આજે આટલું જ: આ આખું નાટક શા માટે?

- શોભિત દેસાઈ
ઘણા એવા ય લોકો છે કે જેઓ બીજાનો ભોગ લઈ ઉપર ચઢે છે.
મરીઝનો આ શેર રવિવારે જીતાયેલી અને પછી મીડિયા પ્લેટફોર્મ પર બહુ, સતત, લગાતાર, નિરંતર ગાજતી ફાઈનલના સંદર્ભમાં મુકીએ તો ‘ઘણા લોકો’ની જગ્યાએ ‘નાદાર પાકિસ્તાન’ મુકવું યોગ્ય. આખો મુલ્ક જ નકવી જેવા ઉધારીયા, ચોર, નાદાર, ભ્રષ્ટ શાસકો અને એમના સાથીઓથી ભરેલો. અને જે કંઈ ન કરી શકે છતાં નામ બનાવાના અભરખા રાખતો હોય એ હંમેશાં સારું હોય એને કોસતો જ હોય… એ બહાને તો ધ્યાન અને ચર્ચામાં રહેવાય!!!
ચંદ્રકાંતને આ આદત ઘણી… કોલમોમાં એસ્ટાબ્લીશમેન્ટને ઉતારી પાડવાના એમના પ્રયત્નો રહેતા જ. એને લીધે તે વખતના વાચકવર્ગવાળા થોડાક એના ચાહક થવા માંડ્યા, અને પછી તો નવેનવી હામપ્રાપ્ત, ‘ફેનફેર’ વધવા માંડ્યો. એમાં નુકસાન થયું એના વાર્તાવિલાસને. ભુલાઈ જ ગયા… એ બધા પાત્રો, અથવા તો ‘અચ્છા! એ આ ય લખે છે?’ ના પ્રશ્નાર્થમાં તણાઈ ગયા.
તો મૂળ વાત… પાકિસ્તાન કે એના ક્રિકેટપટુ (જો એમને ગલી ક્રિકેટપટુ કહીએ તો વધુ યોગ્ય?) ગમે એટલા પ્લેન પાડવાના કે આંખથી ‘શૃંગાર’ માટે કમરામાં આવવાના ને એય ચશ્મા પાછળથી ઇશારા કરે તો ય પીટાવાનું મુકદ્દર છે પાકિસ્તાનનું. બિચારો શાહબાઝ શરીફ શું કરી શકવાનો? નકવી નામનો નપાવટ નસીબમાં લખાયો હોય ત્રણ ત્રણ ઠેકાણે ત્યાં… કેતન ગાંધીએ કહેલી એક કહેવત શાહબાઝને કેવી લાગુ પડે છે! ‘મૂળમાં મુળજી જ કાણા ને ઉપરથી બે ડોશીની ઇચ્છા’ કેતન! સ્વર્ગમાં આનંદ પામ.
કોઈ યુગ, બુગ, જુગ, છે જ નહીં. હા, એ નામની મદારીની ડૂગડુગીઓ છે. પણ જૂના સમયની એક વાત સાચી કે બધે… બધે જ દુર્જનોનું રાજ (વર્ચસ્વ) વધતું જાય છે. ભારત આટલું સશક્ત હોવા છતાં ક્રિકેટનો દુશ્મન નકવી એશિયન ક્રિકેટ કાઉન્સીલનો ચેરમેન કઈ રીતે બન્યો? જવા દો ‘ઉંઘતા ઝડપાયા’ જેવી બકવાસ કહેવતો… ઉંઘો છો શા માટે? 145 કરોડની જનસંખ્યાના તમે એશિયા પૂરતા અને એસીસી પૂરતા પ્રતિનિધિ છો. હવે તો બંગડીઓ છોડો! કડાં પહેરો! છુંદણા ત્રોફાવો મર્દાનગીના! પણ નહીં કરો તમે આમાંનું કાંઈ… મનોરંજન અને ટાઈમપાસ સિવાય બીજા કશાયની, ક્રિકેટમાંથી આશ ન રાખતી પ્રજા ય આ સમજે છે. ઘાયલ કહે છે એમ
પૂછ નહીં આમ કેમ ચાલે છે
ચાલવા દે તું જેમ ચાલે છે
પુલવામામાં 26 હણાયા. તરત તો કરંટ લાગ્યો હોય એવી દેશની ચામડીમાં ગતિ આવી. ખાસ બિહાર જઈ મર્દાના વક્તવ્ય અપાયા ને પૂલો તોડાયા ને રસ્તા ભંગાયા ને દોષો દેવાય ને ટાઢા પડાયા… ને પછી? પછી પાછી પાની? અને એ ય આવી? કે ક્રિકેટ મેચના માંચડા ઊભા કરાયા ને હેન્ડશેક હસ્તધૂનન પાછા ઠેલાયા ને ટ્રોફીના અસ્વીકારના નાટક આકારાયા. બેવકૂફ સમજો છો અમને? હું આ લખવાને કાબેલ છું, ક્રિકેટનો કીડો હોવા છતાં ત્રણમાંથી એક પણ match મેં નથી જ જોઈ. જાણું છું આ બધી રાજકારણ અને ક્રિકેટકારણની ખલાનાયકીઓ.
અમેરિકા અને યુરોપમાં ફૂટબોલ આટલું બધું પોપ્યુલર ક્યારથી બનવા માંડ્યુ, જાણો છો? 1928થી 1932ની, પહેલા વિશ્ર્વયુદ્ધે ઊભી કરેલી તડામાર મંદી પછી લોકોની પાસે ખાવાનું ન હોય એ વાત ભુલવા લોકો રમતના સમાચાર તરફ દોરાય. રમતના મેદાનમાં તો એ વખતેય પ્રવેશી શકે ફક્ત પૈસો. પણ રમતની ખબરો અને અફવાઓ સાંભળી ગરીબડો ભૂખ એટલો વખત ભૂલી શકે. એ જ હાલત છે ને આજે?! મફત રાશનને લીધે ભૂખનો તો સવાલ નથી આજે, પણ અન્ય સુવિધાઓથી વંચિત સામાન્યજન અને અસામાન્યજન પણ વિચારતા બંધ થાય એટલે ઠોકો ક્રિકેટ એમના લમણે. કે પછી જય મંદિર, જય મસ્જિદ, જય પથ્થર…ભાડમાં જાય ઈન્સાન… છો પેદા થતા રહે, જીવે અને મરે સાલાઓ.
આ પણ વાંચો…આજે આટલું જ: હું અસહમત થાઉં છું…
ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ હવે થવાના નહીં. Reels અને Twitter અને Android કે Iphoneમાંથી પ્રજા માથું ઉંચકે તો ને?! પણ ભલું થજો આ બધાયનું કે કદાચ બુથ પર આ બધાનું કામણ કામ કરી જાય અને બદલાવ લાવે/આવે.
સવાલો પૂછવા પડશે, જવાબો આપવા પડશે
હવે ગેંગેં કે ફેંફેં નહીં, હિસાબો આપવા પડશે.
હવે જો આવવું હો તો લઈને આવજો ચહેરો
ઉભેલા દ્વારપાળોને નકાબો આપવા પડશે
શોભિત દેસાઈ
એક વો હૈ જો રોટી બેલતા હૈ
દૂસરા વો હૈ જો રોટી પકાતા હૈ
તીસરા વો હૈ જો રોટી સે ખેલતા હૈ
યે તીસરા આદમી કૌન હૈ,
મેરે દેશ કી સંસદ મૌન હૈ.
ધૂમિલ
એક વો હૈ જો ક્રિકેટ ખેલતા હૈ
દુસરા વો હૈ જો ક્રિકેટસે કમાતા હૈં
તીસરા વો હૈ જો ક્રિકેટમે સિયાસત ધકેલતા હૈ
ચૌથા વો હૈ જો ભૂખ મિટાને ઈન સબકો ઝેલતા હૈ
યે ચૌથા આદમી કૌન હૈ, ક્રિકેટકી કારોબારી મૌન હૈ
શોભિત દેસાઈ
આવતા રવિએ વાત આગળ વધશે.
આજે આટલું જ.
આ પણ વાંચો…આજે આટલું જ: સાવ ખાનગી વાત