ઉત્સવ

બીજાના પ્રદેશ હડપ કરી જવાના તોફાને ચઢેલા ટ્રમ્પની સનક આખી દુનિયાને ડૂબાડશે?

વેનેઝુએલા પર હુમલો કર્યા પછી મેક્સિકો- કોલમ્બિયા- ક્યુબા- ગ્રીનલેન્ડ, ઈત્યાદિ દેશોને પણ હસ્તગત કરી લેવાની ધમકી આપીને અમેરિકાના તુંડમિજાજી ટ્રમ્પે દુનિયાભરમાં ફફડાટ ફેલાવી દીધો છે… સરમુખત્યારગીરી કરતાં આ ગાંડિયા શાસકને ખુદ અમેરિકાની પ્રજા જ ઘરભેગા કરીને એની સાન ઠેકાણે લાવી શકે તેમ છે…

કવર સ્ટોરી – વિજય વ્યાસ

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી અમેરિકાને ફરી મહાન બનાવવાના બહાને આડેધડ નિર્ણયો લઈ રહ્યા છે. એમાંય છેલ્લા કેટલાક સમયથી તો ટ્રમ્પે માઝા જ મૂકી દીધી છે. ટ્રમ્પે ભારત, ચીન, રશિયા સહિતના દેશોને દબડાવવા માટે લીધેલા નિર્ણયોની ધારી અસર ના થઈ તેથી ફૂંગરાઈને પોતાની મનમાનીને તાબે નહીં થતા અને સામે થતાં દેશોને સાવ પતાવી દેવા માગતા હોય એ રીતનું વર્તન શરૂ કર્યું છે.
એક તરફ ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરીને લેટિન અમેરિકન દેશોમાં ફફડાટ ફેલાવી દીધો છે તો બીજી તરફ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપીને યુરોપના પોતાના જ સાથી દેશોને પણ નારાજ કરી દીધા છે. ટ્રમ્પ ગાઝા પટ્ટીને સપાટ મેદાન બનાવીને રિસોર્ટ બનાવવાની દિશામાં પણ આગળ વધી રહ્યા છે.

રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને યુક્રેન સામે યુદ્ધવિરામ ના સ્વીકાર્યો તેનાથી અકળાયેલા ટ્રમ્પે રશિયા સાથે આર્થિક સંંબધો રાખતા ભારત, ચીન, બ્રાઝિલ સહિતના દેશોને દબડાવવા માટે 500 ટકા ટૅરિફ લાદતા બિલને પણ મંજૂરી આપી દીધી છે. આ તો ટ્રમ્પના મુખ્ય કારનામાઓની વાત કરી, બાકી નાનું નાનું તો ઘણું છે. ઈરાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં લોકોને ભડકાવીને ઊભી કરેલી અશાંતિ સહિતનાં ટ્રમ્પનાં સનકી પગલાંની વાત કરવા બેસીશું તો લેખ જ પૂરો નહીં થાય.

આ બધા વચ્ચે આઘાતજનક વાત પાછી એ છે કે, ટ્રમ્પ પોતાનું ધાર્યું કરાવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓની ઐસીતૈસી કરી રહ્યા છે અને નીતિ- નિયમોને કોરાણે મૂકીને બિલકુલ ફાટીને ધુમાડે ગયા હોય એ રીતે વર્તી રહ્યા છે. વેનેઝુએલા અને ભારત સામેનુું વલણ તેના જીવતાજાગતા પુરાવા છે. અમેરિકાએ વેનેઝુએલા પર આક્રમણ કરીને વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો અને તેમનાં પત્નીને ઉઠાવી લીધાં તેમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ થયો હોવાનું ખુદ યુનાઈટેડ નેશન્સે કહ્યું છે. વેનેઝુએલામાં ચૂંટાયેલી સરકારના વડા માદુરોનું જે રીતે એ `અપહરણ’ કરી આવ્યા એ જોતાં તો એ બીજા દેશની આંતરિક બાબતમાં દખલ કહેવાય, પણ ટ્રમ્પ બેશરમ બનીને એ દખલ કરી રહ્યા છે.

માદુરો સામેના કેસના મુદ્દે પણ અમેરિકા ગુંડાગીરી કરી રહ્યું હોવાની છાપ પડી છે. માદુરો સામે અમેરિકામાં ડ્રગ્સ અને શસ્ત્રો ઘુસાડવાનો આરોપ મૂકીને ટ્રમ્પ સરકારે ખટલો શરૂ કર્યો છે. એક દેશની ચૂંટાયેલી સરકારના વડા સામે આ રીતે બીજા દેશમાં કોઈ પણ પુરાવા વિના કઈ રીતે કેસ ચલાવી શકાય? અમેરિકામાં તો ટ્રમ્પ સામે એવા સવાલ પૂછાય રહ્યા છે કે માદુરો અમેરિકામાં શસ્ત્રો-ડ્રગ્સ ઘુસાડે છે તો ટ્રમ્પ અને તેમની તાબેદાર એજન્સીઓ શું જખ મારી રહી છે? આ તો ખરેખર ટ્રમ્પ સરકારની નિષ્ફળતા બતાવે છે. તેના માટે લાજવાના બદલે ટ્રમ્પ વેનેઝુએલાને ખેદાનમેદાન કરવા માટે મેદાનમાં આવી ગયા છે.

ટ્રમ્પની ગ્રીનલેન્ડ અને ગાઝા પટ્ટી હડપ કરવાની માનસિકતા સામે પણ આક્રોશ છે. ગ્રીનલેન્ડ અત્યારે ડેન્માર્કનો
સ્વાયત્ત પ્રદેશ છે. આર્કટિક વિસ્તારની નજીક હોવાથી ગ્રીનલેન્ડનું વ્યૂહાત્મક મહત્ત્વ બહુ છે. ટ્રમ્પે એવી થીયરી વહેતી કરી છે કે, ચીન-રશિયા ગ્રીનલેન્ડ હડપ કરવા માગે છે અને ડેન્માર્કની ચીન-રશિયા સામે ટકવાની તાકાત નથી તેથી ગ્રીનલેન્ડ અમેરિકાને સોંપી દેવું જોઈએ.

ટ્રમ્પની વાત વાહિયાત છે કેમ કે ડેન્માર્ક તો નાટો’નો હિસ્સો છે. આ સંજોગોમાં ગ્રીનલેન્ડનું રક્ષણ કરવાની જવાબદારી અમેરિકાના નેતૃત્વ હેઠળનાનાટો’ ની છે. રશિયા કે ચીન એવાં મૂરખ નથી જ કે, `નાટો’ના સભ્ય દેશ પર હુમલો કરીને પેટ ચોળીને શૂળ ઊભું કરે કેમ કે ગ્રીનલેન્ડ પર હુમલો થાય પછી અમેરિકા કંઈ ના કરે તો પણ યુરોપના દેશો તો ડેન્માર્કની વહારે આવવાના જ છે. ચીન-રશિયા બંનેનાં આર્થિક હિતો મોટા પ્રમાણમાં યુરોપ સાથે જોડાયેલાં છે તેથી ગ્રીનલેન્ડ પર હુમલાનો ખતરો જ નથી, પણ ટ્રમ્પ પોતાની લાલસા પૂરી કરવા વાહિયાત તર્ક આપી રહ્યા છે. ગાઝા પટ્ટીને ખાલી કરાવીને રિસોર્ટ બનાવવાનો તુક્કો પણ ટ્રમ્પની હલકી માનસિકતાનો જ પુરાવો છે.

ટ્રમ્પે ભારત, ચીન, બ્રાઝિલ સહિતના દેશો રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદે છે તેના જવાબમાં આ દેશો પર 500 ટકા ટૅરિફ લાદવાની ધમકી જ નથી આપી પણ તેને લગતું બિલ પણ મંજૂર કરી દીધું છે. ભારત, ચીન, બ્રાઝિલ કંઈ ઈરાન કે ઉત્તર કોરિયા જેવા હાંસિયામાં ધકેલાયેલા દેશો નથી પણ દુનિયાના આર્થિક નકશામાં સૌથી વધુ વજનદાર દેશોમાં સ્થાન પામે છે. અમેરિકા તેમના પર 500 ટકા ટૅરિફ લાદે એટલે તેમનો માલ અમેરિકામાં આવતો બંધ થઈ જાય. બીજા શબ્દોમાં ટ્રમ્પ આ ત્રણેય દેશોનો આર્થિક બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે.

ટ્રમ્પ ખરેખર 500 ટકા ટૅરિફ લાદે તો તેના કારણે આ દેશો સાથે આર્થિક વ્યવહાર કરતા બીજા દેશોનાં અર્થતંત્રને તો ફટકો પડે એની સાથે આખી દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ થઈ જાય.

ટ્રમ્પના ઉધામા જોતાં – વર્તન જોતાં લાગે કે, ટ્રમ્પની માનસિક સ્થિતી બરાબર નથી. ટ્રમ્પ પ્રમુખ તરીકે પહેલી ઈનિંગમાં સદંતર નિષ્ફળ ગયેલા અને તેના કારણે અમેરિકાને પ્રજાએ તેમને ઘરભેગા કરી દીધેલા. અમેરિકાની પ્રજાને આંબા-આંબલી બતાવીને ફરી સત્તામાં આવેલા ટ્રમ્પના માથા પર હવે અમેરિકાને ફરી મહાન બનાવીને અમર થઈ જવાની સનક સવાર થઈ ગઈ છે. આવી મનમાની માટે તેમણે આખી દુનિયાનો માહોલ બગાડી દીધો છે. ટ્રમ્પ દુનિયાના શાંતિદૂત બનવાના દાવા કરે છે, પણ ખરેખર તો એ વિનાશના દૂત બનીને દુનિયાભરના દેશોમાં અશાંતિ અને અરાજકતા ભડકાવી રહ્યા છે.

ટ્રમ્પની આ માનસિક બીમારીનો કોઈ ઈલાજ અત્યારે તો દેખાતો નથી, પણ અમેરિકાની પ્રજા જાગે ને ટ્રમ્પ સામે પ્રચંડ વિરોધ ઊઠે તો જ એ સીધા થાય એમ છે. બાકી દુનિયાના બીજા કોઈ નેતાની કે દેશની તાકાત નથી કે ટ્રમ્પને નાથી શકે. ચિંતાની વાત પાછી એ છે કે, ટ્રમ્પને પ્રમુખ બન્યે હજુ એક જ વર્ષ થયું છે અને તેમની ટર્મમાં બીજાં ત્રણ વર્ષ બાકી છે. એક જ વર્ષમાં ટ્રમ્પે જે રીતનો કાળો કેર વર્તાવી દીધો છે એ જોતાં આગામી ત્રણ વર્ષમાં કેવા કેવા અગનખેલ કરશે તેની કલ્પના માત્ર થથરાવી મૂકે તેવી છે.

આશા રાખીએ કે, ખુદ અમેરિકાની પ્રજા જ એમના આવા `ગાંડાં’ કાઢતા પ્ર્મુખ ટ્રમ્પને ઘરભેગા કરીને દુનિયામાં શાંતિ સ્થાપવામાં મદદ કરે. બાકી આ સનકી ટ્રમ્પ દુનિયાનું ધનોતપનોત કાઢી નાખશે.

આ પણ વાંચો…કવર સ્ટોરી : રશિયા-ભારત કરાર… મોદીનો ટ્રમ્પને તમાચો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button