ્પેન બનાવવા, મીડિયામાં તેને પબ્લિશ કરવા, તેના વિવિધ કોલેટ્રલ્સ બનાવી સેલ્સ ટીમને તૈયાર કરવી વગેરે. ખર્ચની વાત આપણને રોકી દે પછી વિચારેલી વ્યૂહરચના બાજુ પર રહી જાય છે.
ત્રીજુ અને સૌથી અગત્યનું : ઘણીવાર આ યોજનાને આકાર આપવા માટે કંપની પાસે કાબેલ લોકો નથી હોતા. બીજાં ઘણા પરિબળ હોઈ શકે, પણ વ્યૂહરચનાને અમલમાં ના મુકવાના આ ત્રણ મુખ્ય પરિબળ છે. આથી જો વ્યવસ્થિત વ્યૂહરચના બનાવવાની તૈયારી હોય તો સૌપ્રથમ આ ત્રણ પરિબળને કંઈ રીતે પહોંચી વળશો તેનો સકારાત્મક વિચાર પ્રથમ કરવો પડશે.
તમે જયારે મોટી કંપની અને બ્રાન્ડ વિશે વિચારશો તો તમને આનો સુભગ સમન્વય જોવા મળશે. બાળકોના પ્રિય પાત્રો મિકી, ડોનાલ્ડના રચયિતા વોલ્ટ ડિઝનીએ જો આ વાતને ફક્ત પેપર પર રાખી હોત તો આજે આપણને ડિઝની લેન્ડ અને તેનાં પાત્રો ના મળ્યા હોત.
એમણે જે વ્યૂહરચના બનાવી તેનું તેટલી ત્વરાથી અમલીકરણ પણ કર્યું અને તેથી આજે તે એક સફળ સંસ્થા અને બ્રાન્ડ બંને છે. સફળ કંપનીના વિકાસ માટે યોગ્ય વ્યૂહરચના અને એનો અસરકારક અમલ થવો જરૂરી છે. વ્યૂહરચના વિકસાવવાની પ્રક્રિયા વર્તમાન પરિસ્થિતિની સમજ સાથે શરૂ થાય છે, જેમાં આંતરિક અને બાહ્ય પરિબળના વિશ્લેષણનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:બ્રાન્ડ બનશે બિઝનેસ વધશેઃ બ્રાન્ડને જીવંત બનાવે છે રંગ હર કલર કુછ કહેતા હૈ..!
આ માટે ઇચ્છિત પરિણામ નક્કી કરો અને એને પામવા માટે આપણે લક્ષ્યો નક્કી કરવા જોઈએ, જરૂરી સંસાધનોને ઓળખી અને યોજનામાં સમાવેશ થવો જોઈએ. એકવાર વ્યૂહરચના ઘડવાનું પૂર્ણ કરી લો ત્યારબાદ તેના વિશે તમારી સાથે સંકળાયેલા બધા લોકોને માહિતગાર કરો, જેથી દરેક વ્યક્તિ નક્કી કરેલાં લક્ષ્યોને હાંસલ કરવામાં પોતાની ભૂમિકા સમજી શકે.
વ્યૂહરચના અને અમલીકરણ એ બંને કોઈ પણ વેપારના અવિભાજ્ય અંગ છે. એકવાર વ્યૂહરચના તૈયાર થઇ ગયા બાદ તેનાં પરિણામો પરથી જાણ થાય છે કે તેનું અમલીકરણ કેટલું સશક્ત અને અસરકારક હતું.
યોગ્ય અમલીકરણ તે નિશ્ચિત કરે છે કે કાર્યો સુનિશ્ચિત સમયે અને બજેટ અનુસાર પૂર્ણ થાય. વ્યૂહરચના પ્રમાણેના નિશ્ચિત પરિણામો જાણી તે નિર્ધારિત કરે છે કે વ્યૂહરચનામાં ફેરબદલ લાવવા જરૂરી છે કે સંપૂર્ણપણે બદલવી જોઈએ ? આમ યોજનાનો અમલ આવશ્યક છે, પરંતુ તે હંમેશાં વ્યૂહરચના અનુસાર હોવો જોઈએ. આ માનસિકતા કેળવાય ત્યારે ખરો વેપારી વ્યૂહરચના બનાવી તેના શિસ્તબદ્ધ અમલ પર ધ્યાન આપશે. આમ વ્યૂહરચના અને તેનો અમલ એ બંને એકમેકના પૂરક થવા જોઈએ તો ફક્ત વાર્ષિક નહીં, પણ વર્ષોનાં વર્ષો સુધી વેપારમાં સફળતા મળતી રહેશે.