શૅરબજાર એ કંઈ કસીનો નથી…!

શૅરમાર્કેટને જુગારખાનું સમજવાની ભૂલ ન કરો. શૅરબજારમાં આગાહી કરનારા બે પ્રકારના હોય છે: એક એ કે જે જાણતા નથી અને બીજા એ કે જે એ પણ નથી જાણતા કે પોતે જાણતા નથી.!
- જયેશ ચિતલિયા
રોકાણ જગતની કેટલીક પાયાની વાત સમજયા બાદ આપણે હવે આ યાત્રામાં આગળ વધીએ. ઘણીવાર સમગ્ર ફાઈનાન્સિયલ માર્કેટમાં વ્યાપક આશાવાદ હોય છે. જો કે કયારેક વધુ પડતો આશાવાદ દુ:ખી કે નિરાશ પણ કરતો હોય છે, જો એ આશાવાદ સાથે ધીરજ અને વિવેક ભળેલા ન હોય. એટલું જ નહીં, ઉપરથી એ આશાવાદ સાથે પ્રલોભન અથવા ફટાફટ પૈસાદાર બની જવાનાં પરિબળ પ્રવેશી જાય છે. હાલ તો સેન્સેકસ એક લાખ થવાની અને નિફટી 28000 થવાની વાતો થવા લાગી છે. આવા સમય દરમિયાન જ તેજીમાં તણાઈ ન જવા સાવચેત રહેવાનું મહત્ત્વ વધી જાય છે. આ સંજોગોમાં અમે તમને ગભરાવા માગતા નથી, બલકે, માત્ર સાવચેત રહેવા કહીએ છીએ, કારણ કે આવો સમય અને આવી તક વારંવાર આવતી નથી. આવા સમયમાં કેટલાંક ઈન્વેસ્ટમેન્ટ ગુરુઓના સબક આપતા અનુભવસિદ્ધ વિધાનો કામ લાગી શકે.
કોલસો ડાયમંડ નીકળી શકે
કહેવાય છે કે માર્કેટ તો બહુ જ ઊંચું ગયું છે, હવે આ ઊંચા ભાવે ખરીદીને ફસાઈ તો નહીં જઈએ ને? એવા સવાલ અને શંકા અનેક રોકાણકારોમાં હોય શકે છે. આ વર્ગને ભારતીય ઈન્વેસ્ટમેન્ટ ગુરુ રાકેશ ઝુનઝૂનવાલાનું આ વિધાન કામ લાગશે. તેમનું કહેવું હતું કે, ‘ડાયમંડ જયારે કોલસાની અવસ્થામાં હોય ત્યારે ઓળખી લો…’ શૅરબજારમાં સંપતિ સર્જન માટે આટલી સૂઝ કેળવવી મહત્ત્વની છે. અર્થાત્, હાલ પણ ઘણાં શૅર એવા છે જેને કરન્ટ મળ્યો નથી, અથવા ઓછો મળ્યો હશે. આવા રોકાણકારોએ પોતે અભ્યાસ કરી અથવા યોગ્ય નિષ્ણાતની સલાહ લઈ આવા વૃદ્ધિ ન પામેલા સારી કંપનીઓના શૅર પર નજર કરવી જોઈએ.
યાદ રહે, ઝટપટ કમાણી કરી લેવાનો ઈરાદો ધરાવતા લોકો માટે આવી સારી કંપનીઓ પણ જોખમી સાબિત થઈ શકે છે.
સટ્ટો કયારે કરવો?
એટલે જ આ ગુરુઓ એમ પણ કહે છે કે શૅરબજારમાં ઝડપથી પૈસાદાર બનવું એટલે વધુ ઝડપથી ગરીબ બનવું. કુદરતનો નિયમ છે કે જે જેટલી ઝડપી ગતિથી ઉપર જાય છે તે એટલી જ ઝડપી ગતિથી નીચે પટકાય છે. તમે 21 મે માળે ગયા હો તો તમે 12મે માળેથી ન પડો, બલકે 21મે માળેથી જ પડો. બજાર વધવાનો આશાવાદ વધતો જાય ત્યારે સટ્ટાની મનોવૃત્તિ પણ વધતી જાય છે. સટ્ટો બજારનું અવિભાજય અંગ છે. સટ્ટા વગર બજાર સંભવ નથી, પણ સટ્ટો એ એક એવો પ્રયાસ છે, જે કદાચ તમારી નાની મૂડીને અઢળક સંપતિમાં રૂપાંતર કરવામાં સફળ થાય અથવા નિષ્ફળ પણ જાય, જયારે ઈન્વેસ્ટમેન્ટ એ એવો પ્રયાસ છે, જે તમારી સંપત્તિને કમસે કમ નાની મૂડી બની જતી રોકવામાં સફળ રહે છે. એટલે જ અનુભવીઓ કહે છે, જીવનમાં માણસે બે સમયે સટ્ટો કરવો જોઈએ નહીં, એક જયારે તેને સટ્ટો પોષાતો ન હોય અને બીજો, જયારે તેને સટ્ટો પોષાતો હોય. તેથી જ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ સર જોહન ટેમ્પલટન ભારપૂર્વક કહે, ઈન્વેસ્ટમેન્ટ કરો- સતત ટ્રેડિંગ કે સટ્ટો ન કરો.
શૅરબજાર એ કસીનો-જુગારખાનુ નથી, પરંતુ જો તમે દરેક વખતે બજારની વધઘટ સાથે લે-વેચ કરતા રહેશો તો બજાર તમારી માટે કસીનો બની જશે અને મોટાભાગના જુગારીઓની જેમ તમે વારંવાર કે અંતમાં નાણાં ગુમાવતા રહેશો.
બજારની આગાહી થઈ શકે?
શૅરબજાર માટે આગાહી કરનારા વિશે અનુભવીઓ કહે છે કે,શૅરબજારમાં આગાહી કરનારા બે પ્રકારના હોય છે, એક એ જે કશું જાણતા નથી અને બીજા એ, જે એ નથી જાણતા કે પોતે જાણતા નથી….! આ જ કારણસર સર જોહન ટેમ્પલટન ફરી કહે છે કે, હું કયારેય કોઈને પૂછતો નથી કે બજાર આગામી સમયમાં વધશે કે ઘટશે, કેમ કે મને એટલી તો ખબર છે કે આ કહી શકે એવું કોઈ જ નથી.
આવા જ વૈશ્વિક ગુરુ બહુ સચોટ રીતે કહેતા હોય છે કે બજારના નિષ્ણાતો સહિત લોકો જયારે ખૂબ નિરાશાવાદી બની જાય ત્યારે લોકોએ ખરીદવાનું શરૂ કરવું જોઈએ અને તેઓ જયારે વધુ પડતા આશાવાદી બની જાય ત્યારે વેચવું જોઈએ. આમ તો આ વાત અત્યારે જ લાગુ પડી શકે છે, પરંતુ લાંબા ગાળા માટે ખરીદનારે આવા વિચાર કરવાની જરૂર નથી. અલબત, વિવેક અને સંયમ સાથે કયાંક -કયાંક પ્રોફિટ બુક કરી લેવામાં સાર હોય છે અને આવા સમયમાં મોટા કડાકામાં ખરીદવાની હિંમત પણ કરવી જોઈએ.
-અને હા, માર્કેટ માટે પણ આ યાદ રાખો કે
ધીરજનાં ફળ મીઠાં ને ઉતાવળનાં કડવા.
આપણ વાંચો: મોર્નિંગ મ્યૂસિંગ : નવી પેઢીની નવી ખામોશી: જેન-ઝી કેમ નથી ઉઠાવતી વિદ્રોહની મશાલ



