ટૅક વ્યૂહ : રસ્તા તૂટવાના તો દૂર… એના પર તિરાડ સુધ્ધાં નથી પડતી! | મુંબઈ સમાચાર
ઉત્સવ

ટૅક વ્યૂહ : રસ્તા તૂટવાના તો દૂર… એના પર તિરાડ સુધ્ધાં નથી પડતી!

-વિરલ રાઠોડ

વડોદરા નજીકનો જર્જરિત ગંભીરા બ્રિજ તૂટી પડતા છ-છ દિવસ સુધી એમાં સપડાયેલાનું રેસક્યૂ ઑપરેશન ચાલ્યું..,. દર ચોમાસે આપણા રસ્તાઓ મંગળગ્રહની સપાટી જેવા બની જાય છે. નેશનલ હાઈવે હોય કે સ્ટેટ, ગ્રામ્ય વિસ્તારનો રોડ હોય કે સ્માર્ટસિટીના રસ્તા. માર્ગની ખરી કસોટી ચોમાસામાં થાય છે. પ્રોજેક્ટ વખતે કેવી અને કેટલી સામગ્રી કેમ વાપરી છે એનો રિપોર્ટ વરસાદ આપે છે.

બ્રિજનિર્માણ વખતે ડાઈવર્ટ કરેલા રસ્તાઓની હાલત પણ મગરની પીઠ જેવી હોય છે, કારણ કે એ ડાયવર્ઝન કાયમી નથી હોતું. હંગામી ધોરણે બનાવેલું હોય છે. બ્રિજ પરથી પસાર થતા પણ ચોક્કસ મીટરના અંતરે ધ્રુજી જતું વાહન એ અનુભૂતિ કરાવે છે કે, ગાડી બ્રિજ પરથી પસાર થઈ રહી છે. ઘણીવાર ખાડાના કારણે જીવલેણ અકસ્માત થાય છે. દુનિયાના સૌથી વિશાળ અને શ્રેષ્ઠ રોડ નેટવર્કને લઈ દાવા અનેક થાય પણ હકીકત ચોમાસમાં જ ઉઘાડી પડે છે.

વિકસિત રાષ્ટ્રનું આધળું અનુકરણ કરવા કરતા ત્યાંની ટેકનોલોજી અને એમાં પણ પાયાની સવલત માટે વપરાતી ટેક્નિકને ખરા અર્થમાં સ્વીકારવા જેવી છે. રોડ નેટવર્ક મુદ્દે જર્મની અને જાપાનને કોઈ દેશ પછાડી શકે એમ નથી. જાપાન તો ભૂકંપથી ટેવાઈ ગયેલો દેશ છે, છતાં કોઈ ઈમારત જમીનદોસ્ત થઈ હોય કે ભૂકંપથી રોડ બેસી ગયો હોય એવું છેલ્લાં એક દાયકામાં નથી બન્યું.

રસ્તાઓ એક માધ્યમ છે, જે બે સેન્ટરને જોડે છે. એના પરથી દરરોજ લાખોની સંખ્યામાં વાહનો પસાર થતાં હોય છે. ગત વર્ષે જર્મનીએ માર્ગ નિર્માણને લઈને દુનિયાને ચોંકાવી દીધી. માત્ર 100 જ દિવસમાં 90 કિલોમીટરનો રસ્તો બનાવી દીધો. એ પણ બ્રિજથી લઈને સ્લોપ (ઢાળ) સુધી. રસ્તા તો દરેક દેશમાં બનતા હોય છે. આ રસ્તા બનાવવાની ટેક્નિકમાં જુદાપણું હોય છે.
રસ્તા તૈયાર કરવામાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીમાં જર્મની અને જાપાનને ખરા અર્થમાં અનુસરવા જેવા છે. ઓછી રકમ અને વધુ ફાયદો. જાપાન દેશ ટેકનોલોજીના મામલે ડંકો વગાડી રહ્યો છે. જાપાનના કોઈ પણ શહેરમાં રસ્તાનું નેટવર્ક કોઈ એક પેટર્ન પર આધારિત નથી,પરંતુ જે શૈલીથી રસ્તા બને છે એ જોરદાર છે.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ: મોજ-મસ્તીની સાથે જ્ઞાનનો પટારો ખોલતી વેબસાઈટ્સ

અહીં સૌથી વધુ ટ્રાફિકથી વ્યસ્ત રહેતા રૂટ પરના રસ્તા સૌથી મજબૂત છે. મોડલ સેમ્પલ ટેકનોલોજીથી જાપાનમાં રસ્તા બને છે, જેમાં ટીમ જમીનનો ટુકડો લઈ એના પર રસ્તા બન્યા બાદ શું થશે એનું પરીક્ષણ કરે છે. આને ‘મોડલ સેમ્પલ ઈફેક્ટ’ કહે છે. જ્યાં સરળતાથી જમીન ખસી જાય છે અને રસ્તાનો ભાર જમીન ઉઠાવી ન શકે ત્યાં અન્ય ટેકનોલોજીથી કામ લેવાય છે. હવે જમીન સક્ષમ હોય અને રસ્તો બન્યા બાદ જમીનને કોઈ નુકસાન ન થતું હોય ત્યાં પ્રોજેક્ટ લેયર ટેકનોલોજીથી આકાર લે છે.

કાયનેટિક એનર્જીનો આખો અભિગમ સૌથી પહેલા જાપાને જ ટેસ્ટ કર્યો, જેમાં માત્ર ચાલવાથી કે કૂદકા મારવાથી ઊર્જા પેદા થાય છે. એને ડાઈવર્ટ કરી જે તે વિસ્તાર સુધી પહોંચાડી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરી શકાય છે. કાયનેટિક એનર્જીથ આવી સ્ટ્રીટ લાઈટ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી રોશની આપે છે. વધુમાં તો આખી રાત ટૂંકી પડે.

જાપાનના શહેરની માર્કેટમાં ત્રિકોણ આકારની ટાઈલ્સને ચોરસ કે ડાયમંડ આકાર બને એ રીતે વ્યવસ્થિત ગોઠવી, નીચે સ્પ્રિંગ પ્રેશર જનરેટર મૂકી ઊર્જા પેદા કરવામાં આવે છે. જેમ-જેમ લોકો આ ટાઈલ્સ પરથી પસાર થાય છે એમ આ ટાઈલ્સ થોડી-થોડી નીચેની બાજું પ્રેસ થાય છે પછી ફરી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. ચાલતી વખતે ફીલ પણ ન થાય કે ટાઈલ્સ પ્રેસ થઈ છે.

વરસાદમાં પણ પાણીથી અંદરના વાયર કે ઊર્જાના રૂટને મુશ્કેલી ન પડે એ માટે વેસ્ટ પ્લાસ્ટિકનું કોટિંગ કરવામાં આવે છે. દરેક ટાઈલ્સની વચ્ચે ચોક્કસ જગ્યા છોડવામાં આવે છે. જેથી વરસાદનું પાણી સીધું જ જમીનમાં ઊતરે. આ રસ્તાના વાયર કે ઉપકરણને ભલે ભીના કરે પણ કામ કરતા બંધ ન કરે. ફાયદો એ થાય છે કે, આવી ટાઈલ્સ ઝડપથી તૂટતી નથી એટલે રસ્તા તૂટતા નથી. આ સમગ્ર ટેકનોલોજીને ‘પીઝો ઈલેક્ટ્રો વે’ કહેવાય છે. આ જ રીતે, માન્યામાં ન આવતી વાતને શક્ય કરી બતાવી છે

જર્મનીએ. જ્યાં વિશાળ જગ્યા પર બ્રિજના પિલ્લર, ઢાળ અને ડાઈવર્ઝનના વાસ્તવિક મોડલ તૈયાર કરીને ડાયરેક્ટ ઈન્સ્ટોલ કરી દેવાય છે. ન ટ્રાફિક ડાઈવર્ટ કરવાની સમસ્યા ન રોડ ખોદવાની. તો પછી જૂના રોડનું શું? બસ, એ જ એના પર આખું લેયર જ નવું કરી ઈન્સ્ટોલ કરી દેવામાં આવે છે. આ છે લેટેસ્ટ જર્મન ટેકનોલોજી!

આઉટ ઓફ ધ બોક્સ
જાપાનના દરેક શહેરમાં હોલવાળા રસ્તા છે. આ એવા ડ્રિલ કરેલા હોલ છે, જેમાંથી પાણી સરળતાથી સરકી જાય છે. જે સીધું જ જમીનમાં ઊતરે છે એટલે વરસાદ ગમે એટલો આવે પાણી ભરાતું જ નથી.

આ પણ વાંચો…ટૅક વ્યૂહ : પ્રીમિયમ એકાઉન્ટ: ચાર્જિસ ભલે ચૂકવો, પણ ચીટિંગથી સાવધાન!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button