વલો કચ્છઃ કચ્છ ધરા પર પાંગરતું બેજોડ જૈવ વૈવિધ્ય…

ડૉ. પૂર્વી ગોસ્વામી
‘ઓહો ક્લીક!’ મેં કહ્યું. જોકે આછા અજવાળામાં આ પંખી મને ક્લીક કરતાં ઘણું અલગ લાગ્યું. ખડમોરનો ચમકતો કાળો અને સફેદ પીછાંનો ભભકો ઝાંખો પડી ગયેલો લાગ્યો. કલગી પણ અગાઉ હતી તેવી નહોતી રહી. જોકે મને તો ક્લીક એવો ને એવો વાચાળ અને મજામાં લાગ્યો, આ ખડમોર મને વહાલો થઈ પડેલો જીવ છે. મેં તેના બદલાયેલાં રંગ-રૂપ વિશે તેને કંઈ પૂછ્યું નહીં.
હું તેને ઓળખી ગયો એટલે ખડમોર રાજી થઈ ગયો. કહે, ‘હા હું ક્લીક જ. મને એમ કે તું મને ભૂલી ગયો હોઈશ.’
‘તને થોડો ભૂલું? મેં કહ્યું, ‘પણ તું હજી અહીં કેમ છે? તારા પ્રદેશમાં જતો નથી રહ્યો?
‘કેમ તને કંઈ મુશ્કેલી છે? ખડમોરે સીધું જ પૂછ્યું. પછી કહે, ‘જેમ તું હજી અહીં છે તેમ હું પણ અહીં છું.’
મેં કહ્યું, ‘અરે ના. મુશ્કેલી નહીં, પણ મને તો એવી ખબર હતી કે તમે, ખડમોર લોકો આ ઘાસવનમાં ચોમાસા પૂરતાં જ જોવા મળો છો. પછી નથી દેખાતાં.’
આ પણ વાંચો: વલો કચ્છ : મહાદેવનું પ્રિય વાદ્ય નાગફણી: મહત્ત્વ ને અસ્તિત્વ વિલુપ્તિના આરે…
‘શું શું શું? અમે જોવા મળીએ છીએ, નથી જોવા મળતાં, એવું બધું? ખડમોર કેકેકેકે સ્વર કાઢીને ખૂબ હસ્યો અને બોલ્યો, ‘તમે માણસોયે ખરા છોવ. અને સાહેબ તેંય મને ‘જોવા મળો છો’ કહીને જોવાની ચીજ બનાવી દીધો?
‘ના, એમ નહીં…’
હું કહેવા ગયો ત્યાં વચ્ચે ખડમોર કહે, ‘તમારે બધાને બસ કંઈનું કંઈ જોવું હોય છે. કોઈકને ઘોરાડ જોવું છે, કોઈને સુરખાબ જોવાં છે. કોઈકને ફાલ્કન, ઈગલ હેણોતરા, વરુ કે સિંહ, વાઘ. બસ બધું જોવું છે. જ્યાં જુવો ત્યાં ‘હાલો જોવા, હાલો જોવા.’ કંઈ જોવા ન મળે તો. કહેશો ખાલી રણ બતાવો.’
કહીને ખડમોરે તેની ડોક ખાસ પ્રકારે નચાવીને આગળ ‘હું તો બધે ફરું છું બધે, આ જંગલોમાં કાંઈ નહોતું ત્યાં હવે ઉપર ચડીને જોવાય એવાં, જેને ‘વોચ-ટાવર’ કહે છે તે બનાવ્યા છે. એના ઉપર ચડીને બેસવાનું અને ‘આ જીવ વરસાદમાં, પેલો જીવ શિયાળે, પેલો ઉનાળે, પેલો જીવ આમ પેલો તેમ. બસ અમારી તો એવી જ વાતો ચાલે.’
તાજેતરમાં કવિ-લેખક ધ્રુવ ભટ્ટ લિખિત ‘તિલોર… લુપ્તયોગનું કલ્પવિધાન’ નામે પ્રકાશિત નવલકથાનો સંવાદ પ્રસંગ તમે આગળ માણ્યો. પક્ષી સાથે સંવાદથી તો લાગે જાણે નજર સમક્ષ દ્રશ્ય ખડું હોય. આડકતરા ઈશારા, પરોક્ષ આંખો ઉઘાડતા જરૂરી- ભાવમય સંદેશા.
આ પણ વાંચો: વલો કચ્છ : બનાના વિવિંગ: પુન:પ્રકૃતિ તરફ ફરી રહ્યું છે વિશ્વ!
કચ્છમાં વસતી જત કોમના માલધારીઓ અને ઊંટ સાથેનું તેમનું સહજીવન પ્રસંગો રજૂ કરી મનને મોહી લેનારા છે. એની પણ વાંકા અંગવાળાનો મુદ્દો મગજમાં છે એટલે વાત તો કરશું જ ક્યારેક. અભણના મુખેથી વિભાજનની વેદના, સમજદાર કહેવાતી રમીના પાત્ર દ્વારા કચ્છી બાઈયુંની ખમીરી હોય કે પશુ-પંખીઓએ કરેલા સંવાદ; બધું જ એટલું સરસ રીતે પીરસાયું છે કે વારી જવાય!
પુસ્તકના ઉઘાડથી અંત એકદમ હૃદયસ્પર્શી છે. લેખક પક્ષી સાથે વાતચીત કરતા પૂછે છે, તારું નામ શું ? ‘તિલોર’ તેણે કહ્યું. નિશાળમાં ભણતી વખતે મેં કોઈ શબ્દકોશમાં ટિલોર શબ્દ વાંચ્યો હતો. ‘તમે બીજું બોલ્યા તે હશે. અમે તમારા જેટલું સરસ રીતે બોલી નથી શકતા.’ પેલાએ કહ્યું, અને ઉમેર્યું, ‘અને તિલોર પણ મારા એકલાનું નામ નથી.
તમારી યાદી પ્રમાણે તો અમે અમારો આખો વંશ તિલોર કહેવાઈએ.’ અને અંત પણ નામ પૂછવાથી જ થાય છે. અંતિમ વાર્તાલાપ છે, ‘મારી વાતમાંથી બન્ને ગુરાયીનો બહુ ઓછું સમજી હશે તે મને ખબર હતી તોપણ હું આનંદભર્યા શબ્દો ઉચ્ચાર્યે ગયો. અંતે મેં ફરી કહ્યું, ‘બોલો, બોલો, તમારાં નામ તો કહો. લોકો તમને જોઈને શું બોલે છે તે જાણું તો ખરો! ‘મારું નામ’ એક સોહનચીડિયા બોલી, ‘પરહેપ્સ,’ ‘લાસ્ટવન.’ બીજીએ કહ્યું.
આ પણ વાંચો: વલો કચ્છ : લખપતિ પીર ગોશ મહમદનું અધ્યાત્મિક ને સાહિત્યિક ગૌરવ…
ધ્રુવભાઈ નિવેદન કરે છે કે, ‘મને પશુ-પક્ષી, તેમનાં રહેણાંક (હેબીટેટ), તેમની આદતો, વર્તણૂક કે તેમની જીવનશૈલી, કશા વિશે કશું જ જ્ઞાન નથી. આવા વિષયોમાં મારો કોઈ અભ્યાસ પણ નથી. જનસામાન્ય જાણતા હોય તેથી વધુ કંઈ જાણવાના, મારા પૂરતા પ્રયત્નો પણ નથી.
મને મજા પડે છે માત્ર આ બધાંના હોવામાં. હું અને મારી સાથે, પૃથ્વી પર વસતા જીવો એક સમયમાં સાથે છીએ તે સમયના બદલાવની અમારા પર થતી અસર અને પરસ્પરના સંબંધોનો વિચાર મને એવા રમ્ય પ્રદેશોમાં લઈ જાય છે; જ્યાં મને ઘણી નવતર વાતો સમજાય છે. એ સમજ મને પૃથ્વી પર પાંગરેલા જીવવૈવિધ્ય અને મારી સાથે જે કંઈ બની રહ્યું છે તેના અપાર આશ્ચર્ય, આનંદ, પીડા, જવાબદેહી, પશ્ર્ચાત્તાપ અને કહ્યા વગર રહી ન શકાય તેવા સંજોગો વચ્ચે લાવી મૂકે છે.
આમ, મારા સમયમાં શું બન્યું છે તે નિરાંતે સમજવાનો, નોંધવાનો અને કહેવાનો મારો પ્રયાસ એટલે મારી કથાઓ.’ અને આ નિવેદન પુસ્તકના અંત સુધી યથાર્થ ઠરે છે. ધ્રુવભાઈ તમને સૌ કચ્છીઓ વતી સો-સો સલામ.