ઉત્સવ

નદી કિનારાનાં રૂખડાં, વણસિંચ્યાં સિંચાય,એક દહાડો ન સિંચાય તો જડમૂળ થઈ જાય!

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

નદી કિનારાનાં રૂખડાં, વણસિંચ્યાં સિંચાય,

એક દહાડો ન સિંચાય તો જડમૂળ થઈ જાય!

કવિતા, કાવ્ય, પદ્ય સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર છે. સર્વ ભાષાના સાહિત્યમાં તેનો વિકાસ ગદ્ય કરતાં વહેલો થયો હોવાનું માનવામાં આવે છે. સંસ્કૃતમાં કુમારસંભવ, રઘુવંશ, કિરાતાર્જુનીયમ્, શિશુપાલવધ અને નૈષધ એ પાંચ મહાકાવ્ય ગણાય છે. શબ્દપ્રધાન, અર્થપ્રધાન અને ધ્વનિપ્રધાન એમ કાવ્ય ત્રણ પ્રકારનાં છે. વિદ્વત્તાભરી આ ઓળખાણ પછી આપણે દિવાન – એ – ખાસ છોડી દિવાન – એ – આમ તરફ આવીએ અને સામાન્ય માનવીની સામાન્ય ભાષાની પણ અર્થમાં હિમાલય જેવી ઊંચાઈ ધરાવતી રચનાઓ પર એક નજર નાખીએ. કવિતાની બે ચાર પંક્તિઓ ક્યારેક ઉખાણા રૂપે આવે છે તો ક્યારેક બહુ મોટો બોધ આપી જીવન દર્શન કરાવી જાય છે. અસલના વખતમાં અમુક મંગળ પ્રસંગ વખતે કવિતાની બે કડીમાં ઉખાણું પૂછવામાં આવતું હતું. ક્યારેક જોડકણાં હોય જેમકે આટ્યું પાટ્યું ભોંયમાં દાટ્યું, સવારે જોયું તો સોનાનું પાટ્યું: આ ઉખાણાનો જવાબ છે સૂરજ. બીજું જોડકણું છે રાતા રાતા રતનજી પેટમાં રાખે પાણા, વળી ગામે ગામે થાય ખાય એને રંક ને રાણા: આ ઉખાણાનો જવાબ છે બોર. મંગળ પ્રસંગે પૂછવામાં આવતું ઉખાણું જોઈએ જે જોડકણાંથી વિશેષ અને કાવ્ય પ્રકારની નજીક છે: નગરમાં નાગી ફરું ને વનમાં પહેરું ચીર, સ્વામી જજો ચૌટડે ને લાવજો મારી નાની નણંદના વીર. આનો જવાબ છે સોપારી. સોપારી જ્યારે વૃક્ષ પર હોય ત્યારે એના પર આવરણ હોય. એટલે પંક્તિમાં વનમાં હું પહેરું ચીર જેવી રજૂઆત છે. એ જ સોપારી ગામ – નગર કે શહેરમાં વેચવા આવે ત્યારે એનું આવરણ દૂર કરવામાં આવ્યું હોવાથી હળવી શૈલીમાં શહેરમાં હું નાગી ફરું એવી રજૂઆત જોવા મળે છે. જીવનની ફિલસૂફી સાવ સરળ શબ્દોમાં પણ કેવી સરસ રીતે વ્યક્ત થાય છે કે: નદી કિનારાનાં

રૂખડાં, વણસિંચ્યાં સિંચાય, એક દહાડો ન સિંચાય તો જડમૂળ થઈ જાય. રૂખડાં એટલે રૂખડોનું બહુવચન. રૂખડો એટલે ગોરખ આંબલીનું ઝાડ જેના થડની જાડાઈ બહુ હોય છે અને ઝાડ ખૂબ ઘટાદાર અને મોટું હોય છે. આ વૃક્ષને પાણી બહુ જોઈએ અને એટલે જ કદાચ એ નદીના કિનારા નજીક વધુ જોવા મળે છે. નદીકાંઠાના વૃક્ષને ઉગવા માટે પાણી પીવડાવવાની જરૂર નથી પડતી કારણ કે નદીનું પાણી એને સતત મળતું રહે છે. કેટલાક વૃક્ષ એવા હોય છે જેને એક દિવસ પણ જો પાણી ન મળે તો એ મૂળમાંથી નાશ પામે છે. આ થયું કૃષિ જ્ઞાન. એમાં જીવનનું જ્ઞાન એ છે કે પ્રકૃતિ જરૂરિયાત અનુસાર સગવડ બાંધી આપે છે. નાગ, પાઘ ને પારખું, નાડી ને વળી ન્યાય, તરવું, તંતરવું, તસ્કરવું એ આઠે આપકળાય પંક્તિઓ પણ સમજવા જેવી છે. સાપ પકડવો, પાઘડી બાંધવી, પગલું પારખવું, નાડી જોવી ને ન્યાય કરવો, તરવું, તંત્ર મંત્ર કરવા ને તસ્કરવું (ચોરી કરવી) એક સમયમાં આપકળા એટલે કે પોતાની મેળે શીખાય એવી કળા તરીકે જાણીતી હતી. જીવનમાં ગમે એવી સુખસાહ્યબી હોય એવી અવસ્થામાં પણ સચેત રહેવું, ગાફેલ ન રહેવું એવી શિખામણ આપતી પંક્તિઓ છે: નભરવશ ના રહીએ, મરને કોટિ હોય જર, લખ્યો લેખ લલાટે, ના ફેરવે કબી ઈશ્વર. નભરવશ એટલે ગાફેલ કે બેદરકાર. નસીબમાં જે લખ્યું હોય એ મિટાવી નથી શકાતું તેમ છતાં ગમે એટલા ધન – સંપત્તિ પાસે હોય તો પણ બેફિકર રહેવું નહીં.

POLITICS 

મોસમ રાજકારણની છે. 18મી લોકસભા માટે 543 સંસદસભ્ય ચૂંટવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. રાજકારણમાં કૃતિ જેટલું જ અને આજની તારીખમાં કદાચ વધુ મહત્ત્વ છે રાજકારણી કેટલા વાચાળ છે એનું. ‘બોલે એના બોર વેચાય’ એ રાજકારણમાં બંધ બેસતી સૌથી લોકપ્રિય કહેવત છે. ચૂંટણી અને રાજકારણ સંબંધી ભાષા વિશે આજે જાણકારી મેળવીએ. Ballot એટલે ગુપ્ત મતદાન. Ballot Box એટલે મતપેટી અને Ballot Paper એટલે મતપત્ર. જોકે, હવે EVM – Electronic Voting Machine ચલણમાં હોવાથી મતપેટી અને મતપત્ર જૂનવાણી થઈ ગયા છે. Politics એટલે રાજકારણ, રાજનીતિ. એવું કામ જેનો સંબંધ દેશના શાસન ચલાવવા સાથે છે. To Play Politics means to use a situation or the relationships between people for your own advantage. કોઈ પરિસ્થિતિમાં કે લોકો સાથેના સંબંધમાં પોતાનો ફાયદો કરી લેવો. મેલી કે ગંદી રમત રમવી એ અર્થ પણ છે. He got promotion by playing politics in the office. કોઈ વ્યક્તિ જ્યારે એમ કહે કે ‘હું પોલીટીક્સથી તો દૂર જ રહું છું કે મને પોલિટિક્સ ન ફાવે’ ત્યારે એમાં ભાવાર્થ રાજકારણ કે રાજનીતિનો નહીં પણ મેલી રમત કે કાવાદાવાનો હોય છે. રાજકીય ચર્ચા દરમિયાન અને વિશેષ તો અભિપ્રાય વ્યક્ત કરવાના હોય એ વાતાવરણમાં Politically Correct રૂઢિપ્રયોગ વપરાતો હોય છે. એવું આચરણ અથવા એવી ભાષાનો પ્રયોગ કરવો જેનાથી કોઈ વ્યક્તિ, જૂથ કે સમુદાયની લાગણીને ઠેસ ન પહોંચે. ટૂંકમાં માઠું ન લાગે. Politically Correct Opinions are normally biased. કોઈને માઠું ન લાગે એ હેતુ સાથે આપવામાં આવેલા અભિપ્રાય મોટેભાગે પક્ષપાતી હોય છે. Political Science is the study of politics and power from domestic, international, and comparative perspectives. પોલિટિકલ સાયન્સ ગુજરાતીમાં રાજનીતિ શાસ્ત્ર તરીકે ઓળખાય છે. સ્થાનિક ને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકારણનો અભ્યાસ રાજનીતિ શાસ્ત્ર કહેવાય છે. રાજકારણમાં દિલચસ્પી હશે અને અંગ્રેજીમાં એને સંબંધિત સમાચાર કે લેખ વાંચ્યા હશે તો Dirty Politics રૂઢિપ્રયોગના પરિચયમાં જરૂર આવ્યા હશો. ગુજરાતીમાં ‘ગંદું રાજકારણ’ પ્રયોગ જાણીતો છે. અલબત્ત અહીં બાહ્ય સ્વરૂપની ગંદકીની કોઈ વાત નથી. કોઈ વ્યક્તિ, સંસ્થા કે પ્રવૃત્તિ ઉતારી પાડવા  કે એની બદનામી કરવા જે પેંતરા રચવામાં આવે એ ડર્ટી પોલિટિક્સ તરીકે ઓળખાય છે.

अंगापेक्षा बोंगा फार

કહેવત કથામાં આજે अंगापेक्षा बोंगा फार પાછળ રહેલી મજેદાર કથા જાણીએ. મરાઠી શબ્દ અંગનો અર્થ શરીર અને બોંગા એટલે ફાંદ. આ કહેવતનો શબ્દાર્થ શરીર કરતા ફાંદ મોટી એવો થાય છે. બાળ વાર્તાઓમાં આવતા દૂંદાળા શેઠ આવા રહેતા. કહેવત પાછળની કથા કંઈક આવી છે. મીના નામની સાતેક વર્ષની અત્યંત રમતિયાળ છોકરીએ ફિલ્મમાં ગુલાબી રંગની રંગબેરંગી ફૂલોની ભાતવાળી સાડી પહેરેલી એક નાનકડી છોકરી જોઈ. એ એને એટલી ગમી ગઈ કે ઘરે આવીને જીદ પકડી કે પોતે પણ ગુલાબી સાડી પહેરવા માગે છે. માએ એને સમજાવી કે તારા માપની સાડી સહેલાઈથી ન મળે. થોડા દિવસ ખમી જા. અચાનક એક દિવસ મીનાની નજર મમ્મીની ડિઝાઈનવાળી ગુલાબી સાડી પર પડી. તાબડતોબ એ સાડી પહેરવાનું શરૂ કર્યું. મમ્મીને પહેરતા જોઈ હોવાથી પાટલી કેમ પાડવાની એની મીનાને ખબર હતી. જોકે, એક, બે, ત્રણ, ચાર પાટલી પાડ્યા પછી પણ સાડીનો છેડો નહોતો આવી રહ્યો. પછી એ પગમાં ભરાવા લાગી એટલે છાતી પર નાખી. તોય હજી ઘણો હિસ્સો જમીન પર જ હતો. થોડી મહેનત કર્યા પછી આપણી મીના તો થાકી ગઈ અને એનાથી હે ભગવાન એમ જોરથી બોલાઈ ગયું. આ સાંભળીને રસોડામાં કામ કરતી મમ્મી રૂમમાં આવી અને મીનાનો વેશ જોઈને ખડખડાટ હસી પડી. સાડીના ઢગલામાં મીના લપાઈને બેઠી હોય એવું લાગતું હતું. એ જોઈને મમ્મી બોલી ઊઠી કે अंगापेक्षा बोंगा फार. મીનાએ શરીરના કદની તુલનામાં ગજા બહારની સાડી પહેરવાનું સાહસ કર્યું.

गुजराती कहावत हिंदी में

શરીર સારું એનું બધું સારું એ સ્વસ્થ જીવનનું ગુરુ વાક્ય ગણાય છે. છેલ્લા કેટલાક વર્ષથી ‘હેલ્થ ઇઝ વેલ્થ’ (આરોગ્ય જ સાચી સંપત્તિ છે) નામના મંત્ર જાપ શરૂ થઈ ગયા છે, પણ આપણે ત્યાં ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવત સૈકાઓથી પ્રચલિત છે. પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે. અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે. આ કહેવત હિન્દીમાં एक तंदुरुस्ती हजार नियामत સ્વરૂપે નજરે પડે છે. નિયામત એટલે ધનદોલત કે સુખ સાહ્યબી. પંચ બોલે તે પરમેશ્વર કહેવતથી તને પરિચિત હશો. પંચ નીમવું એટલે કોઈ બાબતનો નિર્ણય કરવા માટે પાંચ ડાહ્યા માણસો ચૂંટી કાઢવા. ઘણા માણસોની એક જ જાતની નીકળેલી વાણી સાચી પડે એવો ભાવાર્થ છે. આ કહેવત હિન્દીમાં खलक की ज़बान, खुदा का नक्कारा સ્વરૂપમાં હહાજર છે.અહીં શબ્દ દેહ સદંતર જુદો છે, પણ ભાવાર્થ બરાબર જળવાયો છે. ખલક એટલે માણસ માત્ર અને નક્કારા એટલે નગારું. મનુષ્યના બ્લો એ જ ઈશ્વરની વાણી એવો એનો ભાવાર્થ છે. આ આખી વાત એક શેરમાં કહેવાય છે: बजा कहे जिसे आलम उसे बजा समझो, ज़बान-ए-ख़ल्क़ को नक़्क़ारा-ए-ख़ुदा समझो. દુનિયા જેને ઉચિત – યોગ્ય સમજે, એને ઉચિત માનો એવી પ્રાથમિક રજૂઆત પછી જનતાનો આવજ એ જ ઈશ્વરની વાણી છે એ વાત કહેવામાં આવી છે. ઈશ્વર ધર્મસ્થાનમાં નહીં પણ મનુષ્યના હૃદયમાં બિરાજમાન છે એ ભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Astrology marriage dates warning “Discover the Magic of Morning Chews” Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties”