સ્પોટ લાઈટ: શટલકોક જેવા જીવનથી કંટાળી ગઈ હતી

- મહેશ્ર્વરી
છેડાછેડી બાંધીને જેની સાથે જીવનભર સાથે રહેવાનો નિર્ધાર કર્યો હોય એની સાથે જ છૂટાછેડાની નોબત આવે એ વાત ખૂબ અકળાવનારી અને અસ્વસ્થ કરનારી હોય છે. મારો દીકરો શાંગ્રિલ એ જ અવસ્થામાંથી પસાર થઈ રહ્યો હતો. આ અકળામણને જાણે એકલું લાગતું હોય એમ શાંતા બહેનના દીકરાની નિષ્ક્રિયતાએ એમાં વધારો કર્યો.
એટલે મૂંઝાયેલા દીકરાએ મને ફોન કર્યો ‘આઈ, તું મારા ઘરે રહેવા આવી જા. બધે પહોંચી વળવું મને ભારે લાગે છે.’ અને પરિસ્થિતિ થાળે પાડવા હું પહોંચી ગઈ દીકરાના ઘરે.
ઘરે પહોંચી સામાન ગોઠવી બેઠી ત્યાં મારું મન ચકરાવે ચડી ગયું. દીવાનખંડમાં બેઠી હતી ત્યારે રેડિયો પર જીતેન્દ્ર – લીના ચંદાવરકરની ફિલ્મ ‘હમજોલી’નું ગીત ‘ઢલ ગયા દિન હો ગઈ શામ, જાને દો જાના હૈ’ વાગી રહ્યું હતું. એ ફિલ્મ મેં જોઈ હતી અને એટલે ગીતમાં હીરો – હિરોઈન બેડમિન્ટન રમે છે એ દ્રશ્યો યાદ આવી ગયા.
મારી જિંદગી પણ બેડમિન્ટનના શટલકોક જેવી જ હતી ને. ક્યારેક હું દીકરાના ઘરે એની સાથે રહેતી હતી અને એનાં લગ્ન પછી એની પત્નીને પ્રોબ્લેમ થવાથી મારા વન – રૂમ કિચનના ફ્લેટમાં રહેવા જતી રહી હતી. દીકરાને સમસ્યા ઘેરી વળી એટલે ફરી એના ઘરે આવી ગઈ. શટલકોકની જેમ અહીંથી તહીં ફંગોળાઈ રહી હતી. કદાચ એમાં પણ ઈશ્વરી સંકેત હશે એમ કરી મેં મન મનાવી લીધું. પણ સાચું કહું છું કે શટલકોક જેવા જીવનનો હવે કંટાળો આવતો હતો.
જોકે, મારી પ્રાથમિકતા હતી મુરઝાઈ ગયેલા દીકરાના જીવનને ફરી ચેતનવંતું બનાવી દેવાની. શાંગ્રિલની પત્ની કેવી ચાલાક હતી એની જાણ અમને બહુ જલદી થઈ ગઈ. ડિવોર્સ મંજૂર થયા એના 13 જ દિવસ પછી વિનિતા (શાંગ્રિલે જેની સાથે લગ્ન કર્યા હતા)એ બીજાં લગ્ન પણ કરી લીધાં. આ બધું ફટાફટ બની ગયું એના પરથી જ મારા દીકરાને અંધારામાં રાખી એનો અફેર ઘણા સમયથી ચાલતો હશે એનો અમને અંદાજ આવી ગયો. જીવન સંસારમાં કેવા કેવા ખેલ જોવા પડતા હોય છે.
શાંગ્રિલના બે બેડરૂમના ફ્લેટમાં રહેવા તો આવી ગઈ, પણ દીકરાની માનસિક અવસ્થા ઉપરાંત કુલદીપ પણ એક કોયડો બનીને ઊભો હતો. છેવટે મેં આકરા થવાનું નક્કી કર્યું, કારણ કે એ વિના છૂટકો જ નથી એ હું સમજી ગઈ હતી. એક બેડરૂમ હું વાપરતી હતી એટલે મારા દીકરાને પણ પ્રોબ્લેમ થતો હતો, કારણ કે બીજો બેડરૂમમાં કુલદીપ અને એની પત્ની સૂઈ જતા હતા. ‘ડોશી મરી જાય એનો વાંધો નહીં, જમ ઘર ભાળી ન જવો જોઈએ’ એ કહેવતનો ભાવાર્થ નજર સામે રાખી ખોટું લાગે એની ચિંતા કર્યા વિના મેં કુલદીપને આકરા શબ્દોમાં ‘ભાઈ, તું હવે હાથ પગ ચલાવ. કશુંક કામ કર. પ્રવૃત્તિની ઉંમરે નિવૃત્તિ શોભા નથી દેતી’ એમ સાફ સાફ જણાવી દીધું.
દીકરાની દુર્દશા મારાથી નહોતી જોવાતી. એક મહિનો એ નોકરી પર જાય ત્યારે બધું બરાબર હોય, પણ જેવો ઘરે આવે એટલે એ જ હતાશામાં ઘેરાયેલો નિસ્તેજ ચહેરો જોવા મળતો. ડિપ્રેશનને કારણે એને શરાબનું વ્યસન લાગી ગયું અને ઘણી વાર રાતે અઢી – ત્રણ વાગ્યા પછી ઘરે આવતો. એના જીવનમાંથી ઉલ્લાસ અને ઉત્સાહની જાણે કે બાદબાકી થઈ ગઈ હતી.
એટલે મને વિચાર આવ્યો કે જો ફરી એ લગ્ન કરી લે તો જીવનસાથીના આગમન સાથે પાટા પરથી ઊતરી ગયેલી જીવન ગાડી ફરી સરખી રીતે સાચી દિશામાં દોડતી થઈ જાય. એક દિવસ મેં શાંગ્રિલને કહ્યું, ‘દીકરા, ફરી લગ્ન કરી લે.’ પણ તેણે ચોખ્ખી ના પાડી કહી દીધું કે ‘હું લગ્ન નહીં કરું.’ છૂટાછેડાના આઘાતમાંથી હજી તેને કળ નહોતી વળી.
અલબત્ત, એના જવાબથી મને કોઈ નવાઈ ન લાગી, પણ પછી વિચાર આવ્યો કે શાંતા બહેન, કુલદીપ અને એની પત્ની ઘરમાંથી નીકળી જશે અને એકલો પડશે તો કદાચ લગ્ન કરવાની દિશામાં વિચારશે. ‘બને એટલું જલદી ભાડાનું ઘર ગોતી લો’ એમ મેં કુલદીપને સાફ સાફ શબ્દોમાં કહી દીધું.
આખરે એ દિવસ આવ્યો અને કુલદીપ એના પરિવાર સાથે ભાડાના ઘરમાં રહેવા જતો રહ્યો. મને ઘણી રાહત થઈ, કારણ કે હવે અસ્તવ્યસ્ત થયેલી કુલદીપની લાઈફને દિશા સાંપડે એ માટે કોશિશ કરી શકવાની મન:સ્થિતિમાં હું આવી ગઈ હતી. સદનસીબે ગાડી ધીરે ધીરે પાટે ચડવા લાગી. દીકરાનું મોડી રાત સુધી બારમાં બેસી દારૂ પીવાનું ઘણું ઓછું થઈ ગયું. ઘરે વહેલો આવી જતો.
એકાંતરે મારી સાથે સરસ મજાની વાતો પણ કરવા લાગ્યો. જોકે, ‘તારા લગ્ન હવે મહારાષ્ટ્રીયન પરિવારની ક્ધયા સાથે જ કરાવવા છે’ એવી મારી રજૂઆત સામે એનું એક જ રટણ સાંભળવા મળતું હતું કે ‘હું લગ્ન નહીં કરું.’
દીકરાના ભવિષ્યની ચિંતામાં હું એવી ગળાડૂબ હતી કે મારી પાસે કોઈ કામ નથી અને હું નવરી બેઠી છું એનો ખ્યાલ સુધ્ધાં ન આવ્યો. એવામાં એક દિવસ સુરેશ રાજડાનો ફોન આવ્યો અને મને કહ્યું કે ‘મહેશ્વરી બહેન, હું નવું નાટક કરી રહ્યો છું અને તમારે એમાં કામ કરવાનું છે.’
નાટકનું નામ હતું ‘સરકારી પરણેતર.’ ઔપચારિક વાતચીત પછી આ નાટકના રિહર્સલ શરૂ થઈ ગયા. નાટક બેસાડી દીધું પછી એના પણ અમદાવાદમાં ઘણા શો થયા. જોકે, મુંબઈમાં એને મોળો રિસ્પોન્સ મળ્યો. ચાલીસેક શો પછી નાટક પર પડદો પડી ગયો. અમદાવાદમાં સફળતા, પણ મુંબઈમાં નિષ્ફળતાનો વધુ એક અનુભવ થયો.
નવરી પડી એટલે ફરી દીકરાને બીજાં લગ્ન કરવા સમજાવવા લાગી, પણ પહેલા લગ્નના વિચ્છેદના આઘાતમાંથી હજી એ પૂર્ણપણે બહાર નહોતો આવી શક્યો. એ એક જ રેકોર્ડ વગાડ્યા કરતો હતો કે ‘હું ફરી લગ્ન નહીં કરું.’ બધું પાર પાડવા પ્રભુને પ્રાર્થના કરી રહી હતી ત્યાં કાંદિવલીની હવેલીમાંથી બે છોકરા મળવા આવ્યા.
હવેલીના મુખિયાજી પુષ્ટિમાર્ગ પર કોઈ નાટક ભજવવા માંગે છે એવી સ્પષ્ટતા કરી ‘અમને અરવિંદ વેકરિયાએ તમને મળવા કહ્યું છે’ એમ જણાવ્યું. આ નાટક સમાજના કૃષ્ણભક્તો માટે જ કરવાનું છે, એના કોઈ જાહેર પ્રયોગો નથી કરવાના એવો ખુલાસો પણ તેમણે કર્યો. એ વખતે હું નવરી હતી એટલે મેં હા પાડી અને નાટક અરવિંદભાઈ જ કરવાના હતા એટલે નાટક કરવામાં આસાની રહેશે એનો ખ્યાલ આવી ગયો. બધી વાતચીત થઈ ગયા પછી તેમણે સ્વાભાવિકપણે પૂછ્યું કે ‘મહેશ્વરી બહેન, નાટકમાં કામ કરવાના કેટલા પૈસા લેશો?’
મેં તરત જવાબ આપ્યો કે ‘હું પોતે કૃષ્ણભક્ત છું. આ નાટકમાં કામ કરવા માટે હું પૈસા નહીં લઉં.’ નાટકના રિહર્સલ શરૂ થઈ ગયા. નાટક સરસ રીતે લખાયું હતું અને સમાજ માટે એના કેટલાક શો કર્યા અને કૃષ્ણ ભક્તો રાજી થઈ ગયા. મારી કારકિર્દીનું આ છેલ્લું નાટક હતું. દિવસો પસાર થઈ રહ્યા હતા અને એક રાહત આપનારી વાત એ હતી કે દીકરાનું જીવન પૂર્વવત થઈ રહ્યું હતું. બૂરી લત છૂટી ગઈ હતી. વિકટભર્યા દિવસોનો અધ્યાય પૂરો થઈ રહ્યો છે એવું લાગણી અનુભવી રહી હતી.
અને એક દિવસ બહુ સારા સમાચાર આવ્યા…
રંગભૂમિના ‘મા’ ને ‘બાપુ’
ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ પર શિષ્ટ, સંસ્કારી રુચિ અને સાહિત્યિક સૂઝવાળાં નાટકો મૂળશંકર મુલાણીએ આપ્યા હતા. લેખકશ્રીને આધ્યાત્મિક સાહિત્યમાં ખાસ્સી રુચિ હતી. નાટક માત્ર પ્રેક્ષકોના મનોરંજન પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ, સમાજને કશુંક શીખવા મળે, બોધ મળે એવી તેમની ઈચ્છા રહેતી. એટલે જ એમનાં નાટકોમાં મનોરંજનની સાથે સાથે કોઈ સંદેશ ગૂંથી લેવામાં આવતો હતો. સ્ત્રી સન્માનની ભાવના તેમના જીવનમાં વણાયેલી હતી.
સ્ત્રીને સન્માન મળે એનાથી તેમને સંતોષ નહોતો થતો. સન્માનથી વિશેષ નારી અર્ઘ્યને પાત્ર છે એવી એમની દ્રઢ માન્યતા હતી. એમનાં નાટકોમાં જોવા મળતાં સ્ત્રી પાત્રો તેમ જ જાહેર જીવનમાં સ્ત્રી સાથેના તેમના વર્તન પરથી આ વાત સ્પષ્ટ થાય છે. ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, તત્ર રમંતે દેવતા’ – જ્યાં નારી પૂજાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે એવી તેમની નારી વિશે માન્યતા હતી. આ માન્યતા તેમની વિચારશૈલીનું પ્રતિબિંબ છે. રંગભૂમિના અનેક પરિચિતો કવિશ્રીને ‘બાપુ’ના લાડકા અને આદરપૂર્વક સંબોધનથી બોલાવતા હતા.
રસપ્રદ વાત એ છે કે અનેક લોકોના આ ‘બાપુ’ નાટકની નાની – મોટી દરેક અભિનેત્રીઓને ‘મા’નું પવિત્ર સંબોધન કરતા હતા. ‘મા’ જેવું પવિત્ર સંબોધન કર્યા પછી માનવીના હૃદયમાંથી રહ્યો સહ્યો મેલ પણ દૂર થઈ જાય. માનવીના મનનો મેલ નાટકો દ્વારા ધોવાની તેમની કોશિશ રહેતી. ગુજરાતના યોગી તરીકે ઓળખાયેલા શ્રીમાન નથુરામ શર્માને મૂળચંદભાઈ ગુરુ માનતા હતા. ગુરુને સંતોષ થાય એ દ્રષ્ટિએ તેમણે તેમના પુત્ર હરિલાલના નાટક ‘વીરવીણા’ની કથાવસ્તુ પરથી રૂપાંતર કરી ‘ચૈતન્યકુમાર’ નાટક તૈયાર કર્યું હતું. આ નાટકમાં જીવ અને શિવનું તત્ત્વજ્ઞાન રૂપકો દ્વારા સમજાવવામાં આવ્યું હતું.
નાટક જોઈ નથુરામ શર્મા રાજી થયા હતા અને કવિની પ્રશંસા કરી હતી.
આ પણ વાંચો…સ્પોટ લાઈટ : કમોસમી વરસાદની જેમ આવતી મુસીબત જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે…



