કવર સ્ટોરી: ત્રણ ભાષાનાં ભૂત ફરી કેમ ધૂણી રહ્યાં છે?.!

-વિજય વ્યાસ
વિદ્યાર્થીને ફરજિયાત ત્રણ ભાષા શીખવવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને દક્ષિણનાં રાજ્યો – ખાસ કરીને તમિળનાડુની ડીએમકે સરકાર ઘણા સમયથી બાધી રહ્યાં છે. તાજેતરમાં આ વિખવાદ એવો ઉગ્ર બન્યો કે, તમિળનાડુની સરકારે રાષ્ટ્રીય ચલણ રૂપિયાના પ્રતીકને ખસેડીને તમિળ ભાષામાં રૂપિયાનું નવું પ્રતીક મૂકી દીધું!
ભારતમાં રાજકારણીઓ પોતાના સ્વાર્થને ખાતર સાવ નગણ્ય કહેવાય એવા મુદ્દાને પણ બહુ મોટા કરી નાખે છે. લોકો નેતાઓની ચાલને સમજ્યા વિના ભાવાવેશમાં આવીને કોઈ એક છાવણીમાં જોડાઈ જાય છે ને તેના કારણે દેશમાં જ આંતરિક વિગ્રહની સ્થિતિ પેદા થઈ જાય છે.
નરેન્દ્ર મોદી સરકારની રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ફરજિયાત ત્રણ ભાષા શીખવવાના મુદ્દે ડીએમકે અને ભાજપ વચ્ચે જામેલો જંગ તેનું તાજું ઉદાહરણ છે. આ જંગ એટલો ઉગ્ર બન્યો છે કે, તમિળનાડુની ડીએમકે સરકારે દેશના ચલણ એવા રૂપિયાના પ્રતીકને પણ ફગાવીને તમિળ ભાષામાં રૂપિયાનું નવું પ્રતીક મૂકી દીધું!
આ પણ વાંચો: કવર સ્ટોરી : એસએમઇ સેબીના સાણસામાં…
એ રીતે જુઓ તો એમ.કે. સ્ટાલિન સરકારની આ ચેષ્ટા – આ પગલું આઘાતજનક છે. ભારતમાં સમવાય તંત્ર છે અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોના અધિકારો વહેંચાયેલા છે. આ અધિકાર હેઠળ દેશનાં પ્રતીક નક્કી કરવાનો અધિકાર કેન્દ્ર સરકારને છે. કેન્દ્ર સરકારે ભારતના ચલણ રૂપિયા માટે નક્કી કરેલું પ્રતીક એ અનુસાર તમામ રાજ્યએ તે સ્વીકારવું ફરજિયાત છે, પણ સ્ટાલિનની સરકારે રૂપિયાના સત્તાવાર પ્રતીકને નકારીને અક્ષમ્ય હરકત કરી છે. રૂપિયાનું પ્રતીક વરસોથી પ્રચલિત છે ને કોઈ રાજ્યે આવી હરકત કરી નથી, જ્યારે સ્ટાલિને રૂપિયાના પ્રતીકને ભાષા સાથે જોડી દીધું છે. આમ જુઓ તો ખરેખર આ પ્રતીકને ભાષા સાથે કોઈ સ્નાન-સૂતક લેવાદેવા નથી. સ્ટાલિન સરકાર સામે મોદી સરકાર શું પગલાં લેશે એ ખબર નથી, પણ આ ચેષ્ટા માફ કરવા જેવી નથી. અહીં ‘ડોસી મરી જાય તેનો ભો નથી, પણ જમડા ઘર ભાળી જાય તેનો ભો’ છે. આ રીતે જો બધાં રાજ્યો વર્તવા લાગે તો દેશમાં બંધારણ જેવું કંઈ રહે જ નહીં. કાલે ઊઠીને કોઈ સ્થાનિક સરકાર પોતાના રાજ્યની સીમાના રક્ષણ અર્થે પોતાનું આર્મી બનાવવાની જાહેરાત કરી દેશે તો શું કરશો?
બીજું કોઈ રાજ્ય આવી ચેષ્ટા કરીને દેશના બંધારણને હાસ્યાસ્પદ બનાવી ના દે એ માટે મોદી સરકારે સ્ટાલિન સરકાર સામે આકરાં પગલાં ભરવાં જોઈએ. ભારતમાં આ પ્રકારની સ્થિતિ પહેલાં કદી પેદા થઈ નથી તેથી આ પગલાં શું હોઈ શકે એ માટે બંધારણીય નિષ્ણાતોનો અભિપ્રાય લેવો પડે, પણ જે કરવું પડે એ કરીને પણ મોદી સરકારે એક દાખલો બેસાડવો જરૂરી છે.
બીજી તરફ, સ્ટાલિન આવા ‘તોફાન’ કરી રહ્યા છે કેમ કે હિંદીના વિરોધ પર ડીએમકેની દુકાન ચાલે છે. બલકે તમિળનાડુમાં બધા રાજકીય પક્ષોનો વેપલો હિંદીના વિરોધ પર ચાલે છે. પેરિયારથી શરૂ કરીને અન્નાદુરાઈ ને કરુણાનિધિથી માંડીને સ્ટાલિન સુધીના બધા હિંદી ભાષા વિરુદ્ધ ઝેર ઓક્યા કરે છે. તેમાં તમિળનાડુમાં હિંદી વિરોધી માનસિકતા પ્રબળ બની ગઈ છે તેનો રાજકીય ફાયદો લેવા માટે સ્ટાલિન હિંદી વિરોધી વલણ અપનાવીને બેસી ગયા છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી: ભારતીય ક્રિકેટ ખેલાડી મોહમ્દ શમીનો રોજા વિવાદ, ફતવો કોણ બહાર પાડી શકે?
જોકે ભાજપ પણ દૂધે ધોયેલો નથી કેમ કે સ્ટાલિનને આ બધા ઉધામા કરવા માટે ભાજપના નેતાઓએ જ કારણ આપ્યું છે. મોદી સરકાર 2019માં બીજી વાર લોકસભાની ચૂંટણી જીતીને સત્તામાં આવી પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી)નો મુસદ્દો જાહેર કર્યો તેમાં પહેલા ધોરણથી ફરજિયાત ત્રણ ભાષા શીખવવાની ને તેમાં પણ હિંદી તો શીખવવાની જ એવી અર્થહીન જોગવાઈ હતી તેમાંથી આખું કમઠાણ શરૂ થયું. તેની સામે દક્ષિણનાં રાજ્યોમાં પ્રચંડ વિરોધ થયો એટલે મોદી સરકારે નવો મુસદ્દો બહાર પાડીને ફરજિયાત હિંદીની જોગવાઈ રદ કરી પછી બધું શાંત કરવું પડ્યું હતું.
જોકે એ જૂની તકરાર ભૂલીને હવે ભાજપે પાછો એ જ ઉપાડો લીધો છે તેમાં મગજમારી શરૂ થઈ છે. ભાજપ સરકાર સત્તાવાર રીતે ફરજિયાત હિંદી શીખવવાની વાત નથી કરતી, પણ આડકતરી રીતે ભાજપના નેતા એ જ કહી રહ્યા છે. ભાજપના નેતા ફરજિયાતપણે ત્રણ ભાષા શીખવવા પર પણ જોર આપી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તો તમિળનાડુ ફરજિયાત ત્રણ ભાષા શીખવવાના નિર્ણયનો અમલ નહીં કરે તો ગ્રાન્ટ બંધ કરી દેવાની ચીમકી પણ આપી છે. ધર્મેન્દ્ર પ્રધાન અને ભાજપના બીજા નેતા જે વાતો કરી રહ્યા છે એ ગેરબંધારણીય છે કેમ કે શિક્ષણ એ રાજ્યોનો વિષય છે અને પોતાને ત્યાં કેવું શૈક્ષણિક માળખું રાખવું એ નક્કી કરવાનો અધિકાર રાજ્ય સરકારોને છે.
કેન્દ્ર સરકાર શિક્ષણ નીતિ બનાવી શકે, પણ તેને આંખો મીંચીને અનુસરવાનો કોઈને આદેશ ના આપી શકે. મોદી સરકાર સ્ટાલિન સરકાર પોતાની નીતિને ના અનુસરે તો ગ્રાન્ટ બંધ કરવાની ધમકી આપે છે એ પણ અક્ષમ્ય છે. ખરેખર તો મોદીએ આ પ્રકારની ભાષા બોલનારા ઘર્મેન્દ્ર પ્રધાનને તગેડી મૂકવા જોઈએ કેમ કે કેન્દ્ર સરકારની તિજોરીમાં જે પૈસો આવે છે એ ધર્મેન્દ્ર પ્રધાન કે ભાજપના કોઈ નેતાની મિલકત-માલ નથી કે પોતાને ગમે તેને સહાય કરે ને પોતાને ના ગમે તેને સહાય ના કરે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : ચાઇનીઝ ડીપસીકના ભરડાથી ટેક કંપનીઓમાં ફફડાટ: ભારત ઝંપલાવશે…
શાસક પક્ષના નેતા હિંદીનું પૂંછડું ઝાલીને બેઠા છે એ પણ હાસ્યાસ્પદ છે. હિંદી આખા દેશના લોકોની ભાષા નથી, બલકે દેશના 50 ટકા લોકોની પણ માતૃભાષા નથી. હિંદી ફરજિયાત ભણાવવાની તરફેણ કરનારા હિંદીને રાષ્ટ્રભાષા ગણાવે છે, પણ તો સત્તાવાર રીતે પણ હિંદી રાષ્ટ્રભાષા નથી – હિંદી એક રાજ્યભાષાથી વિશેષ નથી. મતલબ કે, સરકારી કામકાજની સત્તાવાર ભાષા છે, પણ હિંદીની સાથે અંગ્રેજી પણ રાજ્યભાષા છે. આ સંજોગોમાં હિંદી કે અંગ્રેજી બંનેમાંથી કોઈ એક ભાષાનું જ્ઞાન હોય તો સરકારી કામ ચાલે. સ્ટાલિન અંગ્રેજીને ફરજિયાત કરવા તૈયાર છે એ જોતાં એ સાચા છે અને દેશના બંધારણને અનુસરી રહ્યા છે. ભાજપને આખા દેશમાં બધાને હિંદી ભણાવવાના અભરખા હોય તો હિંદીને રાષ્ટ્રભાષા બનાવી દો, પણ જુઓ એને અમલમાં મૂકવાની સરકારમાં તાકાત છે નહીં.
ભાજપના નેતા હિંદી ભાષાને ભારતીયતા સાથે જોડી રહ્યા છે એ સાંભળીને એમની બુદ્ધિ પર દયા આવે છે. ભારતીયતાની અસલી ભાષા સંસ્કૃત છે. હિંદુત્વનું તમામ જ્ઞાન, તત્ત્વજ્ઞાન એટલે કે ફિલોસોફી, વિચારો, અલગ અલગ શાસ્ત્રો બધું સંસ્કૃતમાં છે. ભારતીયતાને જીવંત રાખવી હોય તો બાળકોને નાની વયથી જ સંસ્કૃત ભણાવો!
બીજાની વાત છોડો, પણ ભાજપશાસિત રાજ્યો પણ પહેલાં ધોરણથી સંસ્કૃત ફરજિયાત કરવા તૈયાર નથી! આઘાતજનક વાત એ છે કે, ભાજપના નેતા ઉર્દૂને પણ ભારતીય ભાષા ગણવા તૈયાર નથી. ઉત્તર પ્રદેશમાં ઉર્દૂને ત્રીજી ભાષા બનાવવાની માગ ઊઠી તો યોગી આદિત્યનાથે વિરોધ કરીને કહ્યું કે, એ તો ઉર્દૂને કઠમુલ્લાની ભાષા ગણે. ઉર્દૂ મુસ્લિમોની ભાષા છે એને એ ભણાવીને અમારે યુપીમાં મૌલવીઓ પેદા કરવા નથી! મજાની વાત એ છે કે, ભાજપશાસિત હરિયાણામાં ત્રીજી ભાષા તરીકે સંસ્કૃત, પંજાબી અને ઉર્દૂના વિકલ્પો અપાયા છે. યોગીનું લોજિક લાગુ પાડીએ તો હરિયાણાની ભાજપ સરકાર મૌલવીઓ પેદા કરવા માગે છે!
આ પણ વાંચો: કવર સ્ટોરીઃ મૌનનો સશક્ત અવાજ..! ગુપચુપ આવ્યા… ચુપચાપ ચાલ્યા ગયા!
યોગી સહિતના નેતાઓ ઉર્દૂને ઇસ્લામ સાથે જોડે છે, પણ ઉર્દૂ ભારતીય ભાષા છે. ઉર્દૂની લિપિ અરબી છે, પણ તેનું વ્યાકરણ હિંદી પ્રમાણે છે.
ભારત અને પાકિસ્તાન સિવાય બીજા ક્યા દેશના મુસલમાન ઉર્દૂ બોલે છે? કોઈ નહીં. ભાષાના ઘણા નિષ્ણોતાના મતે તો ઉર્દૂ શૌરાસેની પ્રાકૃત ભાષામાંથી આવેલી છે. આ સંજોગોમાં જે લોકો ઉર્દૂ પર ધર્મનું લેબલ લગાડે છે એ બધા કૂવાના દેડકા છે.
ભાજપ હિંદીનું પૂંછડું ઝાલીને બેઠો છે કેમ કે તેના કારણે ઉત્તર ભારતમાં મત મળશે એવી લાલચ છે. સ્ટાલિન કરતાં આ માનસિકતા કઈ રીતે અલગ પડે છે?
આ ત્રણ ભાષાની નીતિ-રીતિ શું છે ?
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીએ ત્રણ ભાષા શીખવી જોઈએ, જેમાંથી ઓછામાં ઓછી બે મૂળ ભારતીય ભાષાઓ હોવી જોઈએ. આ ત્રણ ભાષામાં માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા, સત્તાવાર ભાષા (અંગ્રેજી સહિત) અને એક આધુનિક ભારતીય અથવા યુરોપિયન ભાષાનો સમાવેશ થાય છે. આમાં અંગ્રેજી ઉપરાંત, માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ કોરિયન, જાપાનીઝ, ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશ સહિત અન્ય વિદેશી ભાષાઓ પણ શીખી શકે છે.