…તો આકાશમાં પ્લેનને ધક્કા મારવા તૈયાર રહેજો!

ઊડતી વાત – ભરત વૈષ્ણવ
`ભાભી ઘરે છે?’ રાજુએ મારા ઘરમાં દાખલ થઇ આમ તેમ ડાફોળિયા મારતા ચકળવકળ ડોળા નચાવતા પૂછયું.
`અરે, તારે રાધારાણીનું શું કામ પડી ગયું?’ મેં રાજુને ઘેરવાનો પ્રયત્ન કર્યો.
`રાજુ, ઉર્મિલા કાકી એટલે તારા મમ્મીને રાધાનું કામ છે?’ કદાચ રાજુના મમ્મી તેના નપાવટ બેટાને ડાળીએ વળગાડવા રાધારાણી પાસે નક્કર સલાહસૂચન લેવા માગતા હોય.
`ના, એવું નથી. મારે ભાભીનું પર્સનલ કામ છે.’
`રાજુ, તારે ડબલ આદું નાખેલ કડક મીઠી ગરમ ગરમ ચા પીવી છે?’ રાજુ મારા ઘરે મફતનું છાપું વાંચવા અને મફતની ગરમ ગરમ ચા પીવા વરસના ત્રણસો પાંસઠ કે ત્રણસો છાંશઠ દિવસ આવે.
`બપોરે બે વાગ્યે જમવાના સમયે કયો ગાંડો માણસ ચા પીવાની ઇચ્છા રાખે. તમે મને ગાંડો ગણો છો?’.
`રાજુભાઇ, તમારા ભાઇ અને તમે બંને મહા ગાંડા છો?’ રસોડામાંથી આવતાં રાધારાણાએ અમારી ફિરકી લઇ લીધી.
`ભાભી, મારે તમાં ખાનગી કામ છે.’ રાજુએ પ્રસ્તાવના મુકી.
`રાજુભાઇ, તમારા ભાઇબંધ ગમે તેટલા ગાંડાઘેલા હોય, મગજનો સ્ક્રૂ ઢીલો હોય તો હું તેનાથી કાંઇ ખાનગી રાખતી નથી.’
`ભાભી, તમારા ઘરે તેલ છે?’ રાજુએ પૂછી પૂછીને આ શું પૂછયું?
`તમારે તેલની ધાર જોવી છે? ટુવ્હીલર કે કારમાં પૂરવાનું ઓઇલ એટલે કે તેલ નથી. સીવવાના સંચામાં ઉંજવાનું તેલની જરૂર હોય તો છે…’ આટલું કહી રાધારાણી રસોડામાંથી તેલની ટોયલી લઇને આવ્યા.
તમારા ઘરનું વારંવાર વાપરવામાં આવેલ તેલ લેવું છે. એ તેલ હું વાટકી વ્યવહાર તરીકે માંગતો નથી. બલ્કે, યોગ્ય કિમત આપીને જથ્થાબંધ ખરીદ કરવા ઇચ્છું છું.’ રાજુએબખડજંતર’ ચેનલની ફોટોગ્રાફરની નોકરીને લાત મારીને ભંગાર-પસ્તી ફસ્તીના ધંધામાં ઊંધેકાંધ ઝંપલાવ્યું હશે કે શું?
`હેં શું કહ્યું?’ હું અને રાધારાણી ચમકી જઇને બોલી ઊઠ્યાં.
`ગિરધરલાલ, મે બળેલ તેલ એકત્ર કરવાનો ઓલ ઇન્ડિયા કોન્ટે્રકટ લીધો છે.’ રાજુએ નવા સાહસની હિન્ટ આપી.
`હાય હાય રાજુભાઇ, તમે બળેલા તળાવના ક્નટેનરમાં પડી છબછબિયા કરશો?’ રાધારાણીએ રાજુને સવાલ કર્યો.
`ના, એવું નથી. તમને ખબર છે કે આપણને પેટ્રોલ-ડીઝલ ભેળસેળવાળું મળે છે. પેટ્રોલની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં નેપ્થા, ઘાસલેટ વગેરેની મિલાવટ થાય છે. સરકારે પેટ્રોલમાં મકાઇ, શેરડી અને ઘઉંમાંથી બનેલ આલ્કોહોલ એટલે કે ઇથેનોલ વીસ ટકા મિકસ કરવાની છૂટ આપી છે. વાહનચાલકો અને પેટ્રોલ પંપ સંચાલકોની ફરિયાદ મુજબ તેનાથી પેટ્રોલની ટાંકી સડી જાય છે અને એન્જિનને નુકસાન થાય છે.’ રાજુએ નવું ભેળસેળ વિશ્વ અમારી સમક્ષ ખુલ્લું મુકયું.
`રાજુ, બળેલ તેલનો વારંવાર ઉપયોગ કરવાથી ફૂડ પોઇઝનિંગ પાર્કિન્સન્સ અને અલ્ઝાઇમર્સ જેવી ચેતાતંતુઓની તકલીફ, હાર્ટ-ડિસીઝ કે કેન્સર જેવા અતિગંભીર રોગોની થવાની સંભાવના રહેલી છે. ગૃહિણીઓ બળેલ તેલનો ઉપયોગ રોટલી કે ભાખરીનો લોટ બાંધવાના મોણ તરીકે વાપરતી હોય છે.’ મેં બળેલ તેલનો ઘરેલું ઉપયોગ બતાવ્યો.
`ગિરધરલાલ, હવે દુનિયા ક્યાંયની કયાંય આગળ વધી ગઇ છે. વિમાનમાં વપરાતા ઈંધણને એવેશન ટર્બાઇન ફયુઅલ કહે છે. સરકારે તેમાં પાંચ ટકા બળેલા તેલનો વપરાશ કરવાની છૂટ આપી છે. હવે સરકાર સસ્ટેનેબલ એવિયેશન ફયુઅલ એટલે કે એસએએફ બનાવશે. જે પરંપરાગત એટીએફની સરખામણીમાં 80 ટકા ઓછા કાર્બનનું સર્જન કરશે. હવે, બળેલ તેલ લિક્વિડ ગોલ્ડ બનવાનું છે.
મારી પાંચે આંગળી બળેલા તેલમાં ડુબાડીને મબલખ રૂપિયા કમાઇ જઇશ. તમારી પાસે બે ત્રણ હજાર કરોડ રૂપિયા સ્પેર હોય તો મારી સાથે પાર્ટનરશિપ કરી શકશો. બોલો, રૂપિયાવાળા થવાની ઇચ્છા છે?’ રાજુએ અમારી આગળ પાર્ટનરશિપનું ગાજર લટકાવ્યું.
-પણ અમારા રાજુ રદીને એ ખબર નહોતી કે ભેળસેળવાળા પેટ્રોલને લીધે શિયાળામાં ટુ વ્હીલર કે કાર ચાલું કરવા માટે એક ધક્કા ઔર દે કરવા પડે છે. પ્લગમાં કાંકરી આવી જતાં ટુ વ્હીલર ચાલતાં ચાલતાં અચાનક બંધ થઇ જાય છે. આવું જ કાંઇક હવે આકાશમાં ઉડતા પ્લેન સાથે થવાની સંભાવના રહેલી છે.
આજકાલ એર કંપનીની સેવા કથળતી જાય છે. હમણા ફલાઇટ કેન્સલ કરવાની કંપનીઓમાં હોડ લાગેલી. બળેલા તેલને મિકસ કરીને વિમાનમાં ઈંધણ ભરવાના લીધે વિમાન આકાશમાં આંચકા ખાવા માંડશે કે અચાનક એન્જિન બંધ થઇ જશે તો વિમાન ચાલુ કરવા પેસેન્જરે વિમાનનો દરવાજા ખોલીને આકાશમાં ધક્કા મારવાની તૈયારી રાખવી પડશે …!
આ પણ વાંચો…ઊડતી વાતઃ મફત ડિનર કેટલામાં પડ્યું?



