નેતૃત્વમાં બદલાવ – ભવિષ્યલક્ષી વ્યૂહરચના

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી
બદલાવ તે દુનિયાનો નિયમ છે. બદલાવ આવવો જોઈએ તેવું બધા માને પણ છે, પરંતુ જયારે તે પોતાના
જીવનમાં લાવવાની વાત હોય ત્યારે આ નિયમ બદલાઈ જાય છે. આ વાત ઘરથી લઈને વેપારી પેઢી કે પછી રાજકીય પક્ષો અને દેશની નેતાગીરી બધે જોવા મળે છે. જયારે યોગ્ય સમયે નેતૃત્વમાં બદલાવ નથી આવતો ત્યારે તેનાં પરિણામ કેવા આવે છે તે આપણે જાણીયે છીએ. કોઈ પણ સંસ્થા સફળ થવા માટે લાંબાગાળાનો વિચાર કરે છે. યોગ્ય સમયે સંસ્થાના નેતૃત્વમાં બદલાવ આવે તો નવો સુકાની, નવી પ્રતિભા, નવી વિચારધારાના સહારે વેપારને નવા શિખરે લઇ જઈ શકે અને તેના માટે નવા લીડરને સમય આપવો પડે, તેને ઘડવો પડે. અંગ્રેજીમાં આના માટે પ્રચલિત શબ્દ છે ‘ચેન્જ મેનેજમેન્ટ.’
ચેન્જ મેનેજમેન્ટની વાતના ફક્ત મોટી પારિવારિક વેપારી સંસ્થાઓ માટે પણ જ્યાં બે પેઢીની વાત હોય કે પ્રોફેશનલ સંસ્થાઓમાં સીઈઓની વાત હોય ત્યાં વિચાર માંગી લે છે. કોઈ પણ સંસ્થામાં પરિવર્તન અનિવાર્ય છે. ભલે તે નેતૃત્વમાં ફેરફાર હોય, નવી પ્રોડક્ટ લોંચ હોય અથવા મર્જર અથવા એક્વિઝિશન હોય, વેપારમાં ફેરફાર વિક્ષેપજનક અને પડકારજનક હોઈ શકે છે.
નેતૃત્વ પરિવર્તન એ લોકો અને સંસ્થાઓને જૂનામાંથી નવામાં સંક્રમણ કરવામાં મદદ કરવાની પ્રક્રિયા છે. તે ભવિષ્ય માટે દિશા બતાવવા, સમર્થન તથા માર્ગદર્શન પ્રદાન કરવા અને પરિવર્તન સામેના પ્રતિકારને દૂર કરવા વિશે છે. જો કોઈ વ્યવસાય અને તેના નેતાઓ આ મુખ્ય ઘટનાઓ દ્વારા અસરકારક રીતે સંચાલન કરવા માટે તૈયાર ન હોય, તો તે કર્મચારીઓમાં નીચું મનોબળ અને નબળા ગ્રાહક અનુભવ તરફ પણ દોરી શકે છે.
ચેન્જ મેનેજમેન્ટની પ્રક્રિયા ભવિષ્યલક્ષી છે. સિનિયર પોઝિશન પર બેઠેલી વ્યક્તિ જો ધાર્યા પરિણામ ન આપતી હોય તો તેને કાઢીને બીજાને બેસાડવામાં આવે તો તેને ચેન્જ મેનેજમેન્ટ કહેવું યોગ્ય નહિં હોય. જયારે જૂની પેઢી નવી પેઢીના હાથમાં ધુરા સોંપવાનું નક્કી કરે, પ્રોફેશનલ કંપનીમાં સીઈઓ ઘણા વર્ષોથી હોય તે પરિણામો પણ આપતો હોય પણ જો તેની ઉમર, કાર્યક્ષમતા, સમય સાથે બદલાવ, આવનારા સમયની ઝાંખી જો તે ના કરી શકતો હોય ત્યારે બદલાવ જરૂરી થઇ જાય છે. ચેન્જ મેનેજમેન્ટ રાતોરાત ના થઇ શકે તેને સમય આપવો પડે.
જૂની વિચારધારાની કામની વાતો રાખી તેમાં નવી વિચારધારાને ભેળવાવની કળા એટલે ચેન્જ મેનેજમેન્ટ. નવુ નેતૃત્વ પોતાના કૌશલ્ય અને અનુભવના સહારે વૃદ્ધિ અને વિસ્તરણના સંદર્ભમાં ફાયદાકારક બની શકે છે. આ મહત્ત્વનો હેતુ છે ચેન્જ મેનેજમેન્ટનો. એની સામે ચેન્જ મેનેજમેન્ટનો મોટો પડકાર એટલે જૂની પેઢીનું નિયંત્રણ અને કંપનીનું ક્લચર અને વેલ્યૂ. આમાં સૌથી અગત્યની વાત એટલે નવી વિચારધારાને છુટ્ટો દોર આપવો.
જૂની પેઢી જો પોતાના ગુણગાન ગાતી રહેશે તો નવી પેઢી કામ નહિ કરી શકે. આથી ક્યારે ધુરા છોડવી અને કઈ વાતોમાં પોતાની હાજરી રાખવી તેની સ્પષ્ટતા હોવી જોઈએ.
કંપનીનું ક્લ્ચર, વેલ્યૂ આની સ્પષ્ટતા નવી આવનાર વ્યક્તિને સમજાવવાનું કામ જૂની પેઢીનું છે. આ વાતોમાં બાંધછોડ ન થાય તેનું ધ્યાન રાખવુ આવશ્યક છે. આનું જીવતુ જાગતું ઉદાહરણ એટલે થોડા સમય પૂર્વે ‘ઇન્ફોસિસ’ અને ‘ટાટા’ જેમાં નવી આવેલી વ્યક્તિએ આ વાતને અવગણતા કંપની છોડવી પડી.
આવા સમયે શું કરવું તે પ્રશ્ન થાય. સૌપ્રથમ એક સ્પષ્ટ યોજના હોવી જરૂરી છે. આ યોજનામાં વિગતવાર
ઉત્તરાધિકારી વ્યૂહરચના શામેલ હોવી જોઈએ, જેમાં સ્થાપક, અનુગામી અને અન્ય કોઈપણ મુખ્ય હિસ્સેદારોની જવાબદારીઓ અને ભૂમિકાઓની સ્પષ્ટ રૂપરેખા હોય. બીજુ, આ પ્રક્રિયા માટે નિશ્ચિત સમયરેખા રાખો, જેથી ફોકસ જળવાયેલું રહે. ત્રીજી અગત્યની વાત એ કે જૂના અને નવા નેતૃત્વ વચ્ચે પારદર્શક સંવાદ આ પ્રક્રિયા દરમિયાન થવો જોઈએ જેના થકી આવનારા સમયમાં કોઈ ગેરસમજ ઉભી ના થાય.
આથી આગળ જયારે બદલાવ આવતો હોય છે ત્યારે સૌથી વધુ તણાવમાં સંસ્થાના કર્મચારીઓ હોય છે, કારણ તેમને ખબર નથી હોતી કે શું થઇ રહ્યું છે, શું થશે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત છે કે નહિ.
આવા વખતે કર્મચારીઓ-સ્ટાફ સાથે સંવાદ જરૂરી છે. તેમને વિશ્વાસ આપો કે જે થઇ રહ્યું છે તે સૌના ઉજળા ભવિષ્ય માટે થઇ રહ્યું છે અને એ સુરક્ષિત છે. તેમના વગર આ આખી પ્રક્રિયા પાર પાડવી મુશ્કેલ છે તેની ખાતરી આપો અને તેમને આ પ્રક્રિયામાં સકારાત્મકતાથી જોડો.
કદાચ નવી વિચારધારા માટે નવી ટીમ હયાત કર્મચારીઓમાંથી પણ ઊભી થઇ શકે જે હંમેશાં કશુંક નવું કરવાની ઈચ્છા ધરાવતા હોય. અમુક લોકો જે ઘણા સમયથી સંસ્થા સાથે જોડાયેલા હોય એ નારાજ થઇ સંસ્થાને છોડી ચાલ્યા પણ જઈ શકે છે. નેગેટિવ પબ્લિસિટી પણ થઇ શકે છે. આવા સમયે કઠોર નિર્ણયો લેવા પણ પડે જે લાંબાગાળા માટે આવશ્યક હોય.
ચેન્જ મેનેજમેન્ટને સંસ્થાએ ગંભીરતાથી લેવાની અને તેને પ્રાથમિકતા આપવાની જરૂર છે. નિયમિત મર્જર, એક્વિઝિશન અને અન્ય સંસ્થાકીય ફેરફારો સાથે, તે વ્યાપારી વિશ્વનો પ્રમાણભૂત ભાગ છે. સંસ્થાના લીડરો પરિવર્તન દ્વારા નેતૃત્વ કરવા માટે જેટલા વધુ તૈયાર હશે, તેટલા કર્મચારીઓ, ગ્રાહકો અને સંસ્થા સાથે સંબંધિત જે કોઈપણ હશે તેમને વધુ સારા અનુભવો થશે. આયોજનબદ્ધ જો આ પ્રક્રિયા થાય તો નવું નેતૃત્વ- નવી વિચારધારા- નવી ઉર્જા અને સકારાત્મક વાતાવરણ ઊભું થશે, જે આવનારા સમયના સંસ્થાના વિકાસ અને વૃદ્ધિ માટે મહત્ત્વનો ભાગ ભજવશે.
આ પણ વાંચો…બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: નામ ગુમ જાયેગા, ચહેરા ભી બદલ જાયેગા તેરી આવાઝ હી પહેચાન હે ગર યાદ હો…



