ઉત્સવ

હેં… ખરેખર?! : ટચૂકડો દેશ તુવાલુ જળસમાધિની પ્રતીક્ષામાં છે!

-પ્રફુલ શાહ

ઝીદફહી. હા, તુવાલુનું નામ સાંભળ્યું છે તમે? એ કોઈ વાનગી, પ્રાણી કે ગામડું નથી. આખેઆખો દેશ છે પણ સાવ ટચૂકડો. સાઈઝ છે માત્ર બાર (હા, એકડે બગડે બાર) કિલોમીટર. આ દેશમાં માત્ર એક હૉસ્પિટલ છે, ને એક જ પોલીસ સ્ટેશન. એટલે જ તો દુનિયાના સૌથી નાના દેશમાં ચોથા ક્રમે આવે છે.

તુવાલુ ચોતરફ સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. એની વસતિ માંડ અગિયાર હજારની છે. એ આઈલેન્ડ એટલે કે દ્વીપથી બનેલો દેશ છે. તુવાલુમાં નવ દ્વીપોનો સમાવેશ થાય છે. સાવ નાનકડો દેશ અને પાંખી વસતિ હોવાથી એક મેક નાગરિક સૌને જાણે, ઓળખે અને સુખદુ:ખમાં સામેલ થાય. કારણ કે આ દેશમાં સતત દુકાળ કાં ભારે વરસાદ કાં વાવાઝોડાની હાજરી હોય જ. અહીં સામાન્યપણે મહિને આઠથી સોળ ઈંચ વરસાદ પડે છે. 2011માં એટલો ભયંકર દુકાળ પડ્યો હતો કે સરકારે કટોકટી જાહેર કરી દેવી પડી હતી.

આ પણ વાંચો: હેં… ખરેખર?! : વેસ્ના વુલોવિક તનથી તૂટેલાં, મનથી પોલાદી!

તુવાલુ છે ક્યાં?

પ્રશાંત મહાસાગરમાં ઓસ્ટ્રેલિયા અને હવાઈ વચ્ચે. એની રાજધાની છે બેઆકુ. પાડોશી દેશો ફિઝી, સમોઆ અને કિરિબાતી છે. આ ટાપુ દેશ ઈ.સ. 1892થી લઈને 1916 વચ્ચે બ્રિટનના તાબામાં હતો. ત્યાર બાદ 1916થી 1974 વચ્ચે ગિલબર્ટ ઍન્ડ ઈલાઈલ આઈલેન્ડ કોલોનીનો ભાગ હતા. 1974માં સ્થાનિકોએ સ્વતંત્રતાની તરફેણમાં મતદાન કર્યું ને 1978માં એ રાષ્ટ્રકુળનો સંપૂર્ણ સ્વતંત્ર દેશ બની ગયો હતો.

અહીં રાજકીય વ્યવસ્થા કેવી છે? સંસદીય લોકશાહી સાથે બંધારણીય રાજાશાહી છે. આની વર્તમાન રાણી મહારાણી એલિઝાબેથ દ્વિતીય છે; તો ગવર્નર જનરલ ફિયોમિયા તિલિતો છે. અહીં મહદ્અંશે તુવાલુ અને અંગ્રેજી ભાષા બોલાય છે. અહીં ચલણ તુવાલુઆન ડૉલર અને ઓસ્ટ્રેલિયન ડૉલર ચાલે છે.

અહીંની 91 ટકા વસતિ નાસ્તિક છે, ને બાકીના ખ્રિસ્તી ધર્મ પાળે છે. અહીં મુખ્યત્વે બે જાતિ છે, પૉલિનેશિયન અને માઈક્રોનેશિયન. આ દેશના રાષ્ટ્રીય પકવાનનું સ્થાનિક નામ છે પાલુસામી.

આ પણ વાંચો: હેં… ખરેખર?! : 33 હજાર ફૂટથી વગર પેરેશૂટે પડ્યાં ને જીવતાં રહ્યાં, બોલો!

તુવાલુની જીવનનિર્વાહ પદ્ધતિ અને આર્થિક વ્યવસ્થા કેવીક છે? 1996થી 2000 વચ્ચે તુવાલુનો દેખાવ પ્રશાંત મહાસાગરના દેશોમાં સૌથી શ્રેષ્ઠ હતો, પરંતુ 2002 બાદ આર્થિક વિકાસ ધીમો પડી ગયો. 2008માં ઈંધણ અને અનાજની વૈશ્વિક કિંમતો વધતા તુવાલુના ચલણના મૂલ્યમાં ભારે ધોવાણ થયું હતું અને વિદેશી હૂંડિયામણ ઘટીને 13.4 ટકા થઈ ગયું હતું.

આ તો થઈ તુવાલુની વિશિષ્ટતા અને વિવિધતાની વાતો, પરંતુ એની સૌથી મોટી સમસ્યા જડબું ફાડીને ઊભી છે અને એનો કોઈ કરતા કોઈ ઈલાજ નથી. જળવાયુની સ્થિતિમાં આત્યંતિક પરિવર્તનને લીધે તુવાલુનું સમગ્ર અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ ગયું છે. આસપાસ સમુદ્રની સપાટી વધવાથી આ દેશ નિશ્ચિતપણે ડૂબી જવાનો છે.

નિષ્ણાતોના મત મુજબ વધુમાં વધુ 40-50 વર્ષમાં તુવાલુ સંપૂર્ણપણે જળસમાધિ લઈ લેશે! 2021માં તુવાલુના વિદેશ પ્રધાન સાયમન કોફેએ યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (સંયુક્ત રાષ્ટ્ર સંઘ જળવાયુ પરિવર્તન પરિષદ)માં સમુદ્રમાં ઘૂંટણી સુધીના પાણીમાં ઊભા રહીને સંબોધન કર્યું હતું. આની પાછળ એમનો ધ્યેય પોતાના દેશની સમસ્યા ભણી દુનિયાનું ધ્યાન ખેંચવાનો હતો એ સમજી શકાય એવું છે.

આ પણ વાંચો: હેં… ખરેખર?! : વિશ્વની એક માત્ર તરતી ટપાલ કચેરી છે કાશ્મીરમાં!

માત્ર માછીમારી અને અન્ય સમુદ્ર સંબંધી આર્થિક પ્રવૃત્તિ પર નભતા તુવાલુનું પોતાનું એક એરપોર્ટ છે, જે બીજા વિશ્વ યુદ્ધ વખતે અમેરિકાએ બંધાવ્યું હતું. વધુ માળખાકીય સગવડ ન હોવાથી પર્યટકો બહુ ઓછા પ્રમાણમાં આવે છે.

એ બધું તો ઠીક સવાસો મણનો મહાપ્રશ્ન એ છે કે તુવાલુ દેશ ડૂબી જાય તો એના નાગરિકોનું શું? તેઓ ક્યાં જાય? ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના દેશમાં શરણ આપવા ની ઑફર કરી છે. પરંતુ પોતાની ધરતી, ઘર, સંસ્કૃતિ એ સર્વસ્વથી કાયમીપણે વિખૂટા પડવાનું કેટલું આકરું-અસહ્ય બની જાય? અત્યારે યુનાઈટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના વિજ્ઞાનીઓ ક્લાઈમેટ ચેન્જથી આ ટાપુ પર થતા અને ભવિષ્યમાં થનાર ફેરફારોનો અભ્યાસ કરી રહ્યાં છે.

સમુદ્રની સપાટીથી માત્ર બે મીટરની ઊંચાઈએ આવેલા આ દેશની સંસ્કૃતિ, પરંપરા, રીતભાત જળવાઈ રહે એ માટે એનું ડિજિટાઈઝેશન થઈ રહ્યું છે. પણ ધીમે ધીમે પોતાની તરફ નિશ્ર્ચિતપણે આવતા મોતને જોઈને કોઈ દર્દીને થતી લાગણી જેવી જ હાલત તુવાલુની હશે ને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button