ઊડતી વાતઃ રાધારાણીએ કેટલા ડૉલરમાં પોપટ પાળ્યો…?

ઊડતી વાતઃ રાધારાણીએ કેટલા ડૉલરમાં પોપટ પાળ્યો…?

ભરત વૈષ્ણવ

‘આ બાસમતી ચોખાની કોથળી બે હાથે પકડો અને આ બરણીમાં નાખો.’ રાધારાણીએ હુકમ કર્યો. આપણે ગોરધન તરીકે ઘરવાળીનો પડ્યો બોલનો તો અમલ કરવાનો હોય, પરંતુ જે બોલ બોલાયા ન હોય તેનો પણ અમલ કરવાનો હોય એવી પણ ઘરવાળીની અપેક્ષા હોય.

‘ભલે.’ એમ કહી બાસમતી ચોખાની બાર રતલની બેગને એક ખૂણેથી ઉંદર કાગળ કાતરે તેમ કાતરથી કાપી. પછી બેગ ઊંચી કરી. ચોખાની બેગ ઊંચી કરેલ એટલે નીચે મુકેલ બરણી દેખાતી ન હતી. ‘તેલ જુવો તેલની ધાર જુવો..’ એવું કહેવામાં આવે છે, પરંતુ ‘ચોખા ભરવાની બરણી જુવો અને ચોખાની ધાર જુઓ’ એવું કયા કહ્યું છે? પરિણામે ચોખાએ બળવો કર્યો. બરણીમાં ગણીને સાડા ત્રણ ચોખા પડયા અને બાકીના બહાર પડ્યા.

ચોખા વેરાયા કિચનમાં…..એમાં રાધા રાણીનો પિતો ગયો.
‘ભૈસાબ, તમને તો કોઇ કામ સોંપાય એવું નથી. કોઇ કામમાં બુધવારો બળ્યો ન હોય. મને કયાં કમત સૂઝી કે તમને પાડા વાળવાનું કહ્યું. તમે તો મારું કામ વઘાર્યું. તમને મૂંઆ રાજુડા સાથે ઉલાળવા અને ચાયડા ચૂસવા સિવાય કશો વેતો પડતો નથી.’

રાધારાણીએ રંધા વગર અમને છોલી નાંખ્યા. ભલાઈનો જમાનો જ રહ્યો નથી. એક તો કામમાં મદદ કરવાની અને ઉપરથી ડંડા ખાવાના. આ ક્યાંનો ન્યાય? ‘જો રાધુ, હવે હદ થાય છે. તને ખબર છે તે મને આવા કામ કરવાની ફાવટ નથી અને ડોમેસ્ટિક કામમાં મને રસ પણ નથી, છતાં તું જાણી જોઇને મને હેરાન કરવા હોળી સળગાવે છે.’ મેં પણ કઢાય તેટલી દાઝ કાઢી.

‘ગિરધરલાલ, તમે ઘસીને ગૂમડે ચોપડવાના કામમાં આવો એવા નથી. હું તમને વતાવવા માગતી જ ન હતી. તમારું ડાચું જોવા માગતી નથી. પણ હું શું કરું?’ આટલું કહી રાધારાણી મુસળધાર રડયા. હું બઘવાઇ ગયો. આ સિંહણે એકાએક બકરી અવતાર કેમ ધારણ કર્યો હશે?

‘રાધુ, શું થયું? તું આમ પોદળા જેવી ઢીલી પડે એ મને ન ગમે?’ મેં લાગણીથી કહ્યું. ગળે લગાડી. મેં એના આંસુ લૂંછયા. એને પાણીનો ગ્લાસ આપ્યો. ‘ગિરધરલાલ, મારી આંગળી જુઓ. પૂરી કહાની સમજ મે આ જાયેંગી.’ આમ કહી રાધારાણીએ જમણા હાથની વચલી આંગળી દેખાડી. આંગળી ફૂટબોલ તો નહીં પરંતુ, ગોલ્ફ રમતના સફેદ બોલ જેવી સૂઝીને લાલ થઈ ગઇ હતી. આંગળી ઘેરા રંગની થયેલી. આંગળીની ચામડી તડતડી ગઇ હતી. આજુબાજુ પીળા રંગનું પરું ભરાયું હતું.

‘આટલું બધું થયું છે તો કહેવાય કે નહીં?’ મેં પ્રેમથી રાધારાણીને ઠપકો આપ્યો.
‘આંગળી મારું લોહી પી ગઇ છે. મારો જીવ લઇને જપશે.’ દર્દથી કણસતા રાધારાણીએ કહું.
‘પણ કેમ કરતા આંગળી પકાવી?’ અમે ચિંતા જતાવી.

‘મેં ગેસ ચાલુ કર્યો અને ગેસની ફલેમ વચ્ચે આંગળી મૂકી. આંગળી પાકી ગઇ.’ કોઇ વાનગીની રેસીપી કહેતી હોય તેમ રાધારાણીએ દર્દથી કણસતાં મજાક કરી. હકીકતમાં રાધારાણી રોટલી શેકતા ઇલેક્ટ્રિક ચૂલાની ગરમ કોઇલને અડી ગયેલાં એમાં આંગળીના નખનું નૈયું પાક્યું.

‘હવે શું કરીશું?’ મેં પૂછયું. કેમ કે, અમે ઇન્ડિયા નહીં પણ અમેરિકામાં હતા.ભારતમાં અસલી અને ઝોલાછાપ ડોકટરો અર્ધી રાતે મળી આવે. ઇન્ડિયાથી આવતી વખતે તમામ દવા ડોકટરોની ઓરિજિનલ પ્રિસ્ક્રિપ્શન સાથે લઇ આવેલા, પરંતુ બર્નોલ કે એન્ટિબાયોટિક દવા લઇને નહીં આવેલા.

‘તમને ડોકટરોની એપોઇન્ટમેન્ટ તો ત્રણ ચાર મહિના સુધી મળશે નહીં. અહીં હરવું ફરવું સારું છે. પરંતુ, માંદા પડવું એ મરવા જેવું છે. મેડિકલેમ ન હોય તો સારવાર કરવી એ ચંદનનાં લાકડે બળવા જેવું મોંઘું છે.’ અમારા યજમાન સ્પંદને કહ્યું .
‘ત્યાં લગી તો આંગળી કે હાથ કાપવાની નોબત આવશે.’ અમે દહેશત વ્યક્ત કરી. રાધારાણી ઠૂંઠી થાય તો કેવી લાગે એની કલ્પનામાં મલકાયા. રાધારાણીએ અમને પકડી પાડ્યા.

‘દેડકીનો જીવ જાય છે અને વરૂને હસવું આવે છે.’ કહેવત ઉલ્ટાવીને અમને ખખડાવી નાખ્યા.
‘આપણને મલમ અને એન્ટિબાયોટિક ટેબ્લેટ કે કેપ્સ્યુલ ન મળે?’ મેં યજમાન સ્પંદનને પૂછયું
‘અહીં પ્રિસ્ક્રિસ્પ્શન વગર ઓવર ધી કાઉન્ટર પ્રકારની દવા કે ટેબ્લેટ મેડિકલ સ્ટોર કે ઇવન મોલમાં મળે, પરંતુ ગળી શકાય તેવી ટેબ્લેટ કે ટીકડી પ્રિસ્ક્રિસ્પ્શન વગર ન મળે.’ સ્પંદને માહિતી આપી. અમે ઇન્ડિયા વીડિયો કોલ કરી ડોકટરને ટેલિમેડિસીનની જેમ કન્સલ્ટ કર્યા. અમે લીધેલી કંઇ દવા ચાલે તે પૂછયું.

રાધારાણીએ આંગળી પર હળદર લગાવવાના ઉપચારમાં સફેદ ચાદર પીળી કરી નાંખી. ગોળ અને હળદરને ગરમ કરી એટલે ખદખદાવીને કપડાંના પાટા પર લગાવી આંગળી પર પાટો બાંધવાના ડોશી ઉપચારમાં આંગળીનો સોજો ડબલ થયો. આંકડાના પાનનો લેપ, કાળી જીરીનો મલમ. જેટલા મોં એટલા ઉપચાર. ભારતમાં હોત તો ભૂવા પાસે રાંજણની જેમ દોરો કરાવ્યો. તમામ ઉપચારની એક જ અસર થઇ કે આંગળી ફૂલવા માંડી.

‘તમારે ડોકટરને દેખાડ્યું હોય તો અર્જન્ટ ક્ધસલટન્સી સેન્ટર સિવાય કોઇ વિકલ્પ નથી. તમે કહેતા હો તો ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે ટ્રાય કરું. કદાચ મેળ પડી જાય.’ સ્પંદને કહ્યું. અમારે હા પાડવા સિવાય કોઇ વિકલ્પ જ કયાં હતો ?
‘કોનસેન્ટ્રામાં એપોઇન્ટમેન્ટ મળી છે.’ એક દિવસ સ્પંદને ગોળના ગાડા જેવી માહિતી આપી. અમે ત્યાં પહોંચ્યા. ગણીને ચાર દર્દી હતા. અમે સાંજે સાડા સાતે પહોંચેલા. સેનેટરવાળાએ ચારસો ડૉલરનો ચાંદલો કરાવ્યો. સવા બે કલાકે અમારો વારો આવ્યો.

આટલા સમયમાં ભારતમાં કવોલીફાઇડ કે ઝોલાછાપ દર્દી વરસની ચાલીસ પચાસ હજારની ઓપીડી પતાવી નાખે અને દર્દીના ખિસ્સાનું ખિસ્સાકાતરૂની જેમ કરી નાંખે. દર્દી સાથે એક જ વ્યક્તિ જઇ શકે. આપણે દર્દી સાથે સગાના ધાડા ડોકટરની ચેમ્બરમાં બેધડક જાય તે દિવસો યાદ આવ્યા. અમને અંગ્રેજી પીતા ન આવડે તો બોલતા કયાંથી આવડે? પરિણામે સ્પંદન અમારી રાધારાણી સાથે ડોકટરની ચેમ્બરમાં ગયો.

‘ચાલો, કામ પતી ગયું.’ સ્પંદને કહ્યું. બંને જણ એક કલાક પછી ડોકટરની ચેન્બરમાંથી બહાર આવ્યા. ડોકટર તો સાંજે છ વાગ્યે સેન્ટરમાંથી ચાલતી પકડે. ડોકટર ગયા પછી ઇન્ટર્ની ફિઝિશિયન કે નર્સ સારવારનો ખેલ પાડે. કોઇ નર્સે જનરલ એનેસ્થિયા આપી સૂઝીને દડો થયેલ આંગળી પર ચેકો મારી ડ્રેસિંગ કરેલ.

ઓઇન્ટમેન્ટ, બેન્ડએડ અને દવા લખી આપેલ. રાધારાણીએ આંગળી પંદર દિવસ તુલસીદાસ ચંદન ઘસે તેમ મલમ ઘસ્યો. ટીકડા ખાધા. અંતે આંગળી ગોલ્ફબોલમાંથી ઓરિજિનલ સ્વરૂપમાં આવી.

એટલા દિવસ અમે શું કર્યું?
પાંઉ અને બ્રેડના ડૂચા મોઢામાં ઠુંસે રાખ્યા. દાળભાત ખીચડી, કિનોવા, ઓટસ ઓરે રાખ્યા. ત્યારે બધું નોર્મલ થયું.
રાધારાણીની વચલી આંગળીએ પાળેલ પોપટ પંદર દિવસમાં પાંચ હજાર ડૉલરમાં પડ્યો. એટલા રૂપિયામાં તો કેટલા બધા સાચા પોપટ પાળી શકાય. આમ આવું વિચારીને અમારે રડવું કે હસવું તેની જ ખબર પડતી નથી. વાંચકો, તમે તો જણાવજો પ્લીલીલીલીઇઝ….

આ પણ વાંચો…ઊડતી વાત : તમારી પાસે કોઇ માફિયાનો નંબર છે?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button