ઉત્સવ

ઊડતી વાત: આ તે કેવો ખેલ?

  • ભરત વૈષ્ણવ

`મનોજભાઇ, તમે આવું કેમ કરી શકો?’ રાધારાણીએ મનોજને ખખડાવી નાખ્યો. પાણીથી પાતળો કરી નાખ્યો. મનોજ શોપિંગ સેન્ટરમાં કૂકર રિપેરિંગ કરવાનો ગલ્લો ધરાવતો હતો.

`પણ પણ.’ મનોજ કંઇક બોલવા મથતો હતો. રાધારાણીના આક્રમણે તેને હતપ્રભ કરી દીધો.

`તમે ચિટર છો, તમે લાયર છો…’ રાધારાણી પેલા બિચારા બાપડા પર એકે-47 ની જેમ ફાયર કરી રહ્યા હતા.

`પણ બેનબા મારી મા…’ મનોજ એટલું જ બોલ્યો.

`કોને મા કહો છો ? હું માજી ફાજી કે ભાજી છું? હું મણિબહેન છું? હું તો છેલ્લા પંદર વરસથી ફેવિકોલની જેમ પચાસ વરસ પર ચોંટી ગઇ છું. પાંત્રીસની દેખાવા દર મહિને પાંચ હજાર રૂપિયા બ્યુટી પાર્લરવાળીને સળગાવું છું. ખબરદાર, મને મા કે બેન કહ્યું છે. તારે મને મેડમ કહેવાનું.’ રાધારાણીએ ફાયરિગ ચાલુ રાખ્યું.

`સોરી બેનબા. સોરી, મેડમ.’ મનોજે ભૂલ સુધારણા કરી.

`મેં તમને કંઇક રિપેર કરવા આપ્યું હતું.’ રાધારાણીએ શું રિપેરિગ માટે આપેલ તે અધ્યાહાર રાખ્યું.

`તમે શું રિપેર કરવા આપ્યું હતું?’ મનોજે પૂછ્યું.

`તમે જ યાદ કરોને? તમારી મેમરી તો બહુ સારી છે ને?’ રાધારાણીએ ચીમટો ભર્યો.

`મેડમ, મારે ત્યાં ઘણા બધા ઘણું બધું રિપેર કરવા મૂકી જતા હોય છે.’

`તમારે યાદ પણ રાખવું જોઇએ ને? મેં રિપેર કરવા આપેલ મિકસચર કોઇ બીજી વીસનોરીને પધરાવી દો તો મારે તો ગોળના પાણીએ રડવાનો વારો આવે કે નહીં?’ રાધારાણીએ શક્યતા દર્શાવી.

`તમે શું રિપેર કરવા આપેલ?’ મનોજે ફરી પૂછયું.

`મનોજભાઇ. મને મારો પતિ એટલે કે ઘરવાળો અઢળક પ્રેમ કરે છે.’ રાધારાણીએ તારીફનો પુલ બાંધવાની શરૂઆત કરી.

`મેડમ, રિપેરિગની વસ્તુમાં તમારા હસબન્ડનો પ્રેમ કયાંથી વચ્ચે આવ્યો?’ મનોજને રાધારાણીની વાત પલે પડી નહીં.

`મનોજભાઇ, મારા ગોરધને મને પ્રેમના પ્રતીકરૂપે તાજમહેલ નહીં, પરંતુ, પ્રેશર કૂકર ભેટ આપેલું.’

`મેડમ, ધંધાનો સમય છે. નકામી વાતો કરી મારો ટાઇમ ખોટો ન કરો.’ મનોજે વિનંતી કરી.

`મારા પતિએ ભેટમાં આપેલ પ્રેશર કૂકૂરનું ઢાંકણું રિપેર કરવા આપેલ. ઢાંકણ રિપેર થઇ ગયું હોય તો મને પાછું આપો. મારા પતિ માટે મારે કૂકરમાં કઢી બનાવવી છે.’ રાધારાણીએ શું રિપેર કરવા આપ્યું હતું તેનો ફોડ પાડ્યો.

`મેડમ પ્રેશર કૂકરનું ઢાંકણ કેવું હતું?’

`મનોજભાઇ, ઢાંકણ રિપેર કરવા આપ્યું ત્યારે તો ચોરસ હતું. પછી કદાચ ત્રિકોણ કે લંબચોરસ થઇ ગયું હોય તો ખબર નથી.’

`મેડમ, પ્રેશર કૂકર બનાવતી કંપની કૂકરના ઢાંકણ ગોળ જ બનાવે છે. તો પછી તમારું ઢાંકણ ચોરસ કેવી રીતે હોય?’ મનોજે સ્ક્રૂ ડ્રાઇવરથી માથું ખંજવાળ્યું.

`તમે વાહિયાત સવાલ પૂછો છો તો જવાબ પણ વાહિયાત જ મળે કે નહીં?’ રાધારાણીએ ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો.

`મેડમ, મારો સવાલ પ્રેશર કૂકરના ઢાંકણનો ન હતો. તમારું ઢાંકણ એલ્યુમિનિયમ કે સ્ટીલનું હતું એમ હું પૂછતો હતો.’

તમે મને મારા પ્રેશર કૂકરનું ઢાંકણું પરત આપી દો એટલે માં કામ પતે. મને કાંઇમહાભારત…મહાભારત ‘ ખેલવાનો શોખ નથી.’

`મેડમ સામે, કોથળામાં રિપેર થવા આવેલા પ્રેશર કૂકરના ઢાંકણા છે. તેમાંથી તમાં ઢાંકણ ગોતી લો. મહેરબાની કરીને કઠિયારાની વાર્તા જેવું ન કરતા. હું તો મામૂલી રિપેરર છું. હું સોના-ચાંદીના ઢાંકણા આપી શકીશ નહીં.’ મનોજે મજાક કરી.

એક કોથળામાં વળી ગયેલા, બગડેલા, મેલાઘેલા ઢાંકણા ભરેલ હતા. કોઇ ઢાંકણાનું ગાસ્કેટ બદલવાનું હતું. કોઇને સેફટી વાલ્વનો પ્રોબ્લેમ હતો. કોઇની સીટી બગડેલી હતી. કોઇમાં હવા નીકળી જતી હતી. કોઇ કૂકર સાથે ફીટ બેસતું ન હતું. રાધારાણીએ કોથળામાંથી તમામ ઢાંકણા કાઢ્યા, પરંતુ, જે ઢાંકણ પર `ગિરધરલાલ’ લખેલ હતું તે ઢાંકણ મળ્યું નહીં.

`મનોજભાઇ, આમાં મારું ઢાંકણું નથી.’ રાધારાણીએ ફરિયાદ કરી.

`મેડમ, વીસ વરસ જૂના કૂકરના ઢાંકણને કોઇ બહેન ભૂલથી લઇ ગઇ હશે. હવે, હું પાછું કેવી રીતે લાવી શકું? મારી પાસે એનો ફોન નંબર, સરનામું પણ નથી.’ મનોજે લાચારી દર્શાવી.

`હવે મારે શું કરવાનું? મારો વર તો મને મારી નાંખશે. એણે મને પ્રેમથી કૂકર ભેટ આપેલ. જેની હું હિફાજત કરી શકી નહીં.’ રાધારાણી રડમસ થઇ ગઇ.

`મેડમ, જૂના ઢાંકણના રોદણા રોવા કરતાં નવું પ્રેશર કૂકર લઇ લો.’ મનોજે નવો દાવ નાખ્યો. હકીકતમાં મનોજનો પ્રેશર કૂકર રિપેર કરવાના ધંધો તો નામનો જ હતો. વાસ્તવમાં, મનોજ પ્રેશર કૂકર વેચવાનો પણ ધંધો કરતો હતો. રિપેરિંગ માટે આવેલ ઢાંકણા જાણીજોઇને આડાઅવળા કરી નાખતો. ગ્રાહકોને ધક્કા ખવડાવતો હતો. પછી નવું પ્રેશર કૂકર લેવાનું કહી દેતો.

`હું નવું પ્રેશર કૂકર લઇ લઉં, પરંતુ, મારા જૂના ઢાંકણાની કિમત કૂકરની કિમતમાંથી બાદ કરી આપવી પડશે.’ રાધારાણીએ દરખાસ્ત કરી. મનોજ તેના માટે તૈયાર ન હતો. મનોજ ઝઘડો કરવા માંડયો.

રાણા સાહેબ, હું મિસિસ ગિરધરલાલ ગરબડીયા બોલું છું. મારા પતિબખડજંતર’ ચેનલના ચીફ રિપોર્ટર છે. એણે તમારો નંબર આપ્યો છે. મારે તમારા મદદની અર્જન્ટ જરૂર છે.’ એમ કહીને બધી વાત કરી. રાણા તરત મનોજને પોલીસ સ્ટેશન લઈ આવ્યા.

સાલી, પોલીસની કંઇ ડયૂટી છે એ જ ખબર પડતી નથી. નેતાના રોડ શો કે કાર્યક્રમમાં વીઆઇપી બંદોબસ્ત, તાજિયાના ઝૂલૂસ, કથાની પોથી, કોઇ મંત્રીની ભેંસ શોધવાની, આઇએસના કૂતરા શોધવાના, નાના છોકરા અંકલ અમારી સાઇકલ શોધી આપો એમ કહે એટલે સાઇકલ શોધવાની, કોઇ નેતાને ચપ્પલ પહેરાવવાના, કોઇ પૂર્વમંત્રીના ખોવાયેલ ચશ્માં શોધવાના. બાકી રહ્યું તો પ્રેશર કૂકરના ઢાંકણાનું નવું કૂકર ખરીદવા માટે ડિસ્કાઉન્ટ અપાવવાનું?' રાણા સાહેબ માથું પકડીને બબડતા રહ્યા અને પછી રૌદ્ર સ્વરૂપ કરીને કહ્યું :ઓ મનોજભાઈ, આ મેડમના ઢાંકણાંનું વળતર ચૂકવી દો, નહીંતર…!’

ઉમેરવાની જરૂર નથી કે અમારાં રાધારાણી નવા કૂકર સાથે હસતાં મોઢે ઘેર પરત ફર્યાં….!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button