ઉત્સવ

….તો પછી શનિને કોણ નડતું હશે?

હાસ્ય વિનોદ – વિનોદ ભટ્ટ

આપણા નાટ્યકાર ચન્દ્રવદન મહેતાને ગુજરાત સાહિત્ય અકાદમી સન્માનવા ઈચ્છતી હતી, પણ ચન્દ્રવદન જેનું નામ, એમ કંઈ જલદી કોઈને હાથ ન મૂકવા દે એટલે અમે કેટલાક મિત્રો તેમને સમજાવવા વડોદરા ગયા. ઘણી લાંબી ચર્ચાને અંતે તેમણે જણાવ્યું:

‘હમણાં મારો શનિ ખાડામાં છે… તે ખાડામાંથી બહાર આવે પછી તમને હું જણાવીશ.’

‘તમારા શનિને ખાડામાંથી બહાર નીકળતાં કેટલો સમય લાગશે?’ અમે જાણવા માગ્યું.

‘આજે કઈ તારીખ છે?’ તેમણે પ્રશ્ર્ન કર્યો.

‘પાંચમી…’ અમે તારીખ કહી પછી પોતાની આંગળીના વેઢા ગણી ચન્દ્રવદન બોલ્યા:

‘બસ, આ એકવીસમીએ શનિ સુધરે છે…’ તેમણે માહિતી આપી, ને બાવીસમીએ તેમણે અમને લખી દીધું કે

‘જાવ, સન્માન હું લઈશ, પણ રકમ નહીં સ્વીકારું…’

અમને એમ લાગ્યું કે કોઈનીય સાડાબારી ન રાખે, કોઈથી ગાંજ્યા ન જાય એવા આ ચન્દ્રવદન પૃથ્વીથી એક અબજ પાંત્રીસ કરોડ કિલોમિટર દૂર રહેલા શનિથી ડરે છે!

તો પછી પેલા શનિને કોણ નડતું હશે…?

પછી તો શનિ વિશે જેમ જેમ અમે જાણતા ગયા તેમ તેમ અમને ખબર પડવા માંડી કે માથાફરેલ આ ગ્રહથી સામાન્ય માણસ જ નહીં, દેવો પણ ગભરાયા હતા. આમ તો શનિને ભગવાન સૂર્યનો પુત્ર ગણવામાં આવે છે, પણ ખુદ પોતાના પરમ પૂજ્ય પિતાશ્રીને પણ તે ગાંઠયો નથી.

કહે છે કે ભલભલાની ખબર લઈ નાખનાર એ પોતાની ત્રીજી-સ્પેર આંખ વડે સામેની વ્યક્તિને ભસ્મ કરી દેવાની શક્તિ ધરાવનાર ભગવાન શંકરને તેણે સંદેશો મોકલ્યો :

‘સાવધાન, હવે તમારી ખેર નથી, મારી દશા તમારા પર નાખું છું…’ અને શિવજી શનિની મહાદશાથી, આમ તો પોતાની અવદશાથી બચવા હાથીમાં રૂપાંતર પામી જંગલમાં ચાલ્યા ગયા. અત્યારે ભૂગર્ભમાં ઊતરી જવાનો રિવાજ છે એ રીતે તે સમયમાં જંગલમાં જતા રહેવાનો રિવાજ હતો. જંગલની જેલમાં લાંબો સમય રહેતાં કંટાળો આવવાથી તે પોતાના અસલ નિવાસ ‘કૈલાસધામ’માં પાછા ફર્યા. ને શનિને બોલાવીને હળવાશથી પૂછયું :

‘બોલ, તું મને સહેજ પણ નુકસાન કરી શક્યો? મારો વાળ પણ વાંકો કરી શક્યો?’ જવાબમાં શનિએ સહેજ મરકીને જણાવ્યું કે

‘સંહારના દેવતા ગણાતા આપને હાથી બનીને જંગલમાં સંતાઈ જવું પડ્યું એ ઓછી દશા કહેવાય ?! આ જ તો મારો પ્રભાવ હતો!’

ભગવાન રામચન્દ્રએ સિંહાસન પર બેસવાની તમામ તૈયારીઓ કરી નાખી હતી. તેમના માથાના માપનો મુગટ પણ મહેલમાં આવી ગયો હશે ત્યાં જ શનિએ પોતાનો પરચો બતાવ્યો. રામચન્દ્રજીએ સત્તાવિહોણા કરવા પાછળ કૈકેયીનો નહીં, શનિનો હાથ (કે પછી પગ) હતો, રાજા થવાનું તો એક બાજું રહ્યું, તેમને ચૌદ વર્ષ વનમાં ભટકવું પડ્યું.

અને ભગવાન શ્રીકૃષ્ણ. નાનપણમાં તે માખણ ચોરીને ખાવાની નિર્દોષ પ્રવૃત્તિઓ કરતા, પણ શનિના કારસ્તાનને કારણે એકવાર તેમના પર મણિ ચોરવાનો આરોપ મુકાયો હતો. વિશ્ર્વની સૌ પ્રથમ કુરિયર સર્વિસ આપનાર નળને પણ શનિએ રસ્તે રઝળતો કરી મૂકયો હતો. અને હરિશ્ર્ચંદ્ર માત્ર સત્યવાદી હોવાને કારણે નહીં, પણ શનિના સતાવ્યાથી ધાનધાન ને પાનપાન થઈ ગયો હતો….

શનિમાં ‘સેન્સ ઑફ હ્યુમર’ કહેતાં વિનોદવૃત્તિ અતિ અલ્પ પ્રમાણમાં હોઈ શામળ ભટ્ટની સિંહાસન બત્રીસીમાં આવતી એક વાર્તા પ્રમાણે પરદુ:ખભંજક રાજા વિક્રમે શનિની ટીખળ કરવાને કારણે વીર અટકધારી આ વિક્રમને પણ હેરાન-પરેશાન કર્યો હતો.

આ પરથી લાગે છે કે શનિની હોબી ચમરબંધીઓને જ સતાવવાની છે. ગરીબોને તે પજવતો નથી, પડેલા પાર પાટુ કોણ મારે એવી જ દયાની વૃત્તિ તેનામાં ઊંડે ઊંડે પડી હશે. સિંહ રાશિ ધરાવતા અમારા એક મિત્ર મહેશને, એ જ રાશિધારી તેના ભાઈ મયૂરે એક વાર કહ્યું: ‘મહેશિયા, આપણો શનિ સુધરી રહ્યો છે…’ જેના પ્રત્યુત્તરમાં મહેશ બોલ્યો: ‘આપણો શનિ સુધરવાથી બીજું તો શું થશે, આપણને ઉધાર ધીરવાવાળા બે જણ વધારે મળશે…’

આ શનિ સગપણમાં યમનો મોટો ભાઈ હોવાનું મનાય છે. યમ માણસને એક ઝાટકે પતાવી દે છે, પણ આ શનિ ટી.વી. પરની લાંબી સિરિયલની જેમ રિબાવી, રિબાવીને મારે છે… હિન્દી ફિલ્મોમાં કેટલાંક પાત્રો વિલન તરીકે જ શોભતાં હોય છે એ રીતે આકાશમાં વિહરતા નવ ગ્રહોમાં એક તગડા ખલનાયક તરીકે શનિ રીમોટ ક્ધટ્રોલથી માણસોનાં સુખો પર નિયંત્રણ કરે છે. જોકે શનિનું નંગ વીંટીમાં જડી દેનાર સોનીઓ એવી ફરિયાદ કયારેય નથી કરતા કે અમને શનિ નડે છે.

આ શનિ કેટલીક વ્યક્તિઓને તો છત્રીસ વર્ષ સુધી કુંવારા રાખીને સુખનો અનુભવ કરાવે છે, પણ એ મૂર્ખ લોકોને સુખની વ્યાખ્યાની ખબર નહીં હોવાને લીધે એ લોકો એવું માનતા પ્રેરાતા હોય છે કે શનિના નડતરને કારણે અમારું ચોકઠું બેસતું નથી, બેઠાં પહેલાં ઊખડી જાય છે. પોતાનું લગ્ન નહીં થવાનો દોષ તે શનિ પર ઢોળી દે છે. જ્યોતિષીઓ પણ આવા લોકોને દિલાસો આપતા કહેતા હોય છે કે જન્મકુંડળીમાં જો સ્વગ્રહી ઉચ્ચનો યોગકર્તા કે શુભદૃષ્ટિ વગરનો શનિ હોય તો આવા જાતકોનાં લગ્ન 36 વર્ષ સુધી લંબાઈ જાય છે.

હા, જેને ભવિષ્યની ચિંતા ન હોય ને જ્યોતિષમાં શ્રદ્ધા ન હોય એવા લોકો માટેય શનિ અભ્યાસલાયક ગ્રહ છે. આ શનિ નામનો ગ્રહ ઑફિસે નોકરી કરવા જતા સરકારી કર્મચારી જેવો અત્યંત ધીમો છે. તેની ચાલ ગજગામિનીને ઝડપી કહેવડાવે તેની હોવા છતાં તેનું વાહન ગજને બદલે કાગડો છે. તે સૂર્યથી 88 કરોડ 60 લાખ માઈલ દૂર છે. સ્વભાવે તે ચીકણો ને ચોંટુ હોવાને લીધે દરેક રાશિમાં તે ઓછામાં ઓછો અઢી વરસ સુધી રહી જાય છે. ને 30 વર્ષે આખી રાશિમાળા પૂરી કરે છે. ભાડૂતની જેમ જે ઘરમાં રહે છે તેમાં નુકસાન કરે છે, સાથે પાસ-પડોશના ગ્રહોને પણ પજવે છે. તે રીઝે તેને ન્યાલ કરે છે ને જેના પર ખીજે તેની ખાલ ખેંચી નાખે છે.

જ્યોતિષની દૃષ્ટિએ સૂર્ય એક રાશિ પર એક મહિના નિવાસ કરે છે, ચન્દ્ર કોઈ હોટેલમાં ઊતરતો હોય એ રીતે એક રાશિ પર માત્ર સવા બે દિવસ રહે છે. મંગળનો મુકામ દોઢ મહિનો હોય છે. પણ આ શનિ સૌથી વધારે 30 મહિના – અઢી વરસ સુધી એક જ ઘરમાં વસે છે. એનું એક કારણ કદાચ એ હશે કે સ્વભાવે ધીમો ને આળસુ હોવાને લીધે જલદી ઘર બદલતાં કંટાળતો હશે. આપણે ત્યાં લીવ એન્ડ લાઈસન્સ અગિયાર માસ ને અમુક દિવસોનું હોય છે એ રીતે શનિ અન્ય રાશિઓ પર અઢી વર્ષના કરારથી રહેતો હોવો જોઈએ.

એમ કહેવાય છે કે માણસ અમુક ઉંમરે થોડો ઘણોય સુધરતો હોય છે, પણ શનિની ઉંમર લાખો વર્ષની હોવા છતાં તે એવો ને એવો જ છે. વેદ ને પુરાણોમાં તેનો ઉલ્લેખ છે એટલે એમના કરતાં તો ઘણો પુરાણો તે હશે. છે.
તેની છાપ પોલીસ જેવી છે, લાગમાં આવે તો સગા બાપનેય ન છોડે. પોતાનામાં પડેલા શનિના પ્રભાવને કારણે જ પોલીસો પણ આ રીતે વર્તતા હોવા જોઈએ.

શનિને લોખંડનો સ્વામી ગણવામાં આવ્યો છે એટલે જીવનમાં લોઢાના ચણા ચાવવા ન પડે એ વાસ્તે શનિથી પીડિત લોકો પોતાના ઘરની બાર સાખ પર ઘોડાની નાળ જડાવે છે. કેટલાક શેખચલ્લીઓ ઘોડાની નાળ પોતાના પાટલૂનના ખિસ્સામાં એટલા માટે રાખે છે કે પછી તો એક ઘોડો ને ત્રણ નાળ જ લાવવાનાં રહે.

શનિથી ડરીને ચાલનારાં, તેને રીઝવવા માટે કાળા રંગની વસ્તુ ને કાળું વસ્ત્ર વગેરે ભેટ તરીકે ચડાવે છે. કાળાં નાણાંથી તેની રીઝવી શકાય કે કેમ એ સંશોધનનો વિષય છે. આપણે આગળ જોયું તેમ શનિનું વાહન કાગડો છે. કાગડાનો રંગ કાળો હોવાને લીધે જ તેના પર શનિએ પસંદગી ઉતારી હશે. આમ શનિને વિહાર કરવા તેમજ ઈસપ કથના શિયાળને લુચ્ચાઈથી પૂરી પડાવવા માટે કાગડાએ જન્મ ધર્યો છે.

આ શનિને પહેલી વાર 1610ની સાલમાં ગેલિલિયોએ તેના નાના દૂરબીનથી જોયો હતો ને પછી તો શનિએ પણ ગેલિલિયોને જોઈ લીધો હતો – તે કરુણ રીતે ગુજરી ગયો હતો.

શનિનો વ્યાસ 1,20,000 કિલોમિટર છે. શનિમાં ધીમી અણુભઠ્ઠી બળી રહી છે. ભવિષ્યમાં પ્રજા ત્યાં વસવાટ કરશે તો તેને ગેસના બાટલાનો ભાવ ચૂકવે છે એ કરતાં ઓછો ચૂકવવો પડશે, સિવાય કે આ અણુભઠ્ઠી તેમજ તમામ પ્રકારના વાયુ સરકાર પોતાના હસ્તક લઈ લે.

આ શનિ પાસે પોતાની માલિકીના કહી શકાય એવા 23 ઉપગ્રહો છે. કોઈ ઈન્કમટેક્ષ અધિકારીને થશે કે શનિએ તેના આ ઉપગ્રહો વેલ્થ-ટેક્ષના રીટર્નમાં બતાવ્યા હશે! સૂર્યમાળા કરતાં પણ વધારે સભ્યો તે ધરાવે છે. ‘ઓછા બાળ જય ગોપાળ’ વાળું સૂત્ર ત્યાં પહોંચ્યું નહીં હોવાથી શનિનો પરિવાર ખાસ્સો બહોળો છે.

આપણે ત્યાં ઋતુ માત્ર ચાર મહિના ચાલે છે, જ્યારે શનિ પર એક જ ઋતુ લગભગ દસ વર્ષ ચાલે છે. ત્યાં પાનખર દસ વર્ષ જેટલી લાંબી હોય છે ને વસંત પણ દસ વર્ષ જેટલી ટકાઉ હોય છે.

શનિ વજનમાં એટલો બધો હલકો છે કે જો તેને ઊંચકીને પાણીની ભરેલી એક ડોલમાં નાખવામાં આવે તો તે તરે. પણ તે ઘણા લોકોને ડુબાડે છે, પણ પોતે તરી શકે એટલો હલકો છે. શનિનો પ્રભાવ દાહક છે, પણ તેની પ્રકૃતિ ઘણી ઠંડી છે. શનિ પર ઉષ્ણતામાન 327 અંશ સેલ્સિયસ છે. આપણે હવે એ શોધવાનું રહે છે કે ઘણા બધાને રંજાડનાર, નડનાર આ ગ્રહ શનિને કોઈ નડે છે ખરું?!

આપણ વાંચો:  મારા એ: જેવા છે તેવા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button