સુખનો પાસવર્ડઃ સુખને સંતોષ સાથે સીધો સંબંધ છે… | મુંબઈ સમાચાર

સુખનો પાસવર્ડઃ સુખને સંતોષ સાથે સીધો સંબંધ છે…

  • આશુ પટેલ

થોડા દિવસો અગાઉ એક શ્રીમંત મિત્ર ઘણા સમય પછી મળ્યા. ફરિયાદના સૂરમાં એ કહે: ‘મને આખી જિંદગી સુખ મળ્યું જ નહીં. કંઈક ને કંઈક તકલીફો આવતી જ રહે છે. હું મારા મિત્રોને અને મારી આજુબાજુના બીજા લોકોને જોઉં ત્યારે મને એ બધાની ઈર્ષા થાય છે. એ બધા સુખી જીવન વિતાવી રહ્યા છે. મારે તો વીકએન્ડમાં પણ કશુંક ને કશુંક કામ આવી જ જાય છે.
આટલાં વર્ષો ધંધા પાછળ કાઢ્યા. એમ હતું કે મારા દીકરાઓ મોટા થશે પછી જીવન માણીશ, પણ મારા દીકરાઓ મારા ધંધામાં રસ લેવાને બદલે બીજા ધંધા કરે છે. એટલે હું આ ધંધો પણ છોડી શકતો નથી…. ’

એમણે ઘણી હૈયાવરાળ ઠાલવી. વાસ્તવમાં એ આર્થિક રીતે સમૃદ્ધ છે. દીકરાઓ પણ સારું કમાય છે, પણ એમણે યુવાનીમાં ઘણો સંઘર્ષ કર્યો હતો એટલે એમના મનમાં આર્થિક અસલામતી ઘર કરી ગઈ છે માટે એ ધંધો છોડીને જીવન માણી શકતા નથી. મજાની વાત એ છે કે એમના મિત્રો એમને સુખી માને છે!

એ મિત્રની વાતો સાંભળીને એક પ્રાચીન કથા યાદ આવી ગઈ. એક રાજા માનસિક અશાંતિ ભોગવી રહ્યો હતો. એ સુખ ઝંખતો હતો. કોઈએ સલાહ આપી કે ‘નગરની બહાર એક સંત આવ્યા છે તે બધાના દુ:ખ દૂર કરી આપે છે. તમે પણ એમને મળો. કદાચ તમારી અશાંતિનો ઈલાજ એમની પાસેથી મળી આવે અને સુખની ચાવી પણ મળી જાય.’

રાજા પોતાના રસાલા સાથે એ સંતને મળવા પહોંચી ગયો. સંતે એને કહ્યું કે ‘તું કોઈ સુખી માણસનું પહેરણ માગીને પહેરી જો તો તારી બધી જ માનસિક અશાંતિ દૂર થઈ જશે અને તને સુખની અનુભુતિ થશે.’

રાજા પરત મહેલમાં ગયો અને એણે પોતાના માણસોને બધી દિશામાં દોડાવ્યા કે ‘જાઓ, કોઈ સુખી માણસનું પહેરણ લઈ આવો બદલામાં એને જે જોઈતું હોય એ આપી દેજો.’ રાજાના માણસો તો બધી દિશામાં ફરી વળ્યા, પણ એમને કોઈ સુખી માણસ મળ્યો નહીં.

કોઈ માણસને જોઈને એવું લાગે કે આ માણસ સુખી હશે, પણ જેવું એને પૂછે કે ‘તું સુખી છે?’ એ સાથે પેલો માણસ રોદણાં રડવા લાગે. કોઈ સુખી માણસ એમને મળ્યો નહીં, પરંતુ રાજાનો આદેશ હતો એટલે સુખી માણસ તો ગમે ત્યાંથી શોધવો જ પડે એમ હતો.

છેવટે એક એવો માણસ એમને મળી ગયો, જેણે કહ્યું કે ‘હા, હું સુખી છું.’ એ માણસ માત્ર ધોતી પહેરીને પોતાની મસ્તીમાં નદી કિનારે ચત્તોપાટ પડીને સૂતા-સૂતા ગીતો ગાઈ રહ્યો હતો.

એને મોઢે ‘હું સુખી છું.’ એવું સાંભળીને રાજાના માણસો ખુશ થઈ ગયા એમણે કહ્યું: ‘તાત્કાલિક તારા ઘરે ચાલ અને તારું પહેરણ આપ.’

પેલો કહે: ‘તમારે વળી મારા પહેરણનું શું કામ છે?’
‘રાજાને સુખી માણસનું પહેરણ જોઈએ છીએ. એના બદલામાં તું જે માગીશ એ તને રાજા આપશે.’
પેલો કહે: ‘પણ મારી પાસે તો પહેરણ છે જ નહીં!’

રાજાના માણસો વિલા મોંએ રાજા પાસે પહોંચ્યા. એમણે કહ્યું ‘મહારાજ, અમને એક સુખી માણસ મળ્યો, પરંતુ એની પાસે તો પહેરણ જ નથી.’

રાજા નિરાશ થઈ ગયો. બીજે દિવસે ફરી પેલા સંત પાસે ગયો. કહ્યું: ‘મહારાજ, તમે કહ્યું હતું કે હું કોઈ સુખી માણસનું પહેરણ પહેરીશ તો સુખી થઈ જઈશ, પરંતુ મારા રાજ્યમાં કોઈ સુખી છે જ નહીં અને એક માણસ સુખી છે એની પાસે તો પહેરણ જ નથી!’ સંતે હસીને કહ્યું: ‘ભલા માણસ, સુખ એ મનની સ્થિતિ છે. જે માણસને પોતાની પાસે જે કંઈ છે એનાથી સંતોષ નથી તે સુખી ન થઈ શકે.

આપણ વાંચો:  સર્જકના સથવારેઃ પરંપરા ને આધુનિકતાના સંગમ સમા ‘નાઝ’ માંગરોળી

તારી પાસે નાનું રાજ્ય હતું. એ રાજ્યને મોટું કરવા માટે તે ઘણાં યુદ્ધ કર્યા અને તારું સામ્રાજ્ય મોટું કર્યું. તું જેમ જેમ તારું સામ્રાજ્ય મોટું કરતો ગયો એમએમ માનસિક રીતે અશાંત થતો ગયો. તારા માણસોને પહેરણ વિનાનો માણસ મળ્યો હતો એની પાસે કશું છે જ નહીં, પણ તેને સંતોષ છે એટલે તે સુખી છે.’

સાર એ છે કે કોઈ કરોડપતિ કે અબજપતિ માણસને પોતાની પાસે જે હોય એનાથી સંતોષ ન હોય તો એ દુ:ખી હોઈ શકે અને કોઈ મધ્યમવર્ગી માણસને પોતાની પાસે જે કંઈ હોય એનાથી સંતોષ હોય તો એ સુખી હોઈ શકે. સુખનો અને સંતોષને સીધો સંબંધ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button