આજે આટલું જ : અમિરાઈ ક્યાં કોઈના વડીલનો ઈજારો છે?? | મુંબઈ સમાચાર
ઉત્સવ

આજે આટલું જ : અમિરાઈ ક્યાં કોઈના વડીલનો ઈજારો છે??

  • શોભિત દેસાઈ

ફક્ત પીઠ અને એની ઉપર લટકતો ભંગારનો કોથળો. અંદર ડોકિયું કરવાનો લહાવો મળે તો બાલમુકુન્દ દવેનાં ‘બોખી શીશી, ટીનનું ડબલું, બાલદી કૂખ કાણી’ સાથે એલ્યુમિનિયમના વાયરના ટુકડા અને પોતાં તરીકે વપરાતા પાતળા તારના ગૂંચળા, ફેંકાયેલી બેટરીઓ, તૂટી ગયેલી પ્લાસ્ટિકની સીટીઓ, વેદ-ઉપનિષદ-કુરાન-બાઈબલનાં ર્જીણ શીર્ણ પૃષ્ઠો, હણાઈ ચૂકેલા ‘કૂકડે કુક’નાં રંગબેરંગી એકલદોકલ પીંછાં, પાનખરગ્રસ્ત પાંદડા ઈત્યાદિ સમસ્ત સૃષ્ટિદર્શન કરી શકો. ફક્ત પીઠ કરીને ચાલનારને હજી નજીકથી ‘નિરખીએ’ તો ચાલી ચાલીને ક્ષીણ થઈ ગયેલા પગને બે અલગ રંગોના સ્લીપરથી ‘શોભાવતું’ તળિયું અને તૂટેલા કાંસકાથી ઓળાયેલા વાળના ગુચ્છનો પાછળનો ભાગ. આગળ ચાલતી આ મહાવિભૂતિને કોઈક ઘના જંગલના લીલાછમ પણ ખાડાટેકરા વાળા વિસ્તારમાં પાછળ ફોન પર કેમેરા ઓન કરીને ચાલતા બે જણ અટકાવે છે.

થોભ, ભાઈ… એ! ઊભો રહે?!

હાં? શું થયું? હવે ચહેરો સમક્ષ થાય છે. કાળા અબનૂસ જેવો રંગ છે. કોઈ અવર્ણનીય સંતોષ અને તત્કાલીન થોડાક ડરની ચમકવાળી આંખો છે. ડાચાં અડધા બેસી ગયાં છે. આટલો ગરીબ છે એટલે પુષ્ટ તો ન કહી શકાય પણ જાડી મૂંછો છે. જુએ ત્યારે જાગૃતિ ભરપૂર હોય એવો બુદ્ધની કક્ષાનો વિલાસ છે ચહેરા પર હવે, હવે ક્રમશ: નિર્લેપતા પરત ફરી રહી છે. ડાબે હાથે પાછળ લટકતો કોથળો અને જમણો હાથ અડધો વાળીને એમાં એક ગલૂડિયું ઝાલ્યું છે.

ઊભો રહે, એ ય!
શું થયું?
ઊભો રહે. શું નામ છે તારું?
બિધાન.
હેં? શું?
બિધાન…
અચ્છા? બિધાન? ક્યાંનો છે તું?
બંગાલનો જી.

બંગાલનો? હા… સાચેસાચું બોલીશ? હા… સાચેસાચું… બંગાલનો છે તું? હા…જી? ભારતીય છે? (હોઠ ખોલી સફેદ રંગનો અર્થ સમજાય એવા દાંત ‘પ્રદર્શિત’ કરી હસતાં હસતાં) હા… ભારતીય જ. શું કરે છે તું? કબાડ ભંગાર ભેગું કરું છું… અચ્છા ભંગાર ઉપાડે છે? (ફરી હસીને) હા… તો બોલ આ કૂતરો કોનો ઉપાડી લાવ્યો છે તું? અરે આ તો મારો કૂતરો છે… (ગલૂડિયાનું ઢળેલું મોં ઊંચું થઈને બિધાનની દાઢી તરફ જુએ છે)

આ પણ વાંચો…આજે આટલું જ : કાનસેન અને તાનસેન

તારો ક્યાંથી થયો આ કૂતરો? જુઠ્ઠુ બોલે છે? આ કૂતરો તારો હોઈ જ ના શકે… અરે કોઈને પણ પૂછો અહીં, મારા કેટલા છે બીજાં કૂતરાં… બીજાં કૂતરાં? એટલે! અરે જેટલા છે અહીં બધા મારા છે… તું ભંગાર વીણે છે ને કૂતરા પાળે છે? હા જી… અમે કેમ માનીએ કે આ કૂતરો તારો છે… અરે આ તો બીમાર હતો. હમણાં જ હોસ્પિટલમાં એને દેખાડીને આવી રહ્યો છું… બીમાર હતો? હા… એને દેખાડી આવ્યો? હા… ડોક્ટર પાસે? હા, અહીંયા શિવમૂર્તિમાં… શિવમૂર્તિમાં? હા… શિવમૂર્તિમાં ડોક્ટરની ‘દુકાન’ છે… અને આમ ભંગાર વિણે છે, કેમ? હા… અને આમ કૂતરા પાળે છે? હા… કેટલા છે? દસ પંદર તો હશે…

આગળ ગણતા નથી આવડતું બરોબર, દસ વીસ તીસ આવડે પણ અંદર ગડબડ થઈ જાય છે… અચ્છા, એટલે મનાય નહીં એવી વાત તું છોડીશ નહીં, કેમ? અરે આ રહ્યાં બધા મારા દર્દી, સાથીઓ, બચ્ચાંઓ, મારા આશરાઓ, મને સેવા કરવાનો મોકો આપે છે એ બધા આ રહ્યાં… (પાંચ ડગલા દૂર ઊભેલા બે ઝાડની વચોવચ એક ‘શ્ર્વાન નિવાસ’ છે, એક બાજુથી ખૂલ્લો અને ત્રણ બાજુ પ્લાસ્ટિકનાં પોસ્ટરથી ઈન્ટિરીયર કરેલો તલાટી જેવા ઉચ્ચ ઈન્ટિરીયર ડેકોરેટરને સ્પર્ધામાં પાછળ મૂકે એવી કરુણાથી ભરેલો. અંદર 5-7 કૂતરાં હલનચલન અને મૃદુ અવાજો સાથે આમ તેમ ઘૂમી રહ્યાં છે) આ જુઓ આ ભાગ્યો…

આવશે પાછો… આને બે દિવસથી ઠીક નથી. સાંજે લઈ જઈશ ડોક્ટરની દુકાને. કેટલા છે? દસ પંદર… બીમારીથી બચાવી નથી શકાતા. આટલું કરવા છતાંય મરવાના હોય એ તો મરી જ જાય છે… એ કહે અમને ભાઈ કે આ ભંગારમાંથી કમાય છે કેટલું રોજનું? મંદીમાં તો 50-100 માંડ આવે. 50- 100? તારી પાસે 10-15 કૂતરાં છે, કેમ પૂરું કરે છે? થોડું થોડું કરીને ગુજારો થઈ જાય છે. મારે માટે દસ રૂપિયાનાં ચોખા લાવું છું, બાકીમાંથી આમને માટે… અરે! (બન્ને પૂછતાછીયાઓના અવાજમાં ડૂમો) તું દસના ચોખા ખાય? અને બાકીના નેવુંનું કૂતરાંને ખવડાવે? હા. દુકાનમાંથી 250 ગ્રામ ચોખા લઉં રોજ. બહુ થૈ ગયા. પૂરતા…

એ ય ક્યારેક ના ખતમ થાય તો બીજે દહાડે 200 ગ્રામ. બાકીનું આમને માટે. દસ રૂપિયાના ચોખા લાવીને ઉકાળું અને આ રહ્યું નમક. થોડું નાખી દઉં. લીલાલહેર. બાકી શોધો તમે, મરચાં-ડુંગળી કાંઈ કરતાં કાંઈ નહીં મળે તમને. સાદા મીઠાથી કામ ચાલે છે. બાકીનું આમના ખાવા-ઈલાજ માટે… અને આ બિસ્કીટ કોને માટે? આ બધા માટે. આ નાનકું છે ને એને દૂધ, નાનું છે ને એટલે. સાંજે દસ રૂપિયાનું દૂધ. (બન્ને ખણખોદીયા અવાક્) કાંઈ મદદ કરીએ? મને આમને માટે થોડાં બિસ્કીટ જોઈએ. અરે એ તો આપીશું જ. બીજું કૈં? ના રે ના…બીજું કંઈ જ નહીં…

આવડું મોટું દિલ આવી સાવ ક્ષીણ કાયામાં કઈ રીતે સમાતું હશે?

લે ભાઈ આ બિસ્કીટના પેકેટ્સ. અને આ તારા નમક અને તાજા જન્મેલા કુરકુરિયાના રોજના દસ પ્રમાણેના થોડા દિવસનાં બસો રૂપિયા. અમારો એક રૂપિયો ખોટો નથી પડવાનો. અમારાથી અવાય ન અવાય પાછા જંગલમાં. તને જ્યાં સુધી જરૂર હશે, ગામની દુકાન તને જે જોઈએ એ આપતી રહેશે…

સારું કર્યું. માંદો પડુ ત્યારે જ કદાચ જરૂર પડે. બાકી તો છે બધું.

ચર્ચમાંથી ઈસુ, મસ્જિદમાંથી અલ્લાહ, મંદિરમાંથી રામ અને કૃષ્ણ, સ્તુપમાંથી બુદ્ધ, દહેરાસરમાંથી મહાવીર બહાર નીકળી, બધા એકાકાર થઈ કોઈક જંગલમાં ત્રણ ફ્લેક્સના પોસ્ટરોની દીવાલવાળી ચાર સ્કવેર ફૂટની જગ્યામાં ત્વચા પર અબનૂસ લગાડી કાન પર વિખરાયેલા વાંકડિયા વાળ સાથે કોઈકનું yellow and black ચેક્સવાળું ઉતરેલ શર્ટ પહેરીને બેઠા છે … In case કોઈને દર્શનની ઈચ્છા હોય તો…

આજે આટલું જ…

આ પણ વાંચો…આજે આટલું જ : હું માફી માગું છું…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button