એ ફરિયાદનો કેવી રીતે થયો ઉપચાર?

ઊડતી વાત – ભરત વૈષ્ણવ
`રમીલા વવ, આંય આવો.’ બજરની ડબ્બીમાંથી ડાબા હાથની બે આંગળીથી ચપટી બજર લઇ કંકુમાએ બજરને દાંતે ઘસી. પછી બજર અને થૂંકવાળા હાથ સાડલાના છેડે લૂંછી નાંખ્યા.
`બોલો બા, શું કામ છે? માથું દુખે છે? ચા પીવી છે? વાળમાં તેલ નાંખવું છે?’ પ્રેમાળ સ્વરે રમીલાએ તેની સાસુને પૂછયું.
`તમે લોકો માં લગીરે ધ્યાન રાખતા નથી.’ કંકુમાએ ફરિયાદ કરી.
`બા, અમારી કંઇ ભૂલ થઇ ગઇ.?’ રમીલા આકુળવ્યાકુળ થઇ ગઇ.
`તમે આમ તો ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલે કરો છો. પાણી માંગું છું તો દૂધ હાજર કરો છો પણ’આમ કહી કંકુમાએ વાક્ય અધૂરું છોડ્યું.
`પણ …શું ?’
`રમીલા વવ, હું ઓમકારેશ્વર મંદિરે સાંજે ભજનકીર્તન કરવા જઉં છું. ત્યાં મારી ઉંમરની ડોસીઓ ભજન પૂરા થયા પછી દવા ખાવાની વાત કરતી હતી. કોઇક પગના દુખાવાની, કોઇક બીપીની, કોઇ ડાયાબિટીસની… ત્યાં બધી ડોસીઓ મને પૂછે છે કે માડી, તમે કંઇ દવા લો છો? હું તો બધા આગળ ભોંઠી પડી. મારે કહેવું પડ્યું કે મારો છોકરો મારી દવા કરાવતો નથી.’ કંકુમાએ જૂતું કયાં ડંખતુ હતું તેનો ફોડ પાડ્યો.
પણ, બા તમને એવું લાગે છે અમને તમારી દવાના ફદિયા ભારે પડે છે એટલે અમે તમારી દવા કરાવતા નથી?' પણ તમે લોકો મારી દવા તો કરાવતા નથી જ ને? તમને મારી દવા કરાવતા જોર આવે છે. મારી દવા હારું રૂપિયા છૂટતા નથી.’ કંકુમાએ રાવ કરી.
એ રાતે …
તમે બા સાથે પેટછૂટી વાત કરી લો. બા બહુ સોસવાય છે.’ રમીલાએ તેના પતિ ધીરુના કાન પર વાત નાંખી. રમી, બાપુજી દેવલોક સિધાવ્યા ને ત્રણ દસકા પૂરા થયા. હું માના ચરણોમાં જન્નત છે એ કથનનું ચુસ્તપણે પાલન કરું છું. માને કોઇ વાતે લગીરે ઓછું ન આવે તેમ તો આપણે રાખીએ છીએ.’ ધીરુએ ગળગળા થઇને કહ્યું.
`બા, તબિયત કેવી છે?’ ધીરુએ કંકુમા પાસે જઇને બેસીને પૂછયું.
`ધીરુડા, તું મને નાનકાના ઘીરે મુકી જા.’ નાનકો એટલે ધીરુનો નાનોભાઇ નિતીન. એ પાલિતાણા રહેતો હતો.
`બા ,નાનકાને ઘીરે આંટો મારવા જવું છે?’ ધીરુએ પૂછયું.
`ના ધીરુડા, હવે ન્યાંગણે જ રેવું સે.’ કંકુમાએ સોઇ ઝાટકીને તેનો નિર્ણય સંભળાવ્યો.
`બા, તને આંય શું તકલીફ છે? છોકરાએ વાયડાઇ કરી? રમીલાએ કાંઇ કીધું?’
`તમે લોકો મારી દવા કરાવતા નથી. તારા બાપા જીવતા હતા ત્યારે તમે લોકો તેની હોંશેહોંશે દવા કરાવતા હતા. ‘કુંકુમા ઉવાચ. ધીરુ કંકુ ડોશીને નિતીન પાસે લઇ ગયો. એ તેનો નાનો ભાઇ ન હતો. પરંતુ, શહેરના નામાંકિત ફિઝિશ્યન ડો. નીતિન રાણે હતા.
`ડૉકટર સાહેબ, બાને ચેક કરો.’.
`બા, તમારું નામ શું?’ ડૉકટરે સામાન્ય પ્રશ્ન પૂછયો.
`કંકુમા.’ કંકુમાએ જવાબ આપ્યો
બા, જીભ બહાર કાઢો.’ ડૉકટરે સૂચના આપી. ડૉકટરે જીભ જોઇ. આંખ તપાસી. કંકુમાનું બ્લડ પ્રેશર માપ્યું. કંકુમાનું ઇસીજી ઈત્યાદિ વગેરે તમામ રિપોર્ટ નોર્મલ હતા. કંકુમાને નખમાંયે રોગ હતો નહીં. તો પછી શેની દવા કરવાની? બા હાથપગ કળે છે?’ ડૉકટરે ટિપિકલ સવાલ પૂછયો.
`ના ભઇલા.’ કંકુમા નિરામય નાદે બોલ્યા.
`છાતીમાં ગભરામણ થાય છે? ચક્કર આવે છે? હાંફ ચડે છે? પગ પાણીપાણી થાય છે?’ ડૉકટરે સ્ટાન્ડર્ડ સવાલો પૂછ્યા.
એવું બધુ થાય મારા વેરીને!? મે કયાં કોઇનો દલ્લો ઓળખ્યો છે?' કંકુમાએ લડાયક જુસ્સાથી જવાબ આપ્યો. બા, તમને કોઇ રોગ નથી.’ ડૉકટરે નિદાન કર્યું.
`ભઇલા, આ મારો છોકરો મારી દવા કરાવતો નથી. હું મંદિરે ભજન કીર્તન કરવા જાવ સું. ન્યાં કણે બધી ડોસીઓ જાતજાતની ગોળી ગળવા કે દવા પીવાની વાત કરતી હોય છે. મારે પણ એમની ઘોડે ગોળી ગળવી છે.’ કંકુમાએ તેની અબળખા જણાવી
`બા તમારે કેટલા દીકરા ?’ ડૉકટરે સિલેબસ બહારનો સવાલ પૂછયો.
`મારે બ ગગા અને એક ગગી છે.’ કંકુમાએ જવાબ આપ્યો .
`માજી, આ છોકરા તમારી દવા કરાવતા નથી ને? આજથી હું તમારો દીકરો. તમને દવા લેવાની ઇચ્છા થાય ત્યારે તમારે મારે ત્યાં આવતા રહેવાનું.’ ડૉકટરે સધિયારો આપ્યો ને પછી ઉમેર્યું :
`માડી, અત્યારે હું તમને એક પાઉડર આપું છું. એક લિકવિડની બોટલ આપું છું. બોટલનું ઢાંકણું ભરીને સવાર સાંજ દવા પી લેવાની.’ ડૉકટરે કંકુમાની ફરિયાદનો તોડ કાઢ્યો. કંકુમા રાજીના રેડ થઇ ગઇ. મંદિરે આવતી હમ ઉમ્ર ડોશીને ગર્વથી કહી શકીશ કે હું પણ દવા લઉં સું.
ડૉકટરે કંકુમાને પડીકામાં શેનો પાવડર આપ્યો? ડૉકટરે કંકુ માને પડીકામાં ગ્લુકોઝનો ગળ્યો પાઉડર અને પ્રોબાયોટિક મિલ્કની બોટલ થમાવી દીધી. ડૉકટરે ફીનો એક રૂપિયો લીધા સિવાય નાના બાળક જેવા કંકુમાની ફરિયાદનો આમ ઉકેલ કાઢ્યો !
આ પણ વાંચો…ઊડતી વાત : કોન્ટ્રાકટર કરસન કેમ કરે છે કાળો કકળાટ?



