મિજાજ મસ્તી : નંબર વનનો નશો અનેરો… ઘેઘૂર ઘમંડ ઘનેરો! | મુંબઈ સમાચાર
ઉત્સવ

મિજાજ મસ્તી : નંબર વનનો નશો અનેરો… ઘેઘૂર ઘમંડ ઘનેરો!

-સંજય છેલ

ટાઇટલ્સ:

શેરબજારનો નંબર ને જંગલમાં બંદર, ઉછળ્યા જ કરે. (છેલવાણી)
એક અતિ-શ્રીમંત સ્ત્રી બેંક-મેનેજર પાસે ફકત 25,000 રૂ.ની અર્જંટ લોન માગે છે, કારણ કે એને ગોવા ફરવા જવું છે.
મેનેજરે પૂછ્યું, ‘ગેરેંટીમાં શું આપશો?’ પેલી સ્ત્રીએ કહ્યું, ‘મારી 40 લાખની મર્સિડીઝ કાર, ચાલશે?’ મેનેજરને નવાઈ લાગે છે કે 25,000 જેવી રકમ માટે 50 લાખની કાર કોઈ ગીરવે મૂકે ખરું? પછી ઊચાં વ્યાજ મળવાની લાલચથી એ હા પાડી દે છે અને ગાડીના પેપર્સ વગેરે જોઇને 25000 રૂ. આપી દે છે.

એક મહિના પછી એ સ્ત્રી, બેંકમાં આવીને 25000 રૂ. મુદ્દલ અને વ્યાજનાં રૂપિયા ચૂકવીને પોતાની મર્સિડીઝ કાર છોડાવે છે. મેનેજરે આશ્ચર્યથી પૂછ્યું, ‘મેડમ, તમારા જેવી શ્રીમંત સ્ત્રી માત્ર 25000 રૂ.ની લોન માગે એ વાત ગળે ઊતરતી નથી!’
ત્યારે પેલી સ્ત્રીએ હસીને કહ્યું, ‘બહુ ભોળા છો તમે. આ મુંબઈ જેવા શહેરમાં માત્ર 5000 રૂ.માં આખો મહિનો મને કાર પાર્ક કરવા જગ્યા ક્યાં મળત? અહીં માત્ર 5000 રૂ.માં 1મહિના સુધી મારી કાર આરામથી સચવાઈ ગઈ…બાકી અહીં લોન કોને જોઈતી’તી?!’ બોલો, આવો નંબર-1આઈડિયા હજી સુધી કોઇને આવ્યો છે?

વાત પાર્કિંગની હોય, પ્રેમની હોય, પૈસાની હોય કે સત્તાની, આ સંસારમાં સૌને નંબર-1થવું છે-માણસને, રાજ્યને, ભાષાને, સમાજને, નેતાને કે દેશને.. સૌની એક જ હરણફાળ છે કે નં.1 થઇને છવાઇ જઇએ. બિલ્ડિંગમાં ‘સૌથી પહેલું પાર્કિંગ મારું જ’ જેવી નજીવી લાગતી વાતે શહેરોમાં કાર બાળવા-તોડવાથી લઇને જાનલેવા મારામારી સુધી પહોંચી જાય છે. સૌને મકાનમાં પહેલું પાર્કિંગ-ભણવામાં- નોકરીમાં પહેલો નંબર ને જીવનમાં પહેલું સ્થાન જોઇએ છે. ‘પહેલા આવવું’ એ જાણે સમાજનો જાનલેવા ઓક્સિજન છે.

કૈવેલરીના પવર્ત પર ઇશુ ખ્રિસ્તને શૂળીએ ચઢાવવામાં આવ્યાં એ પછી ભક્ત જોસેફે જોયું કે એક બીજો માણસ માથા પછાડી રહ્યો હતો. જોસેફે એને કહ્યું: ‘રડ નહિ, ઈશુ જેવા પયગંબર સાથે આવું થતું જોઈને દુ:ખ થાય પણ એમાં..’ પેલાએ એને અટકાવીને કહ્યું: ‘હું ઇશુ માટે આવું નથી કરતો. અરે, ઇશુ જેવાં જાદૂ તો મને પણ આવડે છે! મેં પણ પાણી પર ચાલીને દેખાડયું છે, ભૂખ્યાની ખાલી થાળીમાં રોટલી ટપકાવી છે, છતાં લોકોએ મને કેમ શૂળીએ ના ચઢાવ્યો?’

આ પણ વાંચો…મિજાજ મસ્તી : ખાડા જ સત્ય… રસ્તો ભ્રમણા: ગાલના ખંજનથી ભ્રષ્ટાચારના ભંજન સુધી!

ઓસ્કાર વાઇલ્ડની આ લઘુકથામાં માનવમનની ચાવી છુપાયેલી છે. દુનિયામાં સૌને નં.1બનવું છે પછી એ સિંહાસન પર બેસવાનું હોય કે શૂળી પર ચડવાનું હોય. નં. 1ની આ દોડ યુગોથી પતતી જ નથી. એનો સૌથી તાજો નમૂનો છે ટ્રમ્પકાકા- જગત ચાચાનો….આ અમેરિકાના પ્રેસિડન્ટને લાગે છે કે હું દુનિયાનો નંબર 1 શક્તિશાળી માણસ છું ને મારે કારણે આખી દુનિયા ચાલે છે… મારા કહેવાથી જ ભારત-પાક ઘર્ષણ હોય કે રશિયા- યુક્રેન, ઇરાન-ઇઝરાયલનાં યુદ્ધ અટકી જશે. કોવિડથી લઈને ઈકોનોમી સુધી એ જાતજાતનાં ફતવા બહાર પાડ્યે રાખે છે. આ આજના સમયના સૌથી પાવરફુલ માણસનું એ સત્ય છે.

આપણે ત્યાં નં.1 આવવું એ જ આપણાં અસ્તિત્વની ઓન-ઓફ સ્વિચ બની બેઠી છે. આપણે! બધાં જ એક અદૃશ્ય સંગીત-ખુરશીની ગેમ રમી રહ્યાં છે, સૌને ખુરશી પર સૌથી પહેલાં ધબ્બ દઇને બેસી જવું છે. તમે માર્ક કરજો કે એરપોર્ટ પર જેવી ફલાઇટની સૂચના સંભળાય કે ફ્લાઇટ પકડવાં તરત જ 150 લોકો દોડીને લાઇન લગાવશે, જાણે વહેલાં જઇને સીટ નહીં પકડાય તો ઊભા-ઊભા જવું પડશે…! એટલું જ નહીં, વિમાન લેંડ થાય અને દરવાજા ખૂલે એ પહેલાં જ બધાં ઉપરથી સામાન ખેંચીને બ્હાર દોડવા ધક્કામુક્કી કરશે જાણે બહાર જઇને બોર્ડર પર લડવા જવાનું હોય! આવું જ ટ્રેનમાં સૌ દોડીને અંદર ઘૂસશે.

ઇન્ટરવલ:
દમાદમ મસ્ત કલંદર,
અલી દા પહેલા નંબર.. (સિંધી પારંપારિક)
એક લેખકે મોટો ગુનો કર્યો. રાજાએ એક વર્ષ જેલની સજા ફરમાવી. મંત્રીએ કહ્યું, ‘મહારાજ, સજા ઓછી છે.’ રાજાએ સજા 2 વર્ષની કરી. મંત્રીએ ફરીથી કહ્યું, ‘આ સજા પણ ઓછી છે.’ રાજાએ ફરી લેખકની સજા વધારી. સજા વધતાં વધતાં ફાંસીએ પહોંચી. મંત્રીએ કહ્યું, ‘મહારાજ, ફાંસીથી પણ આ લેખક પર અસર નહીં થાય.’

રાજાએ પૂછ્યું, ‘ફાંસીથી વધારે શું?’ મંત્રીએ કહ્યું: ‘આ લેખકની સામે એનાં હરીફનું નામ ‘નંબર -1’ લેખક તરીકે જાહેર કરી દો. આનાથી મોટી કોઇ સજા લેખક માટે કઇ હોય? લેખક, જીવીયે નહીં શકે કે મરીયે નહીં શકે! ! ’
ઇશ્કમાં પણ ‘પહેલી નજર’ કે ‘પહેલાં પ્રેમ’ને આપણે વધારે જ ભાવ આપ્યો છે. ચાંદ પર પહેલાં કોણ પહોંચે એ માટે રશિયા-અમેરિકામાં હોડ લાગેલી. પછી જ્યારે અમેરિકા પહેલીવાર પહોંચ્યું તો રશિયાએ અફવા ઉડાડી કે અમેરિકનો ચાંદ પર ગયાં જ નથી. કોઇ ફિલ્મી સ્ટુડિયોમાં ચાંદનો સેટ લગાવી ખોટે-ખોટે શૂટિંગ કયર્ં છે!

અરે, ટીવી-ચેનલો આજે સૌથી પહેલાં સમાચાર બ્રેકિંગ ન્યૂઝ, આપવાની હોડમાં સમાચારને ચેક કર્યાં વિના સમાજની સંવેદના બુઠ્ઠી કરી નાખી છે.

આપણે સૌ તો ઠીક, ભલભલા જ્ઞાનીઓ પણ એ વાત કેમ ભૂલી જાય છે કે આખરે તો આપણે સૌ સમય નામનાં સમુદ્રમાં નાની-મોટી લહેર છીએ. કોઇ મોટું મોજું છે તો કોઇ નાનું. દરેક મોજાંએ ઉપર જઇને નીચે આવવાનું જ છે. અનંતનાં અંક ગણિતમાં કોઈ નંબર-1 હોય કે નંબર-સવા લાખ… શું ફરક પડે છે?

એંડટાઇલ્સ:
આદમ: મને 500 રૂ. ની લોટરી લાગી.
ઇવ: એ તો ઠીક.. પણ એમાં પહેલો અડધો ભાગ અર્ધાંગિનીનો કાઢ!

આ પણ વાંચો…મિજાજ મસ્તી : શ્યામ રંગ સમીપે: આપણે સૌ ચામડીનાં ગણવેશમાં…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button