ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : કલા, આધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર

કૌશિક ઘેલાણી

માનવીએ પોતાના આધ્યાત્મિક ખેડાણની શરૂઆત કરી ત્યારથી સૂર્યપૂજાના સંસ્કાર મેળવ્યા છે. ભારત અને સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ભાગમાં પ્રાચીનકાળથી માંડી ને આજ દિન સુધી સૂર્યપૂજાનો સાક્ષી માનવ સમાજ રહ્યો છે. પ્રત્યક્ષ દેવ તરીકે સૂર્યપૂજા સિંધુ સંસ્કૃતિ અને વૈદિક કાળથી થતી આવી છે. અનંત ઊર્જાના સ્ત્રોત એવા સૂર્યદેવ દરેક માટે વંદનીય છે. આજે પણ આપણામાં સૂર્યદેવને જળ અપર્ણ કરી વંદન કરવાનો રિવાજ છે. પૃથ્વી પરના તમામ જીવંત તત્ત્વો માટે સૂર્ય ઊર્જા કેટલી આવશ્યક છે તે આપણે સૌ જાણીએ જ છીએ. માનવના શારીરિક અને માનસિક શાંતિ સાથે પણ સૂર્યઊર્જા જોડાયેલી છે તેથી સૂર્યનમસ્કાર અને આધુનિક સનબાથ જેવી ક્રિયાઓ આપણી જીવનશૈલીનો એક ભાગ છે.

સૂર્યપૂજાના આ સંસ્કારના પ્રતિબિંબ સમાન ભારતના મુખ્ય ત્રણ સૂર્ય મંદિરો પૈકીનાં એક મંદિરનું આજે આપણે સાંનિધ્ય માણીશું. ભારતમાં સૂર્યદેવના મુખ્ય ત્રણ પ્રાચીન મંદિરો આવેલાં છે. જેમાં કાશ્મીરમાં આવેલ માર્તંડ સૂર્યમંદિર , ઓડીસાનું કોણાર્ક સૂર્યમંદિર અને ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિરનો સમાવેશ થાય છે. સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે મોહમદ ગઝનીના આક્રમણ દરમિયાન વીરગતિ પામેલા શહીદો માટે વિરાંજલી રૂપથી બાંધવામાં આવ્યું હતું.

મોઢેરાનાં સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી મા ગુર્જર શૈલી છે જે નાગર શૈલીનો એક પ્રકાર છે. ઈસવીસન 1026 દરમિયાન પુષ્પાવતી નદીના કાંઠે ભીમદેવ પ્રથમ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું હતું. જે હાલ મહેસાણા જિલ્લામાં આવેલું છે. મોઢેરા એ સૂર્યઊર્જાનો ઉપયોગ કરવા બાબતે પણ સમગ્ર વિશ્વમાં અનુકરણીય છે. આજે મોઢેરા ભારતનું પ્રથમ 100% સૌર ઊર્જાથી સંચાલિત ગામ બન્યું છે. જે ખૂબ જ સરાહનીય છે. મંદિરના સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ ગણના પામ્યું છે.

નાગર શૈલીનાં મંદિરો જેમ આ મંદિરનું બાંધકામ જગતિ (ઊંચા ઓટલા જેવું બાંધકામ) પર થયેલું છે. મંદિરના મુખ્ય ત્રણ ભાગ છે જેમાં ગર્ભગૃહ, સભામંડપ અને સૂર્ય કુંડનો સમાવેશ થાય છે. પૂર્વાભિમુખ આ મંદિરનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે વર્ષના એ દિવસો કે જેમાં દિવસ અને રાતની લંબાઈ સમાન હોય છે તેમજ સૌથી લાંબા દિવસ દરમિયાન અહીં ગર્ભગૃહમાં આવેલી મૂર્તિ સુધી સૂર્યનાં કિરણો પહોંચે છે અને તે સ્થાન ચોક્કસ 90ં પૂર્વમાં આવેલું છે. સાંભળીને જ અચરજ પમાઈ કે કેટલી ચોક્કસાઈથી બાંધકામ કરવામાં આવ્યું હશે જેથી પ્રતિમા સુધી સૂર્યકિરણો પહોંચી શકે અને આ જ દિવસો દરમિયાન સૂર્ય જ્યારે મધ્યાહ્ન પર હોય ત્યારે મંદિરનો પડછાયો જમીન પર નથી પડતો! છે ને અદભુત. મંદિરના ગર્ભગૃહ અને સભામંડપ એક સાથે જોડાયેલા નથી તેમની મધ્યમાં અંતરાલ છે. ગર્ભગૃહમાં બાર મહિનાના પ્રતીક રૂપે બાર સ્તંભો છે જેમાં જીવનના દરેક પાસાને આવરી લેતા શિલ્પો કંડારવામાં આવ્યાં છે. ધર્મ, અર્થ ,કામ અને મોક્ષ દરેકને અહીં અંકિત કરવામાં આવ્યા છે.

મંદિરનો બીજો મુખ્ય ભાગ એટલે સભામંડપ અથવા તો રંગ મંડપ. જે બાવન સ્તેભો ધરાવે છે જે દરેક પર રામાયણ અને મહાભારતના કથાનકો કંડારવામાં આવ્યો છે. દરેક શિલ્પો એટલા સુંદર અને બારીક કોતરણી વાળા છે કે શિલ્પકારને દાદ આપવાનું મન થઈ જાય. એ જોઈને એવો વિચાર આવે કે આ શિલ્પીઓ એ પથ્થરોને પણ બોલતા કરી દેવાની કળા આત્મસાત કરી છે. સ્ટોરી ટેલિંગ શીખવું હોય તો એકવાર આવા સ્થાપત્યોને જરૂરથી ઝીણવટ પૂર્વક નિહાળવા જોઈએ. સાથે સાથે એ સવાલ પણ થાય કે આ કારીગરોએ પોતાને કેવી રીતે ઘડયા હશે, આ કલા કેટલો સમય લઇને શીખી હશે, કેટલો સમય લાગ્યો હશે તેને આ એક શિલ્પ બનાવતા? કદાચ એણે એવો વિચાર પણ નહીં કર્યો હોય કે એનું કામ સદીઓ પછી પણ એની કલાની હયાતી પૂરશે. સભા મંડપમાં મુખ્ય ચાર પ્રવેશદ્વાર છે જેમાં ચારે દિશા તરફથી પ્રવેશી શકાય એવી રચના કરવામાં આવી છે. તેમજ રંગ મંડપના સ્તંભો પણ એવી રીતે ગોઠવવામાં આવ્યાં છે કે ક્લાસિકલ ડાન્સનું સ્ટેજ બની શકે કારણકે આપણાં બધાં શાસ્ત્રીય નૃત્યોનું ઉદગમ સ્થાન તો દેવ મંદિર જ છે.

મંદિરનો ત્રીજા ભાગ એટલે સૂર્યકુંડ અથવા તો રામકુંડ. એવી પણ લોકવાયકા છે કે રાવણ વધ બાદ શ્રી રામ ગુદેવ વશિષ્ઠની આજ્ઞાથી આત્મશુદ્ધિ અને બ્રહ્મહત્યાનું પાપ ધોવા અહીં આવેલા હતા. અહીં વિશાળ કુંડની આસપાસ એક સો આઠ નાનાં મંદિરો બનાવવામાં આવ્યાં છે. તેમજ કુંડમાં ઊતરવા માટે ચારે બાજુ આકર્ષક પગથિયાંઓ બનાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે નાગરશૈલીના મંદિરોમાં જે ઉત્તર ભારતમાં છે તેમાં કુંડ સ્થાપત્યો નથી જોવા મળતા, પરંતુ ચાલુક્ય શૈલી તેમાં અપવાદ રૂપ છે. મંદિરના બહારના ભાગમાં નાનું ખંડિત શિવ મંદિર પણ છે. સમગ્ર મંદિર પરિસદમાં બહાર અને અંદર બંને બાજુ નકશી કામ થયેલું છે. મુખ્ય મંદિરની બહારની બાજુ સૂર્યદેવનું એક શિલ્પ છે, જેમાં તેમના વાહનમાં સાત અશ્વો જે સાત દિવસના પ્રતીક છે તેમજ આસપાસ અન્ય બાર નાનાં શિલ્પો જે બાર મહિના સૂચવે. દરેક શિલ્પકૃતિને નિહાળીને એવું લાગે શરીરના અંગોનો આવો સચોટ સુંદર મરોડ આપી ઘડનારાનું નિરીક્ષણ કેવું હશે.

હાલમાં મંદિરમાં પૂજાનો નિષેધ છે. અલાઉદ્દીન ખીલજીએ અહીં આક્રમણ કરી મંદિરનો ઘણો ખરો ભાગ નષ્ટ કરેલો હતો અને મંદિરને ખંડિત બનાવી દીધું હતું. આજે પણ ઘણી મૂર્તિઓ, શિલ્પો ખંડિત અવસ્થામાં જોઈ શકાય છે. હાલમાં આ મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ હેઠળ આવતું રાષ્ટ્રીય ધરોહર તરીકે મહત્ત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા અહીં દર વર્ષે ઉત્તરાયણ પછી ઉત્તરાર્ધ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં કલાકારો દ્વારા વિવિધ શાસ્ત્રીય નૃત્યોનું પ્રદર્શન કરવામાં આવે છે જેથી આપણો વારસો પણ જળવાઈ રહે અને લોકો સુધી પહોંચી પણ શકે. હાલમાં અહીં રાત્રે લાઈટ શોનું પણ આયોજન થાય છે વિવિધ રંગોના પ્રકાશથી રાત્રી દરમિયાન મંદિર ખૂબ મનોરમ્ય લાગે છે. રંગોથી મંદિર ઝગમગી ઊઠે છે. અહીં સાઈટની પાસે જ મોટો ગાર્ડન છે સરસ ગ્રીન લોન છે, વૃક્ષો છે પરિવાર અને મિત્રો સાથે જઈને નાની પિકનિક જરૂરથી પ્લાન કરી શકાય જેથી કંઈક નવું જાણવા અને શીખવા ચોક્કસથી મળશે.

ઘણી જગ્યાએ આપણે જોયું હશે કે લોકો આવાં સ્મારકો પર બેજવાબદારી દેખાડે છે. કચરો ફેકવો, દીવાલો પર લખવું, પ્રતિબંધિત હોય તેવી જગ્યા કે વસ્તુઓને અડવું વગેરે. પણ દરેકે એક જાગૃત નાગરિક તરીકે પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના રક્ષણ કરવાની ફરજ અદા કરવી જોઈએ અને પોતાનાં બાળકોમાં અત્યારથી જ એ ભાવના કેળવવી જોઈએ.

આ પણ વાંચો: Gujarat Weather: ગરમીમાં વરસાદની આગાહીથી ધરતીપુત્રો બન્યા ચિંતિત, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button