સ્પોટ લાઈટ : શો મેં કર્યો ને ‘નાઈટ’ દેવયાની ઠક્કરને આપી!

-મહેશ્વરી
ગુજરાતી રંગભૂમિ પર નાટ્ય નિર્માતા તરીકે કિરણ સંપટ એક આદરણીય નામ હતું. જોખમ લઈને વેગળા વિષયો પર નાટકો ભજવવાનો તેમનો કાયમ આગ્રહ રહેતો અને એવા પ્રયોગ કરવામાં તેમને આનંદ પણ આવતો હતો. મને બરાબર યાદ છે તેમણે ‘સળગ્યા સૂરજમુખી’ નામનું નાટક કર્યું હતું. અરવિંદ જોશી અને સરિતા બહેન મુખ્ય ભૂમિકામાં હતા. દિગ્દર્શક પ્રવીણ જોશી હતા. એ નાટક કરવા બદલ કિરણભાઈની પીઠ થાબડવામાં આવી હતી. આવા પ્રતિભાશાળી નિર્માતા સાથે મને કામ કરવાનો મોકો મળ્યો એ મારું અહોભાગ્ય હતું.
અમેરિકામાં એક મહિનો ‘રંગ છે રાજા’ના શો પતાવી ગ્રૂપ સ્વદેશ પાછું ફર્યું. હું ફરી એમાં મારો રોલ કરવા લાગી. જોકે, આ વખતે મોળો પ્રતિસાદ જોતા કિરણભાઈએ નવાં નાટકનાં રિહર્સલ શરૂ કરી દીધા અને ‘રંગ છે રાજા’ નાટક બંધ કરવામાં આવશે એવી ચણભણ શરૂ થઈ ગઈ. નાટક કયા કલાકારોને લઈ ક્યારે શરૂ કરવું અને ક્યારે બંધ કરી દેવું એ નિર્ણય સંપૂર્ણપણે નિર્માતાનો જ હોય એ વાત બધા જાણતા હોય અને સ્વીકારતા પણ હોય. હું એમાં કોઈ અપવાદ નહોતી.
આ પણ વાંચો: સ્પોટ લાઈટ : મુંબઈમાં આવકાર, ગુજરાતમાં જાકારો
મારી દલીલ માત્ર એટલી જ હતી કે ચાલી રહેલું કોઈ નાટક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે તો એની સાથે સંકળાયેલા કલાકારોને વિશ્વાસમાં લેવા જોઈએ. નાટક ઝાઝું નહીં ખેંચે એટલે બીજા નાટકમાં કામ મળે તો સ્વીકારી લેજો એવું બધાને કહેવું જોઈએ. આ વાત એટલા માટે જરૂરી છે કે નાટકોમાં કામ કરનારાઓને કોઈ પગાર કે બેઠી આવક નથી હોતી. એમણે તો નાટક દીઠ મળતાં મહેનતાણાં નાઈટ પર જ નિભાવવાનું હોય છે. નાટક બંધ થાય એટલે ‘નાઈટ’ મળવાનું પણ બંધ થઈ જાય.
‘રંગ છે રાજા’ બંધ પડશે પછી શું એવી ગડમથલ મારા દિમાગમાં ચાલી રહી હતી ત્યાં એક દિવસ મને દીપક વસાણીનો ફોન આવ્યો. દીપક એટલે નાટ્ય જગતના આદરણીય વૃજલાલ વસાણીનો પુત્ર. વૃજલાલ ભાઈને દેશી નાટક સમાજ માટે બહુ લગાવ હતો. એમને જ્યારે પણ મળી છું ત્યારે નાટકોની એવી વાત કરે કે સાંભળતા જ રહીએ.
દીપકે ફોન પર એક નાટકની ઓફર કરી અને રોલ સમજાવી મને કહ્યું કે આ રોલ તમારે કરવાનો છે. એટલે એ નાટક મેં સ્વીકારી લીધું. ‘રંગ છે રાજા’માંથી હું નીકળી ગઈ એટલે મારી જગ્યાએ દેવયાની ઠક્કર નામની અભિનેત્રીને પસંદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સ્પોટ લાઈટ: તમે શરમાતા નથી પણ આ ચૂડીઓ શરમાય છે…
મેં સ્વીકારેલા નવા નાટકમાં મારી અને દીપક ઘીવાલાની મુખ્ય ભૂમિકા હતી. દિગ્દર્શક હતા ફિરોઝ ભગત અને અમે રિહર્સલ શરૂ પણ કરી દીધા. નાટકનું નામ હતું ‘મારું ઘર મારો સંસાર.’ નિયમિત રિહર્સલ કરી નાટક સરસ રીતે બેસાડી અને જી.આર. (ગ્રાન્ડ રિહર્સલ) કર્યા પછી નાટક ઓપન થયું. એના ઘણા શો થયા.
આ નવાં નાટકનો ચેમ્બુરમાં શો હતો એના બે દિવસ પહેલા મને કિરણ સંપટનો ફોન આવ્યો. કોઈ પણ ઔપચારિકતા વગર તેમણે મને કહ્યું કે, ‘મહેશ્વરી, ભાઈદાસમાં ‘રંગ છે રાજા’નો શો છે. તું એ શો કરીશ?’ એમના અવાજમાં થોડો રઘવાટ હતો. સહેજ ચિંતામાં હોય એવું લાગ્યું. જોકે, મેં કશું પૂછ્યું નહીં, જાણવાનો આગ્રહ પણ ન રાખ્યો. મેં લાગલો જ જવાબ આપ્યો કે ‘હા, જરૂર કરીશ.
મને તમારું નાટક બહુ પસંદ છે અને એમાં મારો રોલ પણ મને બહુ જ ગમે છે. એ રોલ બહુ ગમવાનું એક કારણ એ પણ હતું કે એમાં માધુરી દીક્ષિતની ‘યારાના’ ફિલ્મનું કવિતા કૃષ્ણમૂર્તિએ ગાયેલું મજેદાર ગીત ‘મેરા પિયા ઘર આયા, ઓ રામજી’ પર નાટકમાં હું ડાન્સ કરતી હતી અને દર્શકોને એ સિક્વન્સ બહુ પસંદ પડી હતી. એટલે એ નાટક માટે ના પાડવાનો તો સવાલ જ નહોતો. મારા માટે ગર્વની વાત પણ હતી કે ભલે એક શો માટે કેમ નહીં, નિર્માતાએ મારો આગ્રહ રાખ્યો એની પાછળ મારી કાબેલિયત જવાબદાર હોવા જોઈએ.
આ પણ વાંચો: સ્પોટ લાઈટ: જયશંકર ‘સુંદરી’ પુરુષ પાત્રમાં પણ પ્રશંસનીય…
બંને નાટક એક જ દિવસે હતા, પણ કોઈ સમસ્યા નહોતી. એનું કારણ એવું હતું કે ‘મારું ઘર મારો સંસાર’નો ચેમ્બુરનો શો સવારે હતો જ્યારે ‘રંગ છે રાજા’નો શોનો સમય બપોરનો હતો. ચેમ્બુરથી વિલે પાર્લે પહોંચવાનું હતું. જોકે, ચેમ્બુરનો શો શરૂ થવા પહેલા નાટકમાં મારી સાથે જે યંગ કલાકારો કામ કરતા હતા તેમણે ‘બહેન, તમે જરાય ચિંતા નહીં કરતા. અમે તમને સમયસર ભાઈદાસ પર પહોંચાડી દઈશું’ એમ કહી મારું ટેન્શન હળવું કરી નાખ્યું. એક યંગસ્ટર હતો દીપેન ઝવેરી જે મહાન એક્ટર સંજીવ કુમારના સેક્રેટરીનો દીકરો હતો. એણે મને સમય કરતા વહેલી હોલ પર પહોંચાડી દીધી.
શો માટે તૈયાર થવા હું મેકઅપ રૂમમાં જઈ હજી બેઠી ત્યાં દેવયાની ઠક્કર અંદર રીતસરની ધસી આવી. મેં ‘રંગ છે રાજા’ છોડ્યું પછી મારો રોલ દેવયાની કરતી હતી. આવીને જરા ઊંચા સ્વરે કહેવા લાગી કે ‘મારો રોલ તો હું જ કરીશ. આ કહી દીધું તમને.’ એ અકળાઈને બોલી રહી હતી પણ મેં શાંત અને સ્વસ્થ રહી તેને એટલું જ કહ્યું કે ‘જો બહેન, મને કિરણ ભાઈએ બોલાવી છે. એટલે તું જઈને એમને મળ અને રજૂઆત કર. પછી જો કિરણ ભાઈ આવીને મને કહેશે કે આ રોલ તો દેવયાની જ કરશે તો હું એક પણ શબ્દ બોલ્યા વિના અહીંથી ચાલી જઈશ. તારા કહેવાથી નહીં જાઉં.’
જોકે, તપાસ કરતા ખબર પડી કે કિરણ ભાઈ હજુ નહોતા આવ્યા. એટલે ધુઆંપુઆં થતી દેવયાની પાછી મેકઅપ રૂમમાં આવી અને મને કહેવા લાગી કે ‘નાટકનો શો ભલે તમે કરો, પણ નાઈટ (નાટકમાં કામ કરવાનું મહેનતાણું) તો હું જ લઈશ.’
આ બધું ચાલી રહ્યું હતું ત્યાં કિરણભાઈ આવ્યા અને કહેવા લાગ્યા કે ‘દેવયાની કહે છે કે શો ભલે તમે કરો, પણ ‘નાઈટ’ એને આપવાની.’ એમની વાત સાંભળી મેં સહજ ભાવે કહી દીધું કે ‘ઠીક છે, આપી દો એમને નાઈટ.’ મને પૈસા વહાલા નહોતા એવું નહોતું, પણ જીવનમાં અમુક પ્રસંગે પૈસા કરતા કોઈનો સમય સાચવી લેવો એ વધુ મહત્ત્વનું હોય છે અને મેં પૈસાને નહીં, વખતને પ્રાધાન્ય આપ્યું.
આ પણ વાંચો: સ્પોટ લાઈટ : ડાયલોગનું રિહર્સલ ઊડતા વિમાનમાં
બીજી એક વાત એ કે રંગભૂમિને મેં ફક્ત વેતનભૂમિ નથી ગણી. રંગદેવતા માટે મને અપાર લાગણી અને અહોભાવ રહ્યા છે અને મેં કાયમ રંગદેવતાની પૂજા કરી છે. સાથે એવો પણ વિચાર આવી ગયો કે મારા કરતાં એને પૈસાની વધુ જરૂર હશે.
નાટકનો શો પૂરો થયો અને પછી કિરણ ભાઈએ મને મળવા બોલાવી. ફરિયાદના સ્વરમાં મને કહેવા લાગ્યા કે ‘તે મને પૂછ્યા વિના જ નવું નાટક લઈ લીધું. આ બરાબર નથી કર્યું.’ મેં તરત જ ખચકાયા વિના વળતો જવાબ આપ્યો કે ‘અહીં પૂછવાની, ખુલાસો કરવાની સિસ્ટમ જ ક્યાં છે?
અમે 200 શો કર્યા અને તમે એ જ નાટક લઈ અમેરિકા ગયા ત્યારે મને પૂછયું હતું? મારા કાને વાત નાખી હતી? તમે નવા નાટકના રિહર્સલ પણ અમને કહ્યા વિના જ શરૂ કરી દીધા હતા ને. એટલે મેં પણ તમને જણાવ્યા વિના નવું નાટક લઈ લીધું. મારે તો સતત નાટક કરતા રહેવું પડે, કારણ કે મારું ઘર નાટકના શો પર જ ચાલે છે. એટલે તમે કહો ત્યાં સુધી રાહ જોયા કરવી મને ન પાલવે. સારું ગ્રૂપ ને સારું નાટક મળે તો લઈ જ લેવાનું હોય.’ મારી આ દલીલ સાંભળ્યા પછી કિરણ ભાઈ એક શબ્દ નહોતા બોલ્યા. ક્યાંથી બોલે?
‘મારું ઘર મારો સંસાર’ નાટક સારું ચાલ્યું. 100થી વધુ શો એના થયા. મારું ગાડું અટક્યા વગર ગબડતું હતું. એક પછી બીજું, બીજું પછી ત્રીજું એમ નાટક મળી રહ્યા હતા. ખાલી બેસવાનો વખત નહોતો આવતો. એવામાં એક દિવસ રાજેન્દ્ર બુટાલાનો ફોન આવ્યો કે…
કવિ જ્યારે નાટ્યકાર બન્યા…
‘આગગાડી’થી ગુજરાતી નાટક અને રંગભૂમિને નવો વળાંક આપનારા ચંદ્રવદન ચીમનલાલ મહેતા (ચં. ચી.) મુખ્યત્વે નાટ્યકાર હતા. જોકે, સાહિત્ય ક્ષેત્રે તેમનો પ્રવેશ કવિતાથી થયો હતો. ભાઈ બહેનના સ્નેહથી નીતરતા ‘ઈલા કાવ્યો’ ચં.ચી.નું અનેરું યોગદાન છે.
આ પણ વાંચો: સ્પોટ લાઈટ : અફલાતૂન’ને અફલાતૂન આવકાર
જોકે, ગુજરાતી સાહિત્યમાં એવા કેટલાક કવિઓ પણ થઈ ગયા છે જેમણે નાટકો, વિશેષ કરી એકાંકીઓ લખ્યા. ‘આંધળી માનો કાગળ’ જેવી અવિસ્મરણીય રચના આપનારા ઈન્દુલાલ ગાંધીએ એકાંકી નાટ્ય સંગ્રહો આપ્યા બાદ 1930-40ના દાયકામાં બે માતબર કવિ કૃષ્ણલાલ શ્રીધરાણી અને ઉમાશંકર જોશીએ એકાંકી લેખન કર્યું હોવાની નોંધ છે. શ્રીધરાણીએ કાવ્ય લેખન સાથે નાટ્ય લેખન પણ કર્યું હતું.
નાનાંમોટાં મળી સોળ નાટકો તેમણે લખ્યાં છે. ‘પીળાં પલાશ’ અને ‘સોનપરી’ જેવા બાળનાટકો લખનારા કવિએ ‘વડલો’ તેમજ ‘મોરના ઈંડાં’ જેવા નાટકો પણ આપ્યા જેને ખાસ્સી લોકપ્રિયતા મળી હતી. ‘વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’ અને ‘નિશીથ’ જેવા કાવ્યસંગ્રહ આપનારા ઉમાશંકરે ‘શહીદ’ એકાંકી સંગ્રહ મઠારી, ‘હવેલી’ નામનો એકાંકી-સંગ્રહ આપ્યો. ‘સાપના ભારા’ ઉત્તમ એકાંકી તરીકે વખણાયા બાદ તેમણે બીજા એકાંકી પણ આપ્યા. આ ઉપરાંત તેમણે ‘અનાથ’ નામનું ત્રિઅંકી દીર્ઘ નાટક પણ આપ્યું.