વિતી રહેલી પેઢી એ જવાબદારી ચૂકી ગઈ છે…

- કાજલ ઓઝા વૈદ્ય
‘78 એટલે કેટલા?’ ચૌદ-પંદર વર્ષનો છોકરો પૂછે છે.
‘એને ગુજરાતીમાં ખબર નથી પડતી!’
એની ચાલીસ-પિસ્તાલીસની મમ્મી કહે છે! એક તરફથી હસવું આવે છે ને બીજી તરફથી પીડા પણ થાય છે…
અમેરિકા, યુરોપના દેશો અને ગલ્ફ-મિડલ ઈસ્ટમાં વસતા ગુજરાતીઓને અવાર-નવાર મળવાનું થાય છે. એમનાં બાળકો ગુજરાતી નથી બોલતાં, ગુજરાતી નથી ખાતાં એ વિશે લગભગ દરેક ગુજરાતી ચિંતા વ્યક્ત કરે છે. ‘ગુજરાતીનું શું થશે?’ એ લોકો પૂછે છે ત્યારે સમજાતું નથી કે ગુજરાતીનું શું થવું જોઈએ? ભાષા જીવવી જોઈએ? જીવવી જોઈએ તો કેવી રીતે જીવવી જોઈએ?
એક બાજુ વિદ્વાનો, સાહિત્યકારો ગુજરાતી ભાષામાં અંગ્રેજી કે બીજી ભાષાના શબ્દપ્રયોગો વિશે નવી પેઢીના લેખકોને ઝાટકી કાઢે છે. જેને શિષ્ટ, પ્રશિષ્ટ કે સાહિત્ય કહેવામાં આવે છે એ અને જે લોકપ્રિય છે, વંચાય છે- વેચાય છે એમાં ફરક છે.
આ ફરક શું છે?
ભાષાના માઈલ સ્ટોનને પકડીને બેઠેલા કેટલાક જડ લોકો છે ને કેટલાક પ્રવાહી થઈને પ્રવાસ કરે છે. દેશ-વિદેશમાં ભાષા (નવા સ્વરૂપે, નવા કલેવર સાથે) પહોંચાડવાનો પ્રયાસ કરે છે. વિદેશમાં વસેલા અને જન્મેલા જૂની અને નવી પેઢીના ગુજરાતીઓ વચ્ચે એટલો બધો ફેર છે કે ‘ગુજરાતી’નું કયું સ્વરૂપ શેષ રહેશે એ વિશેની ચર્ચા કોઈ દિશામાં પહોંચે એમ નથી.
આપણે બધા જરા વિચિત્ર લોકો છીએ. ખોટું અંગ્રેજી બોલી શકીએ. એક ગુજરાતી લેખક એરપોર્ટ પર કે રેસ્ટોરાંમાં મળી જાય તો એના ‘ફેન’ છીએ એ કહેવા માટે આપણે હિન્દીમાં બોલીએ છીએ, પણ સાચું ગુજરાતી કોઈ બોલે તો એ આપણને ‘ચિબાવલા’ કે ‘વેદિયા’ લાગે છે! અંગ્રેજીના સ્પેલિંગ ખોટા હોય તો આપણને બહુ શરમ આવે-ગુજરાતીની જોડણી લખતી વખતે આપણે અનુસ્વારને મીંડુ અને દિર્ઘને પાછળથી-હૃસ્વને આગળથી… કહીએ છીએ.
પોતાના નામની જોડણી પણ ખોટી લખતા અને બોલતા ગુજરાતીઓને આપણે ઓળખીએ છીએ, પરંતુ એ વિશે આપણને તકલીફ કે અફસોસ નથી થતો. અંગ્રેજી ન આવડે તો ઘણા લોકોને લઘુતાગ્રંથિનો અનુભવ થાય છે.
આ એવી પેઢી અને ક્લાસના લોકો સાથે સંકળાયેલી વાત છે જેમને માટે અંગ્રેજી ‘ભયાનક ભાષા’ છે. એમને અંગ્રેજીનો ભય લાગે છે! દસમા ધોરણમાં અંગ્રેજી છોડી દેતા અમરેલી, ગારિયાધાર, પલસાણા, બારડોલી કે આહવાના વિદ્યાર્થીઓ સામે વિરોધ નથી-પરંતુ એમને ગુજરાતી યે નથી આવડતું એનું શું કરીશું? એ વિષે આપણે ચર્ચા કરવા તૈયાર નથી.
મેડિસિન-એન્જિનિયરિંગના એડમિશન હવે નેશનલ થઈ ગયાં છે. મલબાર હિલ, મુંબઈનો એક છોકરો અને રાજસ્થાનના નાના ગામનો એક છોકરો… એકબીજાની સાથે એક ક્લાસમાં ભણે છે. સરકારનો ‘ભાવ’ સારો છે પણ એને કારણે જે અભાવનો અનુભવ થાય છે એનાથી માણસના મનમાં લઘુતાગ્રંથિનું સિંચન અને પોષણ થાય છે.
એવી જ રીતે એન.એચ.એલ. મેડિકલ, અમદાવાદમાં ભણેલો છોકરો અને સૌરાષ્ટ્રની કોઈ નાની મેડિકલ કોલેજમાંથી પાસ થયેલા ડોક્ટરની માનસિકતા અને મેડિકલ એથિક્સમાં જે તફાવત આવે એનું શું કરીશું? દરેક સ્કૂલમાં ગુજરાતી કમ્પલસરી ભાષા તરીકે શીખવાય છે, પરંતુ એનાથી ભાષા કે સંસ્કૃતિ વિશેનું સન્માન કેવી રીતે ઉમેરી શકીશું એક વ્યક્તિત્વમાં?
ગુજરાતી હોવાનું ગૌરવ, ભારતીય હોવાના ગૌરવ કરતાં ઓછું, માણસ હોવાના ગૌરવ કરતાં ઘણું ઓછું હોય તો પણ, ‘હોવું જોઈએ’ એવું નથી લાગતું? જાતિ, ભાષા, ધર્મમાં વહેંચાયેલો આ દેશ સંપૂર્ણપણે ભારતીય થઈ શકશે? જો ન થઈ શકે તો મૂળસોતા ઊખડી ગયેલા આપણે બધા ક્યાંય નહીં રોપાઈ શકીએ એવું આપણને સમજાય છે ખરું?
પેઢી બદલાય એની સાથે લગભગ દરેક બાબત બદલાય છે. દાદાજી ધોતિયાં પહેરતા, પપ્પા પેન્ટ પહેરતા અને દીકરો શોર્ટ્સ, બર્મ્યુડા કે કાર્ગો પહેરે છે. દાદી પથ્થર પર ચટણી વાટતા, મમ્મી મિક્સર લાવી ને ભાભી તૈયાર ચટણી લાવીને અંદર પાણી નાખે છે, કદાચ! આપણું ભોજન બદલાયું છે, આપણું જીવન બદલાયું છે. એની સાથે આપણે વિચારો બદલવા પડશે, છૂટકો જ નથી!
અમેરિકા, લંડન કે દુબઈ જેવા દેશમાં વસતા માતા-પિતા છોકરાઓને મંદિર લઈ જાય, ‘સંસ્કાર પડે’ એવું વિચારીને… દર રવિવારે કે મહિને એકવાર મંદિર જવાથી જો સંસ્કાર રોપાઈ જતા હોત તો કેટલું સારું થાત!
જે બાળકો ગુજરાત આવવાના નથી કે જેમને માટે ગુજરાત એક ફરવાના સ્થળથી વધુ કોઈ મહત્ત્વ નથી ધરાવતું, એમને આપણે ગુજરાતી ભાષા કે ભોજન સાથે જોડવાના મરણિયા પ્રયાસ કરીએ છીએ. જે છોકરાઓ યુએસએ કે લંડનમાં જન્મ્યા છે એમને માટે વતન શબ્દનો અર્થ અમેરિકા કે ઈંગ્લેન્ડ થાય છે. એમને એમની ભારતીયતાના મૂળ વધુ આકર્ષી શકતા નથી.
એમનાં માતા-પિતાનું બાળપણ ભારતના કોઈ ગામમાં વિત્યું છે એટલે માતા-પિતા હજીયે ભારત સાથે કનેક્ટેડ છે. એમને ચિંતા છે કે સંતાનો ગુજરાતી નહીં શીખે, ગુજરાતી નહીં ખાય, ગુજરાતી નહીં બોલે તો શું થશે! જે ભારત આવવાના જ નથી અથવા સાવ ઓછું આવવાના છે એવા લોકો ગુજરાતી નહીં બોલે તો કંઈ ફેર નહીં પડે…
આજથી વર્ષો પહેલાં ચેન્નાઈ કે હૈદ્રાબાદ જઈને વસી ગયેલા ગુજરાતીનાં સંતાનો તમિળ અને તેલુગુ જે ફ્લુઅન્સીથી બોલે છે એટલું સરસ ગુજરાતી નથી બોલતા, સ્વાભાવિક છે! આ જ વાત અંગ્રેજી વિશે પણ લાગુ પડે છે. જે વિદેશમાં વસવાના છે અને જેમનાં સંતાનો પણ વિદેશમાં જ જન્મ લેવાના છે એવી 80ના દાયકા પછી જન્મેલી પેઢી હવે ‘ગુજરાતી’ કહેવાય કે નહીં એ વિશે પણ આપણે ફેરવિચાર કરવો પડે એમ છે.
ગુજરાત કે મુંબઈમાં રહેતા, રોજેરોજ ગુજરાતી સાથે સંપર્કમાં હોય એવા છોકરાંઓ જ્યારે ગુજરાતી ન બોલી શકે ત્યારે કદાચ ચિંતા થવી જોઈએ. એક આખી પેઢી ગુજરાતી બોલતી નથી, વાંચતી નથી. એમને ગુજરાતી સાથે ઝાઝો સંબંધ નથી, જ્યારે એ જ પેઢીનો બીજો એક આખો વર્ગ અંગ્રેજીથી ભાગે છે, એમનું ગુજરાતી પણ ખરાબ છે. એમને વાંચનનો શોખ નથી-સાહિત્ય સાથે એમને લેવાદેવા નથી. એમની ક્ષિતિજો ઉઘડવાની નથી, જ્યારે એમની જ ઉંમરની એક આખી પેઢીની ક્ષિતિજો રોજ વધુ ને વધુ વિસ્તરતી જાય છે. ચિંતા થવી જોઈએ તો આ બાબતની જરૂર થવી જોઈએ.
ગુજરાતી ભાષા જીવશે કે નહીં એથી વધુ મહત્ત્વની વાત એ છે કે આપણી આખીયે સંસ્કૃતિ બે વિભાગમાં વહેંચાઈ ગઈ છે. એક વિભાગ આખોય પાશ્ર્ચાત્ય સંસ્કૃતિમાં જીવે છે, બ્રાન્ડ્સ પહેરે છે, અંગ્રેજી બોલે છે, ક્લબ્સમાં જાય છે, ટેનિસ રમે છે, અઢાર વર્ષે એમને ટુ વ્હીલર ભેટ આપવામાં આવે છે. એમના એડમિશન માટે લાખો રૂપિયા ખર્ચવા એમનાં માતા-પિતા તૈયાર હોય છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કે મોલેસ્ટેશન જેવા ગંભીર ગુનામાં આવાં સંતાનો ફસાય ત્યારે માતા-પિતા કકળાટ કરતાં કરતાં પણ એમને બચાવવા માટે પૈસા લૂંટાવે છે.
બીજી તરફ એવાં સંતાનો છે જેમને એમના ભવિષ્ય વિશે કાંઈ ખબર નથી. કથળતી શૈક્ષણિક વ્યવસ્થા અને ભ્રષ્ટાચારની વચ્ચે આ આખી પેઢી રહેંસાઈને ખતમ થઈ રહી છે. એમની ડિગ્રીનું કોઈ મહત્ત્વ નથી, એમની પાસે નોકરી નથી. એમના માતા-પિતા એમને માટે ઝાઝું કંઈ છોડી જવાના નથી…
આનું કારણ કદાચ એ છે કે, ગુજરાતીને જન્મ સાથે જ ‘પૈસા કમાતાં’ શીખવવામાં આવે છે. ગુજરાતી દીકરો હોય તો એને બને ત્યાં સુધી પિતાના ધંધાને સંભાળી લેવાનું શિક્ષણ અને તૈયારી આપવામાં આવે છે. દીકરીને ભણાવવામાં ગુજરાતી માતા-પિતા કંજુસાઈ કે મન નાનું નથી કરતા, પણ ભણ્યા-ગણ્યા પછી દીકરી વ્યવસાય કે નોકરી કરશે કે નહીં એનો નિર્ણય એના શ્વસુર પક્ષ પર છોડવામાં આવે છે.
કેટલીક જગ્યાએ એવું સાંભળવા મળે છે, ‘અમારે જરૂર નથી’ ત્યારે નવાઈ એ લાગે છે કે, સ્ત્રી માટે વ્યવસાય અથવા નોકરી કરવી એ માત્ર આર્થિક ઉદ્દેશ કેમ છે? માત્ર નોકરી જ નહીં, એની સ્પોર્ટ્સની, નૃત્યની, કલાની પ્રવૃત્તિ પણ સામાન્ય રીતે લગ્ન પછી ઠંડી પડી જાય છે.
મોટાભાગની પત્નીને ઘર અને બાળકો સંભાળવામાં વ્યસ્ત કરી દેવામાં આવે છે. એમાં કશું ખોટું નથી, પરંતુ ગુજરાતીઓએ હવે પોતાની ઈમેજ અને બ્રાન્ડિંગ બદલવાની જરૂર છે, જે માત્ર ‘ફોસિલ’ના જીન્સ પહેરવાથી કે ‘પ્રાડા’ના ચશ્માં પહેરવાથી નહીં બદલાય. કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા કે અશ્વિની ભટ્ટ અને હરકિશન મહેતા આજનાં બાળકો માટે કોઈ એલિયન શબ્દો છે.
પાંચ ખાનાનું ટિફિન અને છાશ, પાપડ સાથે રોજ ઓફિસમાં લંચ કરતા ગુજરાતીને શેરમાર્કેટના ભાવ અને બુલિયનના ભાવ કદાચ મોઢે હશે, પણ પોતાની ભાષાના મહત્ત્વના 50 શબ્દો, 50 જાણીતી કહેવતો કે પાંચ સારી ગુજરાતી કવિતા વિશે આ 50 વટાવી ગયેલી પેઢી શું જાણે છે? દર વર્ષે બે વાર ટોળામાં ફરવા જતા આ ગુજરાતીને પોતાનાં સંતાનો માટે ઘર, મકાન અને દુકાન ખરીદવામાં જેટલો રસ છે એમાંના 10 ટકા પણ જો પોતાની ભાષાને બચાવવામાં રસ હોય તો આપણે સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાની ચિંતા નહીં કરવી પડે.
એ 50-55ની પેઢી ફેડઆઉટ થઈ રહી છે. એના પછી એક આખી નવી ગુજરાતી પેઢી ઊભી થઈ રહી છે, જે ગ્લોબલ છે. એમને ગુજરાતી હોવા સાથે ઝાઝી લેવાદેવા નથી, કારણ કે એમને ખબર જ નથી કે એમના ગુજરાતીપણા સાથે એક આખો ઈતિહાસ, અને આ દેશનો એક સુવર્ણયુગ જોડાયેલો છે.
એ પોતે જ્યારે પોતાના ગુજરાતીપણાની મજાક કરે છે ત્યારે હૃદયમાં ક્યાંક કશુંક ખૂંચે છે. પોતાની જ ભાષાનાં પુસ્તકો આ નવી પેઢી ‘અંગ્રેજી’ માં શોધે છે ત્યારે આપણા ગુજરાતીપણાની અધૂરપ ખૂંચે છે.
આપણે નાનકડા ખૂણામાં ભરાઈને ‘ગુજરાતીનો ઝંડો’ ઊંચકીને દોડાદોડી નથી કરવી… આપણી નવી પેઢી ગ્લોબલ હોય એ સ્વાભાવિક પણ છે અને ઈચ્છનીય પણ છે, પરંતુ એમને જ્યારે પોતાના મૂળ કે પોતાના અસ્તિત્વ વિશે ગૌરવ ન હોય ત્યારે વિતી ગયેલી કે વિતી રહેલી પેઢી પોતાની જવાબદારી ચૂકી ગઈ છે એટલું તો સ્વીકારવું જ પડે.
આપણ વાંચો: વન એંડ ઓન્લી બક્ષીબાબુ: મહાજાતિ ગુજરાતીના મહારથી…