હેં… ખરેખર?!: મેઘાલયમાં છે વિશ્વની સૌથી લાંબી રેતીના પથ્થરની ગુફા! | મુંબઈ સમાચાર
ઉત્સવ

હેં… ખરેખર?!: મેઘાલયમાં છે વિશ્વની સૌથી લાંબી રેતીના પથ્થરની ગુફા!

  • પ્રફુલ શાહ

હરવાફરવાથી સારું શું? નિતનવા સ્થળે જવું ને એને જોવું, માણવું, પામવું ને જીવવું એટલે અલૌકિક અનુભવાનંદ. આપણે દુનિયાભરના અવનવા જોવા લાયક સ્થળો શોધીએ અને ત્યાં જવા તલપાપડ થઇએ છીએ, પરંતુ દુર્ભાગ્યે કેટલાય સ્વદેશી પણ વિશ્વભરમાં વિશિષ્ટ ગણાતી જગ્યાની આપણને જાણકારી સુધ્ધાં નથી. આવું એક નામ છે ક્રેમ પુરી ગુફા.

આપણામાંથી મોટાભાગનાને આશ્ર્ચર્ય થશે કે આ વળી કઇ ગુફા? શું ખાસ છે એમાં? એ વળી છે ક્યાં?

ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય મેઘાલયમાં દુનિયાની સૌથી લાંબી રેતીના પથ્થરની ગુફા એટલે ક્રેમ પુરી ગુફા. આ ખાસી, જયંતિયા અને ગારો ટેકરીઓના લીલાછમ જંગલોમાં ચૂનાના પથ્થર અને રેતીના પથ્થરની ગુફાઓની અંધારી દુનિયા આવેલી છે. 2018માં મેઘાલયમાં વિશ્વની સૌથી લાંબી રેતીના પથ્થરની ગુફા મળી આવી હતી. એની લંબાઈ 24,583 મીટર છે. આ શોધે વૈજ્ઞાનિકો, જાણકારોમાં કુતૂહલ અને જિજ્ઞાસા જગાવ્યા. 2018ના માર્ચમાં, મેઘાલય સાહસિક સંગઠન દ્વારા હજી વણસ્પર્શ્યા અને અજાણ્યા પ્રદેશોનું અન્વેષણ કરવા માટે સ્પેલિયોલોજિસ્ટ્સ અને ગુફાઓની એક ટીમની રચના કરીને વિશેષ અભિયાન હાથ ધર્યું હતું.

આ અભ્યાસ જૂથે સતત 25 દિવસ સુધી ક્રેમ પુરી ગુફા પ્રણાલીનું અન્વેષણ કર્યુ હતું. અહીંના રેતીના પથ્થરોની દિવાલો સાથેની તેની ભવ્ય રચનાથી તેઓ આશ્ર્ચર્યચકિત થઈ ગયા. લાખો વર્ષોથી કુદરતે બનાવેલી આ સુંદર રચનાઓ મંત્રમુગ્ધ કરનારી ભવ્યતાનું સર્જન હતી. આ ગુફા સંશોધકો માટે વિજયની પળ જ નહિ, વૈજ્ઞાનિક સીમાચિન્હરૂપ હતી. આ ભૂસ્તરશાસ્ત્રીય અજાયબીઓએ પૃથ્વીના ઇતિહાસ, ભૂતકાળની આબોહવા અને ગ્રહની સપાટીને આકાર આપતી પ્રક્રિયામાં અમૂલ્ય સમજ પૂરી પાડી હતી. ભાવિ પેઢીઓ માટે અન્વેષણ અને અભ્યાસ હાથ ધરવા આ ગુફાઓની ભૂસ્તરશાસ્ત્રીય અને પર્યાવરણીય અખંડિતતાના મહત્ત્વપૂર્ણ બની રહેવાની હતી.

ક્રેમ પુરી ગુફાઓની શોધે મેઘાલયને આકર્ષક ગુફા પ્રણાલીઓના અભ્યાસ કેન્દ્ર તરીકે વૈશ્વિક નકશા પર મૂક્યું હતું. આ રાજ્યની અગાઉથી જ સમૃદ્ધ કુદરતી અજાયબીઓના આકર્ષણમાં વધારો થયો હતો. આ શોધે કાર્સ્ટ લેન્ડસ્કેપમાં વધુ સંશોધનને પણ પ્રોત્સાહન આપ્યું, જેનાથી ગ્રહના ભૂસ્તરશાસ્ત્રીય વારસાની આપણી સમજણમાં વધારો થયો હતો.

અહીં જાણીએ કે કાર્સ્ટ લેન્ડસ્કેપ એટલે શું?

ઇન્ટરસ્ટ્રેટલ કાર્સ્ટ એ કાર્સ્ટ લેન્ડસ્કેપ છે જે અદ્રાવ્ય ખડકોના આવરણની નીચે વિકસિત થાય છે. સામાન્ય રીતે આમાં દ્રાવણમાંથી પસાર થતા ચૂનાના પત્થરના સ્તરના રેતીના પત્થરોનું આવરણ હોય છે.

ક્રેમ પુરી ગુફાઓનું પ્રારંભિક સંશોધન અને દસ્તાવેજીકરણ, જયંતિયા ટેકરીઓમાં શરૂ થયું હતું, કારણ કે આ પ્રદેશ તેના સમૃદ્ધ કાર્સ્ટ લેન્ડસ્કેપ માટે જાણીતો છે. આ લેન્ડસ્કેપ અને તેની અંદરની રચનાઓ જમીનમાં નીચે આવતા પાણી દ્વારા દશેક લાખ વર્ષોમાં આકાર પામે છે. જ્યારે અભિયાન ટીમે ગાઢ જંગલ, કઠોર ભૂપ્રદેશ અને ભૂગર્ભ માર્ગોમાંથી પ્રવાસ શરૂ કર્યો, ત્યારે તેમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. જેમ જેમ તેઓ જંગલમાં વધુ ઊંડા ઊતરતા ગયા, તેમ તેમ છુપી અજાયબી સમી ક્રેમ પુરી ગુફાઓ મળી જે રેતીના પથ્થરની બનેલી હતી.

મેઘાલયના રાજ્ય વિશાળ ગુફા પ્રણાલીઓ ધરાવે છે. તેણે નિષ્ણાતો અને સાહસિકોનું ધ્યાન ખેંચ્યું, જેને પગલે રાજ્યની ગુફાઓ વિશે વધુ જાણવાની તક મળી છે. આને મેઘાલયમાં ફરવા માટેનાં શ્રેષ્ઠ સ્થળોમાંનું એક બનાવ્યું. એટલું જ નહિ,પ્રદેશના ઇતિહાસ અને ભૂસ્તરશાસ્ત્રીય ઉત્ક્રાંતિને જાણવા- સમજવાનો અવસર મળ્યો. આ ગુફાઓ થકી મેઘાલયની ભૂસ્તરશાસ્ત્રીય અજાયબીઓથી જ માહિત કરતી નથી પરંતુ પ્રાચીન અવશેષો અને પ્રારંભિક માનવ વસાહતોના અવશેષો સહિત મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વીય તારણો સુધી જવાની રાહ ચીંધે છે.

બાકી,આ સિવાય મેઘાલયમાં અનેક આહ્લાદક આકર્ષણો છે. જેમ કે તનમનને તરબતર કરી મૂકનારા તાજા પર્વતીય પવન, સતત વરસતા ધોધનો અવાજ, જીવંત ડબલ-ડેકર રુટ બ્રિજ(જીવંત વનસ્પતિ પુલ) વગેરે. કુદરતી સૌંદર્યની સમૃદ્ધ ભૂમિમાં વર્ષભર સુખદ વાતાવરણ, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં મનોહર લેન્ડસ્કેપ્સ, લીલીછમ હરિયાળી અને સમૃદ્ધ જૈવવિવિધતા ય ખરી જ.

છાશવારે પરદેશ દોડી જવા અગાઉ આપણો દેશ પૂરેપૂરો નહિ તો થોડોઘણો જોવો ન જોઈએ?

આપણ વાંચો:  સર્જકના સથવારે: મારગડે જાતાં મોહી શું સખી સજ્જન!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button