બોલો, તમે શું કહો છો?: ઝડપથી લુપ્ત થતી આ સમાજ વ્યવસ્થાનું ગણિત સમજવા જેવું છે

- જૂઈ પાર્થ
‘ઈ્યે પાલા બયણી્યે… ઈ્યે પાલા બયણી્યે… ઈ્યે ઝૂના લૂગડા આલી ને નવા વાહણ લઈ લો ડબ્બા, ટિફિન, તાસળા, તપેલા લઈ લો બુન લઈ લો ઓસા લૂગડામાં નવી બરણી, નવી તપેલી, નવા પાલા લઈ લો આ શાંતા જેવું હારું કોઈ પાલા બયણીવાળી નઈ આલે ઓ મીનાબુન, સરેયાબુન, જ્હોલીબુન હેંડો હેંડો ઝટ આઓ કોઈ બીજી બુન હારામાં હારુ વાહણ પેલા પહંદ કરે તો કે’તા નઈ કે અમે રઈ જ્યા ઈ્યે પાલા બયણી્યે…’
દર ગુરૂવારે બપોરે ચારનાં ટકોરે શાંતા પ્યાલા બરણીવાળી મીનાબહેનની સોસાયટીમાં જાય. જેને નવું વાસણ લેવું હોય એ શાંતાને બોલાવી ઓટલે બેસાડે અને ચા-પાણી કરાવે. બધીય સ્ત્રી 6-12 મહિના સુધી આખા ઘરનાં સભ્યોનાં ન પહેરાતાં કે ન પહેરી શકાય એવા, નવા જૂના જેવા તેવા પણ કાઢી નાખવાનાં કપડાંનું પોટલું બનાવતી જાય અને જેમ પોટલું તૈયાર થાય કે પેલી શાંતા પ્યાલા બરણીવાળીની કાગડોળે રાહ જોવાય.
શાંતાને પણ મીનાબહેનની આ સોસાયટી ઘર જેવી લાગે. ખાસ કરીને મીનાબહેન માટે એને પુષ્કળ લાગણી. એ મીનાબહેનને પોતાનાં મનની, ઘરવાળાની, બાળકોની બધાંની વાત કરે. અરે, કોઈવાર એના વર સાથે અણબનાવ થાય તો મીનાબહેનનાં ઓટલે બેસી ચાર આંસુ પણ સારે… મીનાબહેન પણ એની વાત સાંભળે, છાની રાખે, એને બનતી બધી મદદ કરે.
સ્ત્રીઓની આ જ વિશેષતા છે. કામની સાથે ક્યારે એકબીજાની સહેલીઓ બની જાય એ ખબર નથી પડતી. એકબીજાની વાત સમજવી, મન કળી લેવું એ એમના માટે સહજ છે અને માટે જ રસોઈવાળા બહેન હોય, કામવાળા કે પછી સાવ અજાણી પ્યાલા બરણીવાળી એ બંને એકબીજા સાથે ભાવની રકઝક પણ કરી શકે છે, વાસણની ગુણવત્તા નથી બરાબર એવું મોઢે કહી શકે છે તો બીજી બાજુ અંગત રીતે એને લાગણીથી મદદ પણ કરી શકે છે. અહીં વેપાર કરતાં સંબંધો પણ મજબૂત થાય છે.
ક્યારેક તો લાગે કે જેમ શૃંગાર પર સ્ત્રીઓનો હક્ક છે તેમ શોપિંગ એટલે કે ખરીદી પર તો જાણે એમનો એકાધિકાર છે. શાક, કરિયાણું, ઘરવખરી કે પછી બે રૂપિયાનું ચાંદલાનું પેકેટ જ કેમ ના હોય. ખરીદી કરતા વેંત સ્ત્રીની ખુશી એની આંખોમાં અનેરી ચમક રેડી દે છે. અને એમાંય પાછું પ્યાલા બરણીમાં તો એક્સચેન્જ ઓફર જૂનો માલ આપી નવો નક્કોર માલ ખરીદવાનો! તો કોઈ પણ સ્ત્રીને આનાથી વધુ શું જોઈએ?
આ પણ વાંચો…બોલો, તમે શું કહો છો? જન્મ – જન્માક્ષર – જન્માંતર
પ્યાલા- બરણી એટલે જૂનાં કપડાંના બદલામાં નવા નક્કોર, ચકચકાટ વાસણ લેવાનાં તે. અમુકવાર જેને જે વાસણની જરૂર હોય તે પ્યાલા બરણીવાળીને પહેલેથી કહી રાખે, જેથી એ ફરી આવે ત્યારે જોઈતું વાસણ લાવે અને બદલામાં એને કેવાં અને કેટલા કપડા જોઈશે એ પણ કહી દે, જેથી સમય બગડ્યા વગર કામ ઝડપથી પતી જાય અને હા બે સ્ત્રી જ્યારે વેચાણ-ખરીદી માટે મેદાનમાં ઊતરે તો ભાવ-તાલ વિના સોદો થાય ખરો? પ્યાલા બરણીવાળી વધારે કપડાં મેળવવાની લાલચ રાખે અને શેઠાણીને વધુ ને વધુ વાસણ મેળવવાની લાલસા જાગે. બંને પક્ષે રકઝક ચાલતી રહે…
સમાજમાં આ પ્યાલા- બરણી વ્યવસ્થા ક્યારથી અસ્તિત્વમાં આવી એનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ તેનાથી ઘરમાંથી નકામાં કપડાંનું સમયસર નિરાકરણ આવે તેમ જ પહેરેલા કપડાં દુકાનમાં વેચી ના શકાય તો આ રીતે તેનાં બદલામાં નવું વાસણ વસાવી શકાય એટલે આમ જોઈએ તો આ પ્રક્રિયામાં રિ- સાઈકલિંગનું મહત્ત્વ પણ ઊભું થાય છે. આપણને ય મનમાં પ્રશ્ન ઊભો થાય કે પ્યાલા- બરણીવાળી બધાય પાસેથી આટલાં બધાં કપડાં લે તો તેનું કરે શું? વર્ષોથી પહેરાયેલાં એટલે કે જૂનાં કપડાં વેચવા માટેનું એક ખાસ બજાર ભરાતું હોય છે. આવા બજારમાં જૂના કપડાં વેચીને જે કમાણી થાય તેમાંથી પ્યાલા- બરણીવાળી નવા વાસણ ખરીદે અને એ વાસણ મોટી સોસાયટીઓમાં જઈને કપડાંનાં બદલામાં આપે. આમ રિ- સાઈકલિંગનું ચક્કર ચાલ્યા કરે…
શહેરનાં વિકાસ અને વિસ્તારની સાથે સાથે હવે પ્યાલા- બરણીવાળીઓ ધીરે ધીરે ઓછી થવા માંડી છે. ઓનલાઈન શોપિંગનાં જમાનામાં જૂના કપડાં ને લાગતી વળગતી વસ્તુઓ પણ હવે ઓનલાઈન રિ-સેલ થાય છે. 60-70% લોકો ખરીદી પણ ઓનલાઈન કરે છે. હવે એ દિવસો દૂર નથી જ્યારે એક પણ પ્યાલા- બરણીવાળી ભાગ્યે જોવા મળશે ને એ શબ્દ હવેની આવતી પેઢીને સમજવો પણ અઘરો થઈ જશે. પ્યાલા- બરણીની સામાજિક ગોઠવણ માત્ર કાગળ પર યાદ બનીને જીવશે. ના કોઈ બૂમ, ના કોઈ રકઝક, ના કોઈ ભાવ-તાલ માત્ર યાદો વહેંચાતી રહેશે તમારા અને મારા જેવા થકી!
બોલો, તમે શું કહો છો?
આ પણ વાંચો…બોલો, તમે શું કહો છો?: ના ગમે એ નાત બહાર