ઊડતી વાત : રાજુ રદ્દીને ‘તગડું’ પ્રમોશન કઈ રીતે મળી ગયું?!

-ભરત વૈષ્ણવ
‘લો લઇ લો, આ તમારો લબાચો.’
રાજુ રદી આવેશભર ‘બખડજંતર’ ચેનલના માલિક બાબુલાલ બબુચકની બખોલ ચેમ્બરમાં ઘૂસી ગયો. બહાર પટાવાળા ગણપત ગાંગડાએ ‘સાહેબ અગત્યની મીટિંગમાં છે…. થોડીવાર પછી આવવાનું સૂચવ્યું.’ તેમ છતાં, રાજુ ધરાર ચેમ્બરમાં ઘૂસી ગયો. બાબુલાલ સ્ટેનોગ્રાફર કમ પર્સનલ પત્ની સમાન સ્ટેલા સાથે ઇલુ ઇલુ કરતા હતા. બાબુલાલની આ અગત્યની મીટિંગ હતી.
‘વોટ નોનસેન્સ? વ્હાય યુ એન્ટર ઇન માય ચેમ્બર.? આઇ એમ એગેન્જડ વીથ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુઝ.’ બાબુલાલે ચોરી પકડાઇ જવાથી રાજુને આંગ્લ ભાષામાં ફાયર કરી સ્ટેલાની નજરમાં એંગ્રી યંગ મેન થવાની કોશિશ કરી, રાજુ જુદા ખોરડાનું પ્રાણી હતું. ‘એય બાબુલાલ બબૂચક, અંગ્રેજીમાં ફાડ ફાડ ન કર. અહીં બધું ઉપર ઉપરથી બાઉન્સર જાય છે. તું ગુસ્સે થયો છે એટલી ખબર પડે છે. ગરમ તવા પર પાણી છાંટીએ અને જેવો તડતડ અવાજ આવે એવું તારી ફાટ ફાટ થતી ખોરડામાં થાય છે. બટ આઇ ડોન્ટ કેર.’
સ્ટેલા અને બાબુલાલ રાજુના રૌદ્રાવતારથી ડઘાઇ ગયા. બાબુલાલે સ્ટેલાને ઇશારો કરી બહાર જવા ઇશારો કર્યો. સ્ટેલા અસ્તવ્યસ્ત ડ્રેસ સરખો કરતી માખી મીઠાઇ પરથી ઊડી જાય તેમ ભાગી.
‘રાજુડા, આ બધું શું છે?’ બાબુલાલના મગજનો ફાટેલો બાટલો હજુ શાંત થયો ન હતો.
‘આ તમારો કેમેરો, ટ્રાઇપોડ, કેબલ, ચાર્જર, બેટરી, માઇક ઈત્યાદિ બધો ડામચો લઇ લો.’ આટલું કહી રાજુએ બધું ટેબલ પર પછાડ્યું. રાજુની ખોપરી પણ ફુગાવાની માફક ઉકળેલી હતી.
‘આ મારો લબાચો છે?’ બાબુલાલે ડઘાઇને પૂછયું. રાજુનું વર્તન અશિસ્તની કેટેગરીમાં આવે. બાબુલાલ ગમ ખાઇ ગયા હતા.
‘હા, તમારો જ કહેવાય. ચેનલની માલિકી તમારી છે. તેના શૂટિંગનો ડામચિયો મારો કહેવાય કે તમારો કહેવાય?’ રાજુએ ફાઇટર વિમાનમાંથી ફેંકાતા બોમ્બ જેવો વેધક સવાલ ફટકાર્યો…
‘રાજુ, હું માની લઉં છું કે આ લબાચો મારો છે, પણ તું કરિયાવરની જેમ અહીંયા શું કામ લાવ્યો છે?’ બાબુલાલ હતપ્રભ થઇ સવાલ કર્યો ‘મારે તમારી ગુલામીની ધૂંસરી ફગાવી દેવી છે.’ રાજુએ મક્કમ અને મૃદુ ઇરાદો વ્યક્ત કર્યો .
‘મતલબ કે તારે નોકરી કરવી નથી એમ જ ને? કોઇ ચેનલ તને વધારે પગાર આપી હાયર કરવાની છે. એટલે તું બાબુલાલ સામે ટણી કરે છે?’ રાજુએે કરેલ અણીથી બાબુલાલ પંખીની માફક ઘવાઈને તરફડિયા મારતા હતા.
‘બાબુલાલ, હું નોકરી ન છોડું તો હું શું કરું? તમે મારી જગ્યાએ હો તો તમે શું કરો? ‘આવ નહીં, આદર નહીં, નહીં નયનોમે નેહ તે ચેનલને નોકરી ન કરીયે રાજુ, બોસ ભલે દે ચાર પ્રમોશન.’ કોઇ લોકગીતની પંક્તિ ઉલટાવીને રાજુ બોલ્યો. ‘બખડજંતર’ ચેનલના બોસ બાબુલાલ બબૂચકના દિમાગની બતી જલી.
‘મતલબ કે નોકરી છોડવાનું કારણ તને પ્રમોશન મળતું નથી એ છે?’ બાબુલાલે ખાતરી કરવા પ્રશ્ર પૂછયો.
‘બાબુલાલ, હું તમને કયાં એંગલથી માળી લાગુ છું? હું અહીં ઘાસ કાપવા આવું છું. તમારી સગલી સ્ટેલા ટાઇપિંગ કરવા એ પણ કોન્ટ્રેકટચ્યુઅલ એપોઇન્ટમેન્ટ પર હતી. આજે ચાર પ્રમોશન લઇને પર્સનલ સેક્રેટરી બની છે…. મને તમે પંદર વરસથી પાડાનો પાડો જ રાખ્યો છે. મારે પ્રમોશન લેવા જેન્ડર ચેઇન્જ કરાવવી પડે તો હું રાજુમાંથી રાજશ્રી બનવા રેડી છું’ આટલું બોલતાં રાજુએ વરસોની યાતનાનો ઊભરો આંસુ મારફત ઠાલવી દીધો.
‘રાજુડા, તું પ્રમોશન આપવા લાયક છે ખરો? તું લગભગ ડામીસ છે.’ બાબુલાલે રાજુની ‘ખૂબી’ ગણાવવી શરૂ કરી.
‘ડામિસને પ્રમોશન ન અપાય તેવું કયા નિયમમાં લખેલ છે.’ રાજુએે દલીલ કરી.
‘રાજુ, તે પાડેલા ભંગાર ફોટાને લીધે પ્રેસ કાઉન્સિલનો ઠપકો સાંભળવો પડ્યો.’ બાબુલાલે રાજુની બીજી ખૂબી જણાવી.
‘મેં તો તમારી સૂચનાનું પાલન કરેલ.’ રાજુએ બચાવ કર્યો.
‘આપણી પછી ચાલુ થયેલ ચેનલ ટોપ ટેનમાં છે. આપણે લાસ્ટ ટેનમાં છે.’ બાબુલાલ બગડ્યા .
‘તેને માટે મેનેજમેન્ટ જવાબદાર છે.’ રાજુએ નિષ્ફળતાનું ઠીકરું બાબુલાલ પર જ ફોડયું. બાબુલાલ સમસમી ગયા.
‘રાજુ, તે ચેનલનું નામ વટાવીને વેપારી પાસે ખંડણી ઉઘરાવી ચેનલના નામ પર પાણી ફેરવી દીધું.’ બાબુલાલે ભ્રષ્ટાચારનો આરોપ મુકયો.
‘તમે પગાર ન વધારો તો મારે ઘર ચલાવવા કંઇક તો કરવાનું કે નહીં? મીડિયાની કાળી બાજુ છે. તમેય મંત્રીને કરોડો રૂપિયાનું બૂચ માર્યું છે.’ રાજુએે રોકડું પરખાવ્યું.
‘રાજુ તું સત્તાપક્ષનો ચમચો થઇ તારા રિપોર્ટમાં હિન્દુ-મુસ્લિમ કરે છે.’ બાબુલાલે કોમી આરોપ મુકયો.
‘સમર્થ કો નહીં ગુંસાઇ’ રાજુએ તુલસીદાસની ચોપાઇ લલકારી.
‘રાજુ, તું વુમનાઇઝર છે.’ બાબુલાલ રાજુ પર લંપટતાનો આરોપ મુકયો.
‘બાબુલાલ, હું તમારી ચેમ્બરમાં આવ્યો ત્યારે તમે સ્ટેલા સાથે વળી ક્યો સત્સંગ કરતા હતા?’ રાજુએ બાબુલાલને આરોપીના કઠેરામાં મુકયા.
‘રાજુ, તે હરીફ ચેનલ સાથે હાથ મિલાવી ચેનલની રેવન્યુ ઘટાડી.’ બાબુલાલે રાજુ પર નમકહરામીનો આરોપ મુકયો.
‘બાબુલાલ, તમે મને પ્રમોશન ન આપવું પડે તેટલે આરોપો ઉપજાવી કાઢ્યા છે. તમે મને પ્રમોશન નહીં આપો તો હું તમારી પત્નીને સ્ટેલા સાથેની રાસલીલાની જાણ કરીશ. પુરાવા મારી પાસે છે.’ રાજુની ધમકી કે ભપકી કામ કરી ગઇ. નકારા, નિઠલ્લા, નકામા, નકારાત્મક રાજુને કેમેરામેનમાંથી ચીફ કેમેરામેનનું પ્રમોશન આપ્યું, જેમાં રાજુનો પગાર ત્રણ રૂપિયા નેવ્યાંશી પૈસા વધી ગયો.!