સુખનો પાસવર્ડ: જેટલું છે એનાથી સંતોષ માનતા શીખો તો સુખ મળશે

- આશુ પટેલ
પ્રખ્યાત અભિનેતા પંકજ કપૂરે ‘લલ્લનટોપ’ને આપેલી મુલાકાત જોઈ. એમાં તેમણે કહેલી એક વાત બહુ ગમી ગઈ. આ વિશે અગાઉ પણ આ કોલમમાં લખી ચૂક્યો છું, પણ પંકજ કપૂરે એ જ વાત જરા જુદી રીતે – સચોટ રીતે કહી.
તેમણે કહ્યું કે દરેક વસ્તુ તમારી પાસે હોવી અને એ પણ દરેક વખતે હોવી જરૂરી નથી. જો તમારી દરેક વસ્તુ મેળવવાની ઇચ્છા છે તો તમને ક્યારેય સંતોષ નહીં થાય. તો હવે શું? તો ‘આ હવે શું?’ એ ક્યારેય પૂરું નહીં થાય. એ વિચારો રોકવા માટે ‘બહુ છે’ એ માનવાનું શરૂ કરવું પડશે. બાકી ભલે તમે ગમે એટલા મોટા માણસ બની જાવ તોય કશુંક વધુ ને વધુ મેળવવાની ઇચ્છા તમને થતી જ રહેશે, પરંતુ તો જો તમે તમારી જાતને સમજાવી દો કે ‘જેટલું છે એ બહુ સારું છે અને જે કંઈ છે એ સુખ આપી રહ્યું છે’ તો તમને સંતોષ થશે. જો તમે આ વિચાર સતત નજર સામે રાખશો તો તમે તમારી વધુ મેળવવાની ખ્વાહિશ ઘટી જશે. થોડુંક સુકૂન, થોડો વિશ્વાસ, થોડો ઠહરાવ અને થોડી શાંતિ જરૂરી છે. ભગવાનનો પાડ માનો અને પછી જ્યારે તમે જિંદગી જુઓ તો સમજાશે કે ઇશ્વરે ઘણું બધું આપી દીધું છે તમને!
પંકજ કપૂરની વાત સાંભળીને ગ્રીક ફિલોસોફર ડાયોજિનિસના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો. ડાયોજિનિસ એક નદીના તટમાં રેતી પર પડ્યા-પડ્યા એક વાર શિયાળાની એક સવારે સૂર્યસ્નાન કરી રહ્યા હતા. એ વખતે સમ્રાટ સિકંદર તેના લશ્કર સાથે ત્યાંથી પસાર થયો. તેણે જોયું કે એક માણસ પોતાની મસ્તીમાં નદીના તટ પર સૂતો છે. તેણે તેના સૈનિકોને આદેશ આપ્યો કે પેલા માણસને અહીં લઈ આવો.
સૈનિકો ઉતાવળે ડાયોજિનિસ પાસે પહોંચી ગયા. તેમણે કહ્યું કે ‘ચાલ, સમ્રાટ સિકંદર તને બોલાવે છે…’
ડાયોજિનિસ શાંતિથી પડ્યા રહ્યા. તેમણે પૂછ્યું :
‘કોણ સિકંદર?’
સૈનિકોને ગુસ્સો આવ્યો. તેમણે કહ્યું : ‘જેને આખી દુનિયા ઓળખે છે એવા સમ્રાટ સિકંદરને તું નથી ઓળખતો? તત્કાળ ઊભો થા અને સમ્રાટ સિકંદર સામે હાજર થા…’
ડાયોજિનસે કહ્યું : ‘જાઓ, મારે કોઈ સિકંદરને મળવું નથી.’
સૈનિકોએ કહ્યું : ‘મૂર્ખ માણસ, તું મૃત્યુને આમંત્રણ આપી રહ્યો છે. સિકંદરના આદેશનો અનાદર કરનારાએ મૃત્યુને ભેટવું પડે છે. થોડી ક્ષણમાં તારો શિરચ્છેદ થઈ જશે.’
ડાયોજિનિસે કહ્યું : ‘મારું મસ્તક તો ક્યારનું અલગ થઈ ચૂક્યું છે. મેં મારા અહંકારને મારી નાખ્યો છે. જે માણસમાં અહંકાર જીવતો હોય તેણે પોતાનું માથું કપાવાની ચિંતા કરવાની હોય. મારે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી!’
સૈનિકો માટે એ મહાન ચિંતકની વાત સમજવાનું અઘરું હતું. તેઓ સિકંદર પાસે પાછા ગયા. તેમણે કહ્યું કે એ માણસ તો પાગલ લાગે છે. તેણે તમારી પાસે આવવાની ના પાડી દીધી.
સૈનિકોને હતું કે સમ્રાટ સિકંદર તે માણસનો શિરચ્છેદ કરી નાખવાનો આદેશ આપશે, પરંતુ સિકંદર વિચારમાં પડી ગયો કે આ કોઈ અનોખો માણસ હોવો જોઈએ જે મને મળવા આવવાની ના પાડી શકે. તે સામે ચાલીને ડાયોજિનિસ પાસે ગયો.
સિકંદર તેમની પાસે ગયો. તેણે પૂછ્યું :
‘હું સિકંદર છું. તમે કોણ છો?’
ડાયોજિનિસે આકાશ તરફ જોતાં કહ્યું :
‘હું ડાયોજિનિસ છું.’
ડાયોજિનિસ વિશે સિકંદરે ઘણું સાંભળ્યું હતું, પણ તે ક્યારેય તેમને મળ્યો નહોતો. તેણે કહ્યું :
‘તમને મળીને મને આનંદ થયો.’
સિકંદરને હતું કે ડાયોજિનિસ પણ તેને કહેશે કે ‘તમને મળીને મને પણ આનંદ થયો’. પણ ડાયોજિનિસે એવું કશું કહેવાને બદલે તેને તુંકારે ઉદ્દેશીને અણધાર્યો સવાલ કર્યો :
‘તું ક્યાં જઈ રહ્યો છે?’
સિકંદરે જવાબ આપ્યો :
‘હિન્દુસ્તાન જીતવા જઈ રહ્યો છું.’
ડાયોજિનિસે પૂછ્યું : ‘પછી શું કરીશ?’
સિકંદર બીજા દેશોનાં નામો ગણાવવા માંડ્યો.
ડાયોજિનિસે પૂછ્યું:
‘આ બધા દેશો જીતી લીધા પછી શું કરીશ?’
સિકંદરે કહ્યું, : ‘પછી હું આરામ કરીશ.’
ડાયોજિનિસ હસી પડ્યા. તેમણે કહ્યું :
‘તો અત્યારે તને આરામ કરવાની કોણ ના પાડે છે? આટલાં બધાં યુદ્ધો લડીને, આટલી રઝળપાટ કરીને છેવટે તારે આરામ જ કરવો હોય તો આટલી દોડધામ શા માટે કરે છે, ભલા માણસ? અહીં આ રમણીય નદીને કાંઠે ખૂબ જગ્યા છે. મારી બાજુમાં આવીને લંબાવી દે. અત્યારે જ આરામ કરવા માંડ!’
સિકંદરને થયું કે વાત તો સાચી છે. તેણે ડાયોજિનિસને કહ્યું કે ‘મને તમારી ઈર્ષા આવે છે. મને જો પુનર્જન્મ મળે તો હું ઉપરવાળાને કહીશ કે મને ડાયોજિનિસ બનાવજે.!’
ડાયોજિનિસ ફરી હસી પડ્યા: ‘ભલા માણસ, આમાં ઈશ્વરને વચ્ચે નાખવાની શું જરૂર છે? તું આ જન્મમાં જ, અત્યારે જ ડાયોજિનિસ જેવી જિંદગી જીવી શકે છે. ફગાવી દે તારાં શસ્ત્રો અને તારું સામ્રાજ્ય અને આ સૂર્યના કિરણોને માણવા સૂઈ જા આ નદીના તટ પર… મારે સિકંદર બનવું હોય તો મને તકલીફ પડે. મારી પાસે સૈન્ય નથી કે મને યુદ્ધો જીતતા આવડતું નથી. તારે ડાયોજિનિસ જેવી જિંદગી જીવવી હોય તો તને કોઈ તકલીફ ન પડે…!’
સિકંદર થોડી ક્ષણો માટે ડાયોજિનિસની સામે તાકી રહ્યો. તે વિચારોમાં ઘેરાઈ ગયો, પણ પછી તેને યાદ આવ્યું કે હજી તો ઘણા દેશો જીતવાના બાકી છે. એટલે તેણે કહ્યું :
‘તમારી વાત સાચી છે, પણ હજી મારે ઘણા દેશો જીતવાના છે એટલે હું અત્યારે આરામ કરવાનું વિચારી પણ ન શકું!’
ઓશોને આ કથા ખૂબ જ પ્રિય હતી. ઓશો આ બોધકથા કહ્યા પછી ટિપ્પણી કરતા કે દરેક વ્યક્તિ સામે જીવનમાં આવો વિકલ્પ આવે છે, પણ માણસ પોતાની પાસે હોય એનાથી વધુ મેળવવાની લાહ્યમાં ચેનથી જીવી શકતો નથી.
જીવનમાં વધુ ને વધુ મેળવવાની ઝંખના મોટા ભાગના માણસોને જીવનપર્યંત શાંતિ મેળવવા દેતી નથી.
ટૂંકમાં, શાંતિ અને સંતોષ સિક્કાની બે બાજુ જેવા છે. શાંતિ હશે તો સુખની અનુભૂતિ થશે. એટલે જે છે એનાથી સંતોષ માનતા શીખીએ તો સુખ મળશે.
આપણ વાંચો: સર્જકના સથવારે : પ્રગતિશીલ શાયર અરુણ દેશાણી



