
- આશુ પટેલ
થોડા સમય અગાઉ એક વડીલ વાચકમિત્રનો કોલ આવ્યો. એમણે હૈયાવરાળ ઠાલવી કે મારા સંતાનો મારી કોઈ વાત સાંભળતા નથી. હું સલાહ આપું તો એ મારું અપમાન કરી નાખે છે અને મને લાગે કે મારે એમને સલાહ આપવી જોઈએ ત્યારે મારાથી રહેવાતું નથી. એ વખતે મારા દીકરાઓ કહે છે કે તમે નિવૃત્ત જીવન આરામથી વિતાવો ને! અમને ખબર છે કે શું સારું છે અને શું ખરાબ છે! મારી પત્ની પણ મને સલાહ આપે છે કે હવે તમે નિવૃત્ત છો તો શાંતિથી જીવન વિતાવો ને. છોકરાઓને ન ગમે એવી કશી વાત કરશો નહીં. મેં ઘણા વર્ષોથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે અફસોસ થાય છે કે મારે નિવૃત્ત થવું જોઈતું નહોતું. હું ધંધો સંભાળતો હોત તો ઘરમાં મારું બધા સાંભળતા હોત….
મેં એમને હૈયાવરાળ ઠાલવી લેવા દીધી પછી મહાન ફિલોસોફર સોક્રેટિસના જીવનનો એક કિસ્સો કહ્યો. સોક્રેટિસ પાસે ઉપદેશ સાંભળવા માટે લોકો આવતા રહેતા. સોક્રેટિસ એમને ઉપદેશ આપતા, પણ સાથે સાથે એમને મળવા આવતા માણસો પાસેથી એમના જીવનના અનુભવો પણ સાંભળતા અને એમની પાસેથી સાંભળેલા અનુભવોને આધારે એમાંથી એ પોતે જ્ઞાન મેળવતા.
એક વાર એક શિષ્યએ એમને સોક્રેટિસને પૂછી લીધું: ‘તમે આટલા મહાન તત્ત્વચિંતક છો તો પછી તમે બીજા સામાન્ય માણસો પાસેથી આ રીતે જીવનના અનુભવો સાંભળીને એમાંથી જ્ઞાન મેળવવાની કોશિશ શા માટે કરો છો? સામાન્ય માણસો વળી તમને શું જ્ઞાન આપવાના હતા?’
સોક્રેટિસ હસ્યા. એમણે કહ્યું: ‘જીવનના અનુભવો ફિલોસોફરના ચિંતન કરતાં વધુ ગહન હોય છે…’ એ જ વખતે એક વૃદ્ધ માણસ સોક્રેટિસને મળવા આવ્યો. સોક્રેટિસે શિષ્યને કહ્યું: ‘હમણાં આ માણસ સાથે વાત કરવા દે. તારા સવાલ વિશે આપણે પછી ક્યારેક વાત કરીશું.’
સોક્રેટિસ પેલા વૃદ્ધ સાથે વાતોએ વળગ્યા. સોક્રેટિસે એમના જીવનની વાતો સાંભળવામાં રસ દાખવ્યો. એ વૃદ્ધે પોતાના જીવનની સારી-નરસી અને નાની-મોટી ઘટનાઓ કહેવા માંડી.
સોક્રેટિસે એ વૃદ્ધને કહ્યું: ‘તમારા જીવનમાંથી મને ઘણું બધું જ્ઞાન મળ્યું. હવે મને તમારા વર્તમાન વિશે કહો…’
વૃદ્ધે કહ્યું: ‘હું સુખમય દિવસો પસાર કરી રહ્યો છું. મેં નિવૃત્તિ લઈ લીધી છે અને મારી તમામ સંપત્તિ પુત્રોને આપી દીધી છે. હું એમને એમની રીતે કામ કરવા દઉં છું. એમણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એવી માથાકૂટ કદી કરતો નથી. હા, સલાહ માગવા આવે તો હું મારા જીવનના અનુભવોના આધારે એમને સલાહ આપું છું, પણ પછી એ મારી સલાહ પ્રમાણે જ વર્તે એવી અપેક્ષા રાખતો નથી. મારા પુત્રોનાં નાના સંતાનોને રમાડીને દિવસો આનંદમય રીતે બનાવું છું.’
એ વૃદ્ધે વિદાય લીધા પછી સોક્રેટિસે પોતાના શિષ્યને કહ્યું: ‘આ વૃદ્ધ પાસેથી વૃદ્ધાવસ્થા સુખમય રીતે પસાર કરવાનું રહસ્ય મળ્યું. શબ્દોની ફિલોસોફી કરતાં વાસ્તવિક જીવનમાંથી વધુ જ્ઞાન મેળવી શકાય એ વાત હવે તને ગળે ઉતરી?’
મેં વડીલ વાચકમિત્રને કહ્યું: ‘તમે સંતાનોને સલાહ આપવાનું બંધ કરો અને સલાહ આપ્યા વિના રહી શકાય એમ જ ન હોય ત્યારે થોડી ધીરજ જાળવવાની કોશિશ કરો.’
એ પછી મેં એમને વર્ષો પહેલાં વાંચેલી એક ચીની કથા કહી : જૂના જમાનાની એ ચીની કથા આજના સમયમાં પણ એટલી જ નહીં, કદાચ વધુ પ્રેરક છે.ચીનમાં એક એવું કુટુંબ હતું, જેના કેટલીય સદીઓના ઈતિહાસમાં ક્યારેય કુટુંબના સભ્યો વચ્ચે ઝઘડા થયા નહોતા. પેઢીઓ સુધી એ કુટુંબમાં કોઈ વચ્ચે અણબનાવ કે કટુતાની સ્થિતિ ઊભી થઈ નહોતી….અતિ વિશાળ કુટુંબમાંથી ક્યારેય કોઈ વ્યક્તિ ઘર છોડીને ચાલી ગઈ નહોતી કે બીજે ક્યાંય રહેવા પણ ગઈ નહોતી. એમાં અપવાદ માત્ર દીકરીઓનો હતો. જે દીકરીનાં લગ્ન થાય તે સાસરે જતી એટલે એ વખતે તેણે ઘર છોડવું પડતું.
એક તબક્કે તે કુટુંબના સભ્યોની સંખ્યા સેંકડો સુધી પહોંચી ગઈ. એ વખતે તે કુટુંબમાં એકસાથે પાંચ પેઢી જીવતી હતી. તે કુટુંબમાં એક વર્ષના બાળકથી માંડીને એકસો દસ વર્ષના વડદાદા સુખેથી જીવતા હતા. આ કુટુંબના સુખભર્યા અને સુમેળભર્યા જીવનની ખ્યાતિ ચીનભરમાં ફેલાઈ ગઈ અને ખુદ શહેનશાહ સુધી તે કુટુંબની એકતાની અને અખંડિતતાની વાત પહોંચી.
આપણ વાંચો: સર્જકના સથવારે : કવિ એસ. એસ. રાહી: છ દાયકાની ગઝલ સાધના
શહેનશાહને આશ્ચર્ય થયું કે આટલા મોટા કુટુંબમાં કેટલીય પેઢીઓ સુધી ક્યારેય અંદર અંદર ઝઘડો ન થાય એ કઈ રીતે શક્ય છે? એણે તપાસ કરાવી તો વાત સાચી નીકળી. તે કુટુંબનો ઈતિહાસ જાણનારા લોકોએ ખાતરીપૂર્વક કહ્યું કે તે અનોખું કુટુંબ છે અને તે કુટુંબમાં ક્યારેય કોઈ જ અપ્રિય ઘટના બની નથી.
શહેનશાહની ઉત્કંઠા વધી ગઈ. એણે એક ખાસ દૂતને તે કુટુંબના વડા પાસે મોકલાવ્યો. શહેનશાહના દૂતે પેલા પરિવારના વડા પાસે જઈને પૂછ્યું કે, ‘શહેનશાહ એ જાણવા ઉત્સુક છે કે તમારા કુટુંબનાં સુખ, એકતા અને અખંડિતતાનું રહસ્ય શું છે?’
વડદાદા કાગળ અને કલમ લઈને અંદર ગયા. એમણે ઘણી વાર સુધી કંઈક લખ્યું પછી બહાર આવીને પોતે લખેલો સંદેશો શહેનશાહના દૂતને આપ્યો. દૂતે શહેનશાહ પાસે જઈને એ લાંબો પત્ર આપ્યો.
શહેનશાહે આતુરતાપૂર્વક એ પત્ર ખોલ્યો. એ પત્રમાં સો વાર એક જ શબ્દ લખ્યો હતો: ‘ધીરજ’!
ઘણા વડીલો પેટ ચોળીને શૂળ ઊભું કરતાં હોય છે. આવા વડીલ સંતાનો મોટા થયા પછી પણ એમને બાળક સમા ગણીને એમને સતત સલાહ આપવાની ભૂલ કરતા રહે છે. કુટુંબમાં શાંતિ જોઈતી હોય તો સંતાનો મોટા થઈ જાય પછી એમના પર પોતાના વિચારો થોપવાની કોશિશ ન કરવી જોઈએ.