મિજાજ મસ્તી: ફાફડા-જલેબીની ગાથા… ગુજ્જુઓનું આધાર કાર્ડ

- સંજય છેલ
હમણાં 3 દિવસ પહેલા દશેરો ગયો ને લોકોએ એક જ મેસેજ મોકલે રાખ્યો કે-
‘તમારી અંદરના રાવણને બાળો!’ હવે અમારામાં કંસ છે કે હિટલર છે કે રાવણ એની બીજાંને કેવી રીતે ખબર પડે? પણ હા, ‘રાવણ’ નહીં પણ ‘કુંભકર્ણ’ તો અમારામાં ચોક્કસ છે એવું અમારી લાંબી ઊંધને કારણે ઘરવાળાંઓ નાનપણથી સંભળાવે છે. અમે અંદરના એ ક્યૂટ કુંભકર્ણને જરાંયે ડિસ્ટર્બ કરવા માગતા નથી.
વળી કુંભકર્ણ એના ભાઈ રાવણથી વધારે સેંસિબલ હતો. રામ-રાવણનાં યુદ્ધમાં જયારે રાવણના એક પછી એક સૈનિકો મરી રહ્યાં હતા ત્યારે રાવણે ઢોલ-નગારાં વગાડીને કુંભકર્ણ જગાડયો અને લડવા કાજે ઉશ્કેરતા કહ્યું :
‘ઊઠ કુંભકર્ણ, યુદ્ધમાં આપણી સેના, સ્વજનો હણાઈ રહયા છે ને તારે હજી ઉંઘવું છે?’
‘મોટાભાઈ, એક સવાલનો જવાબ આપો તો યુદ્ધમાં ઝંપલાવું.’ કુંભકર્ણે આળસ મરડીને કહ્યું,
‘કયો સવાલ? જલ્દી બોલ.’ રાવણ ભડક્યો.
કુંભકર્ણે પૂછ્યું, ‘પહેલાં એ કહો કે મેં ઊંઘીને શું ખોઈ નાખ્યું? ને તમે જાગીને શું મેળવી લીધું?’ રાવણ પાસે આ ફિલોસોફિકલ સવાલનો જવાબ નહોતો તો 10માં-12માંની પરીક્ષા હોય, અગત્યની મીટિંગ હોય, ટ્રેન પકડવાની હોય- છતાં પથારી ના છૂટતી હોય એવા સર્વ નિંદ્રાપ્રેમીઓ માટે કુંભકર્ણ- હીરો છે ને સદા રહેશે!
વળી રાવણનાં 10 માથાં જોઇને સવાલો ઊઠે કે-લંકેશને બ્રશ કરવામાં કેટલો સમય લાગતો હશે? કેટલા લિટર શેંપૂથી 10-10 માથાં ધોતો હશે? પાણીપુરી ખાતી વખતે પહેલું મોઢું પાણીપુરી આરોગે પછી બીજું, પછી ત્રીજું એમ છેલ્લે 10મું મોઢું પાણીપુરી ખાય ત્યાં સુધી પહેલા મોઢાંની શી હાલત થતી હશે? અથવા એક સાથે 10 ક્ધયા મહેમાનની આરતી ઉતારતી હોય એમ 10 પાણીપુરીવાળાઓ 1-1 મોંને ખવડાવતા હશે? સૂતી વખતે રાવણ, ડાબાં પડખે સૂવે તો 5 માથાં અને જમણી તરફ સૂવે તો 4 માથા આડા નહીં આવતા હોય? અને આ બધા વચ્ચે વચ્ચેના મેઇન માથાને ઊંઘ આવતી હશે? માથાના દુ:ખાવા માટે 1ગોળી લેતો હશે કે 10?
દશેરાના દિવસે આપણે ત્યાં રાવણને બળતો જોવા માટે ભારે ભીડ ઉમટે છે. 2018માં અમૃતસરમાં દશેરાના દિવસે રાવણને બળતો જોવા ગયેલા લોકો રેલવે ટ્રેક પાસે ટ્રેન નીચે કચડાઇ મર્યાં હતા. વળી દર વરસે રાવણને બાળવા પાછળનું કારણ-
‘ધર્મનો અધર્મ પર વિજય’ એમ છે પરંતુ આપણે ત્યાં ભ્રષ્ટાચારનો કે નફરતી ઝનૂનનો રાવણ રાજકારણની રાખમાંથી નવા નવા સ્વરૂપે ફરી ફરીને જનમ્યે જ રાખે છે ને આપણે બાળી બાળીને થાકીએ તો યે એ મરતો જ નથી!
ઇન્ટરવલ:
તું કૌરવ, તું પાંડવ, મનવા..
તું રાવણ, તું રામ! (સુરેશ દલાલ)
કહેવાય છે કે દશેરાના દિવસે ગુજરાતમાં કરોડના ફાફડા-જલેબી ખવાઇ જાય છે. એક રીતે દેશ હોય કે વિદેશ, ફાફડા- જલેબી ગુજ્જુઓની ઓળખ-આધાર કાર્ડ બની ગઈ છે.
‘ફાફડા’ શબ્દની વ્યુત્પત્તિ માટે કહેવાય છે કે ગુજરાતીઓ સવારે ઊઠીને હાંફળા-ફાંફળા થઈને જેને લેવા જતા એનું નામ ‘ફાફડા’ પડી ગયું. ફાફડા બનાવનાર ફાફડાના લોટના લૂવાને એક પાટલા પર મૂકી લાંબો ખેંચીને તળવા મૂકે છે.
આ પરથી એવું તારણ નીકળે છે કે ગુજરાતી પ્રજા લાંબું વિચારનારી પ્રજા છે . ‘આજે ફલાણાં શેરના ભાવ આટલો છે તો આવતી કાલે કેટલો થશે?’ -એવું વિચારવાની આખી પ્રવૃત્તિ પાટલા પર લાંબા વણીને ખેંચાતા ફાફડા પરથી કદાચ જન્મી હશે.
આ પણ વાંચો…મિજાજ મસ્તી : ડિક્શનરીમાં શાણપણના શબ્દ…
કોઈ રમતિયાળ કવિ ‘લફડાં’ અને ‘ફાફડા’ એ બે શબ્દ વચ્ચે પ્રાસ બનાવીને કવિતા લખી શકે… પણ આમ જોવા જઈએ તો લફડાં અને ફાફડા વચ્ચે એક જાતનો સંબંધ તો છે જ. જેમ ફાફડા ઠંડા થઈ જાય તો એમાં મજા નથી આવતી એમ લફડાં પણ જો જૂના થાય પછી એમાં બહુ રસ રહેતો નથી. વળી વધુ પડતાં ફાફડા ખાઈએ તો પેટ બગડે ને બહુ લફડાં હોય તો જીવન બગડે. ટૂંકમાં ફાફડા આપણને જાતજાતનું વિચારવા માટે પ્રેરણા આપે છે. ફાફડા આપણને સૌથી મોટી પ્રેરણા એ આપે છે કે ‘આજે ફાફડાનો ભાવ કેટલો છે?’ કારણ કે આજે જે ભાવ છે એ જ વર્તમાનનું સત્ય છે.
આવતી કાલે જે ભાવ હશે એ માત્ર કલ્પના છે.’ ઇન શોર્ટ, જો જીવનનું સત્ય સમજવું હોય તો આજના ફાફડાનો ભાવ સમજવો જોઈએ…અને આપણે વર્તમાનમાં જીવન જીવવાની ફિલોસોફી ફકત ફાફડા સમજાવી શકે છે. વળી સૌરાષ્ટ્ર બાજુ ગુજરાતીઓને ફાફડા સાથે મફતમાં મળતો પપૈયાનો સંભારો કે અમદાવાદમાં મળતી પીળી કઢી ફાફડા કરતાં યે વધારે વહાલી હોય છે. અમુક ફાફડા- પ્રેમીઓ 100 ગ્રામ ફાફડા સાથે 4 વાટકા જેટલી કઢી ખાઈ જતા હોય છે. ઘણાં તો ફાફડા લેવા જાય ત્યારે ચટણી માટે ડોલચું લઈને જાય. આમ ને આમ ચાલશે તો લોકો 100 ગ્રામ ફાફડા સાથે ચટણી લેવા કમંડળ લઈને જાય તોયે નવાઇ નહી લાગે!
અમારો એક મુંબઇનો મિત્ર, અમદાવાદમાં ફાફડા લેવા ગયો. દુકાનવાળાં પાસે 500 ગ્રામ ફાફડા માગ્યા. દુકાનવાળાએ કહ્યું, ફાફડા ખતમ થઈ ગયા. મિત્રએ કહ્યું, ભાઈ, સામે તો પડ્યા છે, તો કેમ ના પાડો છો?
લ્યા, ફાફડા તો છે પણ કઢી ખતમ થઈ ગઈ છે. દુકાનવાળાએ કહ્યું,
વાંધો નહિં. ખાલી ફાફડા આપી દોને.
ત્યારે દુકાનવાળાએ કહ્યું ભાઈ, તમે અમદાવાદનાં નથી લાગતા!
ઇનશોર્ટ, ફાફડા અને સાથે ફ્રીમાં મળતો સંભારો કે કઢી એ ગુજરાતીઓની કમજોરી છે (અને ઓળખ પણ !)
ભવિષ્યમાં જો કોઈ રાજકીય પક્ષ, રોજ સવારે માથા દીઠ 250 ગ્રામ જલેબી-ફાફડા આપવાનું વચન આપે તો ભલભલી સરકાર ઉથલી શકે એવો એક ફાફડા પ્રેમીઓ તરીકે અમારો નમ્ર દાવો છે એવી વાસી દશેરાની વધામણી!
એંડ-ટાઇટલ્સ:
આદમ: જલેબી-ફાફડા ખાધાં?
ઇવ: કેમ… તેં પીધાં?
આ પણ વાંચો…મિજાજ મસ્તી : સમસ્યા ઓફ સેકંડ ઓપિનિયન: એક સવાલ મૈં કરું?



