યે શાદી કભી નહીં હો સકતી, ક્યોં કી…

ઊડતી વાત – ભરત વૈષ્ણવ
‘તમે સૌ સાંભળી લો. હું મારી દીકરી દીપાને કાળા ચોરને પરણાવીશ, દીપાને વાવ-કૂવામાં ધકેલી દઇશ, પરંતુ સો વાતની એક વાત. હું છતી આંખે આંધળો થઇને દીપાના લગ્ન સિદ્ધાંત સાથે હરગિજ નહીં કરાવું. આ મારી હર્ષદની હથોડા પ્રતિજ્ઞા છે, જેમાં કોઇ કાળે ફેરફાર થવાનો નથી.’
હર્ષદ ગાંધી ઉર્ફે હથોડાએ ચાલુ લગ્ને હાઇડ્રોજન બૉમ્બ ઝીંક્યો. બધાના કાનમાં ધાક પડી ગઇ. બધાના ચહેરા શ્યામ પડી ગયા.
‘પપ્પા, તમે આ શું બોલો છો?’ દીપાના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો. હજુ તો સિદ્ધાંત સાથે પરિચય જ થયેલો. બંને સાત ભવના સ્નેહબંધનના સ્વપ્ન જોતા હતા. એમાં પપ્પાએ વિલન કેમ થાય છે? દીકરી દીપાનું મન ચકરાવે ચડ્યું.
‘દીપા, તને તારો બાપ અમરીશ પુરી જેવો વિલન લાગશે. હું તારો દુશ્મન નથી. તું મારી એકની એક દીકરી છે. હું જાણી જોઇને તને કસાઇવાડે તો ના મોકલું ને? તારે મારી લાશ પર ચડીને સિદ્ધાંત કુમાર સાથે લગ્ન કરવા પડશે.’ હર્ષદ હથોડાએ તેનો નિર્ણય દોહરાવ્યો.
‘તમે આવું ગાંડું ઘેલું કેમ બોલો છો? માંડવે જાન આવી ગઇ છે. શરણાઈ વાગી રહી છે. લોકો લગ્ન માણી રહ્યા છે. કોઇ સાંભળી જશે તો આપણી દીપાનું લગ્ન ફોક થઇ જશે. આપણે સમાજમાં બદનામ થઇ જશું.’ દીપાની મા મનીષાએ છૂટા મોંએ રડતાં રડતાં કહ્યું.
‘મારો નિર્ણય અફર છે.’ હર્ષદ હથોડાએ તેનો નિર્ણય દોહરાવ્યો.
‘સિદ્ધાંત કુમારમાં શું ખોટ છે?’ દીપા અને તેની મા મનીષાએ કાબરની જેમ કાળો કકળાટ કરતાં એક અવાજે પૂછયું.
‘કોઇ ખોટ નથી,પરંતુ હું આ લગ્ન નહીં થવા દઉં.’ હર્ષદ હથોડો ગર્જ્યો.
‘સિદ્ધાંત કુમાર રૂપાળા નથી?’
‘ના, એવું નથી. સિદ્ધાંત કુમાર તો રૂપાળા છે. પણ હું લગ્ન તો નહીં જ થવા દઉં.’
‘તો પછી સિદ્ધાંત કુમાર કમાતો નથી?’ મનીષાએ બીજો સવાલ પૂછયો.
‘સિદ્ધાંત કુમારને દર મહિને છ આંકડાનો પગાર મળે છે. એ પણ સરકારી નોકરી છે, પણ હું લગ્ન તો નહીં જ થવા દઉં.’
‘હર્ષદિયા, તારો ભાવિ જમાઇ તો સરકારનો જમાઇ છે. બધી આંગળી ધીમાં છે. હમણા એક છોકરીએ માંડવે આવેલા છોકરાને લીલા તોરણે તગેડી મુકેલ. મુરતિયાની નોકરી સરકારી નોકરી હોય તો જ હું લગ્ન કરીશ એમ છોકરીએ હઠ પકડેલ. મુરતિયાએ તેના રૂપિયા 1,50,000 માસિક પગારની સ્લીપ દેખાડી. છતાં છોકરી નામક્કર ગયેલ.’ દીપાના કરસન કાકાએ આગમાં ઘી હોમ્યું.
‘સિદ્ધાંતકુમાર પર લોનનું ભારણ છે?’ કનુ કાકાએ પૂછયું.
‘કનુભાઇ, સિદ્ધાંતકુમાર એક કાણી પાઇને લોન લેવામાં માનતા નથી, પણ હું લગ્ન નહીં થવા દઉં.’ હર્ષદ હથોડાએ તેનો ધોકો પછાડ્યો.
હમણા મહારાષ્ટ્રના એક વરરાજાનો સિબિલ સ્કોર ખરાબ હોવાના ક્ધયાઓ હસ્તમેળાપ માટે ઇન્કાર કરી દેતાં જાન લીલા તોરણે પાછી ગઇ હતી.
‘સિદ્ધાંતને છાંટો પાણી કરવાની ટેવ બેવ છે કે શું?’ દીપાના અસંતુષ્ટ મામી માલતીએ નવો ફણગો ફોડ્યો.
‘અરે, માલતીભાભી, સિદ્ધાંતને તમાકુ-સિગારેટ કે શરાબનુંનું વ્યસન હોય તો પણ મને વાંધો નથી. સિદ્ધાંતને તો ધાણાદાળ કે સાદી સોપારી ખાવાનું વ્યસન નથી. પણ હું લગ્ન તો થવા નહીં દઉં.’
‘સિદ્ધાંત કુમારને કોઇ ખોડખાંપણ છે?’ દીપાની સવિતા ફોઈએ ખોટી લાગણી પ્રદર્શિત કરતાં પૂછયું.
‘એવું કાંઇ કરતા કાંઇ નથી. પણ હું આ લગ્ન નહીં થવા દઉં.’ હર્ષદ હથોડાએ નનૈયો ભણ્યો. હમણા એક લગ્નમાં વરરાજાએ બૂટ ચોરવાના રિવાજ સામે વાંધો કાઢેલ. ક્ધયાપક્ષ અને વરપક્ષ વચ્ચે ભયંકર ચડસાચડસી થઇ. રાંધેલા ધાન રઝળી પડયાં.
છેવટે થયેલ ખર્ચનો અડધોઅડધ ભાગ વહેંચીને વરરાજા લીલા તોરણે તેમના ઘરે ધોયેલ મૂળા જેવા પાછા ફરેલ.
‘તો પછી તમને સિદ્ધાંત સામે શેનો વાંધો છે?’ સૌએ ખૂંખારો ખાઇને ખફગીનું કારણ પૂછી લીધું.
‘મેં લગ્ન પ્રસંગે વરપક્ષને ખાસ કરીને સિદ્ધાંત કુમારને દહેજ પેટે ગાડી, ફલેટ, સોનાનાં ઘરેણાં કે રોકડ શું જોઇએ છે તે પૂછેલ.’ હર્ષદે પેટછૂટી વાત શરૂ કરી.
‘આજકાલ લોકોમાં દહેજની લાલસા કૂદકે ને ભૂસ્કે વધતી જાય છે.’ સૌ માંડવિયાએ એક અવાજે દહેજના દૂષણને વખોડી કાઢ્યું.
‘અરે, એની તો મોકાણ છે.’ પહેલીવાર હર્ષદ ઢીલો પડ્યો.
‘અરે, એને બે પાંચ કરોડની જરૂર હોય તો સળગાવોને સાલ્લાઓને. જરૂર પડયે પાંચ પચીસ હજાર અમે તમને લોન પેટે આપશું.’ બધાએ પ્રસંગ જાળવી લેવા સલાહ આપી.
‘અરે, યાર તમે સમજો એવું નથી.’
‘હર્ષદભાઇ, તમારે જે કહેવું હોય તે કહી નાંખોને …’
‘વાત એમ છે કે સિદ્ધાંત કુમારે ચપટી ધૂળ પણ દહેજ પેટે લેવાનો સાફ ઇનકાર કરેલ છે. સિદ્ધાંત કુમારે તો કંકુ ક્ધયા એટલે કશી લેણદેણ વિના જ હસ્ત મેળાપ કરવાની શરત મૂકી છે, પરંતુ મારું મન માનતું નથી. જે મૂરતિયો દહેજ લેવાની ના પાડે તેમાં કંઇક ને કંઇક ખામી કે ખોડ હોય. બસ, આ જ કારણથી મારે દીપાને સિદ્ધાંતકુમાર સાથે પરણાવવી નથી.’ હર્ષદ હથોડો શ્વાસ લીધા સિવાય બોલી ગયો.
ઘણીવાર વર પક્ષની પહાડ જેવા દહેજની માગણીની સામે વિરોધ કરી ક્ધયા લગ્ન માટે ઇનકાર કરતી હોય છે. અહીં એનાથી ઊલટો કિસ્સો નોંધાયો.
આ સાંભળી બધા સ્તબ્ધ થઇ ગયા.
આપણ વાંચો: ગણેશ પાટ બેસાડિયે (સાંજીનું ગીત)



