કવર સ્ટોરીઃ ટ્રમ્પના ઈન્ડિયન ઈકોનોમી વિશેના તિકડમ ભારત સામે ટ્રમ્પનું ‘વિશેષ’ ટૅરિફ યુદ્ધ: શું આ મેડનેસમાં કોઈ મેથડ છે? | મુંબઈ સમાચાર

કવર સ્ટોરીઃ ટ્રમ્પના ઈન્ડિયન ઈકોનોમી વિશેના તિકડમ ભારત સામે ટ્રમ્પનું ‘વિશેષ’ ટૅરિફ યુદ્ધ: શું આ મેડનેસમાં કોઈ મેથડ છે?

જયેશ ચિતલિયા

ડોનલ્ડ ટ્રમ્પે રોજ-રોજ નવાં નિવેદન કરતા રહી બહુ આકરી રીતે ભારત સામે ટૅરિફ યુદ્ધ શરૂ કરી દીધું છે. તેના અહંકારને પહોંચેલી ઠેસને પરિણામે તે ગિન્નાયા છે અને ભારત પર ટૅરિફ ડબલ કરી રહ્યા છે, વધુ પેનલ્ટીની ધમકી સાથે હજી પણ ઘણાં આકરાં પગલાં લેવાશે એવા સંકેત આપી રહ્યા છે. રશિયા પાસેથી ભારતે ક્રૂડ ઓઈલ અને ડિફેન્સ સાધનો ખરીદવા કે વેપાર કરવા સામે તેનો આક્રોશ છે. જોકે યુરોપિયન યુનિયન સહિત અમેરિકા પોતે રશિયા સાથે વેપાર કરે છે. તેમનો વાંધો ભારત સામે જ શા માટે છે એ સવાલ સો મણનો છે.

બીજીબાજુ અમેરિકાની સુપ્રીમ કોર્ટ ટ્રમ્પના ટૅરિફ સંબંધી પગલાંને ગેરબંધારણીય ગણી રહી છે, જેને પગલે તમામ ટૅરિફ રદ થવાની શકયતા પણ ઊભી થઈ છે. અમેરિકાના સલાહકારો પણ ટ્રમ્પ ભારત સાથે અન્યાયી કે ગેરવ્યવહાર કરી રહ્યા હોવાના મત વ્યકત કરી રહયા છે.

નોંધપાત્ર વાત એ છે કે હવે તો યુએસ મીડિયા પણ ટ્રમ્પનાં નિવેદનો અને નિર્ણયો અંગે ટિપ્પણી કરતા કહે છે કે અગાઉના સમયમાં અમેરિકા ચીનને કાઉન્ટર કરવા માટે ભારત સાથે સારા સંબંધો જાળવતું રહ્યું હતું, હવે અમેરિકાનાં નવાં પગલાં આ જૂની મિત્રતાને જ બગાડી રહ્યું છે. વધુમાં ભારતના વડા પ્રધાન ચીનની મુલાકાતે જઈ રહયા છે ત્યારે ચીન અને ભારત બેઉ જણાં મળીને શું ચર્ચા કરશે કે નિર્ણયો લેશે તે જોવાનું મહત્ત્વ રહેશે. ટ્રમ્પને આ પણ ખુંચતુ હોય તો નવાઇ નહીં.

‘ડેડ ઈકોનોમી’ વિશે અન્ય શું કહે છે?

ભારતની નિકાસ આઈટમ્સ પર 25 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરતી વખતે ટ્રમ્પે ભારતની ઈકોનોમીને ‘ડેડ ઈકોનોમી’ ગણાવીને ભારતની વધતી જતી આર્થિક તાકાતને ઊતારી પાડવાની ચેષ્ટા કરી છે. ત્યારથી એ નિવેદન વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન બધું થઈને એમણે ભારત પર કુલ 50 ટકા ટૅરિફ ફટકાર્યો છે. રશિયા સાથે ભારતના સંબંધ વધુ દૃઢ થઈ રહ્યા છે એ પણ ટ્રમ્પને કઠે છે.

ટ્રમ્પ ભારતની ઈકોનોમીને ‘ડેડ’ ગણાવી રહ્યા છે ત્યારે એ વિશે AI -આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ચેટજીપીટી, ગ્રોક, જેમિનિ, મેટા અને કોપિલોટ જેવા વિવિધ મંચોને પૂછવામાં આવ્યું કે ‘શું ભારતની ઈકોનોમી ડેડ છે?’ ત્યારે એ બધાએ એક સરખો જવાબ આપ્યો કે ‘ના… કભી નહીં.!’

‘ચેટજીપીટી’એ કહ્યું કે ‘ભારતીય ઈકોનોમી ડેડ હોવાની વાત બાજુએ રહી, એ તો ડાયનેમિક અને એમ્બિશિયસ (મહત્ત્વાકાંક્ષી) ઈકોનોમી છે’…….‘ગ્રોકે’ કહ્યું, : ‘ડેડ નહીં, ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપી દરે વિકસતું (ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઈકોનોમી) અર્થતંત્ર છે….’ ‘જેમિનિ’ ના મતે ભારતીય ઈકોનોમી વિકાસલક્ષી છે. ‘મેટા’ એ પણ આ જ શબ્દોમાં સૂર પુરાવતા કહ્યું કે ઈન્ડિયન ઈકોનોમી ડેડ નહીં, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે. ‘કેપિલોટે’ પણ આવો જ જવાબ આપ્યોં.!

આ પણ વાંચો…કવર સ્ટોરી : અભિવ્યક્તિના નામે સદંતર જૂઠાણાં ફેલાવતાં સોશ્યલ મીડિયાને કઈ રીતે નાથી શકાય?

વિદેશી રોકાણકારો પણ ભારતીય બજાર માટે આશાવાદી

AIની સાથે ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલી ભારે જકાત વિશે પોતાની પ્રતિક્રિયા વ્યકત કરતા ‘નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)’ ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આશિષ કુમાર ચૌહાણ કહે છે કે ઊંચા ટૅરિફ છતાં ભારતના બજાર માટે વિદેશી રોકાણકારો આશાવાદી છે. માર્ચ-એપ્રિલમાં ટૅરિફની જાહેરાત બાદ વિદેશી ભંડોળના પ્રવાહને બહુ નકારાત્મક અસર થઈ નથી એનાથી તો અમને પણ આશ્ર્ચર્ય થયું છે.’

આશિષ કુમાર ચૌહાણ ઉમેરે છે કે ‘કોવિડના સર્વ પ્રથમ વાર સમાચાર આવ્યા ત્યારે બજારો 40% ઘટ્યાં હતાં, પરંતુ પછી ક્રમશ: બધુ રાબેતા મુજબનું થઈ ગયું. આ જ રીતે ટ્રમ્પે જાન્યુઆરીના અંતમાં સત્તા સંભાળી ત્યારે એમનાં નિવેદનોને શરૂઆતમાં બજારોએ ઘણી પ્રતિક્રિયા આપી, પરંતુ પછી તો બજાર ટ્રમ્પનાં નિવેદનોને પચાવી ગઈ…!

બીજું, આપણે અસરગ્રસ્ત પક્ષકાર છીએ એટલે એમ લાગે છે કે ટ્ર્મ્પ ભારત સાથે આમ કરી રહ્યા છે…એવું નથી એ યુરોપિયન યુનિયન કે જપાન કે કોરિયા જેવાં એમના મિત્ર રાષ્ટ્રો સાથે પણ ‘અભી બોલા …અભી ફોક!’ જેવું વર્તન કરી રહ્યા છે!’ ટૂંકમાં જિદ્દી ટ્રમ્પ પોતાની વાત મનાવા જ આવા ખેલ કરી રહ્યા છે…

આમ ભારતની ઈકોનોમી માત્ર વિભિન્ન AI ને જ નહીં, આર્થિક નિષ્ણાતોથી લઈને સામાન્ય માનવીને પણ મજબુત લાગે છે. હા, માત્ર બે વ્યક્તિને એ ડેડ લાગે છે…એમાં એક છે ‘મિસ્ટર ટ્રમ્પ’ ને બીજા છે રાહુલ ગાંધી !

બેફામ – બેજવાબદાર નિવેદનોની ભરમાર

વાસ્તવમાં ટ્રમ્પને દુખે છે પેટમાં ને કુટે છે માથું. રશિયા સાથેના ભારતના સંબંધો એમને માફક આવતા નથી. ચીન સાથે પણ ફાવતું નથી અને આમેય ચીન સામે એમનું બહુ ચાલતું પણ નથી, કારણ કે ચીન ટ્રમ્પ્ની બહુ પરવા પણ કરતું નથી.

બીજી બાજુ, ટ્રમ્પ્ને ખબર નથી કે આ નવું ભારત ને મજબુત ભારત છે. આ દેશની ઈકોનોમી પણ સક્ષમ છે અને પ્રજા પણ.યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પના શબ્દો જોઈએ તો, ‘હું ભારત રશિયા સાથે શું કરે છે તેની પરવા કરતો નથી, એ બંને સાથે મળીને તેમની ડેડ ઈકોનોમીને હજુ નીચે લઈ જઈ શકે છે… ભારત સાથે બહુ ઓછો બિઝનેસ કરીએ છીએ, કારણ કે તેના ટૅરિફ વિશ્વમાં સૌથી વધુ ઊંચા છે…’

હવે આ જ અકળાયેલા ટ્રમ્પ ટૅરિફ માર્ગે ભારત પર ચોકકસ પ્રેશર લાવવાની નીતિ દ્વારા રાજકારણ વધુ અજમાવી રહ્યા છે. બીજીબાજુ, ભારત વિશ્વની ત્રીજી સૌથી વિશાળ ઈકોનોમી બનવા તરફ આગળ વધી રહ્યું છે. અલબત્ત, ભારતે વધતી જતી વૈશ્વિક અનિશ્ર્ચિતતા વચ્ચે સજાગતા અને સલામતીનો અભિગમ રાખવો જરૂરી છે એવું નિવેદન તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે, વડા પ્રધાને દેશના ખેડુતો, નાના કદના ઉદ્યોગો, યુવાનોની રોજગારી વગેરે સમાન મુદ્દા સૌથી મોટી અગ્રતા (પ્રાયોરિટી) ને મામલે યુએસ સાથે કોઈ સમાધાન કરવા તૈયાર નથી એવું સ્પષ્ટ કહી દીધું છે. ભારત સરકારે ટ્રમ્પના તાજેતરના પગલાંને ગેરવાજબી અને અન્યાયી ગણાવ્યા છે.

હવે ભારત તેની નિકાસ વધારવા અન્ય દેશો સાથે વેપાર સંબંધો માટે નવેસરથી વાટાઘાટને ગતિ આપી રહ્યું છે. આ દેશોમાં યુરોપિયન યુનિયન, પેરુ અને ચીલી જેવા દેશનો સમાવેશ થાય છે. નિકાસના માલો પર હવે 50 ટકા ડયૂટી લાગુ થઈ રહી હોવાથી અમેરિકન આયાતકારો માટે આ આયાત મોંઘી બનશે. જોકે ભારત માટે અન્ય દેશો તરફ નિકાસ વાળવાનું કાર્ય પણ સરળ નથી, એના માટે નોંધપાત્ર સમય લાગી શકે છે.

આ સંજોગોમાં આશ્વાસનની બાબત એ છે કે ભારત માટે તેની સ્પર્ધાત્મક લેબર માર્કેટ અને ભૌગોલિક સ્થિતી ફેવરેબલ છે. ભારતની યુએસમાં થતી નિકાસ એટલી અસાધારણ ઊંચી નથી કે તેના પર ટૅરિફ વધી જતા ભારતનું અર્થતંત્ર કટોકટીમાં મુકાઈ જાય. આનો ખરો ભાર તો અમેરિકન કંપનીઓને લાગવાનો છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે યુએસના આ પગલાંથી ભારતને ટૂંકા ગાળામાં કયાંક અસર થઈ શકે, પરંતુ લાંબે ગાળે ભારત આ અસરથી મુકત થવા સક્ષમ છે, કારણ કે ભારત વિશ્વની અન્ય બજારો તરફ વળવાનો વિકલ્પ ધરાવે છે.

આજના આવા માહોલ વચ્ચે ભારતની રાજકીય સ્થિરતા, મજબૂત મેનપાવર, ઊંચો વપરાશ દર, ખરીદશક્તિ, પ્રવાહિતા, એકંદરે ફુગાવાનો નીચો દર, ઝડપી ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ, સરકારના આર્થિક સુધારાના સાતત્યપૂર્ણ અને પ્રોત્સાહક પગલાં, વગેરે પોઝિટિવ પરિબળો કહી શકાય.

હા, યુએસ ટૅરિફના આ પગલાંઓની ભારતીય ઈકોનોમી પર અસર ચોકકસ થશે, પરંતુ તે કેટલી ગંભીર બનશે એ વિશે હાલ કહેવું વહેલું ગણાશે. એ નકકી છે કે ભારત-અમેરિકાના સંબંધો નવું સ્વરૂપ ધારણ કરી ચુકયા છે. ભારત સામે હાલ તો આ મુદો પડકાર બનીને ઊભો રહી ગયો છે. અલબત્ત, ભારત તેનો સામનો કરવા સક્રિય અને સક્ષમ બની રહ્યું હોવાની આશા જરૂર રાખવા જેવી ખરી.

ટ્રમ્પનો ક્રોધ-અહંકાર આસમાને… ભારત સાથે વાટાઘાટનો પણ કર્યો ઈનકાર!

આ લખાઈ રહ્યું છે ત્યારે આવેલા અહેવાલ મુજબ ટ્રમ્પે જયાં સુધી ટૅરિફનો મામલો ઉકેલાય નહી ત્યાં સુધી ભારત સાથે કોઈ પણ પ્રકારની વેપાર વાટાઘાટ કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે… હકીકતમાં આ મહિનાના અંતમાં અમેરિકન ટીમની ભારત આવવાની વાત હતી, પણ હવે …

જાણકારો કહે છે કે ભારતે ટ્રમ્પની અત્યાર સુધીની તમામ જાહેરાતો-ધમકીઓનો કોઈ પ્રતિભાવ ન આપતા રહસ્યમય મૌન સાધી લીધું. એ ઉપરાંત આપણે રશિયા સાથે વેપાર ચાલુ રાખતા તેમ જ કૃષિ અને ડેરી સેકટરના વિષયમાં યુએસ સાથે કોઈપણ પ્રકારના સમાધાન કરવાની તૈયારી નહીં બતાવતા ટ્રમ્પના અહંકારને વધુ ઠેસ પહોંચી છે તેથી એ ભારત પર દબાણ વધારવા આ નવું શસ્ત્ર અજમાવી રહ્યા છે.

આ પણ વાંચો…કવર સ્ટોરી : બિહારમાં મતદાન યાદીની સુધારણા: કેન્દ્રીય ચૂંટણી પંચના વાદ-વિવાદ ને વિખવાદ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button