આજે આટલું જ : અતિ માહિતીનું અદોદળાપણું અત્યંત ઘાતક…2

છે છેતરપિંડી મોટી, આવી દુનિયામાં જનમ લેવો,
ન ગમતું હોય એ કાયમ ગટકવાનું જ છે અહીંયા.
બધી આંખો કરે છે ભિન્ન વૃત્તિઓના કારોબાર,
બધાંને કૂમળું વિસ્મય ખટકવાનું જ છે અહીંયા.
છે વૈભવ આંસુઓનો તો ઉદાસીની છે સમૃદ્ધિ,
અતિશય ચાહવું કાયમ ચટકવાનું જ છે અહીંયા.
બધે પુરવાર કરવું છોડી, આ… બેઠો નિરાંતે હું,
ગતિમય છે સતત એ પણ અટકવાનું જ છે અહીંયા.
વિચારી ખૂબ, મેં શબ્દોને મરવાની સજા આપી,
કલમને જાણ છે પૂરી, બટકવાનું જ છે અહીંયા.
આપણે ગયા અઠવાડિયાથી વાત માંડેલી જીવનની મોડર્ન વ્યવસ્થાઓને લીધે ઊભા થતા જ્ઞાનના અતિરેકની. કેવી રીતે આખા કાવતરાને ઓપ અપાઇ રહ્યો છે. એનો અણસાર તો આવી ગયો, પણ આ કાવતરાનાં બૌદ્ધિક મદદગારોની ખાસિયત શું છે ખબર છે? જાણ છે એમને એ શું કરી રહ્યા છે એની. આ બધા યાંત્રિકી ભગવાનો-ખુદાઓ-ક્રાઇસ્ટો અને મીડિયાના મહારાજાઓ મુદ્દલે ઇચ્છતા જ નથી કે તમે સહેજ પણ વિચારો- તમારી બુદ્ધિ કામે લગાડો. એમની એકમેવ ઇચ્છા છે કે તમારી આંગળી અને અંગૂઠા સદા કાર્યરત રહે, તમે પ્રત્યક્ષ કે ફોન પર દલીલબાજીમાં `મસ્ત’ અને વ્યસ્ત રહો, વારંવાર નિરંતર તમે ફોનને આંગળી-અંગૂઠાથી ખણખોદતા રહો. તમારું વ્યસન તમારી બદી એમનો નફો છે. એમનું બિઝનેસ મોડેલ એક જ છે કે તમે માનસિક રીતે ખલાસ થઇ જાઓ.
આ પણ વાંચો: આજે આટલું જ: ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી (૩)
આનો ઇલાજ છે ખરો?? આ બધામાંથી મનને સાવ ખેંચી લો તો તમને લઇ જશે અજ્ઞાનતા તરફ. અજ્ઞાનતા તો છે બન્ને બાજુએથી બળતી મીણબત્તી. આનો ઇલાજ છે માનસિક શિસ્ત, આંગળી અંગૂઠાના વધુ પડતા શ્રમથી જાતને બચાવવી. એકાદ બે શબ્દોમાં આખા લખાણની જાણ થઇ જાય તો એ નક્કામો મેસેજ તરત જ ડિલિટ કરી નાખવો. વાંચવું ઓછું અને સમજવું વધારે. મનની સાવ ભીતરે સતત એ ઇચ્છાને ડામ દીધા કરવો કે મારે ચર્ચાઓ જીતવી છે, મારે આ શાબ્દિક યુદ્ધમાં અન્યોને પછાડવા છે, મારે વ્યર્થ વાણી (અ) વિલાસના વિજેતા બનવું છે, ઝંડા રોપવા છે, સિકંદરની શેખી સ્થાપવી છે… તમે જેમ તમારા સ્વાદાનુસાર વાનગીઓનું ચયન કરો છો એનાથી સહેજ પણ ઓછી દરકાર વગર તમે શું વાંચો છો એ ચયન કરવું. સતત પૂછયા કરવું તમારી જાતને; આ માહિતી મારું જ્ઞાન વધારે છે કે માત્ર મને જાણકાર બનાવે છે?
આ પણ વાંચો: આજે આટલું જ : ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી…
કારણ? અંતે માહિતીગમ્ય અદોદળાપણું, સ્થૂળતા શારીરિક અદોદળાપણું સ્થૂળતા કરતાં અનેકગણી વધુ હાનિકારક છે. જાડું શરીર વિચારવાની ક્ષમતા ધરાવે જ છે, પણ સ્થૂળ દિમાગ વિચારનો ભ્રમ દર્શાવતો ફકત ખખડાટ છે.
જાગો મોહન પ્યારે! ને કામ કરો અત્યારે… નિરર્થક માહિતી માટે દરવાજો કરી દો બંધ… નહીં તો બુદ્ધિ બની જશે અંધ.
આજે આટલું જ…