આકાશ મારી પાંખમાં : મધુવનમાં માંડી ગોઠડી

- ડૉ. કલ્પના દવે 75વર્ષીય માનુની માલિની જોશી આ જઈફ ઉંમરે એકલતાના ટાપુ પર એકાકી છતાં ગૌરવભેર રહેતાં હતાં. આજે યાદોના મધુવનમાં ખોવાયેલા માલિનીએ વિચાર્યું કે આ મુંબઈ શહેરે મને કેટલું બધું સુખ આપ્યું છે. અમે અંધેરીના નાના ઘરમાં રહેતા હતા. ત્યાંથી 1962ની આસપાસ પિતાએ મણિભુવન પાસે એક શેઠના બંગલો-લક્ષ્મીભુવનમાં ભોંયતળિયે ઘર ખરીદ્યું. એ લક્ષ્મીભુવનમાં પપ્પાની લાડલી અને ભાઈની બેનડી થઈને ખૂબ ઝૂલી. અને આજે પણ શું તકલીફ છે?
જીવનની આ સુવર્ણસંધ્યા પણ હું ગર્વભેર જીવું જ છું. આન્ટી-આન્ટી કહીને મારો પડ્યો બોલ ઝીલતી મારી સુનીતા કેરટેકર. હા, એ કેરટેકર જ કહેવાય કારણ એ સંબંધ માત્ર ને માત્ર પ્રોફેશનલ- એમાં લાગણી પૂરવા જાઓ તો જોખમ. કારણકે 35 વર્ષીય સુનીતા ગામમાં રહેતી અને બોર્ડિંગમાં ભણતી એની દીકરી માટે જ આ નોકરી કરે છે. અને હું પણ પ્રોફેશનલી જ જોઉં છું. કારણકે એણે અગાઉ નર્સ તરીકે હોસ્પિટલમાં જોબ કરી છે.
હવે આ ઉંમરે મને કાંઈ થઈ જાય તો હું શું કં? મારો દીકરો સુયશ જ મને આ હાલતમાં તરછોડીને જતો રહે, તો બીજા કોઈનો શો ભરોસો- એ લંડનમાં એની ફેમિલી સાથે લાઈફ એન્જોય કરે છે ને, તો હું પણ લાગણીઓના કૂવામાં શામાટે ગૂંગળાઈ મં- યસ, આય કેન બી હેપી ઓન માય વે- હા- પણ, જ્વેલરી કીંગ ગણાતા મારા પતિ અજય જોશીનું માસીવ હાર્ટએટેકને કારણે તત્કાળ નિધન થયું ત્યારે મારા દીકરાએ બે મહિનામાં જ ધંધો આટોપી લીધો અને લંડન ચાલી ગયો. કેટલાક ખોટા ડોક્યુમેન્ટસ પર મેં સહી કરવાની ધરાર ના પાડી. ત્યારે મા-દીકરાના અતૂટ સંબંધો પણ ક્ષણભંગુર થયા. જિંદગીની મોટી શીખ કે હવે માલિની જોશીને એકલા જીવવાનું છે. એ પણ ડીગ્નીટી સાથે- બિચારા કે દયામણા થઈને નહીં.
આ પણ વાંચો: ટૅક વ્યૂહ : દુનિયાનું પ્રથમ ફ્યુચર સિટી: અસાધારણ ને અતુલ્ય…
હા, તો મેડમ માલિની જોશી એની મરજી મુજબ શ્રેષ્ઠ જીવન વ્યતીત કરી રહ્યા છે.
મેડમ માલિની આજે એમની પેનડ્રાઈવમાં સચવાયેલા પોતાનાં સંસ્મરણોમાં ખોવાયેલાં હતાં. હૈયાના એક ખૂણામાંથી જીવનની મધુર ક્ષણો ડોકિયા કરી જતી, તો હૈયાના બીજા ખૂણામાંથી જીવનની નક્કર વાસ્તવિકતા ડંખ દઇ જતી.
માલિનીના હૈયામાંથી એક પડકાર સંભળાયો- હું સુખી છું. એકલતાનો વીંછી મને ડંખી ન શકે. બેંકમાંથી રિટાયર થઈ ત્યારે હું અને અજય યુરોપ ટુરમાં ગયાં હતાં કેટલી મજા કરી હતી. ટુરમાં બધા અમને લવબર્ડ કહીને જ બોલાવતા હતા, અને કપલડાન્સ તો યાદગાર બની ગયો હતો. અરે, એ યુરોપીય મ્યુઝિકવાળા અમારા ટે્રડિશનલ ડે્રસ અને ડાન્સ જોઈને ખુશ થઈ ગયા હતા- અમને બેસ્ટ કપલનો સ્ટાર આપ્યો હતો.
એક ગીત હતું ને કે- જીને કા અગર અંદાજ આયે,
તો કીતની હસીં હૈ જીંદગી
મરને કે લિયે જીના હો અગર
તો કુછ ભી નહીં હૈ જીંદગી
હા, આજે પણ ભલે હું એકલી છું પણ સુખી છું. માં પેન્શન, પતિના ધંધામાંથી મળેલો 40ટકા ભાગ- ધંધામાં કાવાદાવા કરીને, મોટી ઉચાપત કરીને સુયશ વિદેશ ગયો- મેં તેને ન રોકયો- નવો મેનેજર રાખીને મેં પતિ અજય જ્વેલરી હાઉસ ફરી ચેતનવંતું કર્યું. હવે એક વાત શીખી ગઈ છું નો ઈમોશનલ એટેચમેન્ટ, ઓનલી બિઝનેસ ડિલ. એટલે પેલા મેનેજરની જેમ સુનીતા પણ ફક્ત કેરટેકર જ.
આજે માલિનીનું હૈયું ચકડોળે ચઢ્યુ છે. હું સુખી છું. મને મારા જીવન સામે કોઈ ફરિયાદ નથી. તો પછી આ તલસાટ શેનો, એક ન સમજાય તેવો અજંપો કેમ લાગે છે? ગઈ કાલે એડવોકેટ યોગિતા માથુર કોફીહાઉસમાં મળી હતી, એણે કહ્યું કે માલિની મેડમ, યુ શુડ પ્રીપેર યોર વીલ- સુયશ વિદેશમાં છે, એટલે તમારે જ લીગલ કરી લેવું જોઈએ.
હા, એટલે જ આ મન ચકડોળે ચઢ્યું છે. જીવનની ખાસ સ્મૃતિઓ આજે દાવાનળની જેમ મને દઝાડી રહી છે. જીવનની રળિયામણી સાંજે એકલતાના આ ટાપુ પર માં મન શું ઝંખે છે- પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ બધું જ મેં પ્રાપ્ત કર્યું છે. આ દોમદોમ સાયબી એ મારા આખા જીવનનું તપ જ છે.
આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાસણગીર ખાતે જંગલ સફારીની મુલાકાત…
તે દિવસે પપ્પાની લો ઓફિસમાં અજય જોશીનું આવવું, હું કોમર્સ ગ્રેજયુએટ પૂં કરીને લો કરવાનું વિચારતી હતી.
બીજી મુલાકાત, કોફીહાઉસમાં હું અને અજય મળ્યા અને કોફી પીતા પીતા જ અતૂટ પ્રેમમાં બંધાઈ ગયા.
અજયના જ્વેલરી હાઉસમાં પહેલી વાર પગ મૂકયો ત્યારે હું ત્યાંની સમ્રાજ્ઞી જ બની મહાલવા લાગી.
1970ની આસપાસ બંને કુટુંબની ઈચ્છા વિરુધ્ધ ભાગીને લગ્ન કર્યા. 35 વર્ષનું એ સુખદ દાંપત્ય જીવન આજે પણ મારા રોમેરોમને ઝંકૃત કરે છે.
હા, જવેલરી હાઉસમાં આજે પણ મેનેજર અજયના ફોટાને તાજો ફૂલનો હાર પહેરાવે જ છે. ધંધાનો 40ટકા ભાગ ડાયરેકટર તરીકે મને નિયમિત મળે છે.
એક વાર મને અસહાય સમજીને મેનેજર રાકેશ દોશીએ કહ્યું- મેડમ, મને તમારો દીકરો જ સમજજો, તમે કહેશો તો એટ એની ટાઈમ હું તમારી સેવામાં હાજર થઈશ.
રાકેશ તમે મારા ધંધાના પાર્ટનર છો, કુશળ મેનેજર છો. તમારી ભાવનાની હું કદર કં છું. પણ દીકરા જેવા કે અન્ય કોઈ લાગણી ભરેલા સંબંધમાં મારે પડવું જ નથી. ખરી રીતે તો માલિની પણ રાકેશ માટે વત્સલતા ધરાવતી હતી, પણ કોઈ ભાવનાત્મક સંબંધોથી એ દૂર રહેવા માગતી હતી- એ મનોમન વિચારી રહી-
ના, પણ રાકેશ એટલે રાકેશ- અજયના ગયા પછી એણે જ મારો ધંધો સંભાળ્યો છે.
આજે ભૂતકાળની મંજુષા ખોલીને બેઠેલી માલિની વૃદ્ધત્વની પીળી સાંજે વિચારી રહી- આજે આ ઘર મને કેમ ભેંકાર લાગે છે. શું એકલતા, વૈધવ્ય અને વૃધ્ધાવસ્થાના આ ડંખ નથી ઝીરવાતા? એક સમયે સોનાલી દીકરી, સુયશના મસ્તીતોફાનથી ઉછળતું આ ઘર- અજયના પ્રેમના હિંડોળે મહાલતી આ માલિનીનું એ હર્યુભર્યું ઘર આજે મને કેમ એકલતાના રણ સમું લાગે છે-
જિંદગીની સમી સાંજે સુવર્ણ કિરણો ફેલાયાં છે, જીવન વહી રહ્યું જ છે, પણ પતિનો સાથ છૂટયો, સંતાનો પણ માળો છોડીને ઊડી ગયાં, જાણે અમે સહુ મૂળ સોતા જ ઊખડી ગયા- હવે આ સ્વમાની માલિની શું કરે?
આપણે ગમે તેટલું મન મક્કમ કરીએ પણ સ્વજનનો પ્રેમ એ જ જીવનનું બળ છે.
આમ તો મારો સુયશ મને અંધારામાં રાખીને પોતાની ફાઈનાંસ કંપની શરૂ કરવા માગતો હતો પણ મેં સાથ ન આપ્યો. અજયનો ધંધો મારે વધારે વિકસાવવો હતો- સુયશે 60 ટકાનો ભાગ લઈ લીધો, સોનાલીએ મમ્માને સપોર્ટ આપ્યો પણ લગ્ન કરીને લંડન સ્થાયી થઈ.
આજે એકલતાના આ ભેંકાર અંધકારમાં પણ ઘરની દીવાલ પર ટીંગાતો અજયનો હસમુખો ચહેરો માલિનીને કહે છે-
સત્યનો પંથ ભલે વિકટ હોય પણ હંમેશાં સત્યની જીત થાય છે.
હું સદેહે તારી સાથે નથી, પણ ચેતનારૂપે તારી સાથે જ છું.
મધુવનમાં મંડાયેલી ગૌષ્ઠીમાં માલિનીને જાણે કૃષ્ણનો વેણુનાદ સંભળાયો.