મિજાજ મસ્તી : ‘આળસ’ છે તો ‘માણસ’ છે…. જીવનનું સુંવાળું સૂત્ર

-સંજય છેલ
ટાઇટલ્સ:
જીવન એટલે સખત મહેનત કે સતત આરામ? (છેલવાણી)
એક સંશોધન પ્રમાણે- ‘આળસુ લોકો ઓર્ડીનરી ઈન્સાન નથી હોતા, બલ્કિ મહેનતકશ મૂર્ખાઓ કરતાં વધુ ચાલાક દિમાગના હોય છે.’ અમારો એક મિત્ર એના ડ્રાઈવરને હંમેશા કહેતો, ‘કારને સ્પીડ-બ્રેકર પર ઉછાળીને ચલાવ, જેથી કરીને હાથમાં પકડેલી સિગરેટને ઝટકો લાગે ને એની રાખ આપોઆપ પડી જાય!’
જોયું? એક આળસુ કેટલો ક્રિએટીવ હોય છે!
જો તમને આખો દિવસ કંઈ જ કરવાનું નથી ગમતું ને બસ, સોફા પર પડી રહેવાનું ગમે છે તો નો પ્રોબ્લેમ!
હમણાં ‘યુનિવર્સિટી ઓફ કેન્સાસ’ના સંશોધકોના એક અભ્યાસ મુજબ, ‘જો આપણે મનુષ્યો આપણી ઊર્જાનો વધારે પડતો ઉપયોગ કરીશું તો આપણી માનવી પ્રજાતિઓની લુપ્ત થવાની શક્યતાઓ વધી જશે!’
ટૂંક્માં, આળસ જ માણસને ધરતી પર ટકી રહેવામાં કે વિકાસમાં મદદ કરી શકે એમ છે.
સંશોધકોએ આશરે 50 લાખ વર્ષના સમયગાળાની 299 પ્રજાતિઓમાંનાં ફેરફારોનું વિશ્લેષણ કર્યું ત્યારે જાણવા મળ્યું કે- ‘જીવનમાં વધારે પડતું કામ કરવાથી પ્રજાતિઓમાં લુપ્ત થવાની સંભાવના વધી જાય છે….ગત 5 લાખ વર્ષમાં, મહેનતુ મોલસ્ક પ્રજાતિઓ લુપ્ત થઇ ગઇ હતી, જે કયારેક વધુ ઉત્ક્રાંતિનો દર ધરાવતી હતી!’ એમાંથી જે થોડા બચી ગયા એ બધા આળસુ હતા ને એમનો ઉત્ક્રાંતિનો દર ઓછો હતો. એટલે મહેનત કરતાં લોકો કરતાં, જે વધારે આળસુ હોય છે એવી પ્રજાઓ ધરતી પરથી ઝટ લુપ્ત થતી નથી… તો વૈજ્ઞાનિકોએ કીધું છે તો પછી જલસા જ કરોને?
આ પણ વાંચો: મિજાજ મસ્તી : 40 લાખ ડેડબોડી – 1 ડાયરી: ઘૃણાની ઘડિયાળના ઘૂમતા કાંટા
અમારા મિત્રએ રોકાણ કરવા મોટી જમીન ખરીદી તો અમે જગ્યા જોઈને કહ્યું: ‘અહીં મોટો બંગલો બનાવને?’ તો એણે કહ્યું, ‘હું જે ફ્લેટમાં રહું છું એમાં કોઈ ડોરબેલ વગાડે એટલે તો મારી બિલાડી દરવાજે પહેલાં પહોંચી જાય! હું, મારી પત્નીને મારો દીકરો એકબીજાને જોતાં બેસી રહીએ કે-‘બારણું ખોલવા જશે કોણ?’ હવે જે ઘરમાં એક બારણું ખોલવા કોઇનાથી ઊભા નથી થવાતું એવા અમે મોટામસ બંગલામાં કરશું શું?’
ઇન્ટરવલ:
આંખો હી આંખો મેં ઈશારા હો ગયા,
બૈઠે બૈઠે જીને કા સહારા હો ગયા.
(જાંનિસાર અખ્તર)
એક વાર સ્કૂલમાં ટીચરે વિદ્યાર્થીઓને ‘આળસનાં પરિણામો’ પર નિબંધ લખવા આપ્યો. ભોળાં ટીચરને એમ કે બાળકો ગુજરાતી ભાષાની અમર રચનાઓ લખી નાખશે. બીજા દિવસે એક છોકરાના હાથમાં ચાર પાનાંનો નિબંધ જોઈ ટીચર તો ખુશ! પણ જ્યારે શિક્ષકે નિબંધ સાંભળ્યો ત્યારે છોકરા પાસે અંગૂઠા પકડાવ્યા, કારણ કે ‘આળસનાં પરિણામો’ નિબંધમાં, છોકરાએ ચારેચાર પાનાં કોરા મૂકેલાને અંતમાં લખેલુ :
‘આવા વાહિયાત વિષય પર લખવામાં આળસ આવે છે!’
આ પણ વાંચો: મિજાજ મસ્તી -: પ્રેમ ને પ્રેત: વાસી વેલન્ટાઇન્સ-ડેનું વહાલ
એકચ્યુઅલી, આળસુઓને વગોવીને નગુણી દુનિયા એમને અન્યાય કરે છે. હકીકતમાં આળસુઓ જ મૌલિક વિચારવંત હોય છે. નોકરીએ ના જવું હોય કે હોમવર્ક ના કરવું હોય તો તરત બહાનાં કાઢી શકે કે ‘મારા કાકા ગુજરી ગયા છે!’ વગેરે..અર્થાત્ ‘મરવાનું તો સૌએ છે જ તો પછી મારો કાકો જ પહેલાં કેમ ન મરે?’- એવું માત્ર આધ્યાત્મિક આળસુ આત્માઓ જ વિચારી કે સ્વીકારી શકે!
આમ તો જો માણસ, પલંગ પર સૂતા સૂતા આખું બ્રહ્માંડ અનુભવી શકે એ જ સાચો ફિલોસોફર છે, કારણ કે આપણે હૉસ્પિટલની પથારીમાં સૂતા-સૂતા જનમીએ છીએ અને મર્યા પછી પણ ઠાઠડીમાં સૂતા-સૂતા જ પાછા જવાની આપણી નિયતિ હોય તો વચ્ચે ખોટી મહેનત શા માટે કરવી? ભગવાન પણ આપણને માનાં ગર્ભમાં ટૂંટિયુંવાળીને સૂવડાવીને જ મોકલે છે ને? તો સર્જનહારને પડકારનાર આપણે કોણ? આળસ કે પ્રમાદ એ જ માણસની સાચી પ્રકૃતિ છે, બાકી બધી વિકૃતિ- કારણ કે જે મજા આળસની અંગડાઈમાં છે, એવી બીજા કોઈ નૃત્યની મુદ્રામાં નથી.
રહસ્ય-લેખિકા અગાથા ક્રિસ્ટીએ કહેલું: ‘વિજ્ઞાનનાં જેટલાં આવિષ્કારો થયાં છે એ બધાં માણસને આરામ આપવા માટે થયાં છે.’ આ વિચારને પડકારવાનુ અમને આળસ આવે છે, પણ જરા વિચારો, ચાલવાની આળસને કારણે માણસે પૈડાંની શોધ કરી, મનોરંજન માટે બહાર નહીં જવું પડે એટલે ટી.વી.ની શોધ કરી, મેસેજની આપ-લેમાં વાર નહીં લાગે એટલે ઈન્ટરનેટની શોધ કરી અને રહી રહીને ગૃહિણીઓએ ખાવાનું ન બનાવવું પડે એટલે ખાવાનું મંગાવાની ‘ફૂડ-એપ’ની શોધ કરી.
આ પણ વાંચો: મિજાજ મસ્તી : બાવન કરોડનો કોયડો: કલાના કદરદાન કેવા કેવા?!
આ સ્ટુપિડ સંસારમાં આળસ ક્યાં નથી? આજકાલ મોબાઈલમાં મેસેજ લખવામાં ‘જય શ્રી કૃષ્ણ’-ને બદલે ‘જે.એસ.કે’ અને ‘ગુડ મોર્નિંગ’ ને બદલે ‘જી.એમ.‘ લખવામાં એક વિચિત્ર ‘આળસાત્મક’ મજા લે છે. ઠીક છે હવે, તબિયતમાં ફિટ રહેવા માટે આળસથી બચવું ને કસરત કરવી, વગેરે સારા ઉપાયો હશે. પણ આળસ અને સુસ્તી એ અમારી ‘માણસજાતની ઉત્ક્રાંતિની કે એને ટકાવી રાખવાની’ લાંબા ગાળાની વ્યૂહ-રચના છે! (મળો યા લખો: કેન્સાસ યુનિવર્સિટી.) એટલે કે અમે માત્ર અમારા માટે જ નહીં, પણ આવનારી દુનિયાના ભાવિ માટે આળસુ રહેવા માંગીએ છીએ, ઓકે?
જે લોકો દુશ્મની નથી કરી શકતા એ સામેનાની ઇર્ષ્યા કરે છે તો આ જલન પણ દુશ્મની ન કરનારની આળસ જ છેને? ટીકા, વળી શું છે? પોતે કાંઈ ન કરી શકતા માણસની આળસ એટલે ટીકા કે કે નિંદા. અરે, યુગોથી ઈશ્વર જેવાં ઈશ્વરને ય ગરીબોની, પીડિતોની શોષિતોની મદદ કરવામાં આળસ આવે છે તો અમે કેમ આળસુ ન બનીએ? એકચ્યુઅલી, સમગ્ર સૃષ્ટિ જ આળસ કરવા માટે સર્જાઈ છે….તો ‘આરામ જ સત્ય છે બાકી બધું તો’જવા દો, આગળ લખવાની ય આળસ આવે છે!
એંડ-ટાઇટલ્સ:
ઈવ: હાઇટ કેટલી છે?
આદમ: માપવા ઊભું જ કોણ થયું છે?