
- જયેશ ચિતલિયા
સમગ્ર રોકાણજગત સતત તેનો વ્યાપ વધારતું રહીને નવાં-નવાં પરિબળો અને વિભિન્ન સાધન ઉમેરતું જાય છે. ટેકનોલોજીએ તેને અલગ જ સ્તરની ગતિવિધી આપી છે. ઓનલાઈન ધોરણે થતા આ કામકાજ અસાધારણ પ્રમાણમાં વૃદ્ધિ પામી રહ્યા છે. આ સાથે રોકાણ માટેનાં સાધનો પણ એકધારા વધી રહ્યા છે. વૈવિધ્યકરણ અને એસેટ એલોકેશનનું મહત્ત્વ કાયમ રહેશે.
આજે પાયાની વાતોથી આ જગતને નજીકથી સમજવાનો પ્રયાસ કરીએ, કારણ કે તાજેતરમાં લાખો બચતકારો હવેના સમયના નવા રોકાણકારો બનીને આ જગતમાં પ્રવેશી રહ્યા છે.
જો આપણું આર્થિક ભાવિ વધુ સુરક્ષિત કરવા માગતા હોઈએ તો આપણી આવકનો ચોકકસ ભાગ નિયમિત બચત તરફ જવો જ જોઈએ. આ બચતનાં સાધન ઘણાં છે, પરંતુ તેને રોકાણ કહી શકાય અર્થાત તેમાંથી બહેતર વૃદ્ધિ થાય એવાં સાધનોમાં આ નાણાં જવા જોઈએ. આ બચત-રોકાણ ખરેખર આપણી માટે વધુ નાણાંનું સર્જન કરી શકે છે. રોકાણ જગતમાં શ્રેષ્ઠ રોકાણ વિકલ્પો અને પ્લાન્સ ઉપલબ્ધ હોય છે, એમાં રોકાણ કરવાના વિવિધ વિકલ્પ હોય છે. એને આપણે ઓળખવા અને સમજવા પડે અને તે નાણાંની સલામતી જાળવશે એ ખાતરી પણ કરવી જોઈએ.
રોકાણ શા માટે કરવું જોઈએ?
સમય સાથે આપણા નાણાંમાં વૃદ્ધિ થાય અને વળતર મળે એ માટે મૂડીરોકાણ એ નિશ્ર્ચિત માર્ગ છે.
મૂડીરોકાણના વધુ વિકલ્પો પ્રતિ શા માટે જોવું જોઈએ એનાં વિવિધ કારણ આ મુજબ હોઈ શકે,જેમકે …
1) નિષ્ક્રિય રહેલા ભંડોળ પર આપણને વળતર મળે.
2) જીવનના ભાવિ લક્ષ્યને હાંસલ કરવા આપણે વિભિન્ન પ્રોડક્ટ્સમાં રોકાણ કરી શકીએ.
3) અનિશ્ર્ચિત ભાવિ સામે આપણને સલામતી મળે.
આપણા નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ફુગાવાનું પણ ચોકકસપણે ધ્યાન રાખવું જોઈએ. ફુગાવાના કારણે પૈસાનું મૂલ્ય ઘટી જાય છે. ફુગાવો વધે તો જીવનનિર્વાહનો ખર્ચ વધે છે અને રોજિંદી જરૂરિયાતોને પહોંચી વળવા માટે માલસામાન અને સેવાઓ ખરીદવાનું મોંઘું બને છે.
મોંઘવારી એ એક એવું પરિબળ છે કે જેમાં આજે 1000 રૂપિયામાં ખરીદ કરાયેલો માલસામાન તેમ જ સેવાઓ ભવિષ્યમાં એટલી જ રકમ મારફતે ખરીદી શકાશે નહીં. આપણા અનુભવ કહે છે,
ભૂતકાળમાં પણ આટલી જ રકમથી આ માલસામાન તેમ જ સેવાઓ ખરીદી શકાતાં હતાં તે આજે ખરીદી શકાતાં નથી…
આ વાસ્તવિકતા સમજવા માટે સાદું ઉદાહરણ જોઈએ…
જો આપણે આગામી 20 વર્ષો માટે વાર્ષિક 6% ના ફુગાવાના દરે ગણતરી કરીએ તો વર્ષ 2018 માં 100 રૂપિયા મારફતે જે ખરીદી કરી શકાતી હતી તેનો વર્ષ 2038 માં 321 રૂપિયાનો ખર્ચ થશે. આ જ કારણ છે કે લાંબા ગાળાના રોકાણના આયોજન દરમિયાન ફુગાવા (મોંઘવારી દર) ની ગણતરી ઘણી મહત્ત્વની છે. રોકાણનો ‘વાસ્તવિક’ વળતરનો દર એટલે કે ફુગાવા બાદના વળતરની ચોક્કસપણે ગણતરી થવી જોઈએ.
રોકાણનું વળતર ફુગાવાના દરથી વધુ હોવું જોઈએ, જેથી રોકાણના મૂલ્યમાં ઘટાડો ન થાય એની ખાતરી રહે. આ કારણસર મહત્ત્વની બાબત એ છે કે તમારે માટે ઉપલબ્ધ રોકાણ વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પની સૌ પ્રથમ ચકાસણી કરવી જોઈએ.
મૂડીરોકાણ ક્યારે શરૂ કરવું જોઈએ?
વહેલી તકે મૂડીરોકાણ કરવું જોઈએ. નિયમિત મૂડીરોકાણ કરવું જોઈએ અને લાંબા ગાળા માટે મૂડીરોકાણ કરવું જોઈએ. સંપત્તિના સર્જન અને મૂડીરોકાણ પર વળતરની પ્રાપ્તિ ઘણો સમય અને ધીરજ માગી લે છે. આદર્શ રીતે જો શક્ય હોય તો યુવા વયે રોકાણનો પ્રારંભ કરવો જોઈએ. જોકે આ પ્રક્રિયાના પ્રારંભ માટે ક્યારે પણ મોડું થયું નથી હોતું. વહેલી તકે રોકાણ કરીને આપણાં રોકાણને વળતર અપાવવા માટે ઘણો સમય આપી શકીએ છીએ.
લાંબા ગાળાના રોકાણમાં ચક્રવૃદ્ધિનું બળ સારું વળતર આપે છે અને તેની વૃદ્ધિ કરે છે. આ ત્યારે થાય છે, જ્યારે મુદ્દલનું એકત્રીકરણ થયું હોય તેમ જ વર્ષાનુંવર્ષ (વરસ પછી વરસ) વ્યાજ અને/અથવા ડિવિડંડની કમાણી થઈ હોય.
રોકાણ માટેના પાયાનાં 12 પરિબળ
યોગ્ય સાધનો કે યોજનાઓમાં નાણાંનું રોકાણ કરવાનું કાર્ય નિપુણતા માગી લે છે. આ માટે 12 મહત્ત્વનાં પરિબળ ધ્યાનમાં રાખવા જોઈએ, જેની આપણે રોકાણ પૂર્વે વિચારણા કરવી જોઈએ,જેમકે…
1) રોકાણની સમજ આપતા લેખિત દસ્તાવેજો મેળવવા જોઈએ.
2) દસ્તાવેજોને વાંચવા- સમજવા.
3) રોકાણની કાયદેસરતા ચકાસવી.
4) તેની સાથે સંકળાયેલાં ખર્ચાઓ અને ફાયદાઓને જાણવા.
5) તેના જોખમ-વળતરના પ્રમાણની આકારણી કરવી.
6) રોકાણની પ્રવાહિતા અને સલામતીનાં પાસાં પ્રતિ જાગ્રત રહેવું
7) રોકાણ આપણાં ચોક્કસ લક્ષ્યો માટે યોગ્ય છે તેની ખાતરી કરવી.
8) અન્ય રોકાણની તકો સાથે તેની વિગતોની સરખામણી કરવી.
9) રોકાણ આપણા વર્તમાન અથવા ભાવિ પોર્ટફોલિયોમાં બંધ બેસે છે કે કેમ તેની તપાસ કરવી.
10) અધિકૃત મધ્યસ્થી મારફતે જ વ્યવહાર કરવો.
11) મધ્યસ્થીને આપણી શંકાઓ સ્પષ્ટ જણાવવી અને જો આપણને અનુકૂળ હોય તો જ રોકાણ કરવું. જો આપણને ખાતરી કે વિશ્વાસ ન બેસે તો રોકાણ ન કરવું.
12) જો કંઈક ખોટું જણાય તો અન્ય વિકલ્પોની ચકાસણી કરવી. જ્યારે આપણને સંપૂર્ણ સંતોષ થાય ત્યારે જ રોકાણ કરવાના નિર્ણયનો અમલ કરવો.



