કિસ: એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ ને વિદાયની વ્યથા છુપાયેલી છે

મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી
માણસોને જ્યારે પ્રેમ જાહેર કરવો હોય ત્યારે તેની અલગ અલગ અભિવ્યક્તિ હોય છે. તેમાંથી એક છે કિસ એટલે કે ચુંબન.
કિસનો સંબંધ ગહેરી આત્મીયતા સાથે છે અને તે રોમેન્ટિક જ હોય તે જરૂરી નથી. માણસો અલગ-અલગ સંબંધમાં અલગ-અલગ રીતે કિસ કરે છે. પતિ-પત્નીની કિસ મા-દીકરાની કિસથી અલગ હોય છે. બે મિત્રની કિસ બે ભાઇની કિસ કરતાં જુદી હોય છે. ગાલ પરની કિસ હાથ પરની કિસ કરતાં ભિન્ન છે. ગુરુ એના શિષ્યના કપાળ પર કિસ કરે છે. શિષ્ય ગુરુના પગને કિસ કરે છે. માફિયા જગતમાં હાથ પર કિસ કરવાનો રિવાજ છે.
હવે સવાલ એ છે કે માણસો જ કેમ કિસ કરે છે? કિસ જો ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે ઉપયોગી હોય (વિજ્ઞાન કહે છે કે કિસમાં 8 કરોડ બેક્ટેરિયાનું આદાન-પ્રદાન થાય છે), તો જાનવરોની દુનિયામાં આ પ્રવૃત્તિ કેમ દુર્લભ છે?
‘ઑક્સફર્ડ યુનિવર્સિટી’ના એક નવા અભ્યાસમાં એ મીથને તોડવામાં આવી છે કે કિસ કેવળ મનુષ્યની જ ‘કળા’ છે. સંશોધન અનુસાર, મનુષ્ય અને મોટા વાનરોના તેમના જેવા પૂર્વજોમાં આશરે 2 કરોડ વર્ષ પહેલાં કિસ કરવાની આદત વિકસિત થઇ હતી. એટલે જે હરકતને આજે આપણે ભાવના અને ઘનિષ્ઠતાની પ્રતીક માનીએ છીએ, તે વાસ્તવમાં આપણા અતિ પ્રાચીન અતીતનો હિસ્સો છે.
અભ્યાસમાં એ પણ માનવામાં આવ્યું છે કે મનુષ્ય (હોમો સેપિયન્સ)ની પાડોશી કહેવાતી અને હવે લુપ્ત થઇ ગયેલી નિયેન્ડરથલ પ્રજાતિ કિસ કરતી હતી અને સંભવત: તેમણે મનુષ્યો સાથે પણ એ જ રીતે પ્રેમ વ્યક્ત કર્યો હશે.
એ અભ્યાસનાં પરિણામો દર્શાવે છે કે 21.5 થી 16.9 કરોડ વર્ષ પહેલાં મોટા વાનરોના પૂર્વજોમાં કિસ જેવી વર્તણૂક મોજૂદ હતી. સમય સાથે ઘણી બાબતો બદલાઈ, પરંતુ આ આદત જળવાઈ રહી. આજે પણ ચિમ્પાંઝી, બોનોબો અને ઉરાંગઉટાંગ જેવા મોટા વાનરો એકબીજાને કિસ કરતા દેખાય છે. ઓક્સફર્ડની વૈજ્ઞાનિક ડો. મેટિલ્ડા બ્રિન્ડલ કહે છે, ‘કિસને આટલા મોટા દૃષ્ટિકોણથી સમજવાનો આ પહેલો પ્રયાસ છે.’
કિસનો સૌથી પ્રાચીન સંદર્ભ મહાભારતમાં હોવાની માન્યતા છે, પરંતુ એમ. કે. અગ્રવાલ એમના અભ્યાસગ્રંથ ‘ધ વૈદિક કોર ઓફ હ્યુમન હિસ્ટ્રી’માં લખે છે કે કિસનો સૌ પ્રથમ પ્રાચીન સંદર્ભ સંસ્કૃત સાહિત્યમાં છે, એ પછી મહાભારત અને કામસૂત્રમાં એનો ઉલ્લેખ છે. કિસિંગને ગ્રીક લોકો ભારતની બહાર લઇ ગયા અને શૃંગારિક કિસને ઇટાલિયન લોકોએ પ્રચલિત બનાવી.
ફ્રેન્ચ સંસ્કૃતિમાં 20 પ્રકારની કિસ છે. જર્મનો 30 પ્રકારે ચુંબન કરી શકે છે. કામસૂત્રમાં 16 કિસમની કિસનાં વર્ણન છે. વૈદિક શાસ્ત્રોમાં ‘કિસ’ અથવા ચુંબન શબ્દ નથી. એના સ્થાને ‘સ્પર્શ’ અને ‘ગંધ’ એવા શબ્દ વપરાયા છે. જગતમાં 90 પ્રતિશત લોકો કિસ કરે છે, પરંતુ 10 પ્રતિશત સંસ્કૃતિ એવીય છે જ્યાં કિસ કરવી વર્જિત છે.
અભ્યાસકર્તાઓને કિસ અજીબ લાગે છે. એ શ્વાસોશ્વાસની જેમ એટલી સહજ ક્રિયા છે કે વિજ્ઞાન એનો ડેટા એકઠા કરવાનું ભૂલી ગયું છે અથવા એમાં એટલી વિભિન્નતા છે કે વિજ્ઞાનને એમાં કોઇ ચોક્કસ નિયમ શોધવામાં તકલીફ પડે છે. 17મી સદીના જર્મન અભ્યાસુ માર્ટિન વોન કેમ્પેએ 1000 પાનાનો કિસિંગ એનસાયક્લોપીડિયા લખ્યો છે, જેમાં એણે કિસિંગના 20 પ્રકારને અધિકૃત ઠેરવ્યા છે.
‘ધ એક્સપ્રેશન ઓફ ધ ઇમોશન ઇન મેન એન્ડ એનિમલ’ નામના પુસ્તકમાં ચાર્લ્સ ડાર્વિન લખે છે કે જગતના ઘણા ભાગોમાં નાકથી નાકનો સ્પર્શ કરીને કિસ કરવામાં આવે છે. ઉત્તર ધ્રુવના આર્કટિક પ્રદેશમાં ખોજકર્તાએ એસ્કીમોમાં આ વૃત્તિ જોયેલી એટલે એને ‘એસ્કીમો કિસ’ કહેવાય છે.
જેની લોકપ્રિયતા અપાર અને અમાપ છે તે હોઠ સે હોઠ મીલે કિસને ‘ફ્રેન્ચ કિસ’ કહેવાય છે. 20મી સદીની શરૂઆતમાં જગતમાં ફ્રેન્ચ લોકો એમની સેક્સ અભિવ્યક્તિમાં સાહસી અને ખુલ્લા હતા. એમાંથી તસતસતા ચુંબનને ‘ફ્રેન્ચ કિસ’ નામ મળેલું. ફ્રેન્ચ લોકોની એક કિસનું નામ ‘હોટ એર’ (ગર્મ હવા) છે. જેમાં સ્ત્રીના કાન નીચેના ઇરોજીનસ (કામોત્તેજક) ભાગ પર ચુંબન કરતી વખતે એના કાનમાં હલકો હલકો શ્વાસ છોડવાનો!
‘એવરીથિંગ યુ એવર વોન્ટેડ ટુ નો અબાઉટ’ નામના પુસ્તકમાં અમેરિકન કિસ એક્સપર્ટ એન્ડ્રી દમીરજીયન લખે છે કે માણસો જ્યારે ગુફામાં રહેતા હતા ત્યારે બાળકો કરતાં પહેલાં તેમના પાર્ટનર તંદુરસ્ત છે કે નહીં તે ચકાસવા માટે કિસ મારફતે સલાઇવા (થૂંક, લાળ)નો ટેસ્ટ કરતા હતા. તેમાંથી રોમેન્ટિક કિસનો આવિર્ભાવ થયો હતો.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ : નવી પેઢીની નવી ખામોશી: જેન-ઝી કેમ નથી ઉઠાવતી વિદ્રોહની મશાલ
એન્ડ્રીના કહેવા પ્રમાણે મોઢામાં 289 પ્રકારના બેક્ટેરિયાની વસતિ છે અને એ તમામ તંદુરસ્ત નથી હોતા. એ કારણથી જ હિમાલયની કેટલીક જાતિઓ લિપલોક કિસ કરતી નથી. આફ્રિકા અને સુદાનના લોકોમાં માન્યતા છે કે મોં એ આત્માનું પ્રવેશદ્વાર છે અને હોઠથી હોઠ મિલાવીએ તો વચમાંથી યમરાજ અંદર ઘૂસી જાય!
અમેરિકાની ‘ટેક્સાસ યુનિવર્સિટી’ના રિસર્ચ સાયન્સ્ટિસ્ટ શેરીલ કિર્શેનબોમના પુસ્તક ‘ધ સાયન્સ ઓફ કિસિંગ: વોટ અવર લિપ્સ આર ટેલિંગ અસ’માં એ લખે છે, ‘કિસમાં સ્વાદ, ગંધ, સ્પર્શ અને ફેરોમોન કેમિકલ દ્વારા બે વ્યક્તિ એકબીજાની અંદર ‘ઝાંખી’ને એકબીજા પ્રત્યેનો સંકલ્પ અને જીનેટિક યોગ્યતાનો તાગ મેળવે છે.’
સીએનએન પર એક ઇન્ટરવ્યૂમાં શેરીલ કહે છે કે શરીરનાં તમામ ખુલ્લાં અંગો પૈકી હોઠ એ સૌથી વધુ કામોત્તેજક ભાગ છે. એમાં ઠસોઠસ સંવેદનશીલ સ્નાયુઓ ભરેલા છે, જે જરા અમથા સ્પર્શથી મગજને ઢગલાબદ્ધ સિગ્નલ અને માહિતી મોકલીને ‘આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ અથવા ‘ખબરદાર, રુક જાવ’ એ બેમાંથી એકની પસંદગી કરવામાં મગજને મદદ કરે છે. જેને ક્રેનિયલ (કપાલીય) સ્નાયુ કહે છે તેવી 12 નર્વ્સમાંથી પાંચ નર્વ્સ કિસિંગ વખતે સક્રિય થઇને મગજ, હોઠ, જીભ અને ત્વચા વચ્ચે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સની આપ-લે કરે છે. એ પ્રક્રિયામાં ડોપેમાઇન નામનું કેમિકલ પેદા કરે છે. તમે દારૂ પીવો કે, કોકેઇન સ્મોક કરો કે ચોકલેટ ખાવ ત્યારે જે ‘મઝા’ પડે છે તે આ ડોપેમાઇનના કારણે. તે આનંદનું કેમિકલ ગણાય છે. જેને આપણે લત કહીએ છીએ (પછી એ કોઇપણ પ્રકારની ‘મજા’ હોય) તે આ ડોપેમાઇનના કારણે.
કિસ માણસની સૌથી પ્રાઇવેટ અને પર્સનલ વૃત્તિ છે. એમાં એ પૂરી ઇમાનદારીથી બહાર આવે છે. કિસ અભદ્ર કે શરમજનક છે તેટલા માટે નહીં, પરંતુ એમાં માણસની ઇમાનદારી એટલી તીવ્ર રીતે બહાર આવે છે કે અજાણી વ્યક્તિ એને સહી શકતી નથી એટલે એનું જાહેરમાં પ્રદર્શન થતું નથી.
‘ટેક્સાસ યુનિવર્સિટી’ ના નૃવંશશાસ્ત્રી વૌઘન બ્રાયન્ટ કહે છે, ‘કિસ એ ખાલી કિસ જ નથી. એ એના આગવા વ્યાકરણવાળી એક ભાષા છે. બે વ્યક્તિ જ્યારે કિસ કરે છે ત્યારે તે કોણ છે, ક્યાંના છે, બંને વચ્ચે શું સંબંધ છે અને શું કરવા માગે છે તે બધું જ બહાર આવે છે.’
અંગ્રેજીમાં એક મુહાવરો છે: કિસ એન્ડ ટેલ. મતલબ કે અંતરંગ સંબંધ બાંધવો અને પછી એને જાહેર કરવો. કિસ પ્રામાણિકતાનું પ્રતીક છે. આપણે કિસ કરીએ છીએ, કારણ કે આપણે કોઈને પ્રેમ કરીએ છીએ, કોઇની ઇજ્જત કરીએ છીએ, કોઇને આવકાર આપીએ છીએ અથવા કોઇને અલવિદા કરીએ છીએ. આપણા પરિવારમાં કોઇનું મૃત્યુ થાય તો એને કપાળ પર ચુંબન કરવાની પ્રથા છે. આમ કિસ આવકાર અને અલવિદાની કહાની છે.
આ પણ વાંચો…મોર્નિંગ મ્યૂસિંગ: જૂની હિન્દી સિનેમા સાથેની આખરી કડી એવી એક બેનમૂન અભિનેત્રી કામિની કૌશલ



