ઝબાન સંભાલ કે : અથ: શ્રી ‘અઠે જ દ્વારકા’ કથા | મુંબઈ સમાચાર
ઉત્સવ

ઝબાન સંભાલ કે : અથ: શ્રી ‘અઠે જ દ્વારકા’ કથા

  • હેન્રી શાસ્ત્રી

શબ્દકોશમાં અઠ્ઠે હી દ્વારકા માટે નિવાસસ્થાન, રહેઠાણ, વાસ, નિવાસ, આવાસ, આશિયાના, રહેવાનું સ્થળ, વસવાટ, રહેવા – ઊતરવાની જગ્યા, વીશી, ઉતારો, મુસાફરીમાં મુકામ, ગૃહનિવાસ, બોડ, ઘર, લોકનિવાસ જેવા વિકલ્પ આપવામાં આવ્યા છે. ઈતિહાસના ચોપડે નોંધાયેલા એક પ્રસંગને પગલે અઠ્ઠે જ દ્વારકા પ્રયોગ કહેવતનું સ્વરૂપ પામ્યો છે. સૌરાષ્ટ્રમાં કાઠી પ્રજા એના ખમીર માટે નામવંત છે. કાઠી – કાઠું શબ્દને શરીરના બાંધા સાથે નિસ્બત છે. જોકે, એક કોમના લોકો મજબૂત – સશક્ત અને કદાવર બાંધાને કારણે કાઠી તરીકે ઓળખાવા લાગ્યા હતા.

કાઠીઓની મહેમાનગતિ બહુ જાણીતી છે અને સ્વભાવે અત્યંત મિલનસાર તેમ જ મિત્રતામાં કાયમ પડખે ઊભા રહેનારા તરીકે ખ્યાતિ ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકો છે અને એ નામનું મહત્ત્વનું યાત્રાધામ છે. ચોટીલા તાલુકામાં આવેલા ભીમોરા ગામ કાઠીઓના વસવાટ માટે જાણીતું હતું. ‘સૌરાષ્ટ્રની રસધાર’માં ઝવેરચંદ મેઘાણીએ ભીમોરાની લડાઈનું વર્ણન કર્યું છે એમાં જસદણના બહારવટિયા દાઢાણા કાઠી શરણું લેવા ભીમોરા પહોંચે છે. ભીમોરાનો ધણી નાજા ખાચર એને આશરો આપવાની ના પાડે છે. ત્યારે દાઢાણા કાઠી એને કહે છે બારવટિયો આવે બકી, હોય મર વેર હજાર, (એને) ભીમોરા ભોપાળ, શરણે રાખ સૂરાઉત. બકી એટલે બોલીને – કહીને, જણાવીને કે આગોતરી સૂચના આપીને. ભીમોરા ભોપાળ એટલે ભીમોરાના કર્તાહર્તા અથવા રખેવાળ. સૂરાઉત એટલે સૂરગ ખાચરનો પુત્ર. વેર – દુશ્મની હોવા છતાં અને અગાઉથી જાણ કર્યા વિના ટપકી પડેલા બહારવટિયાને જો સૂરગ ખાચરનો બેટો આશ્રય નહીં આપે તો ધરમ ક્યાંથી ટકશે એવો એનો ભાવાર્થ છે.

ભીમોરાના ધણીએ બહારવટું કરવા નીકળેલા કાઠીને આશરો આપ્યો હોવાની જાણ ચેલા ખાચરને થઈ. એકલપંડે ભીમોરાના ધણીને મહાત કરી જસદણના કાઠીને કેદ નહીં કરી શકાય એની જાણ હોવાથી ચેલા ખાચરે વડોદરાની ફોજની મદદ લઈ ભીમોરા પર આક્રમણ કર્યું. મોટી સંખ્યામાં દુશ્મનોને બંદૂકો અને તોપ સાથે સજ્જ જોઈ એમની સામે ટકી નહીં શકાય એની ખાતરી થતાં નાજા ખાચર પોતાના માણસોને ગુપ્ત રસ્તે નીકળી ગયા. અંતે નાજા ખાચર અને આઠ માણસ જ રહ્યા. ગઢમાં માણસો કે દારૂગોળો નથી બચ્યો એની જાણ થતા ચેલા ખાચરે હલ્લો કર્યો. એ સમયે ગઢમાં બે મારવાડી રાજપૂત પણ હતા જે મારવાડમાંથી દ્વારકાએ જતી વખતે ગઢમાં વિશ્રામ માટે રોકાયા હતા. જીવ બચવાની કોઈ આશા ન રહી હોવાથી નાજા ખાચરે એ બન્નેને કહ્યું ‘ભાઈઓ, અહીંથી નીકળી જાઓ. નહીં તો આ ફોજ તમને હણી નાખશે.’ મારવાડીઓનો ઉત્તર હતો, ‘નાજા ખાચર! અમે તમારો રોટલો ખાધો. આવી મુશ્કેલીમાં તમારો સાથ કેમ છોડાય? દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું, અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે? એના કરતાં અહીં યુદ્ધમાં તો બે ડગલે જ મોક્ષ મળશે. વળી તમારા જેવા શુરવીરો સાથે ખપી જવાનો લાભ ફરી ક્યાંથી મળવાનો? માટે અમારે તો હવે ‘અઠે જ દ્વારકા’. એ સમયથી કોઈ સ્થળે લાંબા સમય માટે ધામા નાખવા માટે ‘અઠે જ દ્વારકા’ રૂઢિપ્રયોગ અમલમાં આવ્યો.

આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : બાબાશાઈ ખાતું: કહેવતોમાં ઈતિહાસ

FUNNY Proverbs

વિશ્વમાં અંદાજે સાત હજારથી વધુ ભાષા અસ્તિત્વમાં હોવાનો અંદાજ છે. દરેક ભાષાની આગવી લાક્ષણિકતા છે. દરેક ભાષામાં રુઢિપ્રયોગો અને કહેવતો છે જેમાં સ્થાનિક ખાસિયતો સામેલ હોય છે. સ્પેનિશ કહેવત આ બાબત સ્પષ્ટ કરે છે. To give someone pumpkins is a Spanish phrase. ગુજરાતીમાં આપણે જેને કોળું કહીએ છીએ એ જ આ પમ્પકિન. Pumpkin. Sounds adorable, but do you want to be associated with a large, round, orange vegetable with thick skin? On the bright side, at least they’re sweet and go well with almost anything. This is another largely American term of endearment, similar to ‘sweetheart’ or ‘darling’. વિદેશની ધરતી પર પમ્પકિન શબ્દ સાંભળવામાં મીઠડો લાગતો હોવાનું કહેવાય છે. જોકે, દેખાવમાં મોટા અને ગોળમટોળ નારંગી રંગના જાડી છાલવાળા શાકભાજી સાથે જોડાવું કોને ગમે? જોકે, કોળાની જમા બાજુ એ છે કે તે સ્વાદમાં ગળ્યા હોય છે અને કોઈની સાથે એનું સંયોજન ગમે એવું હોય છે.

અમેરિકામાં પમ્પકિન વહાલ સાથે નાતો ધરાવે છે. સ્વીટહાર્ટ કે ડાર્લિંગ જેવો એનો ભાવાર્થ છે. એનો શબ્દાર્થ થાય છે કોઈને પમ્પકિન (કોળું) આપવું. અલબત્ત એનો ભાવાર્થ છે Rejecting someone romantically. મતલબ કે કોઈના પ્રેમના ઈઝહારનો ઈનકાર કરવો. ટૂંકમાં ‘આઈ ડોન્ટ લવ યુ’ પરખાવી દેવું. ભાષાની લાક્ષણિકતા દર્શાવતી બીજી સ્પેનિશ કહેવત જોઈએ: Having a bird in the head. આ કહેવતને અન્ય અંગ્રેજી પ્રયોગ Bird landed on my head સાથે કોઈ લેવાદેવા નથી. Superstition dictates a bird landing on you is good luck, or pooping on you. That’s really good luck. એમાં અંધશ્રદ્ધા વણાયેલી છે. માથા પર પક્ષીનું ચરક પડે એને નસીબ બારણે ટકોરા મારે એવો અર્થ જોડી દેવામાં આવ્યો છે. સ્પેનિશ કહેવત Having a bird in the head means To be a little crazy. કહેવતનો શબ્દાર્થ મસ્તિષ્કની અંદર પંખીઓ ઉડાઉડ કરે છે એવો થાય. જોકે, એનો ભાવાર્થ છે દિમાગમાં તરંગી વિચારોનું ઘમાસાણ કે કશુંક અણધાર્યું કરવું એવો થાય છે. પંખીઓ ઉડાઉડ કરે તો મગજમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ જ સર્જાય ને. શું કહેવું છે તમારું?

शब्द एक, अर्थ वेगळे

શબ્દના વપરાશ પરથી એનો અર્થ નક્કી થતો હોય છે કે સમજતો હોય છે. આજે મરાઠી ભાષાના એવા કેટલાક શબ્દો જોઈએ અને જાણીએ. પહેલો શબ્દ છે मान જેનો એક અર્થ થાય છે પ્રતિષ્ઠા કે આબરૂ. समाजात आपला मान वरचा असावा असं अनेकाना वाटतं। સમાજમાં પોતાનું સ્થાન ઊંચું હોય એટલે કે આદર ધરાવતું હોય એવી લાગણી અનેક લોકોમાં હોય છે. આ શબ્દનો બીજો અર્થ છે ડોક. અલબત્ત આ એક અર્થના પણ પાછા બે અર્થ છે. मान खाली करणे એટલે શરમથી નીચું જોવું. બીજું વાક્ય છે जिराफची मान खूप लांब असते. જિરાફની ડોક ખૂબ લાંબી હોય છે.

धड शब्द कसा वापरला आहे त्यावरून त्याचे वेगळे अर्थ ठरतात. ધડ શબ્દના અલગ અલગ અર્થ એ કેવી રીતે ઇસ્તેમાલ કરવામાં આવ્યો છે એના પરથી નક્કી થાય છે. धडचा सर्वात प्रचलित अर्थ आहे डोके आणि पाय ह्यांमधील शरीराचा भाग – मानेखालचा शरीराचा भाग. માથું અને પગ વચ્ચે રહેલો શરીરનો હિસ્સો ધડ તરીકે ઓળખાય છે. धडचा एक अर्थ अखंड असा पण होतो. शेवटपर्यंत टिकणारा सोबती. દરેક પરિસ્થિતિમાં કાયમ સાથ આપનારા ભેરુ – દોસ્ત માટે ધડ શબ્દ વપરાય છે. धडचा एक अर्थ जसं पाहिजे तसं किंवा पूर्णपणे असा ही होतो. ધડ શબ્દનો એક અર્થ જેવું છે એવું કે સ્પષ્ટપણે એવો થાય છે. हा मला धड सांगत नाही, तुम्ही विचारुन घ्या. આ ભાઈ મને સ્પષ્ટપણે વાત નથી કરતા, હવે તમે જ પૂછી જુઓ.

चील-चिल्लाती

દરેક ભાષામાં એવી કહેવતો અને રૂઢિપ્રયોગ હોય છે જે કોઈ કથા કે ઘટનાને કારણે અસ્તિત્વમાં આવી હોય. એ સંદર્ભમાં એક ઉદાહરણ જોઈએ. कहते हैं कि भरी दुपहरी में जब बहुत तेज धूप पड़ रही हो, तभी चील अंडा देती है और अंडा छोड़ते वक्त चिल्लाती है । इसलिए तेज धूप या गर्मी को ‘चील-चिल्लाती’ धूप या गरमी कहते होंगे । यह ‘चील-चिल्लाती‘ पद ‘चिलचिलाती’ बन गया है। એવું કહેવાય છે કે ભર બપોરે જ્યારે કાળઝાળ ગરમી પડતી હોય છે ત્યારે ચીલ એટલે કે સમડી ઈંડાં મૂકતી વખતે બૂમાબૂમ કરતી હોય છે જે હિન્દીમાં चिल्लाती है કહેવાય છે. એટલે બપોરની કાળઝાળ ગરમી ‘चील-चिल्लाती’ धूप या गरमी તરીકે ઓળખાતી હશે. કાળક્રમે ‘चील-चिल्लाती‘ पद ‘चिलचिलाती’ બની ગયું હોવું જોઈએ. કિશોર કુમારની ફિલ્મ ‘હાફ ટિકિટ’નું ગીત चील चिलचिल्लाके कजरी सुनाए झूम-झूम कौवा भी ढोलक बजाए સાંભળ્યું હશે તો યાદ હશે.

કોઈ વ્યક્તિ ગણતરીમાં જ ન લેવાતી હોય, એનો ભાવ કોઈ ન પૂછતું હોય એને માટે तीन में न तेरह में, न सेर भर सुतली में, न करवा भर राई में કહેવત છે. એની પાછળની કથા એવી છે કે જૂના જમાનાની એક નાચનારીએ એના ચાહકોનું વર્ગીકરણ કર્યું હતું. પહેલી શ્રેણીમાં ત્રણ વ્યક્તિ હતી જેના માટે એને અપાર સ્નેહ હતો. પછી તેર હતા અને એની પછી એવા લોકો હતા જેમને સૂતળીમાં ગાંઠ બાંધી યાદ રાખતી. સૌથી છેલ્લે સાધારણ લોકો હતા જેના નામનો એક એક રાઈનો દાણો એ માટીના વાસણમાં નાખતી. એક વાર કોઈ વ્યક્તિ આવી ચડી અને તેણે કહ્યું કે પહેલા એ નિયમિત આવતો અને બહુ ધન આપતો. જોકે નાચનારી એને ઓળખી ન શકી અને પોતાના નોકરને ઓળખવા કહ્યું ત્યારે નોકરે જવાબમાં तीन में न तेरह में, न सेर भर सुतली में, न करवा भर राई में કહી એનો એકડો જ કાઢી નાખ્યો.

આ પણ વાંચો…ઝબાન સંભાલ કે : રે આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button