વિશ્વ પ્રવાસી યાયાવર પક્ષીઓનું ભારતમાં આગમન…

ટ્રાવેલ પ્લસ – કૌશિક ઘેલાણી
પક્ષીઓનો કલરવ, મોંસૂઝણું થતા જ આકાશમાં V આકારની પંખીઓની ઊડતી લયબદ્ધ કતાર, કાઠિયાવાડ અને કચ્છનાં વગડામાં થતો કુંજારવ શિયાળાના પગરવની આછેરી ઝલક આપે છે. આંગણામાં અવનવા રંગોમાં સજીને આવેલી નાની મોટી ચકલીઓ શિયાળાનાં આગમનનો સંકેત આપે છે. દેશભરનાં જંગલોમાં અવનવા પક્ષીઓને મેં કેમેરામાં કંડાર્યા છે પણ એથી વિશેષ મેં તેમને નિહાળ્યા છે. શિયાળો આવે કે પક્ષી જગતના ભીષ્મ પિતામહ ગણી શકાય એવા ડો. સલીમ અલીને યાદ કરવા ઘટે જ.
મારો સહુથી પ્રિય રાષ્ટ્રીય ઉદ્યાન ‘કિઓલાદેવ નેશનલ પાર્ક’ ભરતપુરને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવાનો સંપૂર્ણ શ્રેય ડો. સલીમ અલીને જાય છે આ ઉપરાંત ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ એમનો ખૂબ જ મોટો ફાળો છે. ગુજરાતના પક્ષી જગતને તેમની નજરથી નિહાળ્યા પછી કુદરતનું સર્જન કેટલું અદ્ભુત હોઈ શકે છે તેવા નિષ્કર્ષની લગોલગ તો પહોંચી જ શકાય. ડો. સલીમ અલીએ લખ્યું છે કે ‘યેલો થ્રોટેડ સ્પેરો’ એમના જીવનનો મુખ્ય ટર્નિંગ પોઇન્ટ હતો અને એટલે જે એમની આત્મકથાનું નામ પણ ‘ધી ફોલ ઓફ સ્પેરો’ છે જેમાં પંખીઓ વિશેના રસપ્રદ તારણો એમણે લખ્યા છે અને દસ વર્ષની ઉંમરથી તેઓની ડાયરી લખવાની આદતે જ આવી સરસ ભેટ આપણને આપી છે.
ખૂબ જ નાની ઉંમરે માતાપિતાની છત્રછાયા ગુમાવી દેનાર આ મહાન વ્યક્તિની પક્ષીઓ પ્રત્યેની જિજ્ઞાસા જ એમની બંદૂકથી છૂટેલી ગોળીએ કેળવી હતી. શિકારમાં રસ ધરાવતા ડો.સલીમ અલીની બંદૂકથી ‘યેલો થ્રોટેડ સ્પેરો’ મરાઈ અને એ પક્ષીની સુંદરતાને જોઈને દુ:ખી થયેલા સલીમ અલીએ એ પક્ષીને ઉઠાવી લીધું અને પોતાનાં મામા પાસે પક્ષી વિશેની જિજ્ઞાસા રજૂ કરી જે એમના મામા ના સંતોષી શક્યા અને મુંબઈમાં BNHS સુધી દોડી ગયા અને આપણને પક્ષીઓની દુનિયાના ભીષ્મ પિતામહ એવા ડો. સલીમ અલી મળ્યા. BNHSમાં મૃત પક્ષીઓનાં સંગ્રહાલયમાં માર્ગદર્શક તરીકે નોકરી કરતા કરતા એમની પક્ષીઓ પ્રત્યેની જિજ્ઞાસા તેમને જર્મની સુધી ખેંચી ગઈ.
ત્યાર બાદ તેઓએ પક્ષીઓને નિહાળવામાં ક્યારેક પાછા ફરીને જોયું નથી જેથી તેઓ પક્ષીઓનાં વિશ્વકોષ તરીકે ઓળખાય. પદ્મવિભૂષણ એવા ડો. સલીમ અલીએ એમને મળેલું રૂ.5 લાખનું આંતરરાષ્ટ્રીય ઇનામ પણ BNHSને સમર્પિત કરી દીધું. તેઓએ પોતાના જીવનના રોચક કિસ્સાઓ અને પક્ષીઓનાં સંસર્ગમાં વિતાવેલા વર્ષોનાં નિચોડને એક પુસ્તક સ્વરૂપે રજૂ કર્યો જે ‘ધી ફોલ ઓફ સ્પેરો’ નામે પ્રસિદ્ધ થયું.
આ સૃષ્ટિનાં સમગ્ર જમીની વિસ્તાર, સમુદ્ર અને આકાશ પર લાખો વર્ષોથી લઈને આજની ઘડી સુધી પક્ષીઓ રાજ કરતા આવ્યા છે. વસંત ઋતુ ખીલે કે આ પક્ષીઓ મુસાફરની માફક ધરતીનાં એક છેડેથી બીજા છેડા સુધી લાંબી મુસાફરીનો આરંભ કરે છે અને પાનખર બેસતા જ ફરી એ જ રસ્તે પરત ફરે છે, જેનું એક માત્ર કારણ છે પોતાનાં જીવનનાં અસ્તિત્વને ટકાવી રાખવું.
મુસાફરીનો મુખ્ય હેતુ જીવનને ટકાવી રાખવાનો જ હોય છે જેમાં અમુક વિસ્તારોનું તાપમાન શિયાળામાં ખૂબ જ ઘટી જાય છે જેથી જીવી શકાય તેવી પરિસ્થિતિ નથી હોતી, એ સિવાય ખોરાક પણ પૂરતો ન મળી રહે જેથી તેઓ ધરતીનાં એવા વિસ્તારોમાં માઈગ્રેશન કરે છે જ્યાં યોગ્ય વાતાવરણ મળી રહે, સુરક્ષિત જીવન જીવી શકે. વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિવિધ પ્રકારની મુસાફરી કરે છે.
મોટાભાગના પક્ષીઓ રશિયન અને યુરોપિયન દેશો જેવા વિસ્તારમાં તાપમાન નીચે જતા તેઓ ધરતીનાં દક્ષિણી પ્રદેશો જેવા કે એશિયાઈ દેશો તરફ મુસાફરી આદરે છે તો વળી આર્કટિક ટર્ન પોતાનાં આર્કટિક બ્રીડિંગ ગ્રાઉન્ડથી છેક એન્ટાર્કટિકા સુધી હજારો માઈલ લાંબી મુસાફરી કરે છે. કેટલાક પક્ષીઓ લોકલ માઈગ્રેશન કરે છે જેઓ એક તળાવથી બીજા તળાવ કે એક વિસ્તારથી બીજા વિસ્તાર તરફ મુસાફરી કરે છે. નવરંગ તરીકે ઓળખાતું પક્ષી દક્ષિણ ભારતથી ગુજરાત અને છેક હિમાલયની તળેટીના વિસ્તારો સુધીની મુસાફરી કરે છે.
ફોરેસ્ટ સ્ટાર્લિંગ નામનું પક્ષી અરુણાચલ પ્રદેશ એટલે કે દેશનાં પૂર્વીય વિસ્તારમાંથી હિમાલયની તળેટીમાં આવેલા કુમાઉં વિસ્તાર તરફ મુસાફરી કરે છે. કુદરતની અદ્ભુત રચના એવાં પક્ષીઓનાં વર્તનને કળવું ખૂબ જ અઘરું છે. અમુક પક્ષીઓ પેસેજ માઈગ્રેશન કરે છે જેમાં સમજી લો કે નાના વેકેશન પર ન આવ્યા હોય! આફ્રિકન પ્રદેશો, રશિયન અને યુરોપિયન પ્રદેશોમાંથી કચ્છનાં મોટા રણમાં આવેલ છારીઢંઢમાં ટૂંકા સમયગાળા માટે રોકાય છે અને ફરી પોતાની મુસાફરી આદરે છે.
પક્ષીઓનું મુસાફરી પાછળનું વિજ્ઞાન ઘણું જ રસપ્રદ છે, પક્ષીમાં કુદરતે એટલી અદ્ભુત રચના આપી છે કે તેઓ તાપમાનમાં જરાક જેટલો બદલાવ અનુભવશે કે એમનામાં હોર્મોનલ શારીરિક ફેરફારો આવવા લાગશે અને તેઓ માઈગ્રેશનની શરૂઆત કરશે. તેઓનું શરીર તાપમાન ખૂબ જ સારી રીતે નિયમન કરી શકે તેવી ક્ષમતા નથી ધરાવતું હોતું પણ યોગ્ય તાપમાન ને પારખી શકે અને માઈગ્રેશનનાં ચોક્કસ સમયને પારખી શકે તેવું ચોક્કસ હોય છે એટલે જ તેમના માટે માઈગ્રેશન ખૂબ જ જરૂરી પ્રક્રિયા છે.
યોગ્ય માત્રામાં અને યોગ્ય દિશામાં વહેતા પવનનો ઉપયોગ કરીને તેઓ મુસાફરી કરે છે જેથી ઓછામાં ઓછી તાકાત લગાવી તે વધુમાં વધુ અંતર ખૂબ ઓછા સમયમાં કાપી શકે. ઘણા ખરા પક્ષીઓ રાત્રે પણ મુસાફરી શરૂ રાખે છે જ્યારે કઝાકિસ્તાનથી આવતા કુંજ માત્ર દિવસે જ ઉડાન ભરે છે અને રાત્રે યોગ્ય સ્થળે આરામ કરે છે, એમ કરતા કરતા તેઓ 10-12 દિવસમાં આશરે 4500 કિમી સુધીની મુસાફરી કરીને ગુજરાત અને રાજસ્થાનમાં ઉતરાણ કરે છે. કુંજ પક્ષીઓમાં મોટા ભાગે વડીલ કુંજ હોય જ છે જે માર્ગદર્શક બની રહે છે.
રાત્રિના સમયે મુસાફરી કરતા પક્ષીઓ મોટાભાગે તારાઓ અને નક્ષત્રોનો ઉપયોગ માર્ગદર્શક તરીકે કરે છે જેથી તેઓ વાદળોથી પણ ઉપરનાં વિસ્તારમાં મુસાફરી કરતા હોય છે. ગાર્ગને એટલે કે ચેતવા નામનું પક્ષી 40 દિવસ સુધી ખોરાક પાણી વિના સતત ઉડતું રહે છે. બાર ટેઇલ્ડ ગોડવિટ એટલે કે પટાપૂછ ગડેરા સતત 14000 કિમી સુધી ન્યુઝીલેન્ડ સુધીની નોનસ્ટોપ ઉડાન ભરીને મુસાફરી કરે છે. પક્ષીઓની શારીરિક રચના એટલી વિશિષ્ટ હોય છે કે તેઓનાં હાડકાં પણ હવાને જાળવી રાખવામાં મદદ કરે છે પરિણામે વજનમાં તેઓ ખૂબ જ હલકા હોય છે અને સરળતાથી ઉડી શકે.
ગમે તેવા ઠંડા તાપમાનમાં પોતાના શરીરની ગરમી ટકાવી રાખવા માટે પીંછાની નીચેનાં ભાગમાં વિશિષ્ટ પ્રકારનાં મુલાયમ વાળ હોય છે જેથી તેઓ ખૂબ નીચા તાપમાન સામે સંઘર્ષ કરી શકે. રાજહંસ તરીકે ઓળખાતાં પક્ષીઓ હિમાલયના ઉત્તંગ પહાડોને ઓળંગીને વિશ્વની સહુથી ઊંચી ઉડાન ભરીને ભારત અને ગુજરાતનાં વિવિધ જળ પ્લવિત ક્ષેત્રો તરફ આવે છે એ જ રીતે ભગવી સુરખાબ પણ હિમાલયનાં સરોવરોમાંથી ગુજરાત અને પશ્ર્ચિમ બંગાળના વિવિધ વિસ્તારોમાં મુસાફરી કરે છે.
પક્ષીઓ સદીઓથી આ સૃષ્ટિ પર રાજ કરતા હોવા છતાં તેઓએ ક્યારેય કોઈ જ વિસ્તાર પર આધિપત્ય જમાવ્યું નથી કે અતિક્રમણ કર્યું નથી. સમૃદ્ધ દેખાવાની હોડમાં બનાવાયેલા આધુનિક ગગનચુંબી ઇમારતોનાં કાચની પેનલ મોટાભાગનાં યાયાવર પક્ષીઓને દિશાભ્રમ કરાવીને જીવનું જોખમ સર્જે છે. ગુજરાતથી રાજસ્થાનનાં વિસ્તારમાં આવેલ પવનચક્કીઓ આવા પક્ષીઓનાં માથે તોળાતો સહુથી મોટો ખતરો છે જેને આપણે આપણા ગૌરવ સમા પક્ષી એવા ઘોરાડનું અસ્તિત્વનાં સંઘર્ષમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ.
નજીકના જ ભવિષ્યમાં ગુજરાતની શાન એવા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડ માટે અને બંગાળ ફ્લોરિકન માટે પણ ભારતમાં નામશેષ શબ્દ લાગી જાય તો નવાઈ નહિ. માનવીની પર્યાવરણમાં દખલ કેટલો મોટો બદલાવ લાવી શકે એનું વરવું ઉદાહરણ સાઈબેરિયન ક્રેન કહી શકાય. વિશ્વપ્રસિદ્ધ અને નામશેષ થવાને આરે આવી ગયેલ સાઈબેરિયન ક્રેન એક સમયે ભારતભરમાં ખાલી અહીંયા જોવા મળતા હતા. આ જગ્યાને પ્રકૃતિએ ખુલીને રંગો ભર્યા છે અને પક્ષીઓના વિહાર માટે ખૂબ જ સુંદર પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડ્યું અને વિશ્વભરના પક્ષીઓએ અહીં પોતાનું ઘર શોધી લીધું.
માણસ આવતા પહેલાં વર્ષોથી ભારતમાં આ જગ્યા સાઇબેરિયન ક્રેનનું ઘર હતી. 17મી સદીના ઐતિહાસિક ચિત્રકાર ઉસ્તાદ મન્સુર એ વખતે જૂના એક ચિત્રમાં સાઈબેરિયન ક્રેનને અહીં મહાલતા દર્શાવ્યા હતા. 1964-65ના વર્ષ દરમ્યાન આશરે 200 જેટલા સાઈબેરિયન ક્રેન અહીંયા જોવા મળ્યા હતા એવું લોરેન્સ એચ. વોકિંશોએ પોતાની બુક ‘ક્રેન્સ ઓફ ધ વર્લ્ડ – 1973’માં નોંધેલું જે સહુથી મોટી સંખ્યા કહી શકાય. 9 નવેમ્બર 2001ની સવારે 8-30 આસપાસ કેટલાક નેચર ગાઈડને સાઈબેરિયન ક્રેનનો કોલ સંભળાયો.
પાર્કમાં સાઇબેરિયન ક્રેનની હાજરી ન હોઈ આશ્ર્ચર્યમાં ગરકાવ સહુ કોઈએ આકાશ તરફ મીટ માંડી અને એક સાઈબેરિયન ક્રેનની જોડી પાર્ક તરફ આવતા નજરે ચઢી એ દિવસે સહુ કોઈના મોઢે હર્ષની લાગણી હતી કે ભરતપુરમાં સાઈબેરિયન ક્રેન આવી ગયા, પણ આ છેલ્લી સાઈબિરિયન ક્રેનની એક જોડી એ ભારતને હંમેશાં માટે અલવિદા કહી દીધું અને તેઓ ભારતમાંથી નામશેષ થઇ ગયા. 2001 પછી આજ સુધી ભારત દેશે સાઇબેરિયન ક્રેન ક્યારેય જોયા નથી અને ભવિષ્યમાં ક્યારેય તેઓ ભારત આવશે પણ નહિ.
આજે સમગ્ર વિશ્વમાં વિનાશના આરે આવીને ઉભેલા સાઈબેરિયન ક્રેન માત્ર બે જ સ્થળે જોવા મળે છે જેમાં એક પૂર્વીય(સાઇબિરિયાથી ચાઈના) વિસ્તાર અને પશ્ર્ચિમી વિસ્તાર, પૂર્વીય વિસ્તારના ક્રેન્સ ઉત્તર-પૂર્વીય સાઇબિરિયામાં બ્રિડિંગ કરે છે અને ચાઇનાની યાન્ગ જે નદીમાં શિયાળો પસાર કરે છે. સાઇબેરિયા પશ્ર્ચિમ વિસ્તારના જૂજ રહેલા ક્રેન્સ ઇરાનના કાસ્પિયન સમુદ્ર કિનારા વિસ્તારોમાં શિયાળો વિતાવે છે અને રશિયાની ઓબ નદીના દક્ષિણમાં આવેલા ઉરલ માઉન્ટેન વિસ્તારમાં બ્રિડિંગ કરે છે.
મધ્ય સાઈબેરિયામાં બ્રિડિંગ કરતી અને ભારતમાં શિયાળો ગાળવા માટે આવતી ક્રેન્સની વસ્તી આજે લુપ્ત થઈ ગઈ છે. આ સાઈબેરીયન ક્રેનનો સમૂહ લુપ્ત થવાનું કારણ પણ માણસ છે. તેને માઈગ્રેશન રૂટ સાઇબિરિયાથી નીકળી રશિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન અને છેલ્લે પાકિસ્તાન થઈને ભારત આવતો હતો. તે અફઘાનિસ્તાનમાં અબી -ઈ-ઇસ્તદા લેક પર થોડા દિવસો માટે આરામ કરવા માટે રોકાતા હતા અને દર વર્ષે તેઓ અહીં શિકારનો ભોગ બનતા હતા પરિણામે વર્ષોવર્ષ એમની સંખ્યામાં ઘટાડો થતો ગયો અને છેલ્લે તેઓ આ રૂટ પર આવતા કાયમ માટે બંધ થઈ ગયા અથવા તો તેનું અસ્તિત્વ જ ના રહ્યું.
ભારત દેશમાંથી 2025માં 8 નવી અલગ અલગ સાઇટ્સને રામસર સાઇટ્સમાં સમાવવામાં આવી. રામસર એટલે ઈરાનમાં આવેલ એક વિશાળ કુદરતી સરોવર. 1971માં યુનેસ્કો દ્વારા વિશ્વભરમાં આવેલા કુદરતી સરોવર કે જે પક્ષીઓ અને અન્ય છીછરા પાણી પર આધાર રાખનાર જીવસૃષ્ટિ માટે ઈરાનમાં આવેલા રામસર સાઈટ ના માપદંડ અનુસાર ચોક્કસ ધોરણો નક્કી કરવામાં આવ્યા અને એની જાળવણી માટે વિશેષ નિયમો બનાવવામાં આવ્યા જે રામસર સાઈટ તરીકે ઓળખાશે ઓળખવામાં આવશે. ભારત દેશમાં ઓક્ટોબર 2025 સુધી કુલ 93 જેટલી રામસર સાઈટ આવેલી છે અને એની જાળવણી યુનેસ્કોની દેખરેખ હેઠળ જે તે રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે.



