ઉત્સવ

ઈન્કમ ટેકસ રિટર્ન ફાઈલ કરતી વખતે ઉતાવળ ન કરો, કારણ કે…

આઈટી રિટર્ન ફાઈલ કરતી વખતે કેટલીક ભૂલ ઘણા કરદાતા કરતા હોય છે. આ પ્ર્કારની ભૂલ આગોતરી સમજી લેવી જરૂરી છે.

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

આવકવેરા રિટર્ન ફાઈલ કરવું એ ચોકકસ માત્રામાં આવક પ્રાપ્ત કરતા દેશના નાગરિકની ફરજ છે. આ કામ કરવું ફરજિયાત છે. તેમ છતાં ઘણી વ્યકિત એ કામ સાવ છેલ્લી મિનિટ સુધી મોડું કરવાની ભૂલ કરે છે. આને લીધે ૩૧ જુલાઈની મહેતલ નજીક આવે તેમ ઈન્કમ ટેક્સ પોર્ટલ પર ધસારો એકદમ વધી જાય છે ને ફાઈલિંગનું કામ વિલંબમાં પડી જાય છે.

કરદાતાને પગાર, ઘર મિલકત, કેપિટલ ગેઈન્સ, વિદેશમાંથી થયેલી આવક, વગેરે સ્ત્રોતમાંથી આવક થતી હોય છે. એવી જ રીતે, પગારદાર કરદાતા, કે જે એપ્રિલ-૨૦૨૩માં એમની પસંદગીની પદ્ધતિ અનુસાર જૂના કરમાળખાને પસંદ કરવાનું ચૂકી ગયા હોય અથવા એવા લોકો, જેમણે નાણાકીય વર્ષ દરમિયાન નોકરી બદલી હોય, એમણે પદ્ધતિમાં ઘણી જટિલતા રહેલી હોવાને કારણે રિટર્ન ફાઈલ કરવામાં વધારે કાળજી રાખવાની જરૂર હોય છે. જો આમાં કોઈ પ્રકારની શંકા હોય તો પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કે ટેક્સ ક્ધસલ્ટન્ટ્સની સેવાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.
આઈટીઆર ફાઈલ કરવામાં, પ્રોસેસિંગમાં અને રિફંડ મેળવવામાં કોઈ તકલીફ ન પડે એ માટે તમારે અહીં દર્શાવેલી ૭ સામાન્ય ભૂલને ટાળવી જરૂરી છે.

(૧) તમે જેને માટે પાત્ર ન હો એવી કપાત માટે દાવો કરવો નહીં
રિટર્ન્સ ફાઈલ કરતી વખતે કોઈ દસ્તાવેજી પુરાવા આપવાની જરૂર રહેતી ન હોવાથી કેટલાક લોકો ટેક્સ રિફંડ મેળવવા આ રાહતનો દુરુપયોગ કરે છે. કેટલાક લોકો ધર્માદા સંસ્થાઓને આપેલા દાનની રકમ ઉપર ૮૦G હેઠળ અથવા વિકલાંગ કરદાતાઓ માટે ૮૦U કલમ હેઠળ કરકપાતનો ખોટી રીતે દાવો કરતા હોય છે. આમ કરવાથી ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. છેલ્લા એક વર્ષમાં ઘણા પગારદાર વ્યક્તિઓને આનો અનુભવ થઈ ચૂક્યો છે. આવકવેરા વિભાગની ઝપટમાં આવવાનું ટાળવા માટે, પાછળથી મુશ્કેલીને આમંત્રણ આપવાને બદલે તમારું રિટર્ન ફાઈલ કરતી વખતે પ્રામાણિક રહો એ જ ઉત્તમ રહેશે.AI ટેક્નોલોજી અને વાર્ષિક માહિતી નિવેદન (AIS)ના ઉપયોગને કારણે આવકવેરા વિભાગ રિટર્ન ફાઈલ કરનારાઓની ખોટી માહિતીની સચોટતાપૂર્વક ચકાસણી કરી શકે છે.

(૨) ફોર્મ-૧૬ અને ફોર્મ-૨૬ASની માહિતીનો મેળ ન બેસે…
તમે રિટર્ન ફાઈલ કરવાની શરૂઆત કરો એ પહેલાં તમારે ફોર્મ-૨૬અજ અને વાર્ષિક માહિતી નિવેદન (AIS) ડાઉનલોડ કરી જ લેવું, જે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ (incometax.gov.in) પરથી એક્સેસ કરી શકાય છે. ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) તથા ઊંચી રકમના નાણાકીય અને જંગમ મિલકતના સોદાઓની વિગતો ફોર્મ-૧૬ની વિગત સાથે તેમજ બેન્ક ટીડીએસ સર્ટિફિકેટ તથા અન્ય નાણાકીય રેકોર્ડ્સની સાથે મેચ થવી જ જોઈએ. આમાં જો કોઈ ગરબડ હશે તો આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળશે. આ દસ્તાવેજોમાં કોઈ વિસંગતિ ધ્યાનમાં આવે તો સ્પષ્ટતા માટે ટેક્સ ડીડક્ટર એટલે કે, બેન્કનો સંપર્ક કરવો, જે ફિક્સ્ડ ડિપોઝીટ ઉપર મેળવેલા વ્યાજ ઉપર ટીડીએસને રોકે છે અથવા તમારા માલિકનો સંપર્ક કરવો જે દર મહિને તમારા પગારમાંથી ટેક્સ કાપે છે.

(૩) ખોટા આઈટીઆર ફોર્મની પસંદગી કરવાની ભૂલ
રિટર્ન ફાઈલ કરવા માટે જો તમે ખોટું ફોર્મ સિલેક્ટ કરશો તો, દાખલા તરીકે, તમને સુસંગત હોય તે આઈટીઆર-૨ને બદલે આઈટીઆર-૧ ફોર્મને પસંદ કરશો તો એવી છાપ ઊભી થશે કે તમે તમારી આવક છુપાવો છો, પછી ભલે તમે એ ભૂલ અજાણતા કરી હશે, કારણ કે તમારા નાણાકીય વ્યવહારોની જાણકારી આઈટીઆર-૨માં આપવાની હોય છે. દાખલા તરીકે, વર્ષ ૨૦૨૩-૨૪માં તમે શેરના વેચાણ દ્વારા કેપિટલ ગેઈન્સ મેળવ્યા હોય અથવા વિદેશમાં કોઈ બેન્ક ખાતું હોય તો તમારે તે વિગત આઈટીઆર-૨માં જણાવવાની હોય છે. જો તમે આઈટીઆર-૧ ભરો તો તમે આ માહિતી આપી નહીં શકો. પરિણામે, સાચી માહિતી ન આપવા બદલ તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે.

વધુમાં, ખોટું ફોર્મ સિલેક્ટ કરવાથી તમારું રિટર્ન ખામીભરેલું ગણાશે.

(૪) અગાઉના એમ્પ્લોયર પાસેથી મેળવેલી આવક જાહેર ન કરવાની ભૂલ
ધારો કે નાણાકીય વર્ષ દરમિયાન તમે નોકરી બદલી હોય તો તમારે વધારે કાળજી રાખવી પડે. આવા પગારદાર કરદાતાઓ પાસે અગાઉના અને વર્તમાન, એમ બે માલિક દ્વારા ઈસ્યૂ કરાયેલા બે પ્રકારના ફોર્મ-૧૬ હોય છે. તેથી તમારે બંને સંસ્થા પાસેથી પ્રાપ્ત કરેલી આવકને જાહેર કરવી જ પડે અને ધારો કે તમારા કોઈ પણ માલિક દ્વારા જો આવકવેરામાં કોઈ નાની કપાત પણ કરાઈ હોય તો એની અવગણના કરશો નહીં. AIS તમારી આવકની તમામ વિગત પકડી શકે છે. તેથી બંને માલિક પાસેથી મેળવેલી આવક નોંધાઈ જાય છે. જો તમારા આઈટીઆર ફોર્મમાં આ વિગતો જણાવાઈ નહીં હોય તો તમામ આવક ઘોષિત ન કરવા બદલ તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ આવી શકે છે.

(૫) રિટર્ન ફાઈલ કરતી વખતે માત્ર ફોર્મ-૧૬ પર આધાર રાખવાની ભૂલ
પગારદાર કર્મચારીઓ માટે રિટર્ન ફાઈલ કરતી વખતે ફોર્મ-૧૬ મુખ્ય દસ્તાવેજ હોય છે તેમ છતાં, ફોર્મ- ૧૬માં ઘણી આવકો અને સોદાઓ દર્શાવવામાં આવેલા હોતા નથી. દાખલા તરીકે, તમને તમારા બચત ખાતાની બેલેન્સ રકમ ઉપર વ્યાજ મળે છે, જે કરપાત્ર હોય છે. (જોકે રૂ. ૧૦,૦૦૦ સુધીની બચત ખાતાના વ્યાજની રકમને ૮૦TTA કલમ હેઠળ કપાત તરીકે ગણવામાં આવે છે). એવી જ રીતે, તમે શેર અથવા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સના વેચાણમાંથી કરેલી કમાણી સ્વરૂપ કેપિટલ ગેઈન્સનો પણ ફોર્મ-૧૬માં ઉલ્લેખ કરાયો હોતો નથી. આમ, માત્ર ફોર્મ-૧૬ પર આધાર રાખવાનો અર્થ એ થાય કે તમે આ આવકને ઘોષિત કરતા નથી અને આમ કરવાથી તમે આવકવેરા વિભાગ તરફથી નોટિસના જોખમને આમંત્રણ આપી શકો છો. એટલું ધ્યાન રાખવું કે તમારે સાચી માહિતી પૂરી પાડવા માટે AIS, તમારા બૅન્ક સ્ટેટમેન્ટ્સ તેમજ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન્ટરમીડિઅરીઝ દ્વારા તેમજ બ્રોકિંગ હાઉસિસ દ્વારા ઈસ્યૂ કરાયેલા કેપિટલ ગેઈન્સ સ્ટેટમેન્ટ્સ અનુસાર જ વિગત ભરવાની.

(૬) ખોટી બેન્ક એકાઉન્ટ ડિટેલ આપવાની ભૂલ
પૂર્વ-માન્ય કરાયેલી બૅન્ક એકાઉન્ટ વિગત પૂરી પાડવાથી સુનિશ્ર્ચિત થાય છે કે આવકવેરા વિભાગ તરફથી કોઈ રિફંડ મળવાનું હોય તો એ રકમ તમને સમયસર પ્રાપ્ત થાય. બેન્ક વિગતો આપવામાં જો કોઈ ભૂલ થશે તો રિફંડ મળવામાં વિલંબ થશે. તેથી રિટર્ન્સ સબમિટ કરતા પહેલાં તમારા
એટીઆર ફોર્મમાંની વિગત બે વાર ચેક કરી લેવી, જેમ કે, એકાઉન્ટ નંબર, IFSC કોડ,
બૅન્કનું નામ તથા અન્ય વિગત.

(૭) આઈટી રિટર્ન વેરિફિકેશન પ્રક્રિયાની અવગણના કરવી નહીં
ઓનલાઈન માધ્યમ પર રિટર્ન અપલોડ કરવા અને સબમિટ કરવા સાથે કંઈ આઈટીઆર ફાઈલિંગ પ્રક્રિયા પૂરી થતી નથી. આવકવેરા વિભાગ તમારા રિટર્નને પ્રોસેસ કરે છે કે નહીં એની તમારે જાતે રિટર્ન ફાઈલ કર્યાના ૩૦ દિવસની અંદર વેરિફાઈ કરવાનું હોય છે. આ કામ તમે ઓનલાઈન આસાનીથી કરી શકો છો. તમે તમારા આધાર નંબર, પૂર્વ-માન્ય કરાયેલા બૅન્ક એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ તથા અન્યનો ઉપયોગ કરીને આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ મારફત વેરિફાઈ કરી શકો છો. જો તમે ૩૦ દિવસની અંદર આ પ્રક્રિયાને પૂરી ન કરો તો વેરિફિકેશન તારીખને ફાઈલિંગ રિટર્નની તારીખ તરીકે ગણવામાં આવશે. એટલે જો તમે ૩૦ દિવસ બાદ અને ૩૧ જુલાઈની તારીખ જતી રહે એ પછી તમારું રિટર્ન વેરિફાઈ કરશો તો એને ડ્યૂ ડેટ પછીના રિટર્ન-ફાઈલિંગ તરીકે ગણવામાં આવશે, પરિણામે તમારે લેટ- ફાઈલિંગ ફી તરીકે રૂ. ૫,૦૦૦નો દંડ ચૂકવવો પડશે (રૂ. પાંચ લાખથી ઓછી આવકવાળાઓ માટે રૂ. ૧૦૦૦નો દંડ છે).

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત… કાજુ, કિસમીસ અને બદામનો બાપ છે આ Fruit, ખાતા જ મળશે… Virat Kohliએ અહીં બનાવ્યું કરોડોનું આલિશાન ઘર, જોયા ઈનસાઈડ ફોટોઝ? સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ…