ફોકસ પ્લસ: આ ડાન્સ ટીચર કળા દ્વારા બાળકમાં કરે છે આત્મવિશ્ર્વાસનું સિંચન… | મુંબઈ સમાચાર

ફોકસ પ્લસ: આ ડાન્સ ટીચર કળા દ્વારા બાળકમાં કરે છે આત્મવિશ્ર્વાસનું સિંચન…

  • રશ્મિ શુક્લ

બાળકોમાં આત્મવિશ્ર્વાસ અને અનુશાસનના બી રોપીને એક શિક્ષક તેમના જીવનને નવી દિશા આપે છે. આવા જ ધ્યેય સાથે કામ કરે છે ચેન્નઈના ડાન્સ ટીચર-ડૉક્ટર અંબિકા કામેશ્ર્વર. તેઓ ભરતનાટ્યમ અને કુચિપુડીમાં નિપુણ છે. છેલ્લાં 30 વર્ષથી ક્લાસિકલ ડાન્સની ટ્રેઈનિંગ આપે છે. તેમની પાસે આવતા વિદ્યાર્થીઓમાં આપણા જેવા સામાન્ય નહીં, પરંતુ દિવ્યાંગ બાળકો ક્લાસિકલ ડાન્સની ટ્રેઇનિંગ લેવા આવે છે.

અંબિકા જ્યારે 18 વર્ષનાં હતાં ત્યારે તેમણે પહેલી વખત બ્લાઇન્ડ બાળકોને ડાન્સ શીખવાડ્યો હતો. એ અનુભવ તેમના માટે ચેલેન્જિંગ હતો. એ અનુભવથી જ તેમણે નક્કી કરી લીધું કે તેઓ આવાં બાળકોને શાસ્ત્રીય નૃત્ય શીખવાડશે.

એ વિશે અંબિકાએ કહ્યું કે, ‘તેમને ડાન્સ શીખવાડીને મને લાગ્યું કે તેમની અંદર આત્મવિશ્ર્વાસ, પોતાના ટૅલન્ટ પર ભરોસો છે અને તેમની પોતાની ઓળખ છે. ત્યારે જ મને એહસાસ થયો કે આ જ વસ્તુની મને તલાશ હતી.’ લગ્ન બાદ અંબિકા ચેન્નઈ આવી ગયાં. ત્યાં તેમણે સ્પેસ્ટિક સોસાયટી ઑફ ઇન્ડિયામાં સેવા આપવાનું શરૂ કર્યું. અંબિકાએ નાટ્યાભિનયમાં પીએચ.ડી. કર્યું છે. તેની મુલાકાત એક નેશનલ પૅરાલિમ્પિકમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતનારી બબલી રામચન્દ્રન સાથે થઈ. બન્નેને ડાન્સમાં રસ હતો. અંબિકાના માર્ગદર્શનમાં બબલીએ તેના આરંગેત્રમમાં પર્ફોર્મ કર્યું હતું. બબલીની જર્ની એ વાતનું પ્રમાણ છે કે તક અને પ્રોત્સાહન મળી રહે તો વ્યક્તિ ધાર્યું પરિણામ લાવી શકે. અંબિકા વિવિધ સ્કૂલોમાં જઈને બાળકોના વિકાસ માટે મહેનત કરે છે. તેમની સાથે વાતચીત કરીને તેમને આનંદમાં રાખવાનો પ્રયાસ કરે છે. તેમણે રામન્ના સુનૃત્યાલય નામની ઍકેડેમીની સ્થાપના કરી છે. એમાં નૃત્યની ટ્રેઇનિંગ લેવા આવતા વિદ્યાર્થીઓ ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, ડાઉન સિન્ડ્રોમથી પીડિત અને દૃષ્ટિહિન છે. સૌથી ખાસ વાત એ છે કે અંબિકાએ નિસ્વાર્થભાવે સેવાની ધૂણી ધખાવી છે. તેઓ કોઈ ફી લેતા નથી.

આજે તેમનાં બે કેન્દ્ર ચેન્નઈમાં અને એક બેંગલૂરુમાં છે. આટલાં વર્ષોમાં તેમના વીસ વિદ્યાર્થીઓનો આરંગેત્રમ થયો છે. આ ઍકેડેમીમાં બાળકોને નૃત્યની સાથે રંગોળી, કૂકિંગની પણ તાલીમ આપવામાં આવે છે. એની સ્પર્ધામાં ભાગ લઈને બાળકોની કળાને વિસ્તારવામાં આવે છે. સાથે જ તેઓ ઍન્યુઅલ-ડે, સ્પોર્ટસ-ડે અને ફેન્સી ડ્રેસ કોમ્પિટીશનમાં પણ ભાગ લે છે. એનાથી તેમની અંદર આત્મવિશ્ર્વાસ જાગે છે. પોતાની લાગણીને તેઓ કળા મારફતે દર્શાવે છે, જે કદાચ શબ્દો દ્વારા વર્ણવવું તેમના માટે મુશ્કેલ છે.

આ સ્થળે કોઈપણ પ્રકારના ભેદભાવને સ્થાન નથી.

અંબિકાની ઈચ્છા છે કે અન્ય શહેરોમાં પણ આવાં કેન્દ્રો શરૂ કરવામાં આવે. જેથી કળાનો વિસ્તાર થઈ શકે.

આપણ વાંચો:  વલો કચ્છ : પખે કે ચડણું નાંઈ: કચ્છની ધરતી સાથે બંધાયેલું જીવનધર્મ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button