સર્જકના સથવારે : આધુનિક ગઝલના ભેખધારી ડૉ. લલિત ત્રિવેદી

રમેશ પુરોહિત
વીસમી સદીના અંતિમ તબક્કામાં ગુજરાતી ગઝલ ક્ષેત્રે જે નવીન પ્રવાહો વહેતા થયા તેમાં આગલી હરોળમાં મુખ્ય નામ છે ડૉ. લલિત ત્રિવેદી. ગઝલના આંતર-બાહ્ય બંધારણમાં નવાનવા ફેરફારો કરવાની જેને મૂળભૂત આવડત છે એવા ગઝલકાર લલિતભાઈ ગઝલના છંદ-શબ્દો, ધ્વનિ-અર્થ-લય, તસ્સ્વુર, તસ્વવુક્રને એવી કલાએ લઈ જાય છે જ્યાં કવિકર્મ સિદ્ધ થાય છે.
ગઝલકાર મનોજ ખંડેરિયાએ પાનબાઈ રદીફ પર લખેલી ગઝલમાં કહ્યું છે કે ‘આપણા વંશ-વડલે હર ડાળે, નરસિંહ-મીરા-કબીર છે પાનબાઈ.’ લલિતભાઈની ગઝલમાં ગોખ છે, ખુદા છે, ધખાવેલી ધૂણી છે અને ગિરનારી રંગની જાંય છે. એમની રચનાઓમાં આ બધું અનાયાસ આવે છે, પ્રયત્નો નથી પણ પ્રયોગ જરૂર છે. આમદ અને આયાસ વચ્ચે રહેલો ભેદ અહીં વાંચી શકાય છે, પામી શકાય છે. ફરીથી મનોજને યાદ કરીએ. મનોજે કહ્યું છે કે: અમારે મન શબ્દો કંકુને ચોખા. લલિતભાઈ આવા જ ભાવને ઘૂંટતા કબીરની સૂતર દડીઓ સુધી દોરને લંબાવે છે.
લાલ અક્ષરે ગઝલ લખી છે, કંકુ ચોખા ચોડ્યાં છે
શ્રીકાગળને પૂજવા સુતર દડીઓ લેતો આવ્યો છું.
અને એમાંય મક્તાના શેરમાં કવિ કમાલ કરે છે. શબરીને શબરીબાઈ અને બોરને બદલે બોરનો ઠળિયો લાવવાની વાત જુદી છે. નોખી-અનોખી છે. જુઓ આ ‘મક્તા’:-
એમ કહીને દાસ લલિત બોલ્યા તે સંતો! સાંભળજો શબરીબાઈની વાડીમાંથી ઠળિયો લેતો આવ્યો છું
શબરીની બોરડીને જીવતી રાખવી હોય તો બોરની નહીં પણ ઠળિયાની જરૂરત છે.
આ પણ વાંચો…સર્જકના સથવારે : ફૂલના રંગોમાં ગુલશનની કહાની કહેતા શાયર નૂર પોરબંદરી
થોડીક વાતો અનુગામી પેઢીની જાણકારી માટે નોંધવી જરૂરી છે. ડૉ. લલિતભાઈ વ્યવસાયે તબીબ છે, એ એમ.બી.બી.એસ. છે. રાજકોટમાં પ્રેક્ટીસ કરે છે અને ગુર્જર ગિરાની લેબોરેટરીમાં ફુલટાઈમ સંશોધક છે. 1973-74માં રાજકોટમાં ખાનગી તબીબી પ્રેક્ટીસ શરૂ કરી અને લાંબો સમય ગઝલ ન થઈ પરંતુ 1990માં પ્રથમ ગઝલ સંગ્રહ-‘પર્યંત’ આવ્યો જેમાં શહેરના જીવનની અનુભૂતિઓ આવી. કવિને પોતાનું આશ્ર્ચર્ય થાય છે કે બીજ ક્યાં રોપાયા હશે? શરૂઆત ક્યાં થઈ હશે? પોતે જ પોતાને પ્રશ્નો પૂછે છે:
- કવિતાનું રસપાન કરાવતી મારી સ્કૂલ વિદ્યાવિહારમાં? ત્યાંના શિક્ષકો દ્વારા નોટિસ બોર્ડ પર મુકાતી કૃતિઓ માટેની શાબાશીમાં?
- કે મોસાળ પક્ષે મહાન ગઝલના મનુભાઈ ત્રિવેદી, સરોદ ઉર્ફે ગાફિલ સાથેના જીનેટિક અનુસંધાનમાં?
કવિ પોતાની કેફિયતમાં કહે છે કે બાળપણના સંસ્કારો અને નાનપણાના સંભારણાઓએ પણ ઊંડી છાપ છોડી છે. ‘સાંભરે છે ઘર સામેનું પંચનાથ મંદિર-આરતી ટાણે નગારું વગાડવા જતો. મંદિરમાં રોજ કથા ચાલે, પુનિત મહારાજ પણ આવે. નિયમિત જાઉં, મંજીરા વગાડું- બહુ ગમતું.’
પોતાની સર્જન યાત્રાનાં સંસ્મરણો વાગોળતા કવિ કહે છે કે ‘હું સતત પ્રયોગશીલ રહેવા મથ્યો છું. પરંપરાની પાર્શ્ર્વભૂમાં મારું પોતાનું કશુંક શોધવું છું. ‘પર્યત’ સંગ્રહ પછી સતત લાગવા માંડ્યું કે મારે મંજીરાં ગોતવા છે. મારી સંવેદનાને અનુરૂપ રદીફ-કાફિયા, છંદ, ભાષા, ઘાટ, અંદાઝેબયાં ગોતવાં છે. એમાં ક્યારેક પદ-ગઝલો-દોહા-ગઝલો, ફિલ્મી પંક્તિઓ પરથી, ગઝલો, કહેવતો-લોક-કથનો લોકગીતની પંક્તિ પરથી, અવળ ગઝલ, ગંગા સતી, ભોજા ભગત, દાસી જીવણ, મહમ્મદ શા વગેરેની પંક્તિ પરથી મારી અનુભૂતિ મુજબ પદ-ગઝલો થઈ. એમ ઘણી ગઝલો રચાઈ. મારાં જ પોતીકાં સંવેદનોને અનુરૂપ… સાવ ભિન્ન રદીફો, અનુરૂપ કાફિયા. ગઝલના જ અંતરંગમાં, કળા-સન્મુખ એવું પરિવર્તન મારી જરૂરત રહી.’
ગઝલમાં તર્જે-બયાન એટલે કથન શૈલીની વિલક્ષણતા, ઉપમા તથા રૂપકની સ્વાભાવિકતા, નવી ભાષા શૈલીની પ્રવાહિતા અને કલામમાં જોર અને તાકાત હોય તો ગઝલના બાહ્ય અને અંતરંગ બંને ખીલી ઊઠે છે. લલિતભાઈની ગઝલમાં આ બધું નોખી અને અનોખી રીતે આવે છે અને ગુજરાતી ગઝલમાં એક નવી કેડી કંડારે છે. થોડાક આવા શેર જોઈએ તેથી ખ્યાલ આવે કે સો-સવાસો વર્ષથી સાકી, સનમ, સુરા, ઇશ્ક, આશિક, માશૂક, પ્રિયા, પ્રિયતમ ગોકુળ, મોરપિંછ, રાધા અને કાનમાંથી છૂટી પડીને નવોન્મેષ દાખવતી નવી ગઝલની પરિભાષા શું હોઈ શકે, શૈલી અને ભાવ કેવા હોઈ શકે તેનો ખ્યાલ આવી શકે.
પલળી ગયો આ માવઠામાં કાચ બારીનો
તારા સ્મરણનો આંખને પડદો મળી ગયો!
હું સપાટીનો માણસ છું, ક્યાં જઈ શકું?
ક્યાંક ઊંચાઈ છે, ક્યાંક ગહરાઈ છે
વરસાદ પડે ને ઘાસ સમું પણ ના ઊગે
કોઈ સડકના ડામર જેવો માણસ છે આ
આથમ્યા માર્ગની ય પેલી પાર
દૂર નજરું તકાયા જેવી સાંજ
એક દિ ભીડી હતી જે લઈ એ જ હથેળીઓ
હાલો કે છેલવેલા હંભારી લઈએ દનડાં!
કથા લંબાય છે પાણીથી પાણિયારા સુધી
તરત જુદી જ છે, પાણી તો માત્ર આશય છે!
કંડારવા જતાં તું નિરાકાર રહી ગયો
ઈશ્ર્વર! તું કેવો મારી નજર બહાર રહી ગયો.
ગઝલ સર્જનની પ્રક્રિયામાંથી પસાર થતાં થતાં કવિ ગઝલને ક્યારેક વ્યાખ્યા આપે છે, ક્યારે રૂપકથી મઢે છે તો ક્યારેક ઉપમાથી શણગારે છે. થોડાંક ઉદાહરણો જોઈએ:
શબ્દઘાટીમાં જ ગઝલટંકાર કરી લઉં…
લલિતા સુરનું હનન કરી લઉં પરથમ પહેલાં!
લલિત આપનાં મંજીરાં
મિસરે સાની મિસરે ઉલા!
નહિતર તો આ પેશાનીમાં છે મબલક વિરાની
તો કઈ એ ખુશનુમા નરગીશ ગઝલ લખવા કહે છે
સગડ એના રદીફો કાફિયામાંથી મળે પણ
લલિતનુમા ગુપત તફનીશ ગઝલ લખવા કહે છે
કવિમિત્રો! દુઆ કરજો… હુનર લૈને પ્રવેશું છું ગઝલમાં
હું રણઝણતી કલમનો સ્વર મુખર લૈને પ્રવેશું છું ગઝલમાં
લલિત ત્રિવેદી વ્યવસાયે ડોક્ટર છે એટલે એમને જુદા જુદા કમ્પાઉન્ડ બનાવવાની ફાવટ છે અને એ ફાવટનો ઉપયોગ એ નવા નવા શબ્દો, શબ્દગુચ્છો અને પદાવલિઓ બનાવવામાં કરે છે. કાઠિયાવાડી માહોલ સાથે તળપદા શબ્દોનું સાયુજ્ય સાધીને એક નવો જ શબ્દ પણ બનાવે છે જેમ કે એ ‘સાટાખત’, સિંજારવ, ગિનાત, ગઝલાવૃત્તિ, અખ્શર, ખૂણલિયે, છાતીહીણાનું, નજરિયા, ઓઘડ, કરગઠિયું, અવાવર, જીવમિયા જેવા શબ્દો તેઓના સંદર્ભ સાથે પ્રયોજયા છે એટલે ભાવ સચવાઈ રહે છે.
એમની તાજેતરની ગઝલોમાં એક અદમ્ય ઝુરાપો જોવા મળે છે. એ પોતાની રટણામાં રમમાણ થાય છે ત્યારે ગઝલના-ફકીરીના-ભગવા રંગના, ઈશ્કે-રકીકીના આગોશમાં ઝાઝું સંતાડીને જરાક જેટલું બતાવી જાય છે.
લલિતભાઈનું દર્શન-ચિંતન, અધ્યાત્મ ગઝલની રિદ્ધિ સિદ્ધિને ઉજાગર કરે છે. ‘ગઝલ કહેવાનું બ્હાનું’ વાળી શીર્ષક ધરાવતી ગઝલમાં આ આંતરિક પ્રક્રિયાના જુદા જુદા પરિમાણોનો સાક્ષાત્કાર કરાવે છે. જોઈએ આ ગઝલના થોડાક શેર:
સબ દ! તારું અખેપાતર ગઝલ કહેવાનું બ્હાનું છે
ઘડ્યા ઘટઘટ તેં જન્માક્ષર ગઝલ કહેવાનું બ્હાનું છે.
કલમથી કંપનો કમ કરવાની એક નમણી તરકીબ લૈ
કવિ! બેઠો છું રણઝણ પર, ગઝલ કહેવાનું બ્હાનું છે.
ધીમેરું ઝગતી. એક કંદીલ… મહકતી સાંજની ઝિલમિલ…
ને તનહાઈનું એક ઝુમ્મર ગઝલ કહેવાનું બ્હાનું છે.
ગઝલ કહેવાનું બ્હાનું તો તને મળવાનું વાનું છે
અલગ બે તારામારા ઘર ગઝલ કહેવાનું બ્હાનું છે.
લલિત ત્રિવેદી 40 વર્ષથી સતત ગઝલ લખે છે. એમના પાંચ ગઝલ સંગ્રહો પ્રકાશિત થયા છે. 1990માં – પર્યંત, 2008માં અંદર બહાર બેકાકાર, 2013માં- બીજી બાજુ હજી મેં જોઈ નથી, 2018માં- બેઠો છું તણખલા પર અને 2024માં-અવળી ગંગા તરી જવી છે. એમને અનેક પારિતોષિક અને એવોર્ડ પ્રાપ્ત થયા છે. લલિત ત્રિવેદી પોતાની જાતને ધક્કો મારીને આગળ લઈ જવામાં નથી માનતા એટલે એમની પ્રસિદ્ધિ ઢોલનગારા વગાડનારાઓ જેટલી નથી પણ એમનું પ્રદાન શાશ્ર્વત છે અને એ જ કવિની યશરૂપી કાયા છે.
અગ્રગણ્ય શાયર એસ. એસ. વારીએ નોંધ્યું છે રજૂઆતની નૂતનતા, ભાવ અને ભાષાની હિમાયત કરતી સાદગી, પ્રત્યાયન ક્ષમતા અને વેધકતા, ગૂઢવાદ અને રહસ્યવાદનો સ્પર્શ, નિસર્ગની સાથે નગરજીવનની વિષમતાનું આલેખન, છંદોની સફાઈ, સામે પક્ષે ગઝલના વજનમાં ઇરાદાપૂર્વકની તોડફોડ વગેરે લલિતભાઈની ગઝલોને બેશક ઊંચાઈ બક્ષે છે. તેમના થોડાક શેરથી સમાપન કરીએ.
આંખનો મતલબ કર્યો ખોટો તમે
એટલે ઈશ્ર્વર નથી જોયો તમે
ક્યાં કહું છું તને કે મને પાર કર
મારી એકાદી ક્ષણને તદાકાર કર
ભલેને આઘેથી લાગે છે આભલા સાથે
નજીક જઈને જુઓ તો છે મહ્યલાં સાથે
મોક્ષમય ઇચ્છા હતી કે કાવ્ય ઝળહળતું લખું
ક્ધિતુ રસબસ ટેરવે કાગળનો પડછાયો પડ્યો!
સિફ્તપૂર્વક, લલિત! તું નામ જોગ વસિયત લખાવી લે
ફકીર પાસેથી એના માલ ને મિલકત લખાવી લે.
આ પણ વાંચો…સર્જકના સથવારે : કવિ એસ. એસ. રાહી: છ દાયકાની ગઝલ સાધના